Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 78)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.
પ્રકરણ-66

પીડાનો પાડોશી...

  • પ્રકાશન તારીખ14 Aug 2019
  •  

ઓફબીટ- અંકિત ત્રિવેદી
કેવો છે આ શબ્દ? કેવો છે આ શબ્દને લયમાં પ્રયોજતો કવિ? કેવો છે એ શબ્દને કાગળ પર અવતારે છે એ વખતનો રોમાંચ? કવિ પીડાનો પાડોશી છે. પ્રેમના પંચાગનો મુહુરતી છે. મોબાઈલમાં ઝળકતા નોટિફિકેશનનો સૂરજમુખી છે. એ મૌનનો મહારથી છે. એ રથ વગરનો સારથી છે. એની પાસે દર્દની સનદ છે. એ ઘૂંટાઈને ઘેરી બને છે અને અમૃત ઘાયલ કહે છે તેમ,
‘અંદરનો રસ ઘૂંટાઈને ‘ઘેરું દરદ’ બને,
એવું બને તો શબ્દ ‘કવિની સનદ’ બને.’
‘ઘેરું દરદ’ જ ‘કવિની સનદ’-બને છે. એ અલ્પવિરામનો કાયાકલ્પ છે અને અવતરણનો આગંતુક છે. એ વહાલની વિજયાદશમી શબ્દના રામની સાથે ઊજવે છે અને છતાંય અનિલ જોશીની કવિતાની પંક્તિઓ એને ખબર છે,
‘ચણોઠીઓના પગલે દાઝયા કૈંક કવિના કિત્તાજી,
શબ્દોમાં હું એમ પ્રવેશું જેમ આગમાં સીતાજી.’
શબ્દમાં પ્રવેશ કરનારા સર્જકને પૂછી જોજો! એ જાણે છે અલગારી શબ્દનો લગાવ! એ તો કબર પર (પોતાની) લીલું ઘાસ જોઇને પણ અનુભવી શકે, બેફામ સાહેબનું કાળજું લઈને.
‘ઊગ્યાં છે ફૂલ બે-ત્રણ આપમેળે એની તુરબત પર,
ગઝલ બેફામને લાગે છે જન્નતમાંય સ્ફૂરી છે.’
સર્જકથી મોટું જગતમાં કોઈ નથી. આપણે પણ આ જગતના સર્જકને જ પૂજીયે છીએ. શબ્દનો સર્જક પણ ચમત્કાર અને સાક્ષાત્કારની સાખે જ નગરને જુએ છે. અંદરનો ભાવ એનો કુળદેવતા છે. લાગણી એની કુળદેવી છે અને ચમત્કારોમાં એ માને છે, કારણ કે ઈન્ટરનેટનાં બધાં જ માધ્યમો હોવાં છતાં એ લખીને જીવાડી શકે છે, એમાં જ એની મહાનતા છે. મનોજ ખંડેરિયા લખે છે,
‘ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી.’
તમે જેને ભૂરી કે કાળી શાહી માનો છો – એ તો કંકુ છે જે ઝરે છે આંગળીમાંથી! અને છતાંય ન સમજાય તો કોરો કાગળ લઈને આ જગતમાં જન્મ્યું ન હોય એવું વાક્ય પોતાની આંગળીમાં પોતાની પેન વડે લખી જુઓ! રમેશ પારેખ યાદ આવશે.
‘જાવું બહુ કઠિન છે, કાગળ સુધી તો જા!
તળની મમત ન રાખ પ્રથમ જળ સુધી તો જા!’
શબ્દને કંડારવાની કલા હાથની રેખાઓને હંફાવવા માટે કાફી છે. તમારે વટ પાડવો હોય તો ઘણી પ્રવૃત્તિઓ છે, પરંતુ તમારે પ્રભાવને ઓગાળી જવો છે તો શબ્દની સાધના કરતાં કરતાં મૌનના મંદિર સુધી પહોંચવું પડે! શબ્દ વગર અવાજ હોઈ શકે! અને શબ્દ વગરના અવાજો છે પણ ખરા! શબ્દ સાથે સંવાદ અને પોતાની અંદર ઘૂંટાયેલો અંદાજ હોય છે! આપણે આપણું ભાવવિશ્વ સીમિત ન કરીએ! માત્ર એના સીમાડાને નકશા વગરનું સરનામું આપીએ. સર્જકનો, કવિનો શબ્દ એ તો સુગંધનું ગોત્ર પૂછવા જેવું છે.
ઓન ધ બીટ્સ:
‘અમે મળીએ છીએ ત્યારે,
માત્ર વરસાદની મોસમ હોય છે
અને અમે મન મૂકીને પલળીયે છીએ,
ગ્રહો બહુ જ નબળા થઇ જશે ત્યારે,
કે બિલાડી આડી ઊતરશે ત્યારે
કે ડાબી આંખ ફરકશે ત્યારે,
વીજળી અમારા પર ત્રાટકશે જ,
પણ એથી પલળવાનું થોડું જ ગુમાવાય છે!’
- ઉત્પલ ભાયાણી
[email protected]

x
રદ કરો

કલમ

TOP