Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 78)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.
પ્રકરણ-64

દરેક સમયની દરેક જુવાનીનો આઈકોન: નર્મદ

  • પ્રકાશન તારીખ08 Aug 2019
  •  

ઓફબીટ અંકિત ત્રિવેદી
નર્મદ પ્રકૃતિએ સાધારણ શરમાળ હતા. તેમનાં પત્ની ‘સ્ત્રીવેશ’માં આવ્યાં અને એમના સસરાએ તેમને સુરત રહેવા કાગળ લખ્યો. તેમણે સુરત જઇ ઘર માંડ્યું અને નોકરી લીધી. 1853માં તેમનાં પત્ની ગુજરી ગયાં. નર્મદ એકલા પડ્યા. 1851થી 1854 સુધીનો ગાળો કવિએ ગડમથલમાં ગાળ્યો. તેઓ પોતે કહે છે : ‘તા. 19મી ફેબ્રુઆરી, 1851 અને 2 જાન્યુઆરી, 1854 એ મહિના દરમિયાનમાં મેં કોઈ અંગ્રેજી કે ગુજરાતી ચોપડી વાંચી નહોતી, હું ભાંગ પીતો, પાક ખાતો અને બૈરાંઓમાં મ્હાલતો. એકાંતમાં હું નામ મેળવવાના (પૈસા મેળવવાના નહીં) અને પ્રેમસંબંધી વિચારો કરતો.’
રા.વિ. પાઠક જેને ‘સમયમૂર્તિ’ કહે છે તે નર્મદના આ શબ્દો છે. અહીંયાં વિધુર થયા પછીની વેદના કે અકાળે આવી પડેલી મુશ્કેલીની વાત નથી! આપણે આપણી ઉપર સહન કરવાની, વેઠવાની, મુશ્કેલીઓનો સામનો ન કરી શક્યાની સચ્ચાઈની વાત છે. આગળ જતાં આ જ સમયમાં નર્મદ મુંબઈ જઈને ભૂતકાળ અને ભવિષ્યકાળ તરફ ઝોલા ખાય છે અને એવામાં જ કવિતાદેવી એમની ઉપર રીઝે છે. ‘પરબ્રહ્મ જગકર્તા રે સ્મરોની ભાઈ હરઘડી’ અને ‘જીવતું મૂરખ સમજે રે કહું છું ઘેલા ફરી ફરી’ પદ લખાવે છે. નવા નર્મદનો – આપણે જાણીએ છીએ એવા નર્મદનો આપણને પરિચય થાય છે. મુશ્કેલી મુલાકાત કરે છે ત્યારે પરિપક્વતા આપણને સામે ઊભેલા પડકારથી બચાવે છે. અનુભવ સુખનો હોય કે દુઃખનો – બંને ય સમયસર કામ આવે છે. ઝડપી અને ખૂબ ધીરા શ્વાસો હૃદયના બ્લડપ્રેશરને ઓછું–વત્તું કરે છે. મુશ્કેલીઓને ધરબીને ઉગાડવાની નથી અને વાદળાંની જેમ બંધાઈને વરસાવવાની પણ નથી આપણને આપણાપણું સભાન લાગે એમ
જીવવાની છે.
નર્મદ પાસેથી એકલા પડી જઈએ ત્યારે નશો કરવાનું શીખવાનું નથી, વસવસો નહીં કરીને પોતાની ખુમારી અકબંધ રાખવાનું શીખવાનું છે. નર્મદ પાસેથી આપણી પાસે યુવાન થઈને આવતી પ્રત્યેક ક્ષણે શીખવા જેવું છે. તેઓ એક વાર જે નિશ્ચય કરતા તે વાતની પાછળ તે અતિ ઉત્સાહથી આગળ વધતા. કહો કે મંડાઈ જતા! કવિ અને વિદ્વાન થવાનો નિશ્ચય કર્યો એટલે પછી કવિ અને વિદ્વાન થવા માટે જે જે શાસ્ત્ર ભણવાની તેમને જરૂર જણાઈ તે બધું જ તેમણે ભણવા માંડ્યું. પિંગળ શાસ્ત્રની (કવિતા શીખવાનું-એના છંદ શીખવાનું શાસ્ત્ર) મેળવવા તેમણે વેઠેલી મુશ્કેલીઓ ખૂબ પ્રસિદ્ધ છે. જીવનમાં જે સહેલાઈથી મળે છે એમાં આપણને આનંદ આવતો જ નથી. રોજ ‘વોક’ પર નીકળનારા લોકોનું ધ્યાન રોજ વોક પર નીકળનારા લોકો પર જ પડે છે! એ જ લોકોમાંથી કોઈ એક એવરેસ્ટ ચઢે છે ત્યારે વાત વખણાયા વિના રહેતી નથી!
નર્મદના આ વિચારો ઘેરાઈ ગયા ખરા, પણ એ ઘેરાયેલા વિચારોમાં વરસવાનું આપણે છે. આપણે રોજબરોજ આપણી જાતને ચેતવીએ અથવા છેતરીએ છીએ. આપણે આપણાથી જ સંતાઈને જીવવાનું પસંદ કરીએ છીએ. મર્યાદામાં રામ વસે છે અને વિશેષતામાં કૃષ્ણ શ્વસે છે – એની ખબર ભૂલો કર્યા પછી અને કરેલી ભૂલો સુધાર્યા પછી જ પડે છે! જીવાતી પ્રત્યેક ક્ષણ આગળ ઠલવાઈ જવાનું સુખ જેવું તેવું નથી જ નથી. ‘ગમ’માંથી જ અભિગમનો રસ્તો ખૂલે છે. પૂછો આપણા નર્મદજીને!
ઓન ધ બીટ્સ : ક્યાં તું જ જોસ્સો કેફ, ક્યાં આ જંતુ માણહાં?
માથા પરની રેફ, નર્મદ, સ્હેજ ખસી ગઈ. - નિરંજન ભગત
[email protected]

x
રદ કરો

કલમ

TOP