જીવનના હકારની કવિતા- અંકિત ત્રિવેદી / કવિતામાં મિત્રતાનો હકાર

article by ankit trivedi

Divyabhaskar.com

Aug 05, 2019, 06:10 PM IST

જીવનના હકારની કવિતા- અંકિત ત્રિવેદી
હૃદયની શુદ્ધ મૈત્રી તો અજવાળામાં ખોવાઈ ગયેલા પ્રકાશ જેવી છે! ગુજરાતી કવિતાએ આ દોસ્તીને કાગળ ઉપર ઊજવીને શાશ્વત કરી છે. કવિ કાન્તે આપણા સોનેટસ્નેહી બ.ક.ઠા. માટે લખ્યું, ‘ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે! સૌમ્ય વયના, સવારોને જોતો વિકસિત થતા શૈલશિખરે.’ મિત્રો ઘૂમવા અને સાથે ઝૂમવાનું ચલકચલાણું છે. મીરાંબાઈ એમ કહે, ‘બાઈ! મને મળ્યા મિત્ર ગોપાલ, નહિ જાઉં સાસરિયે’ મારે હવે સાસરે જવાની જરૂર જ નથી. મને ગોપાલ નામનો ભાઈબંધ મળી ગયો છેે! દલપતરામ એમના પ્રિય અને સંસ્કૃતિના આત્મીય ફાર્બસ માટે લખે છે: વા’લા તારાં વેણ, સ્વપ્નમાં પણ સાંભરે; નેહ ભરેલાં નેણ ફરી ન દીઠાં, ફાર્બસ.’ પ્રેમાનંદને યાદ કરીએ અને કૃષ્ણ-સુદામો સાંભરે, પછે શામળિયાજી બોલિયા, તુને સાંભરે રે? હા જી, નાનપણાનો નેહ, મુને કેમ વીસરે રે?
નર્મદ મિત્રાચારીની વ્યાખ્યા કરતાં લખે છે:
‘સુખ-દુઃખોની વાતો બને,
નહિ છાનું કંઈ કોની ક’ને,
કોઈનું દિલ જહાં ના કહોવાય,
મિત્રાચારી તહાં કહેવાય.’
રા.વિ.પાઠકના પવિત્ર શબ્દો છે,
‘ચોથા પરણામ મારા, ભેરુઓને કહેજો રે,
જેની સાથે ખેલ્યા જગમાં ખેલજી;
ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા,
હસાવી ઘોવરાવ્યા અમારા મેલજી’.
ખાલીપામાં રંગ પૂરીને જીવનના મેલ જ્યાં ધોવાઇ જાય છે તે મૈત્રી છે. એમાં મનોમેળ અને હૃદયોન્મેળ સધાવો જોઈએ. કવિ બ.ક.ઠાની યાદગાર પંક્તિ,‘વચ, વૃત્તિ, સ્થિતિ, રુચિ અરે! ભાવના તણા સુમેળ!
મનોમેળ તે મૈત્રી! બાકી સહુ ભાગ્યના ખેલ.’
કવિ સિતાંશુ યશશ્ચંદ્ર નાટ્યવીર પ્રવીણ જોશીના અકાળે થયેલા મૃત્યુને અલવિદા આપતા લખે છે,‘ક્યાં ચાલ્યો તું સાહ્યબા આમ સૂનો મૂકી મહેલ રે, હજી તો અધવચ દૃશ્ય ખેલંદા હજી તો અડધો ખેલ રે.’
અનિલ જોશી અને રમેશ પારેખે સાથે લખેલાં ગીતો પૈકીનાં એક કાવ્યથી પંક્તિ ગુજરાતી કવિતામાં ક્યારનોયે ‘ફ્રેન્ડશિપ-ડે’ ઊજવે છે.
‘ડેલીએથી પાછા મ વળજો હો શ્યામ!
મેં તો ઠાલાં દીધાં છે મારાં બારણાં.’
ગની દહીંવાળા ‘દોસ્ત’ અંગે કહે છે.
‘કેટલાં હૈયાં મહીં કીધો વિસામો, દોસ્તો!
યાત્રીએ જોયાં મજાનાં તીર્થધામો, દોસ્તો!’
મરીઝને મૈત્રીનો સંબંધ? આમ તો આખી ગઝલ વાંચવા જેવી છે, પણ મત્લા વાંચીએ:
‘એ રીતે સાથ દે છે સદા એક ક્ષણના દોસ્ત,
પગલાં બની ગયાં છે તમારા ચરણનાં દોસ્ત,
જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત’
અંતે રમેશ પારેખની પંક્તિ યાદ આવે છે.
‘મારા ચાર-પાંચ મિત્રો છે એવા–કેવા?
આમ લુચ્ચા પણ ચુંબનની ઢગલી જેવા.’
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી