ઓફબીટ- અંકિત ત્રિવેદી / હૈયું ઠાલવવું જોઈએ...

article by ankit trivedi

Divyabhaskar.com

Jul 31, 2019, 03:32 PM IST

ઓફબીટ- અંકિત ત્રિવેદી
બધું જ સંઘરીને શું કરવું છે? વાદળ સંઘરે છે? ધરતી બીજ સંઘરે છે? અંધારું સંઘરે છે? મૌન સંઘરે છે? ના, આ બધાં કશું જ સંઘરતાં નથી. ઊલટાનું વરસાદ થઇ વરસે, બીજમાંથી કૂંપળ થઇ ફૂટે, અજવાળું થઇ ઊગે, શબ્દ થઇ ઉચ્ચરે છે. તો પછી આપણે કેમ કશું ઠાલવતા નથી? હૈયાને હળવું કેમ નથી કરતા? આપણે ચોવીસ કલાક સરહદ પર ડ્યૂટી સોંપેલા માણસો છીએ? આપણે આપણા વાંકનું પ્રાયશ્ચિત્ત કરવા જન્મેલા છીએ?
ગમતી કે ન ગમતી જગ્યાએ હૈયું ઠાલવી દેવું જોઈએ. આપણે આપણા ભાગનું જીવતા શીખવું જોઈએ. લગ્ન એ સાથે પડીને ‘એકલા’ પડવાની વ્યવસ્થા છે, તો પ્રેમ એ એકલા પડીને સાથે રહેવાનો ‘મેળો’ છે. આપણને બધાં જ ગમવાં જરૂરી નથી, પણ જેને આપણે નથી ગમતા એને કહ્યા કે જતાવ્યા વગર બતાવવું જરૂરી છે કે આપણને ન ગમતા લોકોમાં એનો સમાવેશ થાય છે. જીવનને બારીમાંથી જોઈ શકાય, પણ એની નજીક બારણામાંથી જ જઈ શકાય! ક્યારેક રડી લેવું, લડી લેવું, હળવા થઇ જવું જોઈએ. પ્રકૃતિ ઊગીને–વરસીને હળવી થાય છે એમ હળવા થઈને, લીલામાં લાગણીને પંપાળ્યા કરવી જોઈએ. એ જ સાચું ધ્યાન છે. એ જ આપણા માટે લખવાનો રહી ગયેલો રામાયણ અને મહાભારતનો પ્રસંગ છે. આપણે વ્યક્ત થઈએ છીએ, ઠલવાતાં નથી! જ્યાં ઠલવાઈ જઈએ છીએ ત્યાં ઊગવાનું સહેલું બની જતું હતું હોય છે.
કેટલાંય અબોલાં ન ઠલવાઈ જવાને, વ્યક્ત ન થવાને કારણે ઉત્પન્ન થતાં હોય છે. આપણે આપણી નજીક રહીશું તો આપણું સુખ, આનંદ આપણી જોડે જ હશે.
તાજેતરમાં જ એક યુવાન મળવા આવ્યો. એને ગીર અને ગીરના નેસડા પર કામ કરવું છે. એની આંખોમાં આઇન્સ્ટાઇનની આત્મીયતા અને ગાલિબની ગમગીની હતાં! બંને હદથી સરહદ વટાવે એવા મૌન જેવા મોહક! એણે સરસ વાત કહી. આજકાલ ગીરમાં સિંહો કેમ મૃત્યુ પામે છે? કારણ કે આપણો માનવી ગીરના નેસડા છોડીને નગરમાં આવ્યો છે. એની પાછળ આપણા સિંહો પણ આવ્યા છે. માલધારી અને સિંહો જ્યાં સુધી નેસડા અને અભયારણ્યમાં છે ત્યાં સુધી આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિને વાંધો નથી, પરંતુ આપણો માલધારી પૈસા કમાવવાની લાયમાં નેસડો છોડીને નગરમાં પ્રવેશ કરે છે અને એની પાછળ સિંહો પણ આવે છે અને અકસ્માતના કિસ્સાઓ બને છે! આગળ વધવાની લાયમાં આપણે પ્રકૃતિનો હાથ પકડવાનું ભૂલી ગયા છીએ. આપણે એકલા એટલે જ પડીએ છીએ, કારણ કે આપણે આપણા સિવાય બધામાં વહેંચાયેલા છીએ. આપણને સમયસર ઓગળતાં–પીગળતાં નથી આવડતું! બાકી, આકાશને પણ ધરતી પર સારી સ્કીમ શોધીને આપણા નામે ઘર બુક કરાવવાનું ગમે જ છે! ⬛
ઓન ધ બીટ્સ: નાહીને તરત વાળ ઓળીને તૈયાર થઇ જતા
લોકો પાસે અવકાશનો અહેસાસ નથી હોતો.
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી