Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 78)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.
પ્રકરણ-61

શાંત ઝરુખે વાટ...

  • પ્રકાશન તારીખ29 Jul 2019
  •  

જીવનના હકારની કવિતા- અંકિત ત્રિવેદી
​​​​​​​સૂનો ઝરૂખો
શાંત ઝરુખે વાટ નિરખતી
રૂપની રાણી જોઈ હતી
મેં એક શાહજાદી જોઈ હતી
એના હાથની મેંદી હસતી’તી
એની આંખનું કાજલ હસતું’તું;
એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઈ વિકસતું’તું
એના સ્મિતમાં સો સો ગીત હતાં
વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરૂખો જોયો છે
- સૈફ પાલનપુરી
ઉંમરનો વાંક છે. જીવનમાં યાદ રાખવાના કેટલાક ચહેરાઓ હોય છે, પણ ભૂલી જવાના ઘણા ચહેરા હોય છે. ‘સૈફ’ પાલનપુરીની આ નઝમ એક એવા પ્રેમાળ ચહેરાઓને યાદ રાખીને, ભૂલી જવાની નઝમ છે. વ્યક્ત છતાં કશુંક અવ્યક્ત રહી ગયું છે એની નઝમ છે.
રસ્તા પર ચાલતાં-ચાલતાં કોઈ એકાદ ચહેરો ગમી જાય અને આપણે એને જે ઘરની બારીમાંથી જોવાનું મન થાય ત્યારે પ્રેમ પરિપક્વ થતા પહેલાંની એટલે કે પ્રેમની પ્રસૂતિનો મહિમા કરવાના તબક્કામાંથી પસાર થતો હોય છે. એક ગમતો ચહેરો જેને ગમવાનાં કારણ કેટલાં બધાં છે કે અમૃત ઘાયલની ભાષામાં કહીએ તો,
‘કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે.’
ઉંમરના વળાંક ઉપર જે આંખોએ વર્ષો પહેલાં એક વ્યક્તિને જોઈ છે એ જ વ્યક્તિને એ જ આંખોથી વર્ષો પછી જોઈ લેવી છે. એની આ નઝમ છે. પહેલાં જોઈ લીધાનો નશો હતો, હવે ઝરૂખો શાંત છે એટલે વ્યક્તિને નથી જોઈ શકાતી એનો વસવસો છે.
મેંદીને એના હાથમાં વધારે રોકાવું ગમે છે. આંખોનું કાજળ આંસુને આવતા પહેલાં જ સૂકવી નાખે છે. ગમતી વ્યક્તિ જાણે મોસમનું બીજું નામ હોય એમ ઉપસી આવે છે આખા આયખા પર. હજુ તો માત્ર આંખોથી જ જોઈ છે. પરિચય કે ઓળખાણ કે આગળ વધીને એકમેકમાં પરિણમતી આત્મીયતા એવું કશું જ નથી. કદાચ થવાનું પણ નથી. એક પણ હરફ ન ઉચ્ચાર્યો હોય છતાં એના સ્મિતમાંથી ગીત સંભળાય છે. એની ચુપકીદી જાણે સંગીતનો પર્યાય છે. એનો પડછાયો એના જ જેવી કોઈ બીજી વ્યક્તિ એનામાં રહેવા આતુર છે એની ચાડી ખાય છે. આ બધાની અસર આસપાસના વાતાવરણમાં ચોક્કસ થાય છે, પરંતુ તેની આસપાસની વ્યક્તિને સહેજ પણ જાણ નથી હોતી. જે વ્યક્તિને માત્ર ઝરૂખા પર જોઈ હોય અને એને જોતાંવેંત વણઉકેલી લાગણીઓ આપોઆપ ઓળખાણ છતી કરે અને ઘણાં વર્ષો સુધી એની સ્મૃતિ કબાટમાં ક્યારેય વાપરવા ન કાઢેલા પરફ્યૂમની જેમ અકબંધ રહી જાય અને એકાએક એ બોટલને ઉઘાડીએ ત્યારે સુગંધનું સરનામું ‘ગંધ’નું સોગંધનામું કરતું હોય ત્યારે નિરાશા ને વસમું લાગે છે.
પ્રેમ છે જ એવો. જે તે ક્ષણે, જે તે સમયે તમે તેને વ્યક્ત નથી કરી શકતા, એને માત્ર સ્મૃતિવગો રાખો છો ત્યારે તે તમારા પૂરતો રહી જાય છે. પછી ભલેને એ જ ઝરૂખો હોય, પણ પેલી વ્યક્તિ નહીં હોય. એની સાથે સંકળાયેલું બધું જ હાજર હશે. પેલી વ્યક્તિ સિવાય પછી ભલેને તમે તમારા સંતોષને રીઝવવા માટે એમ કહો છો કે આમ પણ મેં તો એને માત્ર ઝરૂખે વાટ નીરખતી જોઈ હતી, પણ એનાથી કશું જ સાબિત થતું નથી. આ નઝમ વાંચતી વખતે કાનમાં મનહર ઉદાસનો અવાજ ન સંભળાય તો જ નવાઈ! આંખોના પલકારામાં કે ક્ષણોના ઝબકારામાં પોતાની હયાતીને સાર્થક કરતો પ્રેમ અવ્યક્ત રહી જાય ત્યારે સૂનો ઝરૂખો જૂનું ખંડેર બની જાય છે. આ નઝમ આવી એક ક્ષણિક મુલાકાતની ચાડી ખાય છે. જેની સ્મૃતિ ચિરંજીવ છે. હરીન્દ્ર દવેનો એક શે’ર આ જ વાતને જુદી રીતે વ્યક્ત કરે છે,
‘ચ્હેરા મજાના કેટલા રસ્તા ઉપર મળ્યા,
સાચું કહું કે, એ બધા રસ્તા ઉપર મળ્યા.’
[email protected]

x
રદ કરો

કલમ

TOP