જીવનના હકારની કવિતા- અંકિત ત્રિવેદી / આજે એકવીસમી જુલાઈ

article by ankit trivedi

Divyabhaskar.com

Jul 22, 2019, 11:53 AM IST

જીવનના હકારની કવિતા- અંકિત ત્રિવેદી
મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઈ જીવું છું.
- ઉમાશંકર જોશી

આ જે એકવીસમી જુલાઈ છે. ગુજરાતી કવિતા અને સંગીતના શિરમોર શાશ્વત ઉમાશંકર જોશી અને ગીતકાર અવિનાશ વ્યાસનો જન્મદિવસ. બંને નામને સાર્થક કરે તેવા.
‘ઉમાશંકર’ અને ‘અવિનાશ’, ઉમાશંકર જોશી જીવનના હકારને પ્રગટ કરતાં એમ લખે,
‘મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઈ જીવું છું.’
આપણે જ્યારે સમજણાં કે મોટાં થઇ ગયાં હોઈએ છીએ ત્યારે બાળપણની અથવા તો બાળકો સાથે જોડાયેલી કેટલી બધી વિસ્મયની પ્રક્રિયા અને પ્રતિક્રિયા ગુમાવવી પડતી હોય છે! નાનો માણસ કેટલું બધું શીખવાડી જતો હોય છે!
ઉમાશંકર જોશી કહેતા આપણે ‘નકોબા’ના માણસ છીએ. આપણે તો ‘હકોબા’ના માણસ થવાનું હોય. જ્યાંથી હકારનો સ્વીકાર પ્રગટ થાય ત્યાંથી જીવનની નવી સરવાણી ફૂટે છે. એટલે કે આપણે આપણી જાતને ‘સિરિયસલી’ લીધા વગર કેટલું બધું સહજ રીતે પામી શકીએ છીએ. આપણે આપણા જીવનના આદર્શ શિક્ષક બનવું હોય તો ‘આજીવન વિદ્યાર્થી’ બનવું પડે છે. નાની-નાની વ્યક્તિઓ, નાની-નાની વાતો આપણને હચમચાવી જાય છે, નવું નવું શીખવાડી જાય છે. પરિણામે જે વાત મોટાઈઓની મોટાઈમાં વર્તાતી નથી એ વાત નાનાઓની સચ્ચાઈમાં અનુભવાય છે.
જીવતર આપણને અકસ્માતે મળેલું છે. એને આપણે અનુભવે સાર્થક કરવાનું છે. બધાને રોજ-બ-રોજ, અવારનાર મળવું જોઈએ, મળતા રહેવું જોઈએ, પરંતુ દરેકમાં ભેદ ભૂલીને પામવાની અગમચેતી છે ત્યાં હંમેશાં ઈશ્વરની કરુણાનો વરસાદ થતો હોય છે. સુખને આંખો છે અને આનંદને હૃદય છે, પરંતુ સુખ-દુઃખથી પર થઈને પાણીમાં કમળ ઊગે એમ જળકમલવત રહીને જીવતરને માણતા પ્રત્યેક સંસારીએ શીખવાનું છે. આપણને દરેક વાતમાં ઓછું પડે એ શક્ય છે, પણ ઈશ્વર ઉપરનો ભરોસો અપરંપાર હશે તો ઈશ્વર આપણને આપણા ધાર્યા કરતાં વધારે આપવામાં માને છે. હસવા અને રડવા વચ્ચેની ક્ષણને ઈશ્વરે ‘જીવતર’નું નામ આપ્યું છે. એને ગાતાં-ગાતાં અવિનાશ વ્યાસના ગીતની અમુક પંક્તિઓથી જીવનના હકારની કવિતાને જીવનના સ્વીકારનું નામ
આપવું છે.
તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ,
પાણીમાં કમળની થઈને પાંખ, જીવતરનું ગાડું હાંક,
સંસારી રે, તારા રામ પર ભરોસો તું રાખ.
માટીનાં રમકડાં ઘડનારાએ એવાં ઘડ્યાં,
ઓછું પડે એને કાંકનું કાંક. તારા...

કેડી કાંટાળી વાટ અટપટી, દૂર છે તારો મુકામ,
મન મૂકીને સોંપી દે તું હરિને હાથ લગામ,
ભીતરનો ભરમ તારો ઉપરવાળો એક જ જાણે,
અમથી ના ભીની કર તું આંખ. તારા...
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી