જીવનના હકારની કવિતા / આશ્વાસનના રસ્તા ઉપર ઓવરબ્રીજ...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Jun 03, 2019, 07:40 PM IST

હે પરમાત્મા,
મને તારી શાંતિનું વાહન બનાવ,
જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું,
જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા,
જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા,
જ્યાં હતાશા છે ત્યાં આશા,
જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ,
જ્યાં શોક છે ત્યાં આનંદ આપું,
હે દિવ્ય સ્વામી, એવું કરો કે,
હું આશ્વાસન મેળવવા નહીં, આપવા ચાહું,
મને બધા સમજે એ કરતાં હું બધાને સમજવા ચાહું,
મને કોઈ પ્રેમ આપે એ કરતાં કોઈને હું પ્રેમ આપવા ચાહું,
કારણ કે,
આપવામાં જ આપણને મળે છે,
ક્ષમા કરવામાં આપણે ક્ષમા પામીએ છીએ,
મૃત્યુ પામવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ.
- સંત ફ્રાન્સીસ

જી વનને નફરતનો નશો ચડ્યો છે. ઈર્ષાની અળાઈઓ ફૂટી છે. શાંતિની ઉપર અહંનાં એટલાં બધાં પડ છે કે હવે એની નીચે આપણી નિરાંત ગૂંગળાઈ રહી છે. અહીં ‘સંત ફ્રાન્સીસ’ શાંતિની પ્રાર્થના નીરવ સ્વરમાં આદરે છે. જગત ચાહવા જેવું છે એના પુરાવાઓ આપે છે. મેળામાં જઈને આપણે આનંદ લેતા હતા, હવે આપણે જ્યાં છીએ ત્યાં આપણા પોતાના મેળામાં મહાલવાનું છે. ધિક્કાર કરતાં સ્વીકારને અપનાવીને પ્રેમ વાવવાનો છે, શંકા કરતાં શ્રદ્ધાને ઊજવવાની છે. ઈશ્વર પાસે બીજાના ચહેરા પરનું સ્મિત માંગીએ છીએ ત્યારે આપણા ચહેરા ઉપર વગર સ્મિતે લાલી પ્રગટે છે. હતાશા છે ત્યાં આશા પણ છે. સુખ અને દુઃખ બે પાક્કા ભાઈબંધોની જેમ એમને મજા પડે ત્યારે સંગીત-ખુરશી રમે છે. એવા જ બે ઘનિષ્ઠ મિત્રો છે અંધકાર અને પ્રકાશ. આપણી માણસ તરીકેની સફર શોકથી શ્લોક સુધીની, આનંદથી પરમાનંદ સુધીની. ઈશ્વર પાસે જ્યારે બીજાનું માંગીએ છીએ ત્યારે પ્રાર્થના વગર આપણું હૃદય ‘શુદ્ધ’ બને છે. ‘ઈશ્વર એટલે પ્રત્યેક પળે અનુભવાતી તરોતાજા કૃપા.’ એટલે જ કોઈ આવીને આપણાં આંસું લૂછી જાય એનાં કરતાં આપણે કોઈની પાસે જઈને આશ્વાસન આપીએ એ અગત્યનું છે. ક્યાં સુધી આપણો જ કક્કો સાચો? બધા આપણને સમજે એના કરતાં આપણે બધાને સમજી જઈએ એ વધારે અગત્યનું કે નહીં! આપણે કોઈકને પ્રેમ કરીએ એના કરતાં આપણા પ્રેમમાં કોઈક તરબતર થાય એ સ્થિતિ પ્રાર્થનાની નજીકની જ છે. જેટલું આપીએ છીએ એટલું જ મળે છે, ક્ષમા કરતાં રહીશું તો ક્ષમા પામતા પણ રહીશું. એટલે જ જેને મૃત્યુ ગમે છે એને જીવન પણ ગમતું હશે. આપણે કાળને આધારે જીવવાનું નથી, કાળે આપણા આધારે જીવવાનું છે.
‘જીવનના હકાર’ની આ કવિતામાં આત્માનાં ગતિમાન આંદોલનો છે. ચિત્ર ‘ડાઉનલોડ’ થાય એ પહેલાં સર્જાતું વર્તુળ છે. આ કાવ્ય મનની નીરવ શાંતિનું પદ્માસન છે, જે સંઘર્ષને હર્ષમાં ફેરવીને જીવવાના રસ્તા ઉપર ‘ઓવરબ્રીજ’ બાંધી આપે છે.
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી