Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 78)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.
પ્રકરણ-78

મહેનત : છૂટા પગારે

  • પ્રકાશન તારીખ09 Jan 2020
  •  
ઓફબીટ- અંકિત ત્રિવેદી
રોજ ઊગતો દિવસ બધા પોતપોતાની રીતે જીવે છે. કોઈક સપનું સાચું પાડવામાં, કોઈક સાચાં પડેલાં સપનાને ઊજવવામાં, કોઈક સપનું આવે એની રાહ જોવામાં અને કોઈક દિવસને ખબર ન પડે એમ જીવવામાં પસાર કરે છે જીવન! ઉઝરડાને ગમતું હશે આપણી સાથે રહેવાનું? જીવન કેવો છેતરામણો શબ્દ છે! જીવીએ છીએ અને પકડાતો નથી! વળાંકોને સીધા કરવામાં વીતેલાં વર્ષો હવે સીધા થયાં પછી અળવીતરી મોજને યાદ કરે છે. જીવનનાં ઘણાં ખરાં વર્ષો સમયને સમજાવવામાં અને જે સમજી શકે એમ છે એમને મનાવવામાં વીતે છે. નસીબ અને પ્રારબ્ધ એક જ બાપના બે દીકરાઓને વહેંચીને આપેલો ધંધો છે, જ્યાં મહેનત છૂટક પગારે નોકરી કરે છે.
વિચારો પણ જન્મ અને મરણ લઈને આપણામાં જીવે છે. વાત તો બધી વિચારને જ લાગેવળગે છે. એકાંત પણ વિચારનો નાનકડો ટાપુ છે. જ્યાં આરામ કરવા માટે એને કોઇની પરમિશન લેવી પડતી નથી. થાક લાગે છે અને આરામ કરીએ છીએ એ વાત પછી પણ થાક ઊતરી જ જાય છે એવું ઓછું બને છે! સમય, એકાંત અને વિચારો એકબીજાને સરખી રીતે મળે છે ત્યારે તરણેતરનો મેળો બની જાય છે. સમય હોય છે ત્યારે એકાંત નથી હોતું! એકાંત હોય છે ત્યારે સમય અને વિચારોને નથી બનતું અને ત્રણેય મળે છે ત્યારે જીવન ક્ષણોને રિવાઈન્ડ કરવામાં માને છે. આપણી અને આપણા ઈશ્વર વચ્ચે વેંત છેટું નહીં પણ ‘વ્હાલછેટું’ અંતર છે. આપણું પ્રભુત્વ જાળવવામાં પ્રભુતા સાથે આપણું વાજિંત્ર સૂર ખોઇ બેસે છે. જીવન જેને શોધે છે તે માણસમાં રહેલી માનવતાનું સરનામા વગરનું સ્થળ છે.
યુ ટ્યૂબથી યાદો ‘ડાઉન લોડ’ થાય છે, જીવન નહીં! જીવન વસ્તુ નથી, વસ્તુમાં જીવન હોઈ શકે છે! પ્રત્યેક પળ, પ્રત્યેક કલાક, પ્રત્યેક દિવસ અને આખું જીવન એક ઝબકારા માટે રાહ જુએ છે. આ ઝબકારો થાય છે ત્યારે ઉત્તમ સર્જનનું નિર્માણ આપણા દ્વારા સર્જાતું હોય છે. આ ઝબકારો એટલે આપણી ઓળખ! આ ઝબકારો એટલે નેમ પ્લેટમાં અટકી ગયેલી ઓળખાણને સાચો ઓપ આપવાની મથામણ! આ ઝબકારો એટલે બ્રહ્માંડના ચૈતન્ય સાથે તાર વગર સધાતો અણસારો! આપણે આપણામાં જાગી જઇશું ત્યારે આપણે બીજાને બતાવવામાં નહીં, અંદર જેટલું ખાલી પડ્યું છે એને વધારે ખાલી કરવામાં જીવન વિતાવીશું!
રસ્તો એક જ છે અને હમસફર આપણે જ છીએ! આપણા માટે, પોતાને માટે ડાળીઓ, પાંદડાં, થડ, મૂળ ભેગાં બનીને જ જીવવું એટલે તડકાની વચ્ચે તાપણાને વફાદાર રહેવું. વરસાદની વચ્ચે ઝાકળની કુમાશને ટકાવી રાખવી. નિંદાથી ડિપ્રેશન આવે તો સમજવું કે તમને સન્માન વધારે ગમતું હતું! પોતાની વ્યક્તિથી ટેન્શન આવે તો સમજવું કે આપણે સંબંધમાં જીવ્યા જ નથી. વિરહમાં રડવું આવે તો યાદ રાખવું કે મિલનમાં છૂટા પડવાની ઉતાવળ વધારે હતી! જીવન ખાનાંઓમાં વહેંચીને જીવીએ છીએ! ડાળીઓ, પાંદડાં, થડ, મૂળ ભેગાં બનીને જ વૃક્ષ બને છે. સપનાં, પીડાઓ, હાસ્ય, આનંદ, સંબંધો ભેગાં મળીને જીવન બને છે. બધાં એકબીજાથી શોભે છે અને એમને કારણે જીવનની શોભા છે.
પગ છે એટલે ચાલવા મળ્યું છે, આંખો છે એટલે જોવા મળ્યું છે, હાથ છે એટલે હૂંફ મળી છે, નાક છે એટલે સુગંધ આવે છે. મળ્યું છે તો માણવું અને મમળાવવું મહત્ત્વનું છે. પગ થાકવા માટે નથી, આંખો રડવા માટે નથી, હાથ વૈતરું કરવા નથી આપ્યા, નાકનું ટેરવું હંમેશાં ચડેલું રહે એ વાજબી નથી! જીવન પસાર થઈ જાય એ પહેલાં જીવનમાંથી પસાર થતા રહીએ. પ્રોમિસ આપ્યા વગર પળાતી પ્રતીક્ષાને ભક્તિના રંગનો દરજ્જો મળ્યો છે. જીવન આપણી રાહ જુએ છે. રાહ જોવામાં વીતે છે એ પણ જીવન જ છે.
ઓન ધ બીટ્સ :
આમ તો ચારે તરફ અંધાર છે,
તું મળે છે એટલે તહેવાર છે.
ડૂબતો કાયમ રહ્યો છું ભીતરે,
નાવડીનો ક્યાં મને આધાર છે. - પ્રશાંત સોમાણી
[email protected]
x
રદ કરો

કલમ

TOP