જીવનના હકારની કવિતા- અંકિત ત્રિવેદી / પ્રતીક્ષા અને આગમનની વચ્ચે

article by ankit trivedi

Divyabhaskar.com

Jan 06, 2020, 05:16 PM IST

જીવનના હકારની કવિતા- અંકિત ત્રિવેદી
ગઝલ
તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાને ખબર થઇ ગઈ છે,

ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે,
કળી પાંદડીઓના પડદે રહીને.

ખરું જો કહી દઉં તો વાતાવરણ પર,
તમારાં નયનની અસર થઇ ગઈ છે.

બધી રાત લોહીનું પાણી કરીને,
બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની,
બધાં સાધનોથી સભર થઇ ગઈ છે.

હરીફો ય મેદાન છોડી ગયા છે,
નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા,
ભ્રમર-ડંખથી બેફિફર થઇ ગઈ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી,
કરે છે અનિલ છેડતી કુંપળોની,
ગજબની ઘડી છે પ્રત્યેક વસ્તુ,
પુરાણા મલાજાથી પર થઇ ગઈ છે.

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે,
વિધાતાથી કોઈ કસર થઇ ગઈ છે.

‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું કે,
આવી રહી છે મને મારી ઈર્ષ્યા!
ઘણીવાર આ જર્જરિત જગમાં રહીને,
ઘણી જન્નતોમાં સફર થઇ ગઈ છે.

- ‘ગની’ દહીંવાલા
ગમતી વ્યક્તિની રાહ જોવી અને એ આવવાની જ છે અને આંખો એનાં દર્શનની પ્યાસી બને - એ બંને જુદી વાત છે. કદાચ અદકેરી વાત છે. એના સાંનિધ્યમાં કુદરત પણ કલામય બને છે. સુગંધો સ્નેહની ભાષામાં, છાંયડો વૃક્ષની લીલપમાં અને આકાશ પંખીની પાંખોની ભાષામાં વાત કરે છે. આખા ઉપવનમાં ખબર પડી જાય કે ગમતી વ્યક્તિના આગમનમાં ફૂલોની નીચી નજર અણધારી અસર ઉપજાવે છે.
કેવું છે આ ગમતી વ્યક્તિનાં પગલાનું સામ્રાજ્ય? શરમનો ડોળ કરીને કળીઓ પાંદડીના પડદેથી જુએ છે. ગમતી વ્યક્તિને આવી રીતે જોવાની મજા આપણને પ્રાર્થના કરતી વખતે પોતાની આંખથી જોતાં ઇશ્વર જેવી હોય છે! આંખોને પાંખો જ નથી ફૂટતી! આંખો પરથી આપણી નજર જ નથી છૂટતી!
ગઝલ પૂરી થતાં લાગે કે આ બધું જ કલ્પનાનું જગત છે! આ કલ્પનામાં આપણને જ આપણી ઈર્ષા આવે! છતાંય મજા પણ એટલી જ આવે! જર્જરિત જગમાં રહીને કલ્પનાના સહારે સ્વર્ગની સફર થઇ ગયાનો અનુભવ પણ કરવા જેવો છે! આખી ગઝલ આગમનની અને ગમતી વ્યક્તિના પ્રભાવથી વાતાવરણ પર થતી અસરની છે. ગની દહીંવાલા પરંપરાની ગુજરાતી ગઝલનું ‘ગર્ભદ્વાર’ છે. જ્યાં છંદના દેવતા ગઝલની મૂર્તિમાં ‘સ્ફૂર્તિમંત’ લાગે છે. રાહ જોવામાં ગમતી વ્યક્તિ આવે પછી થતી અસરની વાતનું વર્ણન છે. સૈફ પાલનપુરીનો શે’ર પણ આ જ ગઝલની સાથે મમળાવવા જેવો છે.
આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ,
ચાંદ પણ ખીલ્યો નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી