ઓફબીટ- અંકિત ત્રિવેદી / પહેલી જાન્યુઆરી... 2020ની યારી...

article by ankit trivedi

Divyabhaskar.com

Jan 01, 2020, 05:12 PM IST
ઓફબીટ- અંકિત ત્રિવેદી
આજે પહેલી જાન્યુઆરી. આજથી શરૂ થશે વર્ષ 2020ની યારી. આમ તો દિવાળીના દિવસોમાં જ લોકો પોતાના નવા વર્ષની વાત નક્કી કરી લેતા હોય છે, પણ ગુજરાતીઓ હવે દિવાળીથી શરૂ થતું અને જાન્યુઆરીથી પ્રારંભાતું બંને વર્ષને ઊજવે છે પોતપોતાની ફુરસદ પ્રમાણે. જો દિવાળી સારી ન ગઈ હોય તો જાન્યુઆરી પર મદાર રાખે! અને દિવાળી સારી જાય તોપણ જાન્યુઆરી પર જરૂર મદાર રાખે! ‘ડબલ બોનાન્ઝા’ ફેવરિટ છે.
નવા વર્ષે સંકલ્પો લેવા બધાને ગમતા હોય છે. આજથી શરૂ થતા વર્ષે નવા સંકલ્પો નથી લેવા. ખાલી લીધેલા પૂરા થાય એના પર ધ્યાન આપવું છે. જેમ કે, કોઈની સાથે વાદવિવાદમાં ઊતરવું નથી અને ભૂલેચૂકે પણ સામેવાળો વાદવિવાદમાં ઊતરે તો એને ઊતરવા દેવો! આપણે ઊતરવું નહીં, ત્યાં ના ત્યાં જ ઊભા રહેવું! આપણી સ્થિરતા જોઇને એ પણ આપણી જોડે આવીને ઊભો રહેશે! લીલ પાણીમાં અને દલીલ વાણીમાં- બંનેવ ખોટા. સમયના પરપોટા.
નવા વર્ષે કેલેન્ડર ખરીદવું નહીં, કોઈ ભેટમાં આપે ત્યાં સુધીનું ધૈર્ય જાળવવું. આમ પણ ખરીદવાથી કેલેન્ડર, તારીખો, મહિના મળશે. એમાંથી તવારીખ અને ઇતિહાસ સર્જવાનું કામ આપણું પોતાનું! જેને ઇતિહાસ સર્જવો છે એના માટે ભવિષ્ય જ અગત્યનું છે. જેણે ઇતિહાસ સર્જ્યો છે એ માત્ર ભૂતકાળમાં જ રાચે છે. જેને સરસ જીવવું છે એના માટે વર્તમાન અગત્યનો છે. વર્તમાનને સહજ અને સરળ થતા આવડે છે. વર્તમાનને પોતાની મૂડી વાપરતા અને સારી જગ્યાએ રોકાણ કરતા આવડે છે.
બધું પૈસાથી ખરીદી શકાતું નથી, એ સાચું- પણ આવો વિચાર પૈસા આવ્યા પછી જ આવે છે! લાઇફસ્ટાઇલ ઊંચી આવી છે, પણ જીવનધોરણનું શું? ખાનદાની અને સંસ્કારિતા બેટરી સાથે જ ડિસ્ચાર્જ થઇ ગયા છે.
નવા વર્ષે ગમતી વ્યક્તિની આંખોમાં આપણો હસતો ચહેરો જોવો છે. નવા વર્ષે જરૂરિયાતો અને જવાબદારી કરતાં, ચાહત અને ચેતનાને મહત્ત્વ આપવું છે. નવા વર્ષે મોજ કરવી છે. દરરોજ કરવી છે. લોકો આપણામાંથી હસતાં હસતાં કશુંક શીખે એવું કરવું છે. આ પણ નક્કી નથી કરવું. નક્કી કરીને કશું નથી કરવું. આપણે આપણી ‘સાહેબી’ને આપણી મર્યાદાઓ સાથે સ્વીકારવી છે. પોતાનામાં ભૂલા પડીને પછી સાવ જ સરનામું ખોઈ નાખવું છે. આવું થાય ત્યારે એકનો એક રસ્તો પણ સામે આવીને ભેટી પડે છે. ઘણાં વર્ષો પછી મળેલા મિત્રની જેમ. એની એક ગઝલ કહેવી છે. નવા વર્ષે...
બધું ભૂલી અચાનક ક્યાંક મળવાની મઝા પડશે,
જૂના રસ્તે નવેસરથી નીકળવાની મઝા પડશે.
ફરીથી એ જ રસ્તા પર જવાની ભૂલ કરવી છે,
ફરીથી એ જ રસ્તે પાછા વળવાની મઝા પડશે.
પછી ચારે તરફ એકાંત ગમતું લાગવા માંડે,
ઊગીને એકબીજામાં જ ઢળવાની મઝા પડશે.
અધૂરા સ્વપ્ન જેવા એક-બે કિસ્સાઓ જીવે છે,
નજીવી વાતનાં નેવાંને ગળવાની મઝા પડશે.
તને સાચું કહું અંકિત, જીવનની એ હકીકત છે,
નથી પાણી છતાં પણ જો ઊછળવાની મઝા પડશે.
ઓન ધ બીટ્સ :
બે ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું,
એની કને નક્કી ખુદાની બાતમી હશે.- સૈફ પાલનપુરી
[email protected]
X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી