Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 78)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.
પ્રકરણ-75

આપણા ઘરના બારણે સરનામું પૂછતા આપણે

  • પ્રકાશન તારીખ23 Dec 2019
  •  

જીવનના હકારની કવિતા- અંકિત ત્રિવેદી
તમારા રૂપનાં નયનો મહીં ઘેરી ખુમારી છે,
નસેનસ તાર છે, હર તારમાં એક જ ધ્રુજારી છે;
અખંડિત જ્યોતની કો આરતી હરનિશ ઉતારી છે,
તમારે તો ભલે મારા સમા લાખો પૂજારી છે;
હૃદયમંદિર મહીં એક જ વસી પ્રતિમા તમારી છે.

હૃદયનાં દર્દનો બીજો હવે ઈલાજ ના કરશો,
અને આયુષ્યની બાકી પળો તારાજ ના કરશો;
સુંવાળા શબ્દ બોલી અશ્રુને નારાજ ના કરશો,
થઇ મધરાત જાણી દ્વારબંધી આજ ના કરશો;
હજુ દ્વારે ઊભેલો એક આ બાકી ભિખારી છે.

સકળ ઉત્કાંતિક્રમ છોડી અનોખી શક્તિને વરવા,
સદા સાંનિધ્યમાં રહીને અનોખી ભક્તિને વરવા,
પિસાઈ પ્રેમઘેરા રંગની સંપત્તિને વરવા,
તમારાં મહેકતાં ચરણો ચૂમીને મુક્તિને વરવા,
ખીલેલી મેંદીએ નિજ રક્તની ધારા વહાવી છે.

કંઇ જોગંદરો, કંઇ ઓલિયા તમ બારણે આવ્યા,
સમાધિ છોડીને જગમાં તમારા કારણે આવ્યા;
મીરાં, ચિશ્તી અને મન્સૂર જગને પારણે આવ્યાં,
અમે સુરલોકથી ઊતરી તમારે બારણે આવ્યા;
અમારી ને તમારી કો’ પુરાણી એક યારી છે.

ગગનમાં કુંજતા કો કિન્નરોના સાઝ પૂછે છે,
સમાધિમાં રહેલા યોગીની પરવાઝ પૂછે છે;
સદા ઘૂઘવી રહેલા સાગરે આવાઝ પૂછે છે,
મઢેલા આભ પર પહોંચી કોઈ શાહબાઝ પૂછે છે;
અહીં આસ્માન છે કે કોઈની પાલવ કિનારી છે?
- અનંતરાય પરમાનંદ ઠક્કર ‘શાહબાઝ’

કોઈ આપણને જુએ અને આપણે કોઈકને જોઈએ એનો નશો જુદો જ છે! કોઈને એમ લાગશે કે જોવામાં વળી નશો શું હોય? તો એ વાત પણ સાચી જ છે! પરંતુ ગમતી વ્યક્તિને જોઈ લીધાની ખુમારી રોમેરોમના ખરલમાં ઘૂંટાય છે. મળ્યા પહેલાંની તાલાવેલી અને મળી લીધા પછીનો અનુભવ અખંડિત જ્યોતની અહર્નિશ ઉતારેલી આરતી છે. આ બધું જ ભક્તિમાં તલ્લીન પ્રેમ અનુભવે છે. હૃદય જ્યારે મંદિર બને અને આપણામાં યાદનો અજપાજાપ શરૂ થાય ત્યારની આ વાત છે.
ઝીણું દર્દ ભક્તિમાં અસવાર હોય છે. દરેક પહોરની એમાં સવાર હોય છે. હવે આયુષ્યના બચેલા અવશેષોને વિશેષ કરવાનો ઉપાલંબ છે, ત્યારે આરાધનાને સ્વીકારવી એ આરાધકનું ધ્યેય છે. જાકારો ન ખપે ભક્તને! એના માટે ‘જાગ્યા ત્યારથી સવાર’ કહેવત સાચી, પણ અમાસનો અંધકાર એની ભક્તિનો દ્યોતક બને છે. બધું જ હોય છતાં પામવાનું બાકી લાગે એવો આવિર્ભાવ ભક્તિનો મૂળ સ્વભાવ છે.
ભક્તિમાં પ્રેમભાવ જેટલો સૂફીપણામાં ઝિલાયો છે એટલો જ માતૃભક્તિમાં પમાયો છે. ધબકારા પર શ્રુતિ-શ્લોક અને મંત્રોની મેંદી મુકાય છે. આ બધું જ થાય ત્યારે ખયાલ આવે કે આપણે સદીઓથી ભક્તિમાં લયલીન છીએ. પછી આકાશનો એક ભાગ આપણું શરીર બને છે અને મધરાતે ઊંચું થયેલું માથું તારા અને ચંદ્રથી મઢેલી અગાધ શક્તિની ‘પાલવ-કિનારી’ લાગે છે. ‘જીવનના હકારની કવિતા’માં માતૃભક્તિનો વાયરો છે. આ વાયરો કોડિયામાં સ્થિર થયેલાં અજવાળાંની આરતી ઉતારે છે. માતા આગળ બાળક બનવાની મજા માતાને પૂછવાની ન હોય. એ તો આપણા બાળપણને દરેક ઉંમરે સ્વીકારીને જ બેઠી છે.
અનંતરાય પરમાનંદ ઠક્કર ‘શાહબાઝ’ (1910થી 1955) આપણી ગુજરાતી ગઝલના પાંચ પાયાના ગઝલકારો પૈકીના છે. ગઝલના ગણેશપાઠ વખતે જે પહેલવહેલા ચાંદલા થયા એમાં ‘શાહબાઝ’નું શબ્દકંકુ છે.
[email protected]

x
રદ કરો

કલમ

TOP