ઓફબીટ- અંકિત ત્રિવેદી / ઓશો : તર્કની સંતર્પક વાણી

article by ankit trivedi

Divyabhaskar.com

Dec 12, 2019, 03:15 PM IST
ઓફબીટ- અંકિત ત્રિવેદી
11 મી ડિસેમ્બર એટલે રજનીશજીનો જન્મદિવસ. રજનીશજી એટલે તર્કની સંતર્પક વાણીના ઉપાસક. એક બાજુ જે. કૃષ્ણમૂર્તિ છે અને બીજી બાજુ રજનીશજી છે. બંને પાસ-પાસે શોભે એવા. મન અને માન સોંપવું ગમે એવા વિચારકો! એમાંય રજનીશજી એટલે વિચારોનું વાવાઝોડું, તોફાન અને શાંત આક્રમકતા. ખૂબ બોલ્યા, ચિક્કાર બોલ્યા,બોલવામાં ધોધમાર ખૂલ્યા! છેલ્લા વર્ષોમાં ચુપકીદી સેવી, ત્યારે પણ એમનું મૌન બોલકું લાગે એવું સ્વાભાવિક! એમના જન્મદિવસે એમને સ્મરવા છે. પોતાને તેમણે ‘ભગવાન’ જાહેર કરેલા. ઓશોને સાંભળ્યા પછી ચોક્કસ એવું લાગે કે તેઓ આવું ન કરે તો જ નવાઇ...! પોતે ‘ભગવાન’ છે એના તર્કમાં એમણે કહેલું કે ‘રામ અને કૃષ્ણને પણ પાછળથી જ ખબર પડેલી. લોકોને પણ એની જાણ પાછળથી જ થયેલી... એમાં કશું જ ખોટું નથી...’
‘બુદ્ધ’ એમના માનીતા. બુદ્ધના ધ્યાન વિશે એમણે કહેલું કે, બુદ્ધ બધા ધર્મોનાં મૂળને પકડે છે અને એ છે ધ્યાન. દુનિયાના બધા જ ધર્મો કોઇ એક બાબત પર સંમત થયા હોય એવું આજ દિન સુધી બન્યું નથી, પરંતુ બધા જ ધર્મોમાં ધ્યાનની બાબતે એકસરખી સંમતિ છે. બુદ્ધ ‘ધ્યાનમાર્ગ’ના વિચારક છે. રજનીશે પણ ‘બુદ્ધ’ની ધ્યાન પદ્ધતિને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો. એમના વિચારો એકાંતમાં સંમતિ આપે એવા... જાહેરમાં વિરોધ અને વંટોળ ઊભા કરે એવા! એમણે કહેલું. ‘ઉપાસનાને સમજવા માટે વાસનાને સમજવી જરૂરી છે. વાસનાને ત્યજી દેવાથી એ તમારી વધારે નિકટ આવશે, પરંતુ શત્રુને પાસે બેસાડવાની મંજિલ તરફ આગળ વધાય છે તેમ ‘વાસના’ને પાસે રાખીને ‘ઉપાસના’ તરફ આગળ વધવું જોઇએ.’
‘કબીર’ એમનો લાડકો. કબીર વિશે એમણે કરેલું આસ્વાદન બીજા કોઇ ચિંતકે આટલું નજીકથી નથી કર્યું...! કબીર વિશે બોલતાં એ કહે છે કે, ‘તમારી પાસે કશું હોય અને તમે છોડી દો, પછી એના વિશે બોલો અને લખો એ વાત બહુ મોટી નથી લાગતી, પરંતુ તમારી પાસે કશું જ ન હોય અને તમે ત્યાગની વાત કરો એ અગત્યની વાત છે. કબીર આવા ત્યાગી અને અનુરાગી હતા.’ રજનીશજીને સાંભળીએ છીએ ત્યારે પવનને કારણે પાંદડાં વચ્ચે ઉત્પન્ન થતા અવાજનો ‘રણકો’ સંભળાય! બોલ્યા છે એવું કે માત્ર સ્મરણને આધારે લખવા બેસું તો પણ પાનાનાં પાનાં ભરાઇ જાય! જીવનને તો હજી સ્થાન જ નથી આપ્યું. એમના જીવનમાં પણ રજનીશજી એટલા જ Unpredictable... શરૂઆતના સમયમાં મૌન રહ્યા, અંત પણ નીરવ શાંતિમાં વીત્યો, પરંતુ મધ્યમાં એમણે ચિક્કાર પ્રવચનો કર્યાં... ફિલોસોફીના પ્રોફેસર... એટલે તર્ક એમને હંમેશાં ‘સતર્ક’ લાગે! જીવનને ઉત્સવની જેમ ઊજવનારા રજનીશજી હતા!
દૃષ્ટાંતો આપતા જાય અને પોતાની વાત મક્કમ રીતે લોકહૃદય સુધી પહોંચાડતા જાય... મુલ્લા નસરુદ્દીન એમને પ્રિય... મુલ્લા નસરુદ્દીન ઉપર એમણે કરેલી રમૂજોનું એક પુસ્તક પ્રગટ થયું છે. જેનું નામ પણ એટલું જ અસરકારક છે... વાત મુલ્લા નસરુદ્દીનના નામે થયેલા હાસ્યની છે અને પુસ્તકનું શીર્ષક તો ‘ટેક ઇટ સિરિયસલી!’
‘રજનીશજી પંથ વિનાનો ‘પંથ’ હતા... સમયથી આગળ એમણે વિચાર્યું... આજે એ હોત તો વાન તદ્દન નોખી હોત...! કોઇનામાં બંધાવવા માંગતા નહોતા. એમની અંગત લાઇબ્રેરીમાં પુસ્તકોની સંખ્યા લાખો ઉપરની છે અને આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે, રોજ દસથી પંદર પુસ્તકો વાંચવાની એમને ટેવ હતી! પછી પાછળથી તબિયતને કારણે ઓછી થતી ગઇ... એમણે કશું આપ્યું નથી. માત્ર જેવું છે એવું એમની આંખોથી દુનિયાને બતાવવાની કોશિશ કરી છે... એમનું પ્રવચન વિચારોનાં ઉત્તુંગ શિખરો પર હોય ત્યારે એ પ્રવચનને છોડી દેતા...! અને છોડીને છેલ્લું વાક્ય બોલતાં, ‘આજ, બસ ઇતના હી...’ મારા માટે પણ અત્યારે આવું જ છે... ‘આજ, બસ ઇતના હી...’
ઓન ધ બીટ્સ:
જીવન કે મરણ હો, એ બંને સ્થિતિમાં મરીઝ, એક લાચારી કાયમ રહી છે, મરણ પણ જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે-સહારે...- મરીઝ [email protected]
X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી