ઓફબીટ- અંકિત ત્રિવેદી / જલન: સ્મૃતિ નહિ સંસ્કૃતિનો હિસ્સો

article by ankit trivedi

Divyabhaskar.com

Nov 28, 2019, 11:29 AM IST
ઓફબીટ- અંકિત ત્રિવેદી
કૈંઇ એવું મસ્ત દિલ હતું નિજ વેદના મહીં,
વીતી ગઈ છે રાત સવારે ખબર પડી.
- જલન માતરી
આ શેર જનાબ જલન માતરીનો છે. એક સમય હતો જ્યારે શયદાસાહેબ મુશાયરાને ગજવતા, એ પછી અમૃત ઘાયલનો દબદબો રહ્યો, ઘાયલના સમયથી જ શ્રોતાઓ જેમને સાંભળવા તલપાપડ થતા હોય એવું નામ ઉમેરાયું ‘જલન માતરી’નું! જલનસાહેબ આજે શિયાળાની હૂંફાળી ઠંડીમાં ફૂલગુલાબી રીતે સાંભર્યા છે. ઈશ્વરને એમણે જુદા જ નજરિયાથી
જોયા.
ખુદા શું એક પાસેથી લઇ બીજાને આપો છો,
તમારી પાસ ખૂટે છે તો આવી ચાલ ચાલો છો?
પાક નમાઝી આ શાયર હંમેશાં ધર્મગ્રંથોનો અભ્યાસ કરતા માલૂમ પડ્યા છે અને ગઝલમાં જુદી રીતે ઊઘડ્યા છે.
અહમ્ કરનાર વ્યક્તિઓની જો નામાવલી કરીએ,
તો સૌથી મોખરે એમાં ખુદાનું નામ આવે છે.
સાદગીમાં ભાર વગરનું સુગંધિત સૌંદર્ય ગુજરાતી ગઝલમાં જલનસાહેબે ઉમેર્યું. ગઝલની વાત આવે ત્યારે પોતાના મિજાજને અકબંધ રાખીને જમાનાને કહી દીધું :
હું પકડીને પાંખો જ કાપી લઈશ,
ગઝલમાં કબૂતર ઉડાડી તો જો.
શુદ્ધ ગઝલની ખેવના રાખનારા આ કવિએ ભાવકોના હૃદયમાં ગઝલનું આકાશ ઉગાડ્યું છે. મૃત્યુ આવે છે ત્યારે આપણું શું થાય છે એની ખબર ક્યાં પડી છે? પણ સ્વજનના મૃત્યુ ટાણે?
એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’, જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
સમજદારી સજાગ કરે ત્યારે માનસ પટ ઉપર અતિરેકનો લેપ લાગે છે. આવડી ગયાનું પણ અસુખ હોય છે. પ્રેમમાં સમજદારી વધે છે. સમજ બેર મારી જાય એ પ્રેમ તો નથી જ!
સમજદારીથી અળગા થઇ જવાનાં સૌ બહાનાં છે,
મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે?
એમની બાનીમાં વંટોળ હોય અને એ વંટોળ પછી વરસાદ પાડ્યા વગર રહે જ નહીં!
ભરેલા છે તો પણ વરસતાં નથી,
આ વાદળ નફામાં છે ખસતાં નથી.
આ જલનસાહેબ દરેકની પ્રિય ગઝલોના શેરમાં સચવાયા છે. એ સ્મૃતિમાં નથી, સંસ્કૃતિમાં છે. અદબ અને ખાનદાનીનું ખોરડું હતા એ! એમની એક ગઝલથી એમની વંદના કરીએ.
જીવન તો ખૂબ માણ્યું, ચાલ મૃત્યુની મજા લઈએ,
હવે મને થાય છે કે આપણે અહીંથી જતા રહીએ.
જરૂરતનું અમારે જોઈએ કે માનવી છઇયે,
અમે પયગંબરો થોડા છીએ કે ઠોકરો ખઈએ?
તમારી મે’રબાની એવી વરસી કે ગળે આવ્યા,
હવે મન થાય છે કે તમને પકડી ફાંસીએ દઈએ.
હકૂમતને તમે લાયક નથી તેથી વિચાર્યું છે,
લઈને હાથમાં કાનૂન સીધા આથડી લઈએ.
ફરક તેથી શું પડવાનો અમારા હાલમાં યા રબ?
તને માલિક કહીએ કે પછી તુજને ખુદા કહીએ.
નથી રહ્યો આ જહાં જીવનને લાયક ઓ ‘જલન’ તેથી,
છે એમાં આપણી શોભા કે વેળાસર જતા રહીએ.
ઓન ધ બીટ્સ:
પ્રાણને પાથરી ગઝલ માંડો,
લ્યો જલન માતરી ગઝલ માંડો.- આદિલ મન્સૂરી
[email protected]
X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી