વુમનોલોજી / તમને પાપનો ડર લાગે?

Are you afraid of sin?

મેઘા જોશી

May 07, 2019, 01:08 PM IST

‘ના રે, મારે ત્યાં જઈને પાપમાં નથી પડવું, તું હજી નાની છે, મોટી થઇશ ત્યારે ખબર પડશે કે ‘પાપ’ કોને કહેવાય?’ સરેરાશ ભારતીય યુવતીને યુવાનીમાં પ્રવેશે તે પહેલાં જ ‘પાપ-પુણ્ય’ની યાદી આપી દેવામાં આવે છે. પાપ એક એવી સંકલ્પના છે, માનસિકતા છે જેમાં પુરાવાની જરૂર નથી રહેતી. પેઢી-દર-પેઢી એનું વહન થાય છે. બાળકના જન્મ સાથે જ એની માતા રજસ્વલા થતી હોવાથી એનાં સ્પર્શથી કે એની અડેલી વસ્તુને અડવાથી પાપ લાગવાનું શરૂ થાય છે. ગળથૂથીમાંથી શરૂ કરેલ આ પાપનો વિચાર આપણી અંદર એવો પ્રસ્થાપિત થઇ જાય છે કે રોજિંદા જીવનની, સામાજિક જવાબદારી, વ્યક્તિગત મૂલ્યો, નાગરિક ધર્મ, વૈજ્ઞાનિક સિદ્ધાંતો પાપ-પુણ્ય સાથે વણાઈ ગયાં. જ્યારે શિક્ષણ પદ્ધતિનો આરંભ નહોતો થયો ત્યારે સમાજના કેટલાક વિદ્વાનોએ માનવજીવન અને માનવધર્મ શીખવવા માટે ધાર્મિક ગ્રંથો-શાસ્ત્રોનો સહારો લીધો. આદિમાનવથી આધુનિક માનવ બનવાની આખી મુસાફરીમાં વિવિધ શોધ સાથે પરિવર્તન થતા ગયા. આજથી પાંચસો વર્ષ પહેલાં કોઈ વ્યક્તિને નાગરિકત્વ સમજાવવા સામ, દામ, દંડ, ભેદથી માંડીને શાસ્ત્રો-પુરાણોનો સહારો લેવો પડ્યો હશે, પરંતુ આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં મહિલાઓના મનમાં ઘર કરી ગયેલા પાપના ભયને હવે વિદાય આપવી પડે.
પાપ-પુણ્યનો કન્સેપ્ટ આપણને લિંગ ભેદ પહેલાં જ શીખવાડી દેવામાં આવે છે. પાપ અને પુણ્ય ભારતના માનસમાં ડર સ્વરૂપે છે. ધર્મભીરુ પ્રજાને મૂલ્ય શિક્ષણ હોય, વિજ્ઞાન હોય કે ટેકનોલોજી દરેક નવા કન્સેપ્ટની શરૂઆત આવા ભયથી થાય છે. કુદરતના ક્રમ સાથે, માણસની મૂળભૂત જવાબદારી શીખવાડવા એને કાયમ કુદરતના ચોપડાનો ડારો આપવામાં આવે છે, જેથી એ કંઈ પણ કરતાં પહેલાં પાપ-પુણ્યના હિસાબ પર નજર કરી શકે છે. આમ તો આ દરેક ભારતીયને લાગુ પડે છે, પરંતુ પાપ અસરગ્રસ્ત કુલ જનસંખ્યામાં મહિલા બહુમતીમાં છે. અન્ય રીત-રિવાજોની જેમ જ પાપ અંગેની વિભાવના અને તેને આનુસંગિક વર્તનના સીમાંકનોનો હિસાબ પણ મહિલાઓ જ વધુ રાખે છે. એક સમય હતો, જ્યારે છોકરી માસિક ધર્મમાં બેઠી હોય ત્યારે અંગત સ્વચ્છતા તથા શારીરિક નબળાઈને સમજી નહોતી શકતી, આથી તેને પાપ સાથે જોડી દીધું. એટલે ચાર દિવસની શાંતિ, પણ હવે આજની છોકરીને સેનેટરી નેપ્કિનની ખબર છે, માસિક ચક્ર અંગેની વૈજ્ઞાનિક જાણકારી છે. તેને કઈ રીતે આ પાપવાળી વાત ગળે ઉતરે? આવા તો અનેક ઉદાહરણ છે, જેમાં મહિલાની હાજરીને પણ પાપ ગણવામાં આવે છે અને કમનસીબે એ પ્રથા આજ સુધી ચાલે છે. જો પાપની બીકે અમુક ખોટા કામ માટે અચકાતા હોય તો ઠીક છે, પણ તો અમુક એજન્ટોએ ખોટા કામને ધોઈ નાખવાના નુસખા શોધી રાખ્યા છે. જ્યારથી આવા પાપનાશક વિધિવિધાનની શોધ થઇ, ત્યારથી પુણ્યની વેલ્યૂ ઘટતી ગઈ અને વિધિ-વિધાન કરાવનાર એજન્ટની વેલ્યૂ વધવા માંડી. દરેક અખબારમાં આવતી તાંત્રિકોની જાહેરાત કે મંચ પર ‘પાપ’કથા કહેતા કથાકારોના લાભાર્થીઓમાં મહિલાની સંખ્યા વધુ જોવા મળે છે. એનું મૂળ આપણી માનસિકતામાં રહેલ પાપનો ભય છે. જે તર્કશક્તિ, બુદ્ધિ, વાંચનને સાથે લઈને સમય સાથે ન ચાલી શકે એની પાસે દોરાધાગાનાં બંધનો જ રહે.

X
Are you afraid of sin?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી