દીવાન-એ-ખાસ / ચૂંટણી ટાણે સાયકોવોર!

article by vikram vakil

વિક્રમ વકીલ

Feb 20, 2019, 12:49 PM IST

એક ગુજરાતી લેખક ગુજરાતી ભાષામાં એ પ્રકારના લેખો લખે છે કે કેટલાક સળીબાજો મજાકમાં કહે છે : એમના લખાણનો એક અંશ સમજવા માટે એને ફરીથી ગુજરાતીમાં ભાષાંતર કરવું પડે!

રાજકારણી અને વારંવાર વિદ્વત્તાનો દેખાડો કરવા માટે જાણીતા શશી થરૂરના અંગ્રેજી લખાણ માટે પણ આવી જ મજાક થાય છે. આમ તો બીજી (કે ત્રીજી) પત્ની સુનંદા થરૂરના શંકાસ્પદ મોત બાબતે પણ થરૂર વિવાદમાં છે, પરંતુ આજકાલ એમને હિન્દુ સંસ્કૃતિની દરેક પ્રથા સામે વાંધો પડે છે. આપણા દેશમાં સદીઓથી કુંભમેળો યોજાય છે, પણ કુંભમેળા બાબતે કોઈએ અભદ્ર ટિપ્પણી કરી નથી. કુંભમેળામાં નહાવા આવતા સાધુઓ અને બીજા ભક્તો–શ્રદ્ધાળુઓ બાબતે થરૂરે ગંદી મજાક તો લખી જ, પરંતુ જ્યારે વિવાદ થયો ત્યારે નફ્ફટાઈથી માફી માગવાનો પણ ઇન્કાર કરી દીધો. શશી થરૂર જેવા બીજા પણ કેટલાક રાજકારણીઓ (મણિશંકર અય્યર, સીતારામ યેચુરી, દિગ્વિજયસિંહ વગેરે.) હંમેશાં જ પોતાની સંસ્કૃતિ, ધર્મ અને દેશ બાબતે ઘસાતું બોલતા-લખતા હોય છે. થરૂર જેવી વ્યક્તિઓ બાબતે કેટલાકના મનમાં સવાલ થયા કરે છે કે, ‘આ તે કેવા પ્રકારની માનસિકતા?’

  • આજે ચૂંટણીને લઈને સમાજમાં જે થઈ રહ્યું છે એને મનોવિજ્ઞાનમાં ‘સાયકોલોજિકલ સ્પિલ્ટિંગ’ કહે છે

આ સવાલનો જવાબ માનસશાસ્ત્રમાં છે. મનોવિજ્ઞાનિકોના મતે પોતાના ધર્મ કે સંસ્કૃતિ માટે સતત નફરત ધરાવતી વ્યક્તિ ‘અપોઝિશનલ ડિફાયન્સ ડિસઓર્ડર’થી પીડાતી હોઈ શકે. આવા ડિસઓર્ડર એડલ્ટમાં જ નહીં, બાળકો અને તરુણોમાં પણ હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં બાળપણમાં ઘટેલી કોઈ ઘટનાના આઘાતને કારણે આવી માનસિક ખામી ઉદ્્ભવી શકે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં જન્મજાત ડી.એન.એ.ની ખામી પણ જવાબદાર હોઈ શકે છે.

લોકસભાની ચૂંટણીને આડે હવે થોડા દિવસો જ રહ્યા છે. રાજકીય વાતાવરણ ભારે ઉત્તેજિત છે. ફક્ત નેતાઓ જ નહીં, રાજકીય પક્ષના કાર્યકરો, મીડિયા કે સામાન્ય મતદારો પણ બે ભાગમાં વહેચાઈ ગયા છે. દેશની કદાચ આ પ્રથમ ચૂંટણી છે કે જ્યારે નરેન્દ્ર મોદીના વિરોધ કે તરફદારીને આધારે ચૂંટણી લડાશે. સામાન્ય પ્રજા પણ આ ચૂંટણીમાં કેટલી હદે ઓતપ્રોત થઈ ગઈ છે અને એની અસર માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિઓ પર થઈ રહી છે એ વિશે મુંબઈના એક મનોચિકિત્સકે આ પ્રમાણે કહ્યું: ‘માનસિક અસ્વસ્થતાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ પર હાલના રાજકીય વાતાવરણની ભારે અસર જોવા મળી રહી છે. આ દર્દીઓ માનસિક રોગની દવાઓ લઈ રહ્યા છે, પોતે શું કામ હોસ્પિટલમાં દાખલ થયા છે એની પણ એમને ખબર નથી, પરંતુ પોતે જ સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા હોવાનું તેઓ માની રહ્યા છે. એમ ને એમ લાગે છે કે રાજકારણમાં જે થઈ રહ્યું છે એમાં તેઓ પણ હિસ્સેદાર છે. તેઓ મત આપવા પણ જવાના નથી, પરંતુ રાજકીય પત્રકારો જેટલી જ ગંભીરતાથી તેઓ ચૂંટણી વિશે આગાહી કરી રહ્યા છે. દરરોજના રાજકીય સમાચારોને તેઓ ટી.વી., છાપાંઓ કે સોશિયલ મીડિયામાં ફોલો કરીને તમામેતમામ રાજકીય ગતિવિધિ વિશે માહિતગાર રહે છે, બીજી તરફ હોસ્પિટલમાં કેમ દાખલ થયા કે, અહીંથી બહાર જઈને શું કરશે એ વિશે એમને કોઈ ખબર નથી!’

આજે ચૂંટણીને લઈને સમાજમાં જે થઈ રહ્યું છે એને મનોવિજ્ઞાનની ભાષામાં ‘સાયકોલોજિકલ સ્પિલ્ટિંગ’ કહે છે. બે ભાગ પડી ગયા છે. બ્લેક એન્ડ વ્હાઇટ. ગ્રે એરિયાને કોઈ સ્થાન નથી. ક્યાં તો મોદીને ભગવાન તરીકે પૂજનારા છે, ક્યાં તો મોદીને રાક્ષસ તરીકે માનનારા છે. ભારતીય રાજકારણના ઇતિહાસમાં કદી આવો સમય આવ્યો નથી કે કોઈ એક જ નેતાને આટલું મહત્ત્વ મળી રહ્યું હોય!

ઘણી વખત લાગે છે કે, આપણે જેને ચૂંટવાના છીએ એમની શારીરિક ઉંમર કે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીએ છીએ, પરંતુ એમની માનસિક સ્વસ્થતા બાબતે આપણે કેટલું જાણીએ છીએ? આજે આપણે દેશમાં જે નેતાઓ જોઈ રહ્યા છીએ એમાંથી માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોય એમને પારખી શકીએ છીએ ખરા? આપણા કેટલાક રાજકીય નેતાઓના વર્તનને અને કામગીરીને માનસશાસ્ત્રીની રીતે મુલવીએ તો એમને જાતજાતના માનસિક ડિસઓર્ડર હોવાની શંકા થાય.

એક રાજકીય નેતા વિશે કહેવાય છે કે, પોતાના જ પક્ષની વ્યક્તિઓ વિશેના એમના ગમા-અણગમા કોઈપણ કારણ વગર બદલાતા રહે છે. જે વ્યક્તિને દરેક રાજકીય મંચ પર પોતાની બાજુમાં બેસાડતા હોય એને એકાએક વેઇટિંગમાં કલાકો સુધી બેસાડી રાખી બહારથી જ રવાના કરી દે! વિરોધપક્ષના જે નેતા સાથે નહીં બનતું હોય એના પર કારણ વગર ઓળઘોળ થઈ જાય. આ નેતા ‘બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર’થી પીડાતા હોઈ શકે.

એક રાષ્ટ્રીય કક્ષાનાં મહિલા નેતાને સરકારી એજન્સીઓની દરેક કામગીરીમાં શંકા દેખાય અને એવા વચકડા ભરવા દોડે કે ન્યૂઝ ચેનલોને કલાકો સુધીનો મસાલો મળતો રહે! આ મહિલા નેતા કોઈક વખત સ્થળ-સમયના ભાન વગર એટલા હિસ્ટરિકલ થઈ જાય કે આજુબાજુ હાજર હોય એમને ક્ષોભ થઈ જાય. માનસશાસ્ત્રીઓના મત પ્રમાણે આ મહિલા નેતાનું વર્તન ‘હાઇપર રિએક્ટિવ’ કહી શકાય. કદાચ તેઓ ‘પેરાનોઇડ’ નામની માનસિક બીમારીથી પીડાતા હોવાની પણ શક્યતા ખરી.

બિન્ધાસ્ત બોલવા માટે અને વારંવાર ન્યાયાલયનું દ્વાર ખખડાવવા માટે જાણીતા એક સંસદસભ્યે થોડા દિવસ પહેલાં એક મહિલા રાજકારણી વિશે ટ્વિટર પર લખ્યું હતું કે, તેઓ (મહિલા રાજકારણી) ‘બાયપોલર’ નામના માનસિક રોગથી પીડાય છે. આ બીમારી હોય એવી વ્યક્તિ ડિપ્રેશનમાં રહેતી હોય છતાં કોઈક વખત અચાનક જ કારણ વગર અતિ મૂડમાં આવી ઉન્માદમાં હોય એવું વર્તન કરવા માંડે છે.

આપણા એક ભૂતપૂર્વ વડાપ્રધાનની કાર્યપદ્ધતિ અને બોડીલેંગ્વેજ જોતાં તેઓ હંમેશાં કોઈથી દબાઈને રહેતા હોય એમ જ લાગે. એમને કદાચ ‘ડિપેન્ડન્ટ પર્સનાલિટી ડિસઓર્ડર’ હોઈ શકે. આવી વ્યક્તિઓ નંબર-1 પર હોય છતાં પણ નંબર-2 પર હોય એ પ્રમાણે જ વર્તન કરે છે અને બીજાની સલાહ વગર કોઈ નિર્ણય લઈ શકતા નથી.

ઉપરના રાજકારણીથી વિપરીત બીજા એક મોટા નેતા અડધો કલાકના ભાષણમાં નવ વખત પોતાનું જ નામ (અટક) લે છે. પોતાને ત્રીજા પુરુષ એકવચન તરીકે સંબોધે છે. આ નેતાની પર્સનાલિટી ‘નાર્સિસ્ટિક’ હોઈ શકે. આવી વ્યક્તિઓ પોતાના જ પ્રેમમાં હોય છે અને પોતાને જ સર્વશ્રેષ્ઠ માનતી હોય છે. જોકે, એમની અટકને ‘બ્રાન્ડ નેમ’ બનાવવામાં એમના વિરોધીઓનો ફાળો પણ ઓછો નથી, કારણ કે ચોવીસે કલાક એમના ચાહકો કરતાં એમના વિરોધીઓ એમને વધારે યાદ કરે છે!

સ્વર્ગવાસી થયેલા આપણા એક વડાપ્રધાન એટલા બધા જક્કી સ્વભાવના હતા કે તેઓ ‘ઓબ્સેસિવ કમ્પલ્સિવ પર્સનાલિટી ડિસઓર્ડર’નો ભોગ બન્યા હોય એમ માની શકાય. કોઈ સ્વાર્થ ખાતર નહીં, પરંતુ ફક્ત પોતાની જીદને કારણે એમણે કેન્દ્રિય સરકાર પણ તોડી પાડી હતી!

વિશ્વ અને દેશ પર આવા ઘણા સત્તાધીશોએ રાજ કર્યું છે કે જેમનું માનસિક સ્વાસ્થ્ય ઠીક નહીં હોય. હિટલર, મુસોલિની, કિન જોંગ, સદ્દામ હુસેન જેવા સાયકોપાથ સત્તાધીશો તો એમનાં કૂકર્મોને કારણે પરખાઈ જતા હતા. જોકે, લોકશાહી દેશોમાં પણ પ્રજા હંમેશ સંપૂર્ણ રીતે માનસિક સ્વસ્થ રાજકારણીને જ ચૂંટી મોકલે એની કોઈ ખાતરી ખરી?

[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી