ઈધર-ઉધર / સામી ચૂંટણીએ કેન્દ્રીય પ્રધાનોનો ફિટનેસ ફંડા

article by vikramvakil

વિક્રમ વકીલ

Jan 06, 2019, 07:53 PM IST

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકારણીઓ ફિટનેસ જાળવવા વધુ સતર્ક બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ફિટનેસ બાબતે પહેલેથી જ જાગૃત છે અને સાઉથ બ્લોક ખાતે આવેલી એમની ઓફિસમાં જિમ પણ બનાવ્યું છે. એમની ફિટનેસને વધુ મજબૂત કરવા પેરામિલિટરી ફોર્સ માટે કામ કરતા એક ટ્રેઇનરને પણ સાથે રાખે છે. જોકે, અતિ વ્યસ્ત કાર્યક્રમોને કારણે અઠવાડિયામાં ફક્ત ત્રણ-ચાર વખત જ તેઓ કસરત કરી શકે છે.

સાંસદો માટે બનેલી જિમમાં કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન અને પ્રકાશ જાવડેકરની નિયમિત હાજરી જોવા મળે છે

સંસદના સભ્યો માટે આવેલી કોન્સિટ્યુશનલ ક્લબના જિમમાં આજકાલ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર અને હર્ષવર્ધનની હાજરી નિયમિત વર્તાઈ રહી છે. કેન્દ્રીય પ્રધાન ચૌધરી બિરેન્દ્રસિંહ જિમને બદલે દરરોજ સવારે લોધી ગાર્ડન ખાતે વોક પર જાય છે. બીજા પ્રધાન વિજય ગોયેલ પણ એમને કંપની આપે છે. શરદ પવાર જેવા સિઝન્ડ નેતા પણ ચૂંટણી નજીક આવવાથી એલર્ટ થઈને ફિટનેસ પ્રત્યે વધુ ધ્યાન આપતા થઈ ગયા છે. ચૂંટણીના પરિણામ જે કંઈ આવે, એ બહાને આપણા રાજકારણીઓની તબિયત સુધરશે એ નક્કી!

***


રાહુલ સમજે છે કે અનુભવી વગર ગાડાં નહીં ગબડે
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને રાજકીય ક્ષેત્રે મળી રહેલી સફળતા પાછળ એક સિઝન્ડ કોંગ્રેસી-નેતાની સલાહનો ફાળો મોટો રહ્યો છે. 2004 અને 2009માં કોંગ્રેસને સત્તા પર બેસાડવામાં આ જ લો પ્રોફાઇલ અનુભવી નેતાનો મુખ્ય ફાળો હતો. રાહુલ ગાંધી પણ સમજી રહ્યા છે કે યુવાન રાજકારણી સાથે દોસ્તી એને ઠેકાણે, પરંતુ રાજકીય સફળતા મેળવવી હોય તો અનુભવી વગર ગાડાં નહીં ગબડે. આજ અનુભવી અને ચાણક્ય જેવા સલાહકારને કારણે કેન્દ્ર અને રાજ્યોમાં કોંગ્રેસ દિવસે દિવસે વધુ શક્તિશાળી બની રહી છે.

***


ખરેખર ‘સાચો’ શાકાહાર શક્ય છે?
જેકોષનું પ્રજનન થાય, વિસ્તાર થાય તેમાં જીવ છે. નમક સિવાય એવી કોઈ ખાદ્ય ચીજ નથી જેનો વિસ્તાર થતો નથી. ઘઉં ખાઓ છો તે એક દાણામાંથી અનેક બને છે. તેને પણ પાણી, ખોરાક, હવા અને પ્રકાશ જોઈએ છે. તેમને રોગ થાય છે. છતાં શાકાહાર અને માંસાહારમાં ફરક એટલો કે માંસ મેળવવા માટે માનવી પ્રાણીઓને અસહ્ય ત્રાસ અને યાતના આપે છે, કદાચ વનસ્પતિના ચેતનાતંત્ર અને પીડાજગત વિશે આપણે અજાણ હોઈશું. એમને પીડા નહીં થતી હોય, કદાચ ખૂબ થતી હશે. તો આપણે શાકાહારી છીએ કે માંસાહારી છીએ તે નક્કી કરવું મુશ્કેલ છે. કોઈપણ ખોરાક ખાઓ, હિંસા થાય જ છે.

***

નવકાર મંત્ર શા માટે જૈન ધર્મનો પ્રાણ છે?
નવકાર મંત્ર એ જૈન ધર્મનો પ્રાણ છે. જૈન ધર્મી ગમે તે સંપ્રદાય કે ગચ્છનો હોય, પણ નવકાર તો તેનું હૃદય જ છે. નવકાર એ મહામંત્ર છે. કારણ તેમાં કોઈ વ્યક્તિ વિશેષની સ્તુતિ નથી, પણ ગુણ વિશેષની સ્તુતિ છે. એટલે જ નવકાર મંત્રમાં કોઈ તીર્થંકર કે વ્યક્તિનું નામ નથી, પણ વ્યક્તિના ગુણ વિશેષને નમસ્કાર કરવામાં આવ્યા છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ પંચ પરમેષ્ટિને નવકારમાં વંદન કરવામાં આવ્યાં છે.

***

જમનાલાલ બજાજ અને ગાંધીજી
સ્વતંત્રતાની ચળવળ વખતે વિખ્યાત બજાજ કુટુંબના વડવા જમનાલાલ બજાજે ગાંધીજીને પૂછેલું કે, ‘મને તમારા પાંચમા પુત્ર તરીકે દત્તક લેશો?’ જમનાલાલની આવી વિચિત્ર માંગણીથી ગાંધીજીને ગમ્મત પડી. જોકે, જમનાલાલે જે આતુરતા વ્યક્ત કરી હતી તેનાથી પ્રભાવિત થઈ ગાંધીજીએ વળતી ટપાલે જ તેમને લખી નાખ્યું, ‘તમારો સ્વીકાર થયો છે.’ પછી જમનાલાલની સાબરમતી આશ્રમ અને અમદાવાદની મુલાકાતો વધી ગઈ. આશ્રમમાં થતી રોજની પ્રાર્થના અને સ્વાશ્રય જેમાં રસોઈ કરવી, જાતે કપડાં ધોવાં, ગાયોને સ્વચ્છ રાખવી અને સંડાસ ધોવા સુધીનાં કામનો સમાવેશ થતો હતો. આ કાર્યોથી જમનાલાલ એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમણે તેમનાં પત્ની જાનકી દેવીને પણ આશ્રમમાં રહેવા દેવા માટે મંજૂરી માગી. એથીય આગળ વધીને તેઓ તેમનાં બાળકો (ત્રણ પુત્રો, એક પુત્રી) સૌથી મોટા કમલનયન, મદાલસા, રામકૃષ્ણ અને ઉમાને પણ આશ્રમના વાતાવરણમાં ઉછેરવાની ઇચ્છા સાથે લઈ આવ્યા હતા.
[email protected]

X
article by vikramvakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી