ઈધર-ઉધર / ફોઈ માયાવતીના ગુસ્સાથી ભત્રીજો અખિલેશ પરેશાન

article by vikrami vakil

વિક્રમ વકીલ

Mar 24, 2019, 04:29 PM IST

આમ તો ઉત્તરપ્રદેશમાં ફોઈ (માયાવતી) - ભત્રીજા (અખિલેશ યાદવ) વચ્ચે મનમેળ સારો ચાલી રહ્યો છે, પરંતુ ક્યારેક માયાવતીનો ગુસ્સો, અખિલેશને ચિંતિત કરી નાખે છે. ફરુખાબાદ સહિતની ત્રણ બેઠકો ઉપર માયાવતીએ પોતાના ઉમેદવારોનાં નામ નક્કી કરી નાખ્યાં અને અખિલેશના ધ્યાન પર આ વાત આવી તો એમણે અમસ્તું જ માયાવતીને કહ્યું કે, આ ઉમેદવારોમાં દમ નથી અને લોકસભાની બેઠકો જીતી શકે એમ નથી. આ સાંભળીને જ માયાવતીનો ગુસ્સો ફાટ્યો અને એમણે અખિલેશને ટોણો મારતાં સંભળાવ્યું કે, ભઈલા તો પછી તમે જ એસ.પી. સહિત બી.એસ.પી.ના પણ બધા ઉમેદવારનાં નામ નક્કી કરો! સમસમી ગયેલા અખિલેશે ત્યાર પછી નક્કી કર્યું કે, જો ગઠબંધન ટકાવવું હશે તો ફોઈ માયાવતીના પક્ષની કોઈ બાબતે માથું નહીં મારવું!

સુરક્ષાના ક્ષેત્રે પણ નેહરુની નીતિ અહિંસાની હતી
નેહરુએ શરૂઆતમાં સુરક્ષાના ક્ષેત્રમાં પણ અહિંસાની નીતિ અપનાવવાનું નક્કી કર્યું. ભારતીય સૈન્યના બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ સર રોબર્ટ લોખાર્તે ભારતીય સૈન્યના વિકાસને લગતી રૂપરેખા સૂચવતા કાગળ નેહરુ સમક્ષ મૂક્યા ત્યારે તે બોલી ઊઠ્યા: ‘આપણને સંરક્ષણ યોજનાની જરૂર જ નથી, અહિંસા એ જ આપણી નીતિ છે. આપણી સામે કોઈ લશ્કરી ખતરો નથી, એટલે આખું સૈન્ય જ વિખેરી નાખો. સુરક્ષાને લગતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે પોલીસ જ પૂરતી છે.’ નેહરુને આઝાદ ભારતના સૈન્યના ભારતીયકરણમાં અને સંરક્ષણ વિષયક બાબતોમાં ખાસ રસ નહોતો. તેમણે વિકાસ અને ઔદ્યોગિકીકરણને જ અગ્રિમતા આપી.

ઇટાલિયન માફિયા સૌથી ખતરનાક?
ઇટાલી નજીક આવેલા સિસિલી ટાપુ પરના લોકો દુનિયાના સૌથી ખતરનાક લોકો છે. તેઓ સિસિલિયન માફિયા તરીકે ઓળખાય છે. માફિયા એ ઇટાલિયન શબ્દ છે અને બહુવચન છે, જ્યારે માફિયોસી કે માફિયોસો એકવચન છે. 100 કરતાં વધુ વરસો પહેલાં સ્થળાંતર કરીને માફિયાએ અમેરિકામાં જવાનું શરૂ કર્યું હતું. ત્યાં જઈને પછી તે પોતાના દેશબાંધવોને તેડાવતા રહ્યા હતા અને તેઓની પાસે ગુંડાગીરી કરાવતા અને એ સામે તેઓને આશરો આપતા હતા. અમેરિકાએ વિશેષ કમિશન રચવું પડેલું.

શાહ અને ભાજપ હેડક્વાર્ટરનું વાસ્તુ
દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય ઓફિસ પહેલાં 11, અશોક રોડ પર હતી. હવે પંડિત દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર ભાજપનું ભવ્ય કાર્યાલય બનાવવામાં આવ્યું છે. જોકે, દિલ્હીમાં ચાલતી ચર્ચા પ્રમાણે દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર કાર્યાલય શિફટ કર્યા પછી ભાજપને ઘણી ચૂંટણીમાં હાર મળી છે. એમ કહેવાય છે કે રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ હવે ફરીથી 11, અશોક રોડ પરના કાર્યાલયમાં બેસવાનું વિચારી રહ્યા છે. કાર્યાલયનું વાસ્તુ પણ પંડિતને બતાવવામાં આવ્યું છે.

મિયાં–બીબી રાજી છતાં વાંધો કાજીને! ‘ધર્મમાં આસ્થા નથી, પત્નીને છોડી દો’ઇજિપ્તમાં અબુ ઝૈદ નામના એક પ્રોફેસરને કોર્ટે પરાણે છૂટાછેડા આપ્યા. વર-વહુને એકબીજા સામે જરાય વાંધો નહોતો. છતાં કોર્ટે ચુકાદો આપ્યો કે અબુએ ઇબ્તિહાલને છૂટાછેડા આપવા જોઈએ. શું કામ? કારણ કે અબુ ઝૈદનાં કેટલાંક જાહેર લખાણો પરથી અમુક રૂઢિચુસ્ત મુસ્લિમોને એવું લાગ્યું કે અબુ મિયાંને ધર્મમાં આસ્થા નથી. એક વકીલે સામે ચાલીને કોર્ટમાં કેસ દાખલ કર્યો કે ઇસ્લામમાં જેને વિશ્વાસ ન હોય તેવા પુરુષની પત્ની તરીકે મુસ્લિમ સ્ત્રી ન રહી શકે. કોર્ટે આ દલીલ માન્ય રાખીને અબુ-ઇબ્તિહાલના છૂટાછેડા જાહેર કરી નાખ્યા. પછી તો આ દંપતી દેશ છોડીને ભાગ્યું, કારણ કે દેશમાં રહેવામાં જાનનું જોખમ હતું. જ્યારે જ્યારે કોર્ટ દ્વારા અપાયેલા વિચિત્ર અને ગળે ન ઊતરે એવા ચુકાદાની ચર્ચા થશે ત્યારે આ કિસ્સો પણ તરત જ યાદ કરવામાં આવશે. ખરું ને?
vikramvakil @rediffmail.com

X
article by vikrami vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી