ઈધર-ઉધર / અડવાણીનો ‘વિદાય' લેખ, ખરેખર કોણે લખ્યો હતો?

article by vikram vakil

વિક્રમ વકીલ

Apr 21, 2019, 05:04 PM IST

ઢળતી ઉંમરે જે રીતે લાલકૃષ્ણ અડવાણીએ સક્રિય રાજકારણમાંથી જવું પડ્યું એની ઘણી ચર્ચા થઈ છે. મુરલી મનોહર જોશીએ ટિકિટ કપાતાં પોતાના મતદારોને સંબોધીને પત્ર લખેલો જ્યારે ગાંધીનગરથી ટિકિટ કપાયા પછી અડવાણીએ એક વિવાદાસ્પદ બ્લોગ (લેખ) લખ્યો હતો. જાણકારોનું કહેવું છે કે આ લેખની ભાષા લાલકૃષ્ણ અડવાણીની નથી. એક સમયે અડવાણી અને વાજપેયીનાં ભાષણો લખતા કટ્ટર ડાબેરી પત્રકારે આ બ્લોગ લખ્યો હોવાનું કહેવાય છે. આ પત્રકાર આજકાલ કોંગ્રેસની ખૂબ નજીક છે અને હંમેશાં પાકિસ્તાન તરફી રહ્યા છે. કેટલાક રાજકીય નિરીક્ષકોને નવાઈ લાગે છે કે, જે વ્યક્તિની સલાહને કારણે અડવાણી જતી ઉંમરે બદનામ થયા એ હજી સુધી અડવાણીની નજીક કઈ રીતે છે? આને અડવાણીની બાલિશતા કહીશું કે પેલા પત્રકારની ‘ચાણક્ય' બુદ્ધિ?

ભાજપને સારા અંગ્રેજી લેખક-અનુવાદકની જરૂર છે
ભાજપના ચૂંટણીઢંઢેરાની અંગ્રેજી આવૃત્તિ જોયા પછી દિલ્હીના પત્રકારો એની મજાક ઉડાડી રહ્યા છે. ઢંઢેરાના કન્ટેન્ટ માટે નહીં, પરંતુ અંગ્રેજી ભાષાની જે ‘હત્યા' થઈ છે એ માટે! મેનિફેસ્ટોમાં લખાયેલું લખાણ કોઈ સરકારી બાબુએ લખ્યું હોય એવી ભાષા છે. આ ઉપરાંત વાક્યરચનાની ગંભીર ભૂલો પણ છે. ઉદાહરણ તરીકે, ‘સ્ત્રીઓ સામે અપરાધ કરનારાઓને સજા કરવા માટે કાયદામાં ફેરફાર કરીશું.' જેવી વાતનું વિચિત્ર ભાષાંતર એવું કરવામાં આવ્યું છે કે, ‘સ્ત્રીઓ સામે અપરાધ કરી શકાય એ રીતે કાયદામાં કડક ફેરફાર કરીશું!'અનુવાદ એક અઘરી કળા છે કબૂલ, પરંતુ તેનાથી અર્થનો અનર્થ તો ન થવો જોઈએ ને?

ડોન બ્રેડમેન અપાર લોકપ્રિયતાના સ્વામી
ક્રિ કેટ વિશ્વના ઓલટાઇમ શ્રેષ્ઠ બેટ્સમેન ગણાતા ડોન બ્રેડમેનના ચાહકવર્ગનો કોઈ પાર નહોતો. એને કારણે ઓસ્ટ્રેલિયાનું ટપાલખાતું પણ બહુ ઉદાર રહેતું. એક વખત ઇંગ્લેન્ડથી એક પત્ર આવ્યો હતો અને એના પર બ્રેડમેનનું સરનામું લખવાને બદલે લખ્યું હતું : ‘ટુ ડોન બ્રેડમેન, ઓસ્ટ્રેલિયા – પ્લીઝ હેલ્પ મી. આઇ ડોન્ટ નો ધ એડ્રેસ.' કહેવાની જરૂર નથી કે એ પત્ર બ્રેડમેનના ઘેર બરાબર પહોંચી ગયો. તેઓ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા એ પછી પણ એમના ઘેર ચાહકોના પત્રોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. ભારતમાંના ચાહકો તરફથી એમને અઢળક પત્રો મોકલાતા હતા. બ્રેડમેને કલકત્તાના બે પત્રકારો – દેબાશિષ દત્તા અને ગૌતમ ભટ્ટાચાર્યને ઇન્ટરવ્યૂ આપ્યો હતો.

માનવભક્ષી યુવાનનું કબૂલાતનામું
‘હું માનવભક્ષી (કેનિબલ) છું અને માનવભક્ષી હોવાનો મને ગર્વ છે. માનવનું ભક્ષણ કરવું તે અમારી વંશપરંપરા છે અને મને લાંબો સમય માનવીનું માંસ ખાવા ન મળે તો ઘૂરીઓ ચડવા માંડે છે.' આ શબ્દો છે યુગાન્ડાના યુવાન સાન્ડે સેરવાદાના. એક કબ્રસ્તાનમાં પેશકદમી કરવાનો એના પર આરોપ મૂકવામાં આવ્યો ત્યારે યુગાન્ડાની લુવીરો કોર્ટ સમક્ષ આ રીતે એ પોતાનો બચાવ કરી રહ્યો હતો. ‘અમારા કુટુંબમાંથી આજ સુધીમાં કોઈએ કોઈનું ખૂન કર્યું નથી.' તો સાન્ડેનું કુટુંબ ક્યાંથી માનવમાટી લઈ આવે છે? તેઓ કબ્રસ્તાનમાં જઈને કોઈની તાજી કબર ખોદીને મૃતદેહને કાઢીને ખાય છે.

શું તમે જાણો છો? સ્પેનના ‘ગોવિંદા' પણ માનવ ટાવર રચે છે!
ગોવિંદાઓ માનવટાવર રચે એ મુંબઈનો એકાધિકાર નથી. સ્પેનમાં પણ આ પ્રકારનો એક રિવાજ છે. સ્પેનમાં આ પરંપરા 200 વર્ષથી ચાલી આવે છે. આ પ્રકારનો ટાવર રચનારા જુવાનિયાઓની વિશેષ ટોળકીઓ હોય છે. આ ટોળકીઓને કોલાના નામે ઓળખવામાં આવે છે. સ્પેનમાં આવી 58 કોલા છે અને તેમાં કુલ 10,000 સભ્યો છે. થોડા વર્ષથી આ પ્રવૃત્તિનું ટીવી પર જીવંત પ્રસારણ શરૂ થયું છે ત્યારથી આ પરંપરામાં વધુ જુસ્સો આવ્યો છે. આપણે ત્યાં જન્માષ્ટમીના પાવન પર્વે ગોવિંદાઓ મટકીફોડ કરતા હોય છે, તેમ સ્પેનમાં પણ વિશેષ તહેવાર નિમિત્તે માનવ ટાવર રચવાની સ્પર્ધા થાય છે.
vikramvakil @rediffmail.com

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી