દીવાન-એ-ખાસ / કોંગ્રેસનું લાંબા ગાળાનું આયોજન કે મજબૂરી?

article by vikram vakil

વિક્રમ વકીલ

Apr 10, 2019, 03:24 PM IST

એમ કહેવાય છે કે ચૂંટણી અને ક્રિકેટની મેચમાં છેલ્લી ઘડી સુધી ચોક્કસ ભવિષ્યવાણી થઈ શકે નહીં. લોકસભાની ચૂંટણીને આડે હવે થોડા દિવસો જ રહ્યા છે ત્યારે શરૂઆતના સર્વે એવું બતાવી રહ્યા છે કે એન.ડી.એ.ની સરકાર બનવાના ચાન્સ વધુ છે. જોકે, ભૂતકાળમાં ઘણી ચૂંટણીમાં સર્વે રિપોર્ટ્સ કે ઓપિનિયન પોલ ખોટા પડ્યા છે. આ લોકસભાની ચૂંટણીમાં હંમેશની જેમ મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. થોડા દિવસ પહેલાં એમ લાગતું હતું કે એક તરફ ભાજપ અને બીજી તરફ મોટા ભાગના વિરોધ પક્ષોનો સમૂહ છે. ચૂંટણી જેમ નજીક આવી તેમ ધીરે ધીરે લાગવા માંડ્યું કે મહાગઠબંધનનો જે પ્રચાર થતો હતો તેનું સુરસુરિયું થઈ ગયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું એનાથી કેટલાંક સમીકરણો બદલાઈ ગયાં છે. ભાજપના ટેકેદારો કહી રહ્યા છે કે અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાનીની સામે ટક્કર લેવા નહીં માગતા હોવાથી રાહુલ ગાંધીએ દક્ષિણ ભારત પર નજર ઠેરવી છે. વાયનાડની બેઠક કોંગ્રેસ માટે સલામત હોવાનું કહેવાય છે, કારણ કે અહીં હિન્દુ મતદારો કરતાં મુસ્લિમ–ખ્રિસ્તી મતદારોની સંખ્યા વધારે છે. આની સામે કોંગ્રેસ એવું ઠસાવવાનો પ્રયાસ કરે છે કે વાયનાડની બેઠક કેરળ, કર્ણાટક અને તમિલનાડુની સરહદને અડીને આવી હોવાથી આ ત્રણે રાજ્યોમાં કોંગ્રેસને વધુ બળ મળશે.

  • 2019માં કોંગ્રેસ સત્તા નહીં મેળવે, તો પણ જમીની સ્તરે મૂળિયાં મજબૂત કરી કોઈના બ્લેક મેઇલિંગનો ભોગ બન્યા વગર 2024માં સત્તા કબ્જે કરી શકાય

રાહુલ ગાંધીએ વાયનાડથી ચૂંટણીમાં ઊભા રહેવાનું નક્કી કર્યું એની સામે સૌથી મોટો વાંધો સામ્યવાદીઓને પડ્યો છે. ભૂતકાળમાં આ બેઠક પર કોંગ્રેસે ભવ્ય વિજય મેળવ્યો છે. કેરળમાં આ બેઠક કોંગ્રેસ માટે સલામત બેઠક ગણાય છે અને આ બેઠક પરથી ચૂંટણી જીતવા માટે સીપીઆઇએ પણ ઘણા પ્રયત્નો કર્યા છે. જોકે, 2014માં સીપીઆઇની મતસંખ્યા ઘણી ઘટી ગઈ હતી. સીપીઆઇને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસે રાહુલ ગાંધીને વાયનાડથી ઊભા રાખીને સીપીઆઇને સીધી ચેલેન્જ આપી છે. કોંગ્રેસને એવું લાગે છે કે આ બેઠક પર ડાબેરીઓ અને ભાજપ વચ્ચેના જંગમાં કોંગ્રેસને સીધો ફાયદો થશે. રાહુલ ગાંધી વાયનાડથી ઊભા રહ્યા એમાં ભાજપે કંઈ ગુમાવવાનું નથી, પરંતુ આજે દેશમાં સામ્યવાદીઓ ફક્ત કેરળમાં જ સત્તા પર છે ત્યારે એમને લાગ્યું કે કોંગ્રેસ એમને સીધી ચેલેન્જ આપી રહ્યું છે. કેરળના મુખ્યમંત્રી પી. વિજયને તેમજ સીપીઆઇ(એમ)ના પ્રકાશ કરાત અને સીપીઆઇના ડેન્યલ રાજાએ ખૂબ ઉગ્રપણે કોંગ્રેસ વિરુદ્ધ પ્રતિક્રિયા આપી. રાજાએ કહ્યું ‘કોંગ્રેસનો મુખ્ય દુશ્મન કોણ છે? ભાજપ કે ડાબેરી? એક તરફ રાહુલ ગાંધી ચોકીદાર સામે પ્રચાર કરી રહ્યા છે અને બીજી તરફ મહાગઠબંધનના એક પક્ષ સીપીઆઇને પણ હરાવવાની કોશિશ કરશે. આ કેવી રીતે ચાલે?’ પ્રકાશ કરાતે તો ત્યાં સુધી કહ્યું કે કોંગ્રેસે રાહુલ ગાંધીને આ બેઠક પર ઊભા રાખ્યા હોવાથી હવે તેઓ કોઈ પણ ભોગે કોંગ્રેસને હરાવવાનો પ્રયત્ન કરશે.
એમ મનાતું હતું કે મહાગઠબંધનમાં કોંગ્રેસ અને ડાબેરીઓ મુખ્ય સાથીદાર છે ત્યારે દક્ષિણ ભારતમાંથી રાહુલ ગાંધીના ચૂંટણી લડવાના નિર્ણયને કારણે હવે ડાબેરીઓ કોંગ્રેસ સાથે આંખ મેળવવા પણ તૈયાર નથી. બીજી તરફ દિલ્હીમાં પણ અરવિંદ કેજરીવાલના વિચિત્ર સ્વભાવને કારણે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાને બદલે સ્વતંત્ર રીતે જ ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. કોઈ મનોરોગી યુવાન એને ગમતી યુવતીના એકપક્ષીય પ્રેમમાં પડીને એની પાછળ લાગી જાય એ રીતે અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને પોતાના પ્રેમમાં પાડવા ઘણા ધમપછાડા કર્યા, પરંતુ કોંગ્રેસે પોતાની રીતે જ દિલ્હીની સાતેસાત બેઠકો પરથી પોતાના ઉમેદવાર ઊભા રાખવાનું નક્કી કર્યું. કેજરીવાલ તો હરિયાણામાં પણ કોંગ્રેસ સાથે જોડાણ કરવા માગતા હતા, પરંતુ કોંગ્રેસે એમનું એ સપનું પણ ભંગ કરી નાખ્યું છે. મહાગઠબંધનની શરમ રાખ્યા વગર કોંગ્રેસે કેજરીવાલને અંગૂઠો બતાવી દીધો, સાથે સાથે કેજરીવાલની હેસિયત પણ બતાવી દીધી.
એ જ રીતે પશ્ચિમ બંગાળમાં પણ કોંગ્રેસે કોઈ પક્ષ સાથે ગઠબંધન કર્યું નહીં. પશ્ચિમ બંગાળમાં સીપીઆઇ (એમ)ના નેતાઓને કોંગ્રેસના નિર્ણયથી ખૂબ આઘાત લાગ્યો. બીજી તરફ કોંગ્રેસે મમતાને પણ ખાસ કોઈ ભાવ આપ્યો નહીં. આમ આદમી પાર્ટીના સંયોજક ગોપાલ રાયે ભડકીને કહ્યું કે, ‘ભાજપની સરમુખત્યારશાહી સરકારને ઊખેડી નાખવાનો પ્રયત્ન કરવાને બદલે એમ લાગે છે કે જ્યાં જ્યાં બીજેપી સામે મજબૂત પ્રતિસ્પર્ધી હોય એમના મત પણ કોંગ્રેસ તોડવા માગે છે. દિલ્હી, પશ્ચિમ બંગાળ અને કેરળ ઉપરાંત ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં પણ કોંગ્રેસે ભાજપ વિરોધીઓની માંગણી સાંભળી નથી.’
માની લઈએ કે ઉત્તરપ્રદેશમાં પહેલેથી જ માયાવતી અને અખિલેશ યાદવ કોંગ્રેસને ત્રીજું સ્થાન આપવા માગતાં હતાં એટલે એમની શરતો સાથે કોંગ્રેસ સહમત નહીં જ થાય. બે મહિના પહેલાં જ્યારે મહાગઠબંધનના નેતાઓ એક જ સ્ટેજ પર આવ્યા ત્યારે ચંદ્રાબાબુ નાયડુથી માંડીને મમતા બેનર્જીને સપનામાં પણ વડાપ્રધાનની ખુરશી દેખાઈ રહી હતી. ચંદ્રાબાબુ કે અખિલેશ જાહેરમાં ભલે એમ કહેતા હોય કે એમને વડાપ્રધાન બનવામાં કોઈ રસ નથી, પરંતુ કોંગ્રેસની થિંકટેન્ક જાણતી જ હતી કે લાગ મળતાં જ લાલુથી માંડીને કેજરીવાલ સત્તા માટે કોઈ પણ હદે જઈ શકે એમ છે.
હવે કેટલાક રાજકીય નિરીક્ષકોને પ્રશ્ન થાય કે કોંગ્રેસ શા માટે સત્તાની કેકનો નાનકડો ટુકડો મેળવીને ખુશ રહેવાને બદલે એક રાષ્ટ્રીય પક્ષને છાજે એ રીતે પોતાની મરજીથી સાથીદારો પસંદ કરી રહી છે? ઉત્તર પ્રદેશમાં પક્ષના કાર્યકરો સાથે સંવાદ કરતાં પ્રિયંકા વાડરા ગાંધીએ એમ કહ્યું હતું કે, ‘2022(વિધાનસભાની)ની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છીએ એમ માનીને જ કામ કરજો.’ પ્રિયંકાના આ વિધાનથી કોંગ્રેસના ઉદ્દેશ વિશે ગુસપુસ ચાલુ થઈ ગઈ હતી.
એમ મનાય છે કે આપથી માંડીને ડાબેરી પક્ષો સુધીનાઓને કોંગ્રેસે ખાસ જગ્યાએ લાત એટલે મારી કે કોંગ્રેસનું ધ્યેય 2019 નહીં, પરંતુ 2024 છે.
છેલ્લા કેટલાંક વર્ષોથી નાના-મોટા પ્રાદેશિક પક્ષો સાથે ચૂંટણી જોડાણ કરવાને કારણે કોંગ્રેસે લાંબાગાળાનું નુકસાન ભોગવ્યું છે. કોંગ્રેસ હવે ફરીથી આ ભૂલ કરવા માગતું નથી. 2019માં ઓછી બહુમતીવાળી મહાગઠબંધનની સરકાર સત્તામાં હોય એના કરતાં નબળી એનડીએ સરકાર સત્તા પર હોય એ કોંગ્રેસના ભવિષ્ય માટે વધુ બહેતર છે. એમ મનાય છે કે 2019માં કોંગ્રેસ સત્તા પર નહીં હોય તો પણ કાર્યકર્તાઓના વધેલા ઉત્સાહ અને જમીની સ્તરે મૂળિયાં મજબૂત કરવાથી 2024ની લોકસભા ચૂંટણીમાં 10 વર્ષની એન્ટિઇન્કમબન્સીનો ફાયદો મેળવીને સત્તા કબજે કરી શકે. ભૂતકાળની જેમ બીજા મગતરા જેવા પક્ષોના બ્લેક મેઇલિંગનો ભોગ બન્યા વગર કેન્દ્રસ્થાને બેસી શકાય. ભાજપે પણ ભૂતકાળમાં આમ જ કર્યું હતું. જોકે, બીજી તરફ કેટલાકનું એમ પણ માનવું છે કે લાંબો સમય સત્તાથી દૂર રહેનાર પક્ષના કાર્યકરો એ પક્ષથી દૂર થઈ જાય છે. ભાજપની વાત આપવાદરૂપ એટલા માટે છે કે ભાજપના કાર્યકરો એક ચોક્કસ વિચારધારાને વળગેલા છે.
કોંગ્રેસ જે પ્રમાણે નિર્ણય લઈ રહી છે એ જોતાં એ જાણવું અઘરું છે કે કોંગ્રેસનું આ લાંબાગાળાનું આયોજન છે કે મજબૂરી?

[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી