દીવાન-એ-ખાસ / શા માટે ઈરાનનું ભવિષ્ય ઉજ્જ્વળ છે?

article by vikram vakil

વિક્રમ વકીલ

Mar 05, 2019, 03:21 PM IST

થોડા સમય પહેલાં વિદેશ પ્રવાસ દરમિયાન સિટી ટૂર વખતે બસની બાજુની બેઠક પર એક હેન્ડસમ વિદેશી યુવાન અને એનો સાત-આઠ વર્ષનો મીઠડો દીકરો બેઠાે હતાે. બંને ફાંકડા અંગ્રેજીમાં વાતો કરતા હતા. ઔપચારિક વાત કરતાં ખબર પડી કે બાપ-બેટા ઈરાનથી વેકેશન મનાવવા માટે આવ્યા છે. બપોરે લન્ચમાં સાથે બેઠા ત્યારે એ બંનેએ પણ મારી સાથે શુદ્ધ શાકાહારી ભોજન જ પસંદ કર્યું. યુવાનના કહેવા પ્રમાણે ઈરાનમાં પણ તેઓ મોટેભાગે વેજિટેરિયન ખોરાક જ પસંદ કરે છે, અલબત્ત, ત્યાંના ટેસ્ટનો! યુવાને ભારત વિશે ઘણી પૂછપરછ કરી અને પૂછયું કે એને ભારત ફરવા આવવાની ઘણી ઇચ્છા છે, પરંતુ શું ભારતની સરકાર એમને વિઝા આપશે? મેં હસી પડતાં કહ્યું કે ચોક્કસ, શા માટે નહીં! ઈરાનના વિશ્વવિખ્યાત ફિલ્મકાર મજીદ મજીદી વિશે મેં પૂછયું તો એણે એનું નામ નહોતું સાંભળ્યું, પરંતુ અમિતાભ બચ્ચનને જાણતો હતો અને અમિતાભની ફિલ્મો પણ ઈરાનમાં જોઈ હતી! ખૂબ જ લાગણીશીલ બાપ-બેટા સાથે આખો દિવસ પસાર કરવાની ખૂબ મજા આવી. ખૂબ વાતો થઈ.
આ કિસ્સો યાદ આવવાનું કારણ એ છે કે જે દિવસે આપણે ત્યાં પુલવામામાં આતંકવાદી હુમલો થયો એ જ દિવસે ‘જૈશ-અલ-અદલ’ (આર્મી ઓફ જસ્ટિસ) નામના આતંકવાદી સંગઠને ઈરાનમાં પણ એ જ પ્રકારનાે હુમલો કરીને ઈરાનના 27 સુરક્ષા જવાનોને હણી નાખ્યા હતા. હુમલો કરનાર આ આતંકવાદી સંગઠનને પોશનાર પણ પાકિસ્તાન હતું અને ઈરાને પણ પાકિસ્તાનને ગંભીર ચેતવણી આપી હતી.

  • હવેની નવી જનરેશન ઇરાનની સૌથી મોટી મૂડી છે. આ જનરેશન કોઈ તાલિબાની સત્તાને લાંબો સમય ચલાવી લે એવું નથી

ઈરાન વિશે ફક્ત આપણા દેશમાં જ નહીં, પરંતુ વિશ્વ આખામાં અનેક પ્રકારની ગેરસમજો છે. ઈરાન એટલે કટ્ટર મુલ્લાઓથી ભરેલો દેશ. ત્યાંના પુરુષો લાંબો ઝબ્બો અને મહિલાઓ મોં ઢંકાય એવા બુરખાનો પહેરવેશ પહેરીને જ ઘરબહાર નીકળતા હશે વગેરે વગેરે. હા, એ વાત સાચી છે કે આશરે લગભગ ત્રીસ વર્ષ પહેલાં કટ્ટરવાદી આયાતોલ્લાહ ખોમેની સત્તા પર આવ્યા પછી ઘણા રૂઢિચુસ્ત કાયદાઓ બનાવી એનો અમલ કરાવવાનું ચાલુ કર્યું એની અસરો આજ સુધી ચાલુ છે. ખોમેનીએ સત્તા સંભાળી એ પહેલાં ઈરાનનાં સ્ત્રી-પુરુષો, કદાચ યુરોપના કોઈપણ દેશ જેટલાં જ આધુનિક હતાં. જોકે, છેલ્લાં થોડા વર્ષોથી ઈરાનમાં ફરીથી મુક્ત હવાની લહેર આવવાની ચાલુ થઈ છે. હાલના પ્રમુખ હસન રુહાની પણ કંઈ ખાસ લિબરલ નથી, પરંતુ ઈરાનિયન પ્રજા, ખાસ કરીને ઈરાનના યુવાનો, ધીમે ધીમે કટ્ટરતા સામે માથું ઊંચકવા માંડ્યા છે.
યુટ્યૂબ પર જઈને જો તમે આધુનિક ઈરાન વિશેની કોઈ વિદેશીએ બનાવેલી ડોક્યુમેન્ટરી જોશો તો દંગ રહી જશો. હા, હજી પણ યુવતીઓએ જાહેરસ્થળે માથા પર સ્કાર્ફ બાંધવો પડે છે કે અપરિણીત યુવક-યુવતીઓને જાહેરસ્થળે એકલાં મળવાની છૂટ નથી, પરંતુ કેટલાંય યુવક-યુવતીઓ આવા કાયદાનો ડર વગર ભંગ કરી રહ્યાં છે. કોલેજમાં ભણતી યુવતીઓ ગાર્ડનમાં હુક્કાના કશની મજા વારાફરતી લઈને બિન્ધાસ્ત એનું શૂટિંગ પણ કરવા દે છે. રસ્તા પર ફરતી મોરલ પોલીસને સતાવવા ટાઇટ જીન્સ-ટીશર્ટ પહેરેલી યુવતીઓ માથાનો સ્કાર્ફ થોડી ક્ષણો માટે કાઢીને ખુલ્લા વાળે સેલ્ફી લઈ લે ત્યારે પેલો પોલીસ સમસમીને જોઈ રહે છે. ઈરાનમાં સ્ત્રીઓ જાહેરમાં ગીત ગાઈ શકતી નથી કે ડાન્સ કરી શકતી નથી, ત્યારે 7-8 બહેનપણીઓ ત્યાંના તહેરાન જેવા શહેરના રસ્તાઓ પર કોઈપણ પરવા કર્યા વગર મોબાઇલ પર વાગતા અંગ્રેજી મ્યુઝિક પર ડાન્સ કરી લે છે!
આજે ઈરાનમાં યુવાનોનું ચલણ છે એમ કહેવામાં વાંધો નથી. ઈરાનની 8 કરોડની વસ્તીમાંથી 35 ટકા વસ્તી 15થી 29 વર્ષનાં યુવાન-યુવતીઓની છે. 97 ટકા લોકો શિક્ષિત છે. પુરુષો કરતાં પણ યુનિવર્સિટીના શિક્ષણમાં યુવતીઓની સંખ્યા વધારે છે અને દેશના ડોક્ટર, વકીલ, એન્જિનિયર કે મેનેજમેન્ટ જેવા ક્ષેત્રે મહિલાઓનો ડંકો વાગે છે. ઇન્ટરનેટ પર જાતજાતના પ્રતિબંધ હોવા છતાં ઈરાનમાં ઇન્ટરનેટના ઉપયોગનું પ્રમાણ વસ્તીના પ્રમાણે વિશ્વના બીજા કોઈ દેશ કરતાં ઊતરતું નથી. ટેક્નોલોજીથી માંડીને વિશ્વના બીજા દેશોમાં શું ચાલી રહ્યું છે એની જાણકારીમાં ઈરાનીઓ કોઈથી પાછળ નથી.
મોટી નવાઈની વાત એ છે કે મુલ્લાઓએ લાદેલા તાલિબાની કાયદાઓને સ્વીકારવાના બદલે યુવાન ઈરાનીઓ સતત એનો ભંગ કરવા માટે તાલાવેલ રહે છે અને ખુલ્લેઆમ શાસકોનો વિરોધ કરવાની પણ હિંમત કરે છે. મરિયમ રાજાવી નામની આધુનિક મહિલા ઈરાનના મુલ્લા શાસકો સામે અવાજ ઉઠાવવા દર વર્ષે પેરિસમાં સંમેલનનું આયોજન કરે છે અને એને સાંભળવા માટે 1 લાખ જેટલા ઈરાનીઓ વિશ્વભરમાંથી ભેગા થાય છે.
યુવાનોની વધતી વસ્તી વચ્ચે ઈરાનમાં એક નવી સમસ્યા ઊભી થઈ છે. અપરિણીત યુવાન-યુવતીઓ જાહેરમાં એકલા મળી નહીં શકતાં હોવાથી 25થી 29 વર્ષના અપરિણીત યુવાન-યુવતીઓની સંખ્યા વધી રહી છે. આનું નિરાકરણ લાવવા માટે કેટલીક મુસ્લિમ મહિલાઓએ ખાનગી મેરેજ બ્યૂરો શરૂ કર્યા છે, જ્યાં નામ નોંધાવનાર યુવાન-યુવતીઓને રૂબરૂ બોલાવી મેળાપ કરાવી આપવામાં આવે છે. શરૂઆતમાં શાસકોએ આવા મેરેજ બ્યૂરો સામે વાંધો લીધો હતો, પરંતુ ‘યુવાબ્રિગેડ’નો રોષ પારખી જઈ છૂટ આપવી પડી. તાલિબાની માનસિકતાવાળા મુલ્લા શાસકોથી ઈરાનના યુવાનો ડરતા નથી. થોડા સમય પહેલાં 30 વર્ષની ઉંમરના એક સંગીતકારનું મોત કેન્સરને કારણે થયું. વાયબર નામની એપને ઈરાનમાં પરવાનગી આપવામાં આવી છે. પેલો સંગીતકાર ખાસ લોકપ્રિય ન હોવા છતાં વાયબર મારફતે આખા દેશમાં સંદેશો ફરી વળ્યો કે સરકારની બેદરકારીને કારણે એના કેન્સરની સારવાર શક્ય બની નહોતી. ગણતરીના કલાકોમાં જ દેશભરનાં મોટાં શહેરોમાં લાખો યુવાન-યુવતીઓ રસ્તા પર ઊતરી પડ્યા અને સત્તાધીશોએ તપાસ સમિતિ નીમવાનો હુકમ આપવો પડ્યો!
ઈરાનની મોરલ પોલીસે ત્યાંની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ખૂબ કડક નિયંત્રણો લાદ્યાં છે. ફિલ્મ બનાવતા પહેલાં સત્તાધીશો સમક્ષ સ્ક્રિપ્ટ મંજૂર કરાવવી પડે છે. સરકાર કે ઇસ્લામિક પ્રથા વિરુદ્ધ કંઈ બતાવી શકાતું નથી. ફિલ્મમાં પુરુષ અને સ્ત્રી કેરેક્ટર એકબીજાને અડી શકતાં નથી વગેરે. આમ છતાં વિશ્વની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો ઈરાનમાં બનતી રહે છે. ઈરાનના ફિલ્મમેકરોની નામના વિશ્વ આખામાં છે. જાફર પનાહીની ‘ધ સર્કલ’ અને ‘ક્રિમસન ગોલ્ડ’, મજીદ મજીદીની ‘ચિલ્ડ્રન ઓફ હેવન’, અબ્બાસ કિયાટોસ્તામીની ‘ટેન’ અને ‘અ ટેસ્ટ ઓફ ચેરી’, બાહમદ ધોબાડીની ‘નો વન ન્હોઝ અબાઉટ પર્શિયન કેટ્સ’ જેવી ફિલ્મો વિશ્વમાં બનેલી અતિ ઉત્તમ ફિલ્મોમાં ગણતરી પામે છે. ઈરાન જનારા રડ્યાખડ્યા ટૂરિસ્ટના કહેવા પ્રમાણે સામાન્ય ઈરાનિયન નાગરિક ખૂબ ઉષ્માસભર હોય છે. થોડી ઓળખાણમાં જ તમને એમના ઘરે ભોજનનું આમંત્રણ પણ આપી દે છે. હવેની નવી જનરેશન એમની સૌથી મોટી મૂડી છે. આ જનરેશન કોઈ તાલિબાની સત્તાને લાંબો સમય ચલાવી લે એવું નથી અને ત્યાંના શાસકો વધુ એક ક્રાંતિ માટે તૈયાર નથી. એટલે જ કદાચ ઇરાકનું ભવિષ્ય બીજા ઇસ્લામિક દેશો કરતાં ખાસ્સું ઉજ્જ્વળ છે!
[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી