દીવાન-એ-ખાસ / રાષ્ટ્રવાદી વોર ફિલ્મો બનાવવી ‘પાપ’ છે?

article by vikram vakil

વિક્રમ વકીલ

Jan 30, 2019, 06:31 PM IST

સમજણા થયા પછી સૌપ્રથમ હિન્દી વોર ફિલ્મ જોઈ એનું નામ ‘હકીકત’ હતું. ચેતન આનંદે બનાવેલી મલ્ટિસ્ટાર ફિલ્મમાં મોહમદ રફીએ ગાયેલાં યુદ્ધગીતો સાંભળીને રુવાડાં ઊભાં થઈ જતાં હોવાનું હજી પણ યાદ છે. 1962 દરમિયાન ભારત-ચીન વચ્ચે થયેલા યુદ્ધ અને સરહદ પરના ફૌજીઓ વિશે કથા કહેતી ‘હકીકત’ જોવી એ જાણે એક પ્રકારની ફરજ હોય એમ મનાતું. યાદ રહે, એ યુદ્ધમાં ચીન સામે ભારત બૂરી રીતે હાર્યું હતું.

અપૂરતાં સાધનો, હથિયાર, વોર પોલિસીનો અભાવ કે બરફમાં પહેરવા માટે જવાનો પાસે યોગ્ય જૂતાં પણ નહીં હોવાથી આપણી હાર અપેક્ષિત જ હતી. આમ છતાં ફિલ્મમાં લેખક-દિગ્દર્શકે આપણા જવાનો જે હિંમત અને દાઝથી ચીન સામે લડ્યા, શહીદ થયા એને પાનો ચઢે એ રીતે દર્શાવ્યું હતું.

  • વિકૃત આઇડિયોલોજી પ્રમાણે રાષ્ટ્રહિતની વાત કરવી કે ફિલ્મ બનાવવી એટલે ‘જિંગોઇઝમ’

‘હકીકત’ પછી પણ ‘હિન્દુસ્તાન કી કસમ’થી માંડીને ‘બોર્ડર’ જેવી યુદ્ધ ફિલ્મો આપણે ત્યાં બનતી જ રહી છે, પરંતુ આટલાં વર્ષોમાં કદી આ ફિલ્મોની એ કારણસર ટીકા નથી થઈ કે ફિલ્મો રાષ્ટ્રવાદથી ભરપૂર હતી! થોડા દિવસ પહેલાં ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ નામની વધુ એક આવા જ જોનરની ફિલ્મ બની. પાકિસ્તાનમાં ઘૂસીને કઈ રીતે આપણી સેનાના કમાન્ડો આતંકવાદીઓનો સફાયો કરે છે એ સત્યઘટનાને આધાર રાખીને આ ફિલ્મ બનાવવામાં આવી હતી.

ફિલ્મ સુપરહિટ રહી અને દર્શકોએ ખૂબ વખાણી પણ ખરી. પેટમાં દુખ્યું કેટલાક વક્રદૃષ્ટાઓને. અંગ્રેજી વેબસાઇટ અને અખબારોમાં ફિલ્મ રિવ્યૂ લખનારાઓમાંથી મોટાભાગના કટ્ટર ડાબેરી વિચારસરણી ધરાવે છે અને કેટલાક ભારે ભ્રષ્ટ પણ છે. આવા વિવેચકોએ ઉરી ફિલ્મને એટલા માટે જ ધોઈ નાખી કે એમાં રાષ્ટ્રભક્તિ કે રાષ્ટ્રવાદની વાત હતી.


છેલ્લા કેટલાક સમયથી એક નવા પ્રકારની વિકૃત આઇડિયોલોજી પ્રસારિત થઈ રહી છે. જે લોકો રાષ્ટ્રહિત બાબતે કંઈ બોલે, લખે કે ફિલ્માવે તો એના માટે અંગ્રેજી શબ્દ ‘જિંગોઇઝમ’ વપરાય છે! થોડા વર્ષો પહેલાં અંગ્રેજીના ખેરખાંઓએ પણ કદાચ આ શબ્દ સાંભળ્યો નહીં હોય! ‘જિંગોઇઝમ’ શબ્દનો ગુજરાતીમાં નજીકનો અર્થ ‘આક્રમક વિદેશનીતિ’ કે ‘આક્રમક રાષ્ટ્રભક્તિ’ થાય છે.

દેશના એક એલાઇટ અને કહેવાતા બુદ્ધિજીવી વર્ગની ડિક્શનરીમાં રાષ્ટ્રવાદી કે રાષ્ટ્રપ્રેમી શબ્દ એટલે અધમ કક્ષાની ગાળ! ભાગ્યે જ છાપાં વાંચતાં અને ઇન્ટરનેટ – ટી.વી. ચેનલોથી પણ જોજનો દૂર રહેતા મારા એક કુટુંબીએ ઉરી ફિલ્મ જોઈને ખૂબ વખાણ કર્યાં. મેં એમને કહ્યું કે, એ તો બરાબર, પરંતુ દેશની એક જમાતને આ ફિલ્મ પસંદ નહીં આવે. એમણે આશ્ચર્ય સાથે કારણ પૂછયું એટલે મેં કહ્યું કે આ જમાતને સિનેમેટિક વેલ્યૂ સાથે કંઈ લેવાદેવા નથી, પરંતુ ફિલ્મ રાષ્ટ્રવાદી અને સૈન્યની બહાદુરીની વાત કરતી હોવાથી એમને ‘જિંગોઇસ્ટિક’ લાગશે! મારી વાત સાંભળીને પેલા કુટુંબી જાણે ભૂત ભાળી ગયા હોય એમ મારી સામે જોતા રહ્યા!


દેશની રક્ષા કરતા જવાનો કે દેશની સિદ્ધિનાં ગુણગાન ગાતી ફિલ્મો ફક્ત ભારતમાં જ નહીં, વિશ્વ આખામાં બનતી રહે છે. હોલિવૂડ દર વર્ષે આવી ત્રણથી ચાર મેગા ફિલ્મો બનાવતું રહે છે અને ટિકિટબારી પર આ ફિલ્મો ટંકશાળ પાડતી રહે છે.

આતંકવાદી ઓસામા બિન લાદેનને અમેરિકાના જાસૂસોએ કઈ રીતે શોધ્યો અને ઘરમાં ઘૂસી, મારી નાંખી એની લાશ દરિયામાં ફેંકી દીધી એ ઘટના પરથી સેમી ડોક્યુમેન્ટરી જેવી ફિલ્મ ‘ઝીરો ડાર્ક થર્ટી’ બની હતી અને સમગ્ર વિશ્વએ એને વધાવી લીધી હતી. ‘વ્હેર ઇગલ્સ ડેર’ અને ‘ગન્સ ઓફ નેવેરોન’થી માંડીને બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા–બ્રિટનની વિજયગાથા પરથી સેંકડો અદ્્ભિત વોર ફિલ્મો બની છે અને હજી બનશે. યુદ્ધ મોરચે કે વિદેશનીતિ બાબતે આપણી સફળતાને મમળાવતી ફિલ્મો કે સાહિત્યને ‘જિંગોઇસ્ટિક’ કહીને ઉતારી પાડતી પ્રજાતિ હોલિવૂડની વોર ફિલ્મો ચાટીચાટીને જુએ છે અને એમના પર સ્ટાર્સનો વરસાદ પણ વરસાવે છે.


સિત્તેરના દાયકામાં જર્મનીમાં મ્યુનિક ઓલમ્પિક દરમિયાન ઇઝરાયેલની ફૂટબોલ ટીમનું અપહરણ કરીને તમામ ખેલાડીઓને પેલેસ્ટાઇની આતંકવાદીઓએ મારી નાખ્યા હતા. ઇઝરાયેલના તત્કાલીન વડાપ્રધાન ગોલ્ડા મેરે એક નાની કમાન્ડો ટીમ બનાવી મ્યુનિકમાં હત્યાકાંડનું આયોજન કરનાર આતંકવાદીઓને વિશ્વભરમાંથી શોધી એમને મારી નાખવાનું ખાનગી મિશન આ કમાન્ડોને સોંપ્યું. મોસાદના આ કમાન્ડોએ થોડા સમયમાં જ આ મિશન પાર પાડ્યું. યહૂદી ફિલ્મ દિગ્દર્શક સ્ટીવન સ્પિલબર્ગે આ સમગ્ર મિશન પરથી ફિલ્મ ‘મ્યુનિક’ બનાવી, જેનાં વખાણ આજે પણ થઈ રહ્યાં છે. ચીનમાં એક બેન્ક લૂંટવામાં આવી હતી.

બેન્ક લૂટીને ભાગતી વખતે આ લૂંટારાઓએ કેટલાક પોલીસની હત્યા પણ કરી હતી. મીડિયાએ પોલીસની નબળાઈ પર પસ્તાળ પાડી. હત્યારાઓને પકડવા માટે પોલીસે આયોજન કર્યું. હત્યારાઓના વાવડ મળી ગયા કે તેઓ ક્યાં સંતાયા છે. પોલીસની ટીમ એ સ્થળને ઘેરી લેવા નીકળી ત્યારે પોલીસ ચીફે દરેક પોલીસકર્મીના હેલ્મેટ સાથે રેકર્ડિંગ કરતા કેમેરા ફિટ કર્યા. સંતાયેલા સ્થળેથી લૂંટારુઓને પોલીસે શોધીને ઠાર કર્યા એનું રેકોર્ડિંગ કેમેરામાં કેદ થયું. ઓપરેશન પૂરું થયા પછી પોલીસ ચીફે પ્રેસકોન્ફરન્સ બોલાવીને સમગ્ર રેકર્ડિંગની સીડી મીડિયાને આપી અને ટોણો માર્યો કે, અમારા પોલીસ જવાનોની બહાદુરી જોવી હોય તો આ સીડી જોઈ લેજો અને તમારી ચેનલ પર બતાવજો પણ ખરા!


વિશ્વભરનો નબળો હોય કે સબળો, નાનો હોય કે મોટો દેશ અને એની શાણી પ્રજા દુશ્મન સામેની જીત ગર્વભેર વિશ્વસમક્ષ બતાવી, માથું ઊંચું કરી અભિમાન લે એમાં ખોટું શું છે?


26/11ને દિવસે મુંબઈ પર કરેલા આતંકવાદી હુમલા વિશે દિગ્દર્શક રામગોપાલ વર્માએ એક સુંદર ફિલ્મ ‘ધ એટેક-ઓફ 26/11’ બનાવી હતી. સ્વાભાવિક છે કે, પાકિસ્તાની આતંકવાદીઓએ 300 જેટલા નિર્દોષ નાગરિકોને માર્યા હોવાથી ફિલ્મમાં આતંકવાદીઓનું ચિત્રણ ખરાબ જ થાય. પેલા રિવ્યૂ લેખકે આ પ્રકારની પણ ટીકા લખી હોવાનું યાદ છે : ‘આ વાહિયાત ફિલ્મમાં અજમલ કસાબને વિલન જેવો ચીતરવામાં આવ્યો છે!’ બોલો હવે કંઈ કહેવાનું રહે ખરું?

એ જ રીતે વિવેક અગ્નિહોત્રીએ નકસલવાદની ટીકા કરતી ફિલ્મ ‘બુદ્ધા ઇન ટ્રાફિક જામ’ બનાવી ત્યારે ફિલ્મના મેરિટ કરતાં એની વિચારસરણીને લીધે આ પ્રજાતિએ એને ‘0’ સ્ટાર આપ્યા હતા. મૂળ ગુજરાતી, પરંતુ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક મોટા સ્ટાર એક કાર્યક્રમમાં મળી ગયા ત્યારે મેં એમને ઉપરની વાત કરી હતી, જે એમના પણ ધ્યાનમાં હતી. એમણે સરસ જવાબ આપ્યો હતો : ‘એક જમાનો હતો કે જ્યારે ફિલ્મવાળાઓ આવા કટ્ટરવાદી સેક્યુલરોથી દબાતા કે ગભરાતા હતા.

હવે સોશિયલ મીડિયાની લોકપ્રિયતા પછી આ બધા આતંકવાદ–નકસલવાદ તરફીઓ ઉઘાડા પડી ગયા છે. હવે ઇન્ડસ્ટ્રીમાં એમનો ખોફ ઓછો થઈ રહ્યો છે અને ફિલ્મકાર કોઈના ડર વગર ફિલ્મ બનાવતા થયા છે અને આ ટ્રેન્ડ ચાલુ જ રહેવાનો છે.’

[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી