અંદાઝે બયાં / ડર, ભય, ખોફ કે ફિઅરની દુનિયા ચિત્ત જ્યાં ભયશૂન્ય છે

article by sanjay chell

સંજય છેલ

Feb 20, 2019, 02:26 PM IST

ટાઇટલ્સ
ભય અને ભૂખ, યુનિવર્સલ ભાષાઓ છે!-છેલવાણી
ડર, ભય, ખોફ કે ફિઅર, એ આખરે શું છે?

એક મનોચિકિત્સક ડોક્ટરે એની સામે કાઉચમાં સૂતેલા પેશન્ટને પૂછયું, ‘બોલો મિ. અભય, શું સમસ્યા છે?’
અભય બોલ્યો, ‘સમસ્યા એ છે કે મને દુનિયાની બધી જ ચીજોથી ડર લાગે છે!’ ડો. : પણ શા માટે?
અભય : આવા સવાલોથી પણ ડર લાગે છે!
ડો. : ઓકે, હું સવાલ નહીં પૂછું. તમારે જે કહેવું હોય એ કહો. અભય : શું કહું? બાળપણમાં મોટા થવાનો ડર લાગતો હતો. મોટા થયા પછી બુઢાપાનો ડર લાગે છે. મારા પપ્પા નાનપણમાં કહેતા કે મર્દ માણસ સૂતેલી તકદીરને લાત મારીને જગાડી શકે છે, પણ મને તો લાત મારવામાં પણ ડર લાગે છે! ડો. : કેમ?

  • ઇન્ટરનેટ અને વોટ્સઅેપ પર સમાજમાં સતત ભય જન્માવતા ફેક ન્યૂઝ ફેલાવાય છે

અભય : એમ વિચારીને કે જો હું જોરથી લાત મારું અને પગમાં લાગી જાય તો? હું મારથી ડરું છું, પ્યારથી ડરું છું. દરવાજો ખુલ્લો હોય તો ડરું છું. બંધ હોય તો ડરું છું. અડધો ખુલ્લો હોય તો અડધો ડરું છું. જંગલથી ડરું છું, મંગલથી ડરું છું. મંગલની સાથે સાથે શનિથી ડરું છું. કાતિલ વીંછીથી ડરું છું, કોમળ પીંછીથી ડરું છું. કૂતરાથી બીવું છું, કૂતરાથી બીવાવાળી બિલ્લીથી ડરું છું. બિલ્લીથી ડરનાર ઉંદરથી ડરું છું. બોમ્બથી ડરું છું, બોમ્બથી બચવા જે ખાડામાં છુપાવાનું હોય એની ગૂંગળામણથી પણ ડરું છું. ઝૂંપડાથી ડરું છું, મહેલથી ડરું છું. ગીતથી ડરું છું, ગઝલથી ડરું છું. શૌચાલયથી ડરું છું, સંગ્રહાલયથી ડરું છું. જો હું અહીં વધારે બેસીશ તો ડર વધારે વધશે. હું જાઉં? અભય ઊભો થવા જાય છે. ડોક્ટર એને ફરી ખુરશી પર બેસાડે છે.
ડો. : અરે અરે! અહીંયાં ખુરશી પર બેસો. આરામથી. અભય : ના ના! મને ખુરશીથીયે બીક લાગે છે અને ખુરશી પર બેસનારા નેતાઓથી પણ ડર લાગે છે. ખુરશી તો ઠીક, પણ પલંગથી ડર લાગે છે, દબંગથી ડર લાગે છે. દવાથી ડર લાગે છે. તેજ હવાથી ડર લાગે છે, ધૂળ-માટીનો ડર લાગે છે, કારણ કે ગંદકીથી ડર લાગે છે. ગંદકી દૂર કરવા માટે નહાવાથી ડર લાગે છે, કારણ કે નહાતી વખતે પાણીથી શરદી થઈ જાય તો? એટલે પાણીથી ડર લાગે છે. નહાતાં નહાતાં સાબુ પર લપસીને પડી જઉં તો? એટલે બાથરૂમમાં જતા જ ડર લાગે છે. ડો. : એક્સક્યૂઝ મી વોટ ઇઝ ધેર ઇન યોર ઇનર માઇન્ડ સો ધેટ.
અભય : આવા અઘરા અંગ્રેજીથી ડર લાગે છે. મને બધી ચીજોનો ફોબિયા છે. ઝીરો ફોબિયા, આરો ફોબિયા, આર્ટ ફોબિયા, હોમો ફોબિયા જેવા અંગ્રેજીમાં જેટલા ફોબિયા નામના શબ્દો છે એ બધા મારામાં છે અને એ બધાથી ડર લાગે છે. એક ડોક્ટરે મારાથી કંટાળીને મને સાધુ પાસે મોકલ્યો, પણ ત્યાં સાધુના જ્ઞાનથી ડર લાગવા માંડ્યો, ધ્યાનથી ડર લાગવા માંડ્યો! ભજનથી ભય, ભોજનથી ભય, પાપથી ભય, જાપથી ભય. બસ બસ, ભય વિશે વધુ બોલીશ તો ગળું સુકાઈ જશે તો? એ વાતથી પણ ભય લાગે છે. થોડું પાણી મળશે?

એમ કહીને અભય પાસે પડેલ પાણીનો ગ્લાસ લઈને પીવા જાય છે. ડોક્ટર એને રોકીને કહે છે, ‘અરે! આ પાણી ન પીતા.’ અભય : કેમ? પાણીમાં ગરબડ છે?
ડો. : ના, પણ પાણી મારું એઠું છે એટલે!
અભય : ભલે, પણ કમ સે કમ એમાં ઝેર તો નથી ને?
ડો.: ઓહ ગોડ! અભય : મને ગોડથી ડર લાગે છે, ફ્રોડથી ડર લાગે છે. ડોક્ટર પ્લીઝ કંઈક કરો. ડોક્ટર ઊભો થઈને દવાની બોટલમાંથી ચાર ગોળી કાઢે છે. અભય : ના ના, ગોળી ન આપતા મને ગોળીઓથી ડર લાગે છે. બંદૂકની ગોળી હોય કે દવાની ગોળી, હું ગોળીઓ નહીં જ લઉં!
ડોક્ટર બરાડે છે, ‘શટઅપ! આ ગોળીઓ મારા માટે છે. માથું પકવી દીધું. ગેટ આઉટ!’
અભય ત્યાંથી ચૂપચાપ નીકળી જાય છે. એ માણસનું નામ તો ‘અભય’ હતું, પણ એને મનમાં સતત ભય... ભય... ભય..! ધ્યાનથી વિચારો, આપણા સૌની અંદર નાના-નાના કેટલા ‘અભય’ છુપાઈને બેઠા છે? જેને કશાનો ભય ન હોય એવો માણસ આજે હોવો અસંભવ છે.
ઇન્ટરવલ
જિસ નગરી કા રાજા નઢંગા,
સર્વે લોક ચલે આપ રંગા-અખો કવિ

બુદ્ધ ભગવાન જ્યારે એમના શિષ્યોને વિદાય આપતાં ત્યાં આશીર્વાદ આપતી વખતે બે જ શબ્દ બોલતા,‘નિર્ભય બનજે!’ બુદ્ધ માટે નિર્ભયતામાં ધર્મ છે, ઈશ્વર છે.આપણે સૌ જુદા જુદા ડર, ભય કે ખોફના ડિપાર્ટમેન્ટલ સ્ટોર છીએ. નાનપણમાં ભણતા હોઈએ ત્યારે પરીક્ષાનો ડર, પરીક્ષા પછી રિઝલ્ટનો ડર, પછી બીજી મોટી પરીક્ષાનો ડર, કોલેજના રિઝલ્ટ પછી નોકરીનો ડર, નોકરી પછી પ્રમોશનનો ડર, એ પછી રિટાયરમેન્ટનો ડર. ધંધો કરો તો ધંધામાં ખોટનો ડર, નફો થાય તો એ કમાણી પાછળ ઇન્કમટેક્સનો ડર, આંધળી અમીરીમાં અંડરવર્લ્ડની ધમકીનો ડર. કોઈ ગમી જાય તો એને પ્રપોઝ કરવાનો ડર, પછી પ્રેમ મળે તો બેવફાઈનો ડર, પરણ્યા પછી પતિ કે પત્નીનો ડર, બાળક જન્મે તો એને ઉછેરવાનો ડર, પછી ફરીથી તમારા જ જીવનની સાઇકલ રિપીટ અને આ બધા ઉપર પાછો ઈશ્વરનો ડર, ઈશ્વરમાં ન માનતા હોવ તો હાય હાય આ બ્રહ્માંડમાં કોઈ જ આપણું નથી એ વતનો ડર!
આપણા વ્યક્તિગત ભય ઉપરાંત સમાજ કે દેશમાં, સત્તા દ્વારા ફેલાવવામાં આવતા ભય વિશે ટાગોરની કવિતા ‘ચિત્ત જેથા ભયશૂન્ય’ યાદ આવે છેઃ
‘જયાં ચિત્ત ભયશૂન્ય હોય,
જ્યાં આપણે ગર્વથી માથું ઊંચું
રાખીને ચાલી શકીએ. જ્યાં જ્ઞાન મુક્ત હોય,

જ્યાં નિસદિન વિશાળ પૃથ્વીને ટુકડાઓમાં વિભાજિત કરીને, સાંકડા વધુ ને વધુ સાંકડા આંગણાંઓમાં તોડવામાં ન આવતા હોય. જ્યાં દરેક વાક્ય દિલના ઊંડાણથી નીકળતું હોય,
જ્યાં દરેક દિશાઓથી કર્મનાં અજસ્ર સ્ત્રોત ફૂટતા હોય. જ્યાં મૌલિક વિચારોની સરિતા, તુચ્છ આચારોનાં રણમાં ખોવાતી ન હોય. જ્યાં પુરુષાર્થ સો-સો ટુકડાઓમાં ન વહેંચાયેલો હોય.
હે પ્રભુ! હે પિતા! તમારા હાથ વડે કડક થપાટ મારીને,
સ્વાતંત્ર્ય સ્વર્ગમાં આ સૂતેલા ભારતને જગાડો!
ટાગોરની કલ્પના, નિર્ભય ભારતની કલ્પના હતી, પણ આજે સરકાર તરફી અને વિરોધી એમ બે ભાગમાં વહેંચાઈ ગયેલો સમાજ હોલસેલમાં ભય લેવા વેચવાનું કામ કરે છે. ટાગોર કહે છે, વિશાળ વસુધાને જ્યાં નાના-નાના ટુકડાઓમાં વહેંચવામાં ન આવે, પણ આજે ભાષા કે ધર્મના નામે લોકો દૂર ને દૂર થઈ રહ્યા છે. આજે સમાજમાં ભય વધી રહ્યો છે કે વધારવામાં આવી રહ્યો છે. એકબીજાને ધર્મથી ડરાવીને નેતાઓ કોમવાદની કોદાળી લઈને દેશ તોડી રહ્યા છે.
ચારે બાજુ ચોવીસ કલાક ચૌકન્ના થઈને ઇન્ટરનેટ અને વોટ્સઅેપ પર સમાજમાં સતત ભય જન્માવતા જુઠ્ઠા ફેક ન્યૂઝ ફેલાવાય છે. અમોલ પાલેકર જેવા કલાકારને આર્ટ એક્ઝિબિશનમાં સિસ્ટમ વિરુદ્ધ બોલતા રોકવામાં આવે છે, નયનતારા સેહગલ જેવી લેખિકાને મરાઠી સાહિત્ય સંમેલનમાં આમંત્રણ મોકલીને પછી કેન્સલ કરવામાં આવે છે. બધે ભય છે કે રખેને કોઈકથી કોઈકની ટીકા થઈ જાશે તો? ટાગોરે મૌલિક વિચારોને પનપવાની વાત કરી છે જ્યારે આપણે બધે જોઈ રહ્યા છીએ કે માર્કેટિંગની ભાષા આપણાં મસ્તિષ્કમાં ઠૂંસી ઠૂંસીને ભરવામાં આવી રહી છે. ઉધાર માહિતીના ઝગમગતા ઝેરને ચબરાકિયા શબ્દોમાં શણગારીને બિકાઉ લેખકો-પ્રચારકો આપણા મગજમાં થોપે છે.
આપણે 130 કરોડ લોકો ડરેલા લોકો છીએ. ડરેલી પ્રજા, ડરેલા શાસકો કે ડરાવીને રાખતા શાસકો. વૈદિકઋષિએ પ્રાર્થનામાં કહેલું,‘મિત્રથી અભય, અમિત્રથી અભય, જેને ઓળખીએ છીએ એનાથી અભય, રાત્રે અભય, દિવસે અભય અને બધી દિશાઓ મારી
મિત્ર બને!’
એન્ડ ટાઇટલ્સ
સ્ત્રી: તું ભૂતપ્રેમમાં માને છે?
પુરુષ : છેલ્લાં 200 વર્ષમાં મેં કોઈ ભૂત જોયું નથી.

[email protected]

X
article by sanjay chell

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી