રાગ બિન્દાસ / ડંખ ડેડલી ડિપ્રેશનના: ઇન્સાન તો ઉદાસ,જંગલ પણ ઉદાસ?

article sanjay chhel

સંજય છેલ

Mar 17, 2019, 01:46 PM IST

ટાઇટલ્સ
પોલિટિક્સમાં જૂઠું બોલવું કમજોરી નહીં, પણ અનિવાર્ય કળા છે. (છેલવાણી)

ફ્રાન્સમાં એક માણસ મનોચિકિત્સક પાસે ગયો અને કહ્યું કે આજકાલ એ કારણ વિના બહુ ઉદાસ રહે છે. જીવનમાં એને કશું ગમતું જ નથી!
ડોક્ટરે એને તપાસીને કહ્યું, ‘તમે એકદમ નોર્મલ છો! પાસે થિયેટરમાં મોલિયેર નામના લેખકનાં રમૂજી, ગાંડાંઘેલાં નાટકો ચાલે છે એ જોવા જાવ, બધી ઉદાસી છૂ થઈ જશે’
પેલા માણસે કહ્યું, ‘સાહેબ, એ નાટકોનો લેખક ‘મોલિયેર’ હું પોતે જ જ છું! હવે બોલો!’

ઉદાસી કે ડિપ્રેશનની બીમારી ચેપી રોગ છે. શહેરોમાં તો 100માંથી 120 લોકો ઉદાસ હોઈ શકે છે. સંબંધોમાં પ્રેમ મરી ગયો હોય કે મોબાઇલની બેટરી વારેવારે મરી જતી હોય, કોઈપણ કારણથી ડિપ્રેશન આવી શકે! 10 મિનિટ સુધી લિફ્ટ ન આવે એમાંયે આપણામાં ઉદાસી ઊતરી આવી શકે છે! હોટેલમાં ભજિયાં ઓર્ડર કરો ત્યારે જવાબ મળે કે ભજિયાં ખતમ થઈ ગયાં ત્યારે મનમાં થાય કે આખી દુનિયા ખતમ કેમ ન થઈ ગઈ? એમાંયે સામેના ટેબલ પર કોઈ ચટણીના સબડકા લઈને ભજિયાં ખાઈ રહ્યું હોય ત્યારે ઉદાસ મનમાં ઉગ્ર વિચાર આવે કે સાલાને મારી નાખું! પણ પછી થાય કે કાલે છાપામાં આવશે કે ‘ભજિયાં પત્યા માટે માનવહત્યા’

માનવી તો ઠીક આજકાલ તો પ્રાણીઓ પણ ડિપ્રેશનના ભોગ બન્યાં છે, બોલો! શું પ્રાણી લોકો પણ આપણી જેમ બરાડા પાડતી બિકાઉ ન્યૂઝ ચેનલો જોઈને ડિપ્રેશ થઈ જતાં હશે? કે પછી એ લોકો પણ ચૂંટણી સમયના ઘટિયા રાજકારણની ચિંતા કરતા હશે? સાંભળ્યું છે કે ફ્લેવીઆ નામની 43 વરસની હાથણી સ્પેનના એક પ્રાણીબાગમાં ડિપ્રેશનને લીધે ગયા અઠવાડિયે જ ગુજરી ગઈ! 6 મહિનાથી એ હાથણીએ ઘાસ ખાવાનું છોડી દીધેલું! એ હાથણીને શું એમ થતું હશે કે હું તો માત્ર વેજિટેરિયન જમું છું, તેલ-ઘી વિનાના ઘાસફૂસ ખાઈ ખાઈને જીવું છું તોયે મારું વજન કેમ ઘટતું નથી? હવા ખાઈને જીવીશ તોયે પાતળી નહીં થાઉં? હે ગણપતિ દાદા, ઉપર બોલાવી લો!

ફ્લેવીઆ હાથણીની જેમ જ ત્રણ વરસ અગાઉ મુંબઈનાં નેશનલ પાર્કમાં એક વાઘ ખૂબ ડિપ્રેશ થઈ ગયેલો અને આધુનિક કવિની જેમ એકલો એકલો ઉદાસ બેઠો રહેતો! એ વાઘને તે શેની ઉદાસી હશે? ગઈ કાલે મારી ખાધેલી બકરીનાં અનાથ બચ્ચાંઓ વિશે વિચારીને ઉદાસ થઈ જતો હશે? કે પછી મેટ્રો ટ્રેન માટે નેશનલ પાર્કમાં આડેધડ કપાઈ રહેલાં વૃક્ષોને જોઈને દુ:ખી થતો હશે?
જોકે, અમને તો માણસોની ‘સાઇકોલોજી’ જ સમજાતી નથી તો ‘એનિમલની સાઇકોલોજી’ ક્યાંથી સમજાય? પણ સાંભળ્યું છે કે હતાશ, ઉદાસ વાઘ ત્રણ કિલો માંસમાંથી માંડ 500 ગ્રામ ખાતો અને પછી મોં ફેરવી લેતો! શું એ વાઘને માંસને બદલે માલપૂડા ખાવાની ઇચ્છા થતી હશે? પશુ-ડોક્ટરે વાઘનું બ્લડપ્રેશર ચેક કર્યું, પણ કાંઈ સમજાયું નહીં. હવે એ લોકો વાઘને માણસોના ડોક્ટરો પાસે સેકન્ડ ઓપિનિયન માટે ન મોકલે તો સારું, નહીં તો મુંબઈના ડોક્ટરો જાતજાતના ચેકઅપ કરીને, લાંબું બિલ પકડાવીને વાઘ જેવા વાઘને જીવતો ચીરી નાખશે!

ઇન્ટરવલ :
અપની નીતિયોં મેં હમને સાફ કહા હૈ,
હમને હર ગધે કો બાપ કહા હૈ
(સરોજિની પ્રીતમ)

કહેવાય છે કે મુંબઈના નેશનલ પાર્કમાં અનેક પ્રાણીઓની હાલત વાઘ જેવી જ છે. કદાચ ટ્રાફિક, પોલ્યુશન અને સંઘર્ષથી ત્રાસેલા મુંબઈના ડિપ્રેશ લોકોએ જ પશુઓને ઉદાસીનો ચેપ લગાડ્યો હશે. ચિમ્પાન્ઝીઓથી આપણને એઇડ્ઝનો રોગ મળ્યો, ચિકન કે મચ્છરોથી વાઇરલ જંતુઓ મળ્યા, તો બદલામાં આપણે જાનવરોને ‘ડિપ્રેશન’નો રોગ આપીને હવે હિસાબ ચૂકતે કર્યો!

વિચારો કરો કે આખેઆખા જંગલને જો ઉદાસી ઘેરી વળે તો કેવી હાલત થાય? ચૂંટણી સમયે એક કોંગ્રેસમાંથી બીજેપીમાં કૂદતા નેતાઓની જેમ એક ઝાડ પરથી બીજા ઝાડ કૂદાકૂદ કરતો વાંદરો પણ જંગલમાં ઉદાસ થઈ જતો હશે? જંગલમાં ઉદાસ શિયાળ, ખૂંખાર સિંહને સામે આવતો જોઈને ત્યાંથી ભાગવાને બદલે વિચારશે કે કાલે ‘જંગલ સમાચાર’માં ન્યૂઝ આવશે: ‘બહાદુર બાહોશ સિંહ દ્વારા શિયાળનું ફેક એન્કાઉન્ટર થયું. શિયાળ પર અનેકોની હત્યાના આરોપ હતા. પછી સિંહના શિકારને વાજબી ઠેરવવા લેખકો લખશે કે સિંહે શિયાળનું એન્કાઉન્ટર કર્યું એમાં શું ખોટું છે? શિયાળ કાંઈ સંત નહોતો જ!’ અને આવા વિચારોમાં જ ઉદાસ શિયાળ શરણાગતિ સ્વીકારીને સિંહ દ્વારા સામે ચાલીને હણાઈ જશે!

ઘોડાઓ ડિપ્રેશનને લીધે દોડવાનું છોડી દેશે! ડોક્ટરો માનસિક હેલ્થ માટે જોગિંગ કરવાનું કહેતા હોય છે. હેલ્થવાંછુ માણસોને દોડતા જોઈને ઉદાસ અશ્વો વિચારતા હશે કે, મૂરખાઓ! અમે ઘોડાઓ આટલું દોડીએ છીએ છતાંયે ઉદાસ થઈએ જ છીએને? અને દોડવાથી જો હેલ્થ સુધરતી હોય તો અમે અશ્વો કેમ 100 વરસ સુધી નથી જીવી શકતા? સદાયે ઊંઘતો આળસુ કાચબો કેમ 150-200 વરસ જીવે છે? છે જવાબ?

પાણીમાં તરતી ઉદાસ માછલીઓ ડિપ્રેશનને લીધે આંસુડાં પાડતી હશે, પણ એનાં આંસુઓ પાણીમાં મળી જતાં હશે માટે એની હતાશા કોઈને દેખાતી નહીં હોય. માછલીઓ વિચારતી હશે કે માણસો, ડોક્ટરો ભલે કહેતા હોય કે માછલી ખાવાંથી સેક્સની ઊર્જા વધે છે, પણ અમારી સેક્સલાઇફ વિશે કોઈએ વિચાર્યું છે? તળાવમાં એક પગે ઊભેલો નિરાશ બગલો શેક્સપિરિયરના હેમ્લેટ નામના પાત્રની જેમ વિચારતો હશે: ‘ટુ બી ઓર નોટ ટુ બી? બીજો પગ નીચે મૂકું કે ન મૂકું? જોકે, શું ફરક પડે છે? માણસોમાં કૌભાંડો તો સાધુસંતો કરે છે અને તોયે અમને બગલાઓને બગભગત કહીને કેમ વગોવવામાં આવે છે?’
આ દોરંગી દુનિયામાં મતલબી માણસો ઉદાસ હોય ત્યાં સુધી ઠીક છે, પણ પશુ-પંખી પણ ઉદાસ થવા માંડે ત્યારે ખરેખર ઉદાસ થઈ જવાય.
એંડ ટાઇટલ્સ:
આદમ : મારી અંદરના જાનવરને ન જગાડ!
ઈવ: હું ઉંદરથી નથી ડરતી.

[email protected]

X
article sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી