અંદાઝે બયાં / અથ શ્રી ઇન્કમ ટેક્સમ્: કર્મ-ફળ અને આવક-ટેક્સની ગત ન્યારી!

article by shanjay chhel

સંજય છેલ

Mar 06, 2019, 03:32 PM IST

ઇટલ્સ
પૂરતો ટેક્સ ભરવામાં ભલભલાના દેશપ્રેમની કસોટી થઈ જાય છે-છેલવાણી

Every joke is a hint- અર્થાત્ દરેક જોકમાં એક સંકેત હોય છે. એક દીકરો બાપને પૂછે છે, ‘પપ્પા, પોલીસને હંમેશાં આવતા લેટ કેમ થાય છે? ચોરી થાય તો તરત કેમ નથી આવતા?’ બાપ કહે છે, ‘બેટા, ચોરને કપડાં બદલીને આપણા સુધી આવતા વાર તો લાગેને?’ સી.એ. અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો પણ લગભગ આવો જ સંબંધ છે. કેટલાક સી.એ. તો ઇન્કમ ડિપાર્ટમેન્ટ માટે જ કામ કરતા હોય એવું લાગે અને કેટલાક ઇન્કમ ટેક્સ વિભાગના ઓફિસરો જાણે સી.એ. લોકોની જ નોકરી કરતા હોય એવું લાગે! શમા-પરવાના, છોલે-ભટૂરે, ચોલી-દામન, બીજેપી-શિવસેના જેવો સીએ અને આઇ.ટી. વિભાગનો ગાઢ સંબંધ છે. માર્ચ મહિનો બેસતાં જ દેખાવા માંડે કે સીએ લોકો અચાનક માર્ચ એન્ડિંગ પહેલાં ફટાફટ વર્ષનું એકાઉન્ટિંગ કરવા માંડે. એ જોઈને સ્કૂલના દિવસો યાદ આવી જાય, જેમાં આપણે પરીક્ષાની આગલી રાતે આખો કોર્સ પતાવવા કેવાં વલખાં મારતાં! મોટાભાગના સી.એ. માર્ચ 31 લાસ્ટ ઓવરમાં દોડીને પહેલા રન લેતા હોય છે અને પીદૂડી આપણી નીકળી જતી હોય છે.

  • પ્રેમિકા કે પ્રેમીને દીધેલું દિલ પાછું લેવામાં જેટલા પ્રોબ્લેમ થાય છે, એવા જ પ્રોબ્લેમ ટેક્સના રિફંડ મેળવવામાં પણ થતા હોય છે

પ્રેમીઓ માટે બે જ ઋતુઓ હોય છે: એક મિલનની ઋતુ અને બીજી વિરહની ઋતુ. સામાન્ય ભારતીય નાગરિક માટે ચોમાસુ, ઉનાળો, શિયાળો એમ ત્રણ ઋતુ હોય છે, પણ કમાતી ધમાતી ગુજરાતી વિકસિત પ્રજા માટે બે જ ઋતુ હોય છે: પૈસા કમાવાની ઋતુ અને ટેક્સ ભરવાની ઋતુ. એમાંયે માર્ચ મહિનો થરથર કાંપવાની ઋતુ છે. ‘માર્ચ એન્ડિંગ અને ટેક્સ’ એ વિચારમાત્રથી જ આપણી બેન્કની પાસબુક આપોઆપ કાંપવા માંડે છે. જીવનમાં જેમ કર્મ અને ફળ છે, એમ જીવનમાં આપણે કમાવાનું અને પછી સરકારને આપવાનું હોય છે. સત્યનારાયણની પૂજામાં ગોરમહારાજ જ્યાં-જ્યાં જેમ-જેમ પાણી મૂકવાનું, પુષ્પ ચઢાવવાનું કહે તેમ આપણે ચૂપચાપ કરીએ છીએ. લગભગ આવો જ રિશ્તો અમારો અને સી.એ.નો હોય છે. સી.એ. દ્વારા ફટાફટ આપણને નેશનલ સેવિંગ સર્ટિફિકેટો, વીમા પોલિસીઓ વગેરે પકડાવી દેવામાં આવે છે.
લગ્નના બુફે જમણના કાઉન્ટર પર તમે જોયું હશે કે એક તરબૂચને કોતરીને એમાંથી બતક જેવાે આકાર બનાવવામાં આવે છે, બસ એવી જ આ ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્સ એડજસ્ટમેન્ટની કરામત છે. સી.એ. લોકો કેવું ઝીણું નકશીકામ કરીને આપણી આવક કે નફાને ભયંકર ખોટમાં બદલી નાખે છે! પણ એ માટે એ લોકો આપણને સતત જૂની ચેકબુકો, જૂના હિસાબો વિશે પૂછી પૂછીને લગભગ ગુનેગાર બનાવીને થર્ડ ડિગ્રીનું ટોર્ચર કરી નાખે છે. કહેવાય છે ગૌતમ બુદ્ધને આ જન્મની પ્રેમિકામાં ગયા જન્મની પ્રેમિકાનાં આંસુ યાદ આવતાં! પણ આપણને તો ગયા મહિને ક્યાં કેટલો ખર્ચો કર્યો એય પણ યાદ નથી આવતું, એવામાં સીએ લોકો 11 મહિના પહેલાંનાં બિલ વિશે પૂછે!
માર્ચ એન્ડ આવે એટલે ‘સસ્પેન્સ એકાઉન્ટ’ જેવા શબ્દોથી મારા જેવા અજ્ઞાનીઓ વિચારવા માંડે કે સાલું એવું તે શું સસ્પેન્સ મુજ ગરીબના ખાતા નામની વારતામાં હશે? સુપરહિટ ગુજરાતી નાટ્યલેખક પ્રવીણ સોલંકીએ વરસો સુધી બેન્કમાં નોકરી કરીને ‘કોઈની આંખમાં સાપ રમે’, ‘નસ નસમાં ખૂન્નસ’ જેવાં ટાઇટલવાળાં નાટકો બેન્કમાં બેસીને જ લખ્યાં. માટે અમને હંમેશ થાય છે કે ‘સસ્પેન્સ એકાઉન્ટ’ એવું નામ એના પરથી જ પડ્યું હશે! વળી, માર્ચ એન્ડમાં શબ્દ અચૂક સાંભળવા મળે ‘એચ.યુ.એફ. એટલે કે હિન્દુ યુનાઇટેડ ફેમિલી!’ માર્ચમાં અમને અચાનક પ્રતીતિ થાય કે અરે! હું તો હિન્દુ છું, સંયુક્ત કુટુંબમાં પણ રહું છું! બોલો? સ્મોલ ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ’ અને ‘લોંગ’ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જેવા શબ્દો સાંભળીને અમને તો નાની ચડ્ડી અને લાંબું પેન્ટ જેવાં પ્રતીકો સૂઝે! (આમાં કોઈ રાજકીય કટાક્ષ નથી હોં!) વળી, ટેક્સ બચાવવા એટલી બધી વીમા પોલિસીઓ દર વર્ષે પકડાવવામાં આવે કે આપણે 84 લાખ ફેરા કરી પાછા જન્મીએ તોયે આપણી વીમા પોલિસીઓનાં પ્રીમિયમ ભરવાનાં બાકી જ હોય!
ઇન્ટરવલ
કર રહા થા ગમ-એ-જહાં કા હિસાબ, આજ તુમ યાદ બેહિસાબ આયે -ફૈઝ અહેમદફૈઝ

વળી, સીએ લોકો એક જ બાસ્કેટમાં બધાં ઈંડાં ન મૂકવાં- એવી સલાહ ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે અચૂક આપે, પણ અમને તો એ જ નથી સમજાતું કે ઈંડાં અલગ-અલગ બાસ્કેટમાં હોય તો પણ એણે ફૂટવાનું હશે તો બધે જ ફૂટશે જ ને? પણ છતાં સીએ દ્વારા માર્ચ મહિનાના આખરી ત્રણ-ચાર દિવસમાં જ ચાર-પાંચ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સૂચન (‘ધમકી’ વાંચો) કરવામાં આવે છે. માર્ચ એન્ડિંગ એ પ્રશ્નો પૂછવાનો નહીં, પણ ચૂપચાપ ટેક્સ બચાવવાનો સમય છે. ગંગાસતી નામની ભજનિકે કહેલું કે, ‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ ’ એમ આપણે ફટાફટ વીજળીની ઝડપે આ બધું પતાવવાનું હોય છે. આમાં પાનબાઈ ગંગાસતીની પુત્રવધૂ હતી એમ કહેવાય છે, પણ મને તો એમાં પણ ‘પાન નંબર’ જ દેખાય છે! જરૂર એ કવિતા ફટાફટ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જ આ લખાઈ હશે.
વળી, પ્રેમિકા કે પ્રેમીને દીધેલું દિલ પાછું લેવામાં જેટલા પ્રોબ્લેમ થાય છે, એવા જ પ્રોબ્લેમ ટેક્સના રિફંડ મેળવવામાં પણ થતા હોય છે. એક ઉર્દૂ શેર છે કે ‘કયામત કા ડર નહીં મુઝે, ડર હૈ કિ ફિર સે જીના પડેગા!’ જેવી હાલત દર વરસે માર્ચ એન્ડમાં આપણી થાય છે. વ્હાલસોયી દીકરીને ભારે હૈયે સાસરે વળાવવી જ પડે છે એમ આપણી કમાણીમાંથી સરકારને ટેક્સ આપીને અમુક રકમ વળાવવી જ પડે છે! ફિલ્મોમાં તો ધોળે દિવસે બેન્કમાં છૂપા કેમેરા ટીંગાડેલા હોવા છતાં ચાર-પાંચ હીરો લોકો બંદૂક લઈને કેશિયર પાસે જઈને લાખો ડોલર આરામથી લૂંટીને, ધીમે ધીમે ડોલતાં ડોલતાં ખુલ્લેઆમ બહાર નીકળીને છટકી શકે છે. જ્યારે આપણને તો સાલું આપણાં ખાતાંમાંથી આપણી રકમ કાઢવામાં પણ ડર લાગે છે કે આજે આ લોકો ‘નથી આપવા પૈસા, જાવ’ એમ કહીને ના તો નહીં પાડે ને? ઇન્કમ ટેક્સનું પણ એવું જ છે. અમુક લોકો બિન્ધાસ્ત વરસો સુધી ટેક્સ નથી જ ભરતા! સોફાની ગાદીઓમાં, લોટના ડબ્બાઓમાં, ‘સરસ્વતીચંદ્ર’ જેવી જાડી-લાંબી દળદાર બુક્સમાં બાંકોરાં પાડીને કેશ છુપાવી રાખે છે, પણ આપણાથી આવું બધું થતું નથી. કારણ માત્ર એટલું કે આપણે માર્ચ એન્ડિંગથી ડરીએ છીએ. એકવાર ડર છોડી દઈએ તો પછી કોઈ પ્રોબ્લેમ જ નથી. આપણા કેલેન્ડરમાંથી માર્ચનું પાનું જ ફાડી નાખીએ તો કદાચ આપણામાં ઇન્સ્ટન્ટ હિંમત આવે! પણ એવું કદીએ નહીં થાય. આજકાલ દરેક ગુજરાતી નાટક અને પિક્ચરમાં એક ડાયલોગ કમ્પ્લસરી છે કે, ‘અમુક લોકો ધીમે ધીમે ઇન્ટેલિજન્ટ બને છે, પણ કેટલાક તો જન્મથી જ ‘ગુજરાતી’ હોય છે. એ જ રીતે અમે પણ જન્મથી ‘ટેક્સભીરુ છીએ. એકાઉન્ટથી દૂર ભાગીએ છીએ. જોકે, પછી ક્યારેક થાય છે કે સરકાર અમારા પર છાપો મારશે તોયે મળી મળીને શું મળશે? કેટલીક કવિતાની કિતાબો, થોડાક જૂના ફોટાઓ અને થોડાંક અધૂરાં સ્વપ્નાઓ.
બીજું શું?
એન્ડ ટાઇટલ્સ:
ઈવ : તું મારા માટે જાન આપી શકે.
આદમ : માર્ચ એન્ડિંગ પછી હોં, અત્યારે બિઝી છું!

[email protected]

X
article by shanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી