રાગ બિન્દાસ / આપણાં સામૂહિક ક્રોધ, કન્ફ્યૂઝનની કથા ટાવર ઑફ બાબેલ?

article by shanjay chell

સંજય છેલ

Mar 04, 2019, 03:37 PM IST

ટાઇટલ્સ
સૌથી અઘરી છે,મનની સરહદને પાર કરવી!(છેલવાણી)

મારી એક આસિસ્ટન્ટ ફિલ્મમેકર બનવા માગતી હતી, પણ દબાણવશએ છોકરી કોઈ સાઉથ ઇન્ડિયનને પરણીને ચેન્નઈ જતી રહી. વરસો પછી અચાનક ફોન આવ્યો કે એ અજાણ્યા શહેરમાં અજાણ્યા પરિવાર વચ્ચે ગૂંગળાતી હતી. મેં એને હિન્દી-અંગ્રેજીમાં સાંત્વના આપવાનું શરૂ જ કર્યું તો એણે મને તરત અટકાવ્યો,‘પ્લીઝ, તમે અંગ્રેજીમાં ન બોલો ને. ગુજરાતીમાં વાત કરો ને! મહિનાઓથી મેં ગુજરાતી સાંભળી નથી. ગુજરાતી સાંભળવા તરસી રહી છું!’
એક સેકન્ડ માટે હું હલી ગયો. પોતાની ભાષાના શબ્દો, એના ઉચ્ચારો, એનો રવરવતો રણકાર, એની ઝંકૃતિ કેટલી ઊંડી હશે એનો મને અનાયાસે પરચો મળી ગયો. વતનથી હજારો માઇલ દૂર ગયેલા અને પોતાની ભાષા માટે ઝૂરનારાની વેદના જ અલગ હોય છે. ‘ઘર-ઝુરાપો’ શબ્દ કદાચ આનું જ બીજું નામ હશે.
ઘરથી કે વતનથી દૂર રહેનારાઓની વેદના આપણા ઘરના સોફા પર બેસીને નહીં સમજાય. ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવેલા મોહનદાસને જ ખબર પડે કે પારકા દેશમાં ભેદભાવની ભાવના, ધિક્કારનો ધક્કો કેવો હોય છે. હમણાં કાશ્મીરમાં પુલવામામાં થયેલ આતંકી હુમલાને લીધે લોકો સ્વાભાવિક રીતે જ ખૂબ ગુસ્સામાં છે અને પછી દેશમાં અનેક શહેરોમાં રહેતાં કાશ્મીરી વિદ્યાર્થીઓ કે નોકરી-ધંધો કરતા લોકો બન્યા. એ જ રીતે વારેવારે ઉત્તર ભારતીયો મુંબઈ જેવા શહેરમાં સ્થાનિકોના ગુસ્સાનો ભોગ બનતા હોય છે. 60-70ના દાયકામાં મુંબઈમાં આપણા ગુજરાતીઓ ટાર્ગેટ બનેલા. આવું આપણા દેશમાં જ છે એમ નથી. વિદેશમાં પણ ભારતીયોને ઘણું સહેવું પડે છે. જે લોકો વતનથી દૂર દેશ ગયા છે એમની વેદના બહુ ડરામણી હોય છે. અજાણી ભાષા, અજાણ્યા ચહેરા, અજાણ્યા જીવનની ભુલભુલામણીમાં જીવવું પડે છે. કમાલની વાત એ છે અમેરિકા કે ઓસ્ટ્રલિયામાં આપણા લોકો પર થતા હુમલાઓ આપણને હલાવી નાખે છે, પણ આપણા શહેરમાં રોજીરોટી માટે આવેલા બિહારીઓને આપણે સ્વીકારી નથી શકતા.
ઇન્ટરવલ :
દરો-દીવાર પે હસરતે નઝર કરતે હૈં,
ખુશ રહો એહલે વતન, હમ તો સફર કરતેં હૈં! (રામપ્રસાદ બિસ્મિલ)

પુલવામાના હુમલા પછીના આક્રોશમાં ગયા અઠવાડિયે બેંગ્લોરમાં વર્ષો જૂની કરાચી બેકરી પર હુમલો કરવામાં આવ્યો અને એક ઉશ્કેરાયેલા ટોળાએ કરાચી બેકરીના માલિકને પાકિસ્તાની સમજીને એનાં સરનામાં ફોનનંબર વગેરે માગ્યાં અને ગંભીર ધમકીઓ આપી. પછી કરાચી બેકરીના માલિકે ખુલાસો આપવો પડ્યો કે પોતે હિન્દુ છે, ભાગલા પહેલાં પાકિસ્તાન હતું ત્યાં કરાચી બેકરીનું નામ હતું એટલે ભાગલા બાદ ભારત આવીને અહીં 1953માં એ જ નામે બેકરી શરૂ કરેલી અને એમને પાક સાથે કોઈ લેવાદેવા નથી. ત્યારે થાય છે કે આપણી પ્રજા ગુસ્સામાં આટલી આંધળી થઈ જાય છે કે બિસ્કિટ અને બ્રેડ પર હતાશાભર્યો હુમલો કરી બેસે? પણ વાંક એ પ્રજાનો નથી, આ દેશમાં રાજકારણીઓએ ભાષા, જાત અને ધર્મના નામે લોકોમાં એવા અદૃશ્ય ભાગલા કરી મૂક્યા છે કે જરાકમાં આપણે સૌ અંદરોઅંદર જ લડવા માંડીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે સીમા પારના દુશ્મનો આ જ ઇચ્છે છે અને આપણે એનો ભોગ બનીએ છીએ. જ્યાં સુધી વોટની રાજનીતિ માટે લોકોને અંદરોઅંદર લડાવવામાં આવશે ત્યાં સુધી નફરતનું નેટવર્ક વધ્યા જ કરશે.
આજના ક્રોધ અને કન્ફયૂઝનના સમયમાં પેલી ‘ટાવર ઓફ બાબેલ’ નામની એક બાઇબલ કથા યાદ આવે છે! એ હિબ્રૂ વાર્તા એવી છે કે એક રાજા પોતાની પ્રજાને છેક સ્વર્ગ સુધી ઊંચો ટાવર બનાવવા માટે પ્રજાને લલકારે છે. પછી તો એ રાજ્યના લોકો સંપીને મહામહેનતે સ્વર્ગને આંબતો ટાવર બનાવે છે અને પોતાને દુનિયાની શ્રેષ્ઠ પ્રજા માનવા માંડે છે, ત્યારે ઈશ્વરને થાય છે કે હવે આ અભિમાની લોકો મને પણ નહીં ગણકારે અને મનફાવે ત્યાં પાપાચાર આદરશે ત્યારે ઈશ્વર એક એવી ટ્રિક કરે છે કે લોકોમાં સંપ તૂટી જાય એવો શાપ આપે છે કે એ રાજ્યના લોકો અચાનક એકબીજાની ભાષા સમજવાનું ભૂલી જાય છે. કોઈને કોઈની વાત સમજાતી નથી. બધે બડબડાટ અને ગેરસમજણો ઊભી થાય છે. છેવટે સૌ લડી-ઝઘડીને છૂટા પડી જાય છે અને દુનિયાના અલગ અલગ ખૂણે જઈ પોતપોતાની ભાષાવાળી દુનિયા રચે છે. શું આપણે સૌ પણ ‘ટાવર ઓફ બાબેલ’વાળી પ્રજા બનતા જઈએ છીએ?
એંડ ટાઇટલ્સ:
આદમ : તારું અંગ્રેજી સાંભળીને મારું ગુજરાતી બગડી જાય છે! ઈવ : હેંડ હેંડ હવે,હેન્ડસમ!

[email protected]

X
article by shanjay chell

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી