અંદાઝે બયાં / અથ શ્રી આમ આદમી ઉર્ફ પબ્લિક: ડિમાન્ડવાળી દિશાહીન આઇટેમ?

article by sanjaychhel

સંજય છેલ

Apr 10, 2019, 04:52 PM IST

ટાઇટલ્સ
ઇલેક્શનમાં અમુક જુમલા, હુમલા જેવા હોય છે અને અમુક હુમલા, જુમલા જેવા.-છેલવાણી
શું છે કે ચૂંટણી સિઝન બેસતાં જ પબ્લિક ઉર્ફ આમ આદમીની રાતોરાત બહુ ડિમાન્ડ ઊભી થઈ જતી હોય છે. આમ આદમી રાતોરાત સૌનો આરાધ્ય દેવ બની જાય છે! પણ એ છે કોણ? આમ આદમી એ પ્રાણી છે જે આમ ઉર્ફ આંબા ઉગાડે, એનું રખોપું કરે, આંબા ઉતારે છેવટે એ પોતે આમ તો શું આમની ગોટલીથી પણ દૂર હોય છે. છતાંયે એ આમ આદમી, ગમે તેવી હાલત સાથે સમાધાન કરીને જીવી લે છે. બિચારો ભીડભરી ટ્રેનમાંથી બહાર લટકીને તાજી હવાથીયે ખુશ રહી શકે છે. ટ્રેન પરથી પટકાઈને મરી જાય તો ચૂપચાપ ટ્રેનયાત્રા છોડીને પરલોકની યાત્રા કરવા જતો રહે. ટ્રેન એક્સિડન્ટમાં મર્યા પછી એની લાશની ઓળખ પણ માંડ માંડ થાય છે, કારણ કે દરેક કોમનમેનનું થોબડું અને નસીબ સરખું જ હોય છે: થાકેલ, હારેલ, નંખાયેલ!

  • નેતાઓ આમ આદમીની પીડાઓને પિગાળીને આશ્વાસનોના શીરા બનાવીને પીરસવા માંડે છે. એ સાંભળીને જનતા તાળી પાડવા માંડે છે

આમ આદમી એ પ્રાણી છે, જેને નેતાઓ અચ્છે દિનનું ગાજર દેખાડીને ખુશ કરી શકે છે. નવી સરકાર સાથે અચ્છે દિન આવશે, ગરીબી હટાઓના નારા સાથે ગરીબી હટશે, 15 લાખ કે 72000 મળશે, પણ આ વાયદાઓ ક્યારેય પૂરા થતા જ નથી! પણ આમ આદમી ડાહ્યો હોય છે, ચૂપચાપ રાહ જોયે રાખે છે! વળી, એને ચટાકેદાર વચનવાળાં ભાષણ સાંભળવાનો બહુ શોખ હોય છે. એનો ફાયદો પેલા ખાસ આદમી ઉર્ફ નેતાઓ ઉઠાવે છે. ટ્રકો ભરીને ટોળાં ચુનાવી સભાઓમાં ઠાલવવામાં આવે છે. એ ભીડને જોતાંવેંત જ નેતાઓનાં ગળામાંથી સાક્ષાત્ સરસ્વતી પ્રગટ થતાં જ નવા-નવા જુમલાઓની જ્વાળાઓ બહાર નીકળે છે. નેતાઓ આમ આદમીની પીડાઓને પિગાળીને આશ્વાસનોના શીરા બનાવીને પીરસવા માંડે છે. એ સાંભળીને જનતા તાળી પાડવા માંડે છે. મૂડ કે સિચ્યુએશન પ્રમાણે ઝિંદાબાદ મુર્દાબાદ, ભારતમાતા કી જય, ચોકીદાર…ચોર... ઇન્કલાબ વગેરે બૂમો દાયકાઓથી પાડે જ રાખે છે. પછી સભાઓ વિખરાઈ જાય છે. નેતાઓ એસી ગાડીમાં જતા રહે છે. આમ આદમી એનાં ધૂળિયા ચહેરાને લૂછીને, અચ્છે દિનની રાહ જોતાં જોતાં ઘર તરફ ચાલવા માંડે છે.
લેખકો-કલાકારો-સાહિત્યકારો પણ ‘આમ આદમી’ કે ગરીબ-મધ્યમવર્ગના લોકોને આઇટેમ તરીકે બહુ વાપરે છે. એમના વિશે લખવાને એ લેખકો ‘સોશિયલ કમિટમેન્ટ’ કહે છે! પબ્લિકની પીડા વિશે લખ્યા વિના લેખકોને ઊંઘ નથી આવતી! આમ આદમી ભલે બે ટંકનું જમવાનું માંડમાંડ કમાતો હોય, પણ લેખકને હંમેશાં એવો ભ્રમ હોય છે કે એ એની 200 રૂ.ની ચોપડી વાંચીને વધુ સારી રીતે જીવી શકે! એ જ લેખક પાછો રિક્ષાવાળા જેવા સાચુકલા આમ આદમી સાથે એક રૂપિયો વધારે ચાર્જ કરવા બદલ ઝઘડે છે! ‘ધોળે દહાડે લૂંટો છો? મીટર ચેક કરો!’ વગેરે બરાડીને લેખક ઘરે જતો રહે છે અને પછી કવિતાના મીટરમાં આમ આદમી પર કાવ્યો લખી નાખે છે.
નાટક, સિનેમા અને ટીવીવાળાઓ પણ ‘પબ્લિક’ના ટેસ્ટની બહુ ચિંતા કરે છે. ‘પબ્લિક કો ક્યા મંગતા હૈ?’ એવું દિવસ-રાત વિચારીને પોતાનું મનોરંજન પીરસે છે. પબ્લિક અઢીસો કે ત્રણસો રૂપિયા આપીને ચૂપચાપ જોઈ લે છે, કારણ કે શનિ-રવિની સાંજે એમની પાસે ટાઇમપાસ કરવા સારા ગાર્ડન સરોવર, ડિઝની લેન્ડ જેવાં થીમ પાર્ક નથી! આમ આદમીની વ્યથા પર બનાવેલી આર્ટ ફિલ્મો જોવા ખુદ આમ આદમી કદીયે જતા નથી કે પછી એ ફિલ્મો એમના સુધી પહોંચતી નથી. ભારતના આમ આદમીની દુ:ખિયારી ગાથા પર બનેલી ફિલ્મને ફ્રાન્સ કે અમેરિકામાં લોકો વખાણે છે. ફિલ્મવાળાંઓને એવોર્ડ મળે છે, પણ આ બધું પેલા ‘આમઆદમી’ને જ પ્રતાપે!
ઇન્ટરવલ
આંખ ખુલતી હૈ લિયે ‘અચ્છી ખબર’ કી ઉમ્મીદ,
ખૂન કે છીંટે નઝર આતેં હૈં અખબારોં મેં
-અલ્હડ બિકાનેરી
આમ આદમીનું ટોળું ધર્મ વિશે વધારે જાણતું નથી. એ તો મંદિર-મસ્જિદમાં માથું ટેકવીને કામધંધે લાગે છે. સંતો ભીડને એની એ કથા સુણાવે છે. ભીડ એ સુણી પણ લે છે, કારણ કે ભીડ ભગવાનથી ડરે છે! પણ ભગવાન એ ભીડની ‘ભીડ’ ભાગ્યે જ ભાંગે છે! પણ જ્યારે જ્યારે ધર્મ-જાતિના નામે દેશમાં તોફાનો થાય ત્યારે આમ આદમી જ ઉત્સાહથી જોડાઈ જાય છે. એ ભીડ એક ભઠ્ઠીમાં બળતણની જેમ કામ આવે છે. ભીડને એમ કહેવામાં આવે છે કે તમારાથી અલગ ધર્મ કે જાતના લોકો તમારા દુશ્મન છે, એમને ખતમ કરો! ભીડ કહ્યા મુજબ જ કરે છે. ભીડનું કામ છે એકબીજાને અનુસરવાનું. ભીડને જેટલી જલદી ભડકાવી શકાય એટલી જલદી સપનાં દેખાડી શાંત પણ કરી શકાય ને? ઇન શોર્ટ, આમ આદમી સહુનો છે અને કોઈનો નથી!
ટીવી કે પ્રિન્ટ મીડિયાની દરેક જાહેરાતોમાં પણ આમ આદમી અને આમ સ્ત્રીને જ દેખાડાય છે. એમની આમ જરૂરિયાતો પર એડવર્ટાઇઝ બને છે. દરેક જાહેરાતમાં આમ આદમીનું ફેમિલી ખુશ ખુશ, ઉત્સાહ ભરેલું જ દેખાડાય છે. પછી આમ આદમી તો ખુશ ખુશ થઈને ચીજો ખરીદે છે. ટૂથપેસ્ટમાં હળદર ધાણા હોઈ શકે અને વાસણ ધોવાના સાબુમાં લીંબુ હોઈ શકે અને નેતાઓમાં દિલ હોઈ શકે એવું બધું જ માની લે છે!
એકંદરે આમ આદમી બહુ સહનશીલ છે. આમ આદમી ફ્લેક્સિબલ હોય છે. એ તો સારા દિવસો, સારા ભવિષ્ય માટે હંમેશાં વેઇટ કરે છે. આમ આદમીનું જીવન એક વેઇટિંગ રૂમ બની જતું હોય છે. ક્યારેક એણે આવતી ચૂંટણી સુધી તો ક્યારેક પચીસ વર્ષ પછી આવનારા સોનેરી દિવસો માટે પ્રતીક્ષા કરવાની હોય છે ને? આમ આદમી એ બધા માટે બિચારો રેડી જ હોય છે. આમ આદમી રેડીમેઇડ કપડાં પહેરીને ખુશ છે, એ રેડીમેઇડ સપનાંઓથી રાજી છે, એ રેડીમેઇડ જુમલાઓને લીધે જીવે છે, એ રેડીમેઇડ સ્લોગનોમાં સંતુષ્ટ છે.
હે ઈશ્વર, તું એ આમ આદમીને સદાયે સાચવજે. એ નહીં હોય તો પાનને નાકે કે ડ્રોઇંગરૂમમાં દેશ વિશે ચિંતા કોણ કરશે? આમ આદમી નહીં હોય તો કવિઓ કોનાં પર કરુણ ગીતો લખશે? સરકારો કોની તબિયત માટે યોગ શિબિરો કરશે? એના વિનાં કોણ મંદિર-મસ્જિદ માટે રાહ જોશે? આમ આદમી નહીં હોય તો આપણે વિશ્વમાં આ દેશનું નામ કોના માટે કરીશું? હે પ્રભુ, કોમનમેન ઉર્ફ આમ આદમી ઉર્ફ આ ભીડને આમ ને આમ રાહ જોતી, ફટીચર હાલતમાં રાખજે એમાં જ સૌનું ભલું છે. આજે, કાલે કે પચીસ વર્ષ પછી!
પણ એ જ આમ આદમીની જ્યારે એક આંખ ફરે છેને ત્યારે સત્તાધીશોનાં સિંહાસનો ઉછળી પડે છે, હા!
એન્ડ ટાઇટલ્સ
ઈવ: આમ આદમીની જેમ ‘આમ-ઔરત’ કેમ નથી કહેવાતું?
આદમ: કારણકે સ્ત્રીઓ તો હંમેશાં ‘ખાસ’ જ હોય
છે ને?

[email protected]

X
article by sanjaychhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી