અંદાઝે બયાં / દિલ, દિલ્હી ઔર ફેંકુગીરી કિસ્સા ઓફ ઉડતા તાજમહલ!

article by sanjaychhel

સંજય છેલ

Mar 05, 2019, 03:54 PM IST

ટાઇટલ્સ
ભક્તિમાં પૂજાથી ભગવાન મળે, વ્યક્તિની પૂજા શૈતાન. -છેલવાણી

પ્રેમમાં, ગેમમાં અને પોલિટિક્સમાં ફેંકતા બરોબર આવડવું જોઈએ. ગેમમાં ફેંકવું એટલે જેમ કે ક્રિકેટ જેવી ગેમમાં બેટ્સમેન સામે બોલ ફેંકતા આવડવું જોઈએ. પોલિટીક્સમાં જે કામ નથી થયું, જે કામ કર્યું જ નથી કે જે કામ નથી જ થઈ શકવાનું એના વિશે પણ જોરજોરથી પબ્લિક સામે બોલીને ફેંકતા આવડવું જોઈએ. (આવું ફેંકનારાઓના દાખલા આપવાની જરૂર હવે રહી નથી!) અને હા, પ્રેમમાં તો દિલ ફેંકતા આવડવું જોઈએ. માશૂક તરફ ફૂલ ફેંકતા આવડવું જોઈએ. માત્ર નજરથી આમંત્રણ ફેંકવાની હિંમત જોઈએ. સરી જતી સુંદરી સામે ફટાક દઈને ફ્લાઇંગ કિસ ફેંકવાની અદા જોઈએ. બદલામાં સામેથી ફેંકાઈને આવતી ગાળ કે સેન્ડલ ખાવાની તાકાત પણ હોવી જોઈએ.
ઇન શોર્ટ, ઇશ્કમાં દિલફેંક હરકતોની મજા જ અલગ છે. આદિકાળમાં જ્યારે ફેસબુક અને વોટ્સએપ જેવી સગવડ નહોતી ત્યારે કોઈ શરમાળ કન્યાને પટાવીને પ્રેમ કરવો એ શિકાર કે યુદ્ધ જેવી અઘરી વિદ્યા ગણાતી. બિચારા છોકરાઓ, મનગમતી છોકરીઓને પટાવવાના ચક્કરમાં ને ચક્કરમાં 36-36 વરસના થઈ જતા અને પછી ‘પ્રેમ બ્રેમ સાવ બકવાસ છે’ એમ કહીને અરેન્જ મેરેજ કરવા જે કન્યાની કુંડળી સાથે 36 ગુણ મળે એને પકડીને ચૂપચાપ પરણી જતા, પણ એમ થાકી હારીને ‘પરણં શરણં ગચ્છામિ’ સ્વીકારી લેતાં પહેલાં એ આશિક લોકો છોકરીઓની બારી કે બાલ્કનીમાં પ્રેમપત્રો ફેંકતા! માશૂકા પર વન સાઇડેડ પ્રેમ કરીને એ છોકરી જ્યાં જતી હોય એ વન-વે રોડ પર ફૂલો બિછાવતા. ઘણા બેશર્મો તો આંખ મારીને નયનબાણ મારતા કે સીટી વગાડીને સિસકતા સાઉન્ડ વડે સિગ્નલો પણ ફેંકતા, પણ હમણાં ગયા મહિને દિલ્હીમાં હદ થઈ ગઈ. એક પ્રેમીએ આરસનો નાનકડો તાજમહાલ બનાવીને એક છોકરીના ઘરમાં ફેંક્યો!

  • આમ પણ દિલ્હીમાં કાંઈ પણ શક્ય છે. ત્યાં દરેક ટાઇપના દરેક ક્ષેત્રમાં ફેંકુઓ મળી જ આવશે

આમ પણ દિલ્હીમાં કાંઈ પણ શક્ય છે. ત્યાં દરેક ટાઇપના દરેક ક્ષેત્રમાં ફેંકુઓ મળી જ આવશે. દિલ્હીના લોકો માટે ‘દિલ્હી કા ઠગ’ એમ કહેવાય છે, પણ હું કહીશ કે દિલ્હીના ફેંકુઓ ઠગથી યે ચાર ચાસણી ચઢી જાય એવા ચાલુ હોય છે. 1992માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે નવોસવો હું દિલ્હીમાં એક ટેલિફિલ્મના શૂટિંગ માટે ગયેલો. પહેલા જ દિવસે શૂટિંગમાં એક સાદી મારુતિ 100 કાર મારે એરેન્જ કરવાની હતી. ત્યાંના પંજાબી લોકલ પ્રોડક્શન મેનેજરને એક કાર લાવી આપવા માટે કહ્યું તો એ મને કહે, ‘બસ ઇક્ક? ઔજી પંજ (પાંચ) લાકે લાઇન મેં ખડી કરવા દૂંગા.’ મેં એને કહ્યું, ‘પાંચ નહીં, ભાઈ એક જ લાવી આપો તો ઘણું અને સવારે શાર્પ સાડા નવ વાગ્યે જોઈશે.’ બીજે દિવસે 10-11-12 સુધી એક પણ કાર દેખાણી નહીં અને ડાયરેક્ટર મને ગાળો આપે. એ જમાનામાં મોબાઇલ ફોન તો હતા નહીં, દિલ્હી અજાણ્યું શહેર ને પેલો પંજાબી બંદો ગાયબ. આખરે મેં રડમસ ચહેરે સામે આવલ ગુરુદ્વારામાં જઈને માથું ટેકવ્યું અને ત્યાંના એક સરદારજીએ મારું દુ:ખ સમજીને મને એક ગાડી કાઢી આપી અને મારી લાજ રહી ગઈ! ત્યારથી સમજાયું કે દિલ્હીના ફેંકૂઓનો કદીયે ભરોસો ના કરવો!
ઇન્ટરવલ
ફેંકે કિસીને લફ્ઝોં કે પથ્થર કુછ ઇસ તરહ,
જિનસે દિલોં કે શીશે હુએ ચૂર ચૂર સે -મહોમ્મદ સઇદ

એની વે, આપણે આવીએ પેલા ઇશ્કબાજ ફેંકુ પર, તો એ પ્રેમીએ છોકરીને ઇમ્પ્રેસ કરવા માટે એના ઘરમાં નાનકડો તાજમહાલ ફેંક્યો તો ભલે ફેંક્યો, પણ એ તાજમહાલ ડાયરેક્ટલી છોકરીના બાપાના માથામાં જઈને ભટકાયો! કસૂર ઇતના કી સસૂર કે સર પે સસૂરા જા ગિરા! આને કહેવાય એન્ટિ ક્લાઇમેક્સ. અરે! છોકરીના માથામાં ટિચાયો હોત તો યે ચાલત કે કમ સે કમ એને સોરી કહીને, માથા પર પાટાપિંડી કરવાની આશિકને તક તો મળી હોત! મને પેલી છોકરીના બાપની હાલત વિચારીને હસવું આવે છે કે તમે તમારા ઘરમાં પહેલે માળે નિરાંતે જમી રહ્યા હોવ અને તમારા માથા પર આરસનો તાજમહાલ આવીને લાગે ત્યારે કેવું લાગે? છોકરીએ માંડ માંડ બાપને સમજાવ્યું કે એને પેલા છોકરા સાથે કે ઉડતા તાજમહાલ સાથે કોઈ લેવાદેવા નથી, પણ બાપ માને જ કઈ રીતે? છેવટે છોકરીએ સમજાવ્યું કે જીતુ નામનો એ આશિક વારંવાર એનો રસ્તો રોકીને તાજમહાલ આપીને એને પટાવવાની કોશિશ કરતો અને દરેક વાર છોકરી એને ના પાડીને દૂર રહેવા કહેતી હતી. જીતુ ન જ માન્યો અને આખરે તાજમહાલને ગિફ્ટ રૅપરમાં વીંટાળીને છોકરીની બાલ્કનીમાં ફેંકીને જ જંપ્યો!
છોકરી અને એના પરિવારે કાલિંદી કુંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે એ જીતુના ઘરે છાપો માર્યો તો ત્યાંથી બીજા બે-ત્રણ નાનકડા તાજમહાલ મળી આવ્યા! શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ માટે માંડ એક તાજમહાલ બનાવેલો, પણ આ ભાઈ હોલસેલમાં તાજમહાલ બનાવીને પ્રેમીજગતમાં અમર થઈ જવા નીકળ્યા હશે. પોલીસે એની ધરપકડ તો કરી, પણ તાજમહાલ ફેંકવા માટે પકડાયેલો જગતનો એકમાત્ર માણસ હશે! છેને કમાલની કથા? કહેવાય છે તાજમહાલ બનાવ્યા બાદ શાહજહાંએ કારીગરોનાં કાંડાં કાપી નાખેલાં જેથી કરીને કારીગરો બીજો તાજમહાલ બનાવી ન શકે. એ શાહજહાંને શું ખબર કે સદીઓ પછી એના તાજમહાલની મિનિ આવૃત્તિ બનાવીને હવામાં ફેંકનારાઓ દિલ્હીમાં જન્મવાના હશે! મને તો સવાલ એ થાય છે કે પેલાએ આમ કોઈની બાલ્કનીમાં તાજમહાલ ફેંકવો જ હતો તો એણે થરમોકોલ કે પૂંઠાનો બનાવીને કેમ ન ફેંક્યો? કમ સે કમ જેના માથે પડે એને ઈજા તો ન થાય? પણ પ્રેમીઓ અને આવા ફેંકુઓ ક્યાં આગળનું વિચારતા હોય છે? સારું છે કે એ તાજમહાલ છોકરીના ચહેરા પર જઈને ન અથડાયો, નહીં તો જે માશૂકાના મુખારવિંદ પર પ્રેમી મરતો હશે એમાંની જ એકાદ આંખ છૂંદાઈને છોકરી કાણી થઈ ગઈ હોત! પ્રેમ આંધળો હોત ત્યાં સુધી ઠીક છે, પણ સાવ કાણો હોય તો એ કેવો લાગે? વળી, વિચાર એ પણ આવે છે કે એ પાગલ પ્રેમીને શું એમ લાગ્યું હશે કે તાજમહાલ પ્રેમનું પ્રતીક છે, એટલે છોકરી મિનિ તાજને જોઈને તરત જ પીગળી જશે? છોકરી એમ વિચારશે કે જે મારા માટે નાનકડો તાજમહાલ બનાવી શકે એ નાનકડો ફ્લેટ કે નાનકડી ગાડી અપાવી શકશે ને?
વળી, અહીં એ પણ તહકીકાતનો વિષય છે કે એ અંતરંગી આશિકે બીજા બે-ત્રણ તાજમહાલ બનાવીને રાખેલા તો એ કેટકેટલી મુમતાઝના ઘરે ફેંકીને કેટકેટલા બાપોને ઘાયલ કરવા માગતો હશે? કસમથી, દિલ્હીમાં કમાલના ફેંકવાવાળાઓ વસે છે. હજુ મે મહિનાની લોકસભાની ચૂંટણી સુધી રાહ તો જુઓ, જાતજાતની ફેંકુગીરી જોવા મળશે!
એન્ડ ટાઇટલ્સ
ઈવ: એક સરપ્રાઇઝ આપું?
આદમ: ના, આ નહીં, કોઈ બીજી આપ.

[email protected]

X
article by sanjaychhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી