અંદાઝે બયાં / લોચા ઓફ લેંગ્વેજ ઉર્ફે ભાષાંતર, રૂપાંતર, ટ્રાન્સલેશન વગેરે

article by sanjaychhel

સંજય છેલ

Feb 06, 2019, 12:15 PM IST

ટાઇટલ્સ
જે ભાષામાં તરત ગુસ્સો આવે એ આપણી પોતાની સાચી ભાષા!-છેલવાણી

કહેવાય છે કે ભગવાન શિવજીએ એમના નંદી ઉર્ફ પોઠિયાને ધરતી પર સંદેશો આપવા મોકલ્યો કે ‘માણસે દિવસમાં ત્રણ વાર નહાવું અને એક વાર ખાવું જોઈએ’ બળદજી ભુલકણા એટલે શિવજીએ કહ્યું,‘ભુલાય નહીં એટલે આ વાત મનમાં બોલતાં બોલતાં જજો.’ બળદજી તો ‘એક વાર ખાવું ને ત્રણ વાર નહાવું’ એમ રટતાં રટતાં ઉપડ્યા, પણ રસ્તામાં ઠેસ વાગી અને નંદીજી બોલી પડ્યા, ‘ત્રણ વાર ખાવું, એકવાર નહાવું!’ આમ દુનિયામાં આપણી પાસે ખોટો સંદેશો આવ્યો. આને કહેવાય ‘લોસ્ટ ઇન ટ્રાન્સલેશન’. પ્રભુ કહેવા શું માગતા હતા અને સંદેશો શું પહોંચ્યો!
જ્યારે જ્યારે દેશી ભાષામાં આપણને અંગ્રેજીના અનુવાદો વાંચવા મળે છે ત્યારે આવા જ લોચા થાય છે અને વાંચીને એકસાથે અનેક હાર્ટએટેક આવી જાય છે. મૂળ અંગ્રેજીની દેશી લેખકો જે વાટ લગાડે છે કે પૂછો નહીં. અંગ્રેજી વારતામાં લખ્યું હોય કે ‘નૉટ રિયલી’ તો એનું ભાષાંતર લોકો કરશે:‘સાચે જ નહી!’ બોલો શું કહેવું? અંગ્રેજીમાં ‘નૉટ અ પ્રોબ્લેમ’ જેવા કોમન શબ્દોનું ભાષાંતર ‘સમસ્યા નહી’ એમ વાંચવા મળે, ત્યારે હસી હસીને રડવું આવી જાય છે! હજી તો સારું છે કે ‘શેલ આઇ ડ્રોપ યુ હોમ?’ માટે આપણે ત્યાં ‘ચલ, હું તને ટીપું કરી દઉં’ એમ નથી લખાતું!
એક જમાનામાં અંગ્રેજી સસ્પેન્સ નાટકો પરથી ગુજરાતી અનુવાદો થતા ત્યારે બહુ લોચા થતા. નાટકમાં જો અચાનક હીરો વિલન નીકળે અને વિલન હીરો સાબિત થાય તો એવા બદલાયેલા સંજોગો માટે અંગ્રેજીમાં પ્રયોગ છે,‘ટેબલ્સ હેવ ટર્ન્ડ’ તો આપણા અનુવાદકો લખતા કે‘મેજો ફરી ગયા છે!’ અરે! હમણાં 5-6 વરસ પહેલાં સંજય દત્તને જેલમાં ‘અંડા સેલ’માં રાખવામાં આવ્યો છે એને બદલે ‘આંદા સેલ’માં રાખ્યો છે એવું એક ગુજજુ છાપામાં છપાયેલું! ફિલ્મી ગોસિપના ઉધારિયા લેખોમાં ‘રણબીર તો ઠંડા માછલા જેમ કિસ કરે છે!’ જેવાં વાક્યો વાંચીને માછલીઓની લાગણી દુભાઈ છે, એમ કહીને કેસ માંડવાનું મન થાય! એક મહિલા પત્રકારે એના લેખમાં લખેલું કે, ‘એ મોડી રાતે મને કરીનાનો એક ઉત્તેજનાસભર ફોન આવ્યો અને હું ગરમ થઈ ગઈ!’ કોઈ નોવેલમાં લખ્યું હોય કે ‘આઇ એમ અફ્રેડ ધેટ આઇ વિલ બી લેઇટ’ તો ઘણા લખે કે ‘મને ભય છે કે હું મોડો પડીશ!’ અથવા જો કોઈ પાત્ર એમ કહે કે ‘આઇ હેવ માય ડાઉટ એબાઉટ મની’ તો ઘણા એમ તરજુમો કરે કે ‘મને પૈસા પર શક છે.’
કહેવાય છે કે સારો અનુવાદ સ્ત્રી જેવો હોય છે. એક સ્ત્રી જો ખૂબ સુંદર હોય તો એ એક પુરુષને વફાદાર ન રહી શકે અને જો ખૂબ વફાદાર હોય તો એ બહુ સુંદર નહીં હોય. એમ જ સારો અનુવાદ જો મૂળ કૃતિને એકદમ વફાદાર હોય પણ તો એ સુંદર નહીં હોય અને જો અનુવાદ બહુ સારો હશે તો ચોક્કસ એમાં મૂળ કરતાં થોડા ફેરફાર કરવામાં આવ્યા જ હશે, અસલને વફાદાર ન જ હોય.

  • અનુવાદકે તરત જ કહ્યું,‘ભગવાને 6 દિવસમાં જગત બનાવ્યું એટલે જ એની હાલત જુઓ! મારા કામમાં આટલી ભૂલો નહીં હોય.’

ઇન્ટરવલ
ઇફ ધ ડ્રીમ ઇઝ અ ટ્રાન્સલેશન ઓફ વેકિંગ લાઇફ,
વેકિંગ લાઇફ ઇઝ ઑલ્સો અ ટ્રાન્સલેશન ઓફ ધ ડ્રીમ! -રેને માગ્રીટે

ટાગોરે કવિતાઓનો સંગ્રહ ગીતાંજલિ લખ્યો અને પોતે જ અંગ્રેજીમાં એનો અનુવાદ કર્યો. પછી ટાગોરે સી. એફ. એન્ડ્રુઝ નામના અંગ્રેજ વિદ્વાન પાદરીને પોતાનો અનુવાદ ચેક કરવા દેખાડ્યો. એન્ડ્રુઝે કહ્યું કે અનુવાદ સરસ છે, પણ માત્ર ચાર જગ્યાએ ગ્રામરની એમાં ભૂલ છે તો ટાગોરે ચાર જગ્યાએ ફેરફાર કરી નાખ્યા. પછી ટાગોરે લંડનમાં અંગ્રેજીના બહુ મોટા કવિ યીટ્સને આ અનુવાદ દેખાડ્યો. યીટ્સે વાંચીને કહ્યું, ‘કવિતાઓનો અનુવાદ તો સરસ છે, પણ માત્ર ચાર જ જગ્યાએ થોડો પ્રોબ્લેમ છે.’ અને એ ચાર શબ્દો એટલે પેલા ચાર શબ્દો જ હતા કે જે પેલા ખ્રિસ્તી પાદરીએ ટાગોર પાસે બદલાવેલા! આ સાંભળીને ટાગોર તો છક્ક થઈ ગયા અને એમણે યીટ્સ સામે તરત જ કબૂલ્યું કે એ ફેરફાર એમણે પોતે નહીં, પણ અંગ્રેજીના જાણકાર એક પાદરીએ કરેલા છે! ત્યારે યીટ્સે પૂછ્યું, ‘તો તમારા મૂળ શબ્દો શું હતા?’
ટાગોરે પોતે કરેલ અનુવાદનો પહેલો ડ્રાફ્ટ દેખાડ્યો. ત્યારે કવિ યીટ્સે કહ્યું,‘તમારા પેલા ચાર શબ્દો જ પાછા મૂકી દો. પેલા પાદરીની અંગ્રેજી ગ્રામરની સમજણ પાકી છે, પણ કવિતાની સમજ કાચી છે! પેલાએ મગજથી અનુવાદ કરેલો તમે હૃદયથી લખો છો!’
તો આ છે અનુવાદ, અનુસર્જન કે રૂપાંતરની કળા! આપણે ત્યાં તો જગત આખાને શું વાંચવું એની સલાહ આપતા લોકો પોતે નથી ગ્રામર સમજતા કે નથી સરખું શીખતા. માત્ર સર્વજ્ઞ હોવાના ભોળાભરમમાં ભૂલો કર્યે રાખે છે. એક જણાએ એક અનુભવી અનુવાદકને એક 400 શબ્દોનો લેખ આપ્યો અને પૂછ્યું, ‘આનો અંગ્રેજી અનુવાદ કરવામાં કેટલો સમય લાગશે?’

પેલાએ કહ્યું: એક અઠવાડિયું. સામેના માણસને નવાઈ લાગી, ‘અરે! ભગવાનને દુનિયા બનાવવામાં માત્ર છ દિવસ લાગેલા અને તને આ 400 શબ્દના તરજુમામાં સાત દિવસ લાગશે?
અનુવાદકે તરત જ કહ્યું,‘ભગવાને 6 દિવસમાં જગત બનાવ્યું એટલે જ એની હાલત જુઓ! મારા કામમાં આટલી ભૂલો નહીં હોય.’ પણ ઘણા ગુજરાતીઓનું અંગ્રેજી વાંચીને એમ થાય કે આપણું હિન્દી બગડી જશે અને મરાઠીમાં ગુસ્સો આવવા માંડે ને પછી પંજાબીમાં ગાળો આપવાનું મન થાય. અંગ્રેજી ન આવડતું હોય તોયે સ્ટાઇલ મારવા જાય. જેમ કે, અંગ્રેજીમાં સંક્રાંતિકાળ માટે ટ્રાન્ઝિશન પિરિયડ શબ્દ છે, પણ ઘણા એને ટ્રાન્ઝેક્શન પિરિયડ કહી બેસે છે. હવે ટ્રાન્ઝેક્શનનો અર્થ તો લેવદેવડ થાય! અમે નાનપણમાં રેડિયો પર એક ગીત સાંભળતા,‘યે ઝિંદગી કે મેલે દુનિયા મેં કમ ના હોંગે અફસોસ હમ ના હોંગે’. તો અમને એમ લાગતું કે‘ઓફકોર્સ હમ ના હોંગે’ અને મનમાં થતું કે વાહ શું કવિતા છે! એક દિવસ આ દુનિયામાં ઓફ કોર્સ હમ સબ ના હોંગે! પછી ખબર પડી કે ‘ઓફકોર્સ’ નહીં પણ ‘અફસોસ’ છે!
જોકે, કેટલી ભાષા આવડે છે એનાથી ફરક નથી પડતો. મધદરિયે તોફાનમાં એક વહાણ દરિયામાં ડૂબી રહ્યું હતું. ત્યારે કેપ્ટને એક વિદ્વાનને પૂછ્યું, ‘તને તરતા આવડે છે?’

તો પેલા વિદ્વાને કહ્યું, ‘જી ના, પણ હું અલગ અલગ 10 ભાષામાં મદદ મદદ એમ બૂમ પાડી શકું છું’ અને પછી એ ડૂબી ગયો! 10 ભાષામાં બોલવા કરતાં એને એક જ ભાષામાં તરતા આવડતું હોત તો કેવું સારું હોતને?
તે અલ્યા ગોટ ઇટ?
એન્ડ ટાઇટલ્સ
ઈવ: એક કવિતા સંભળાવું?
આદમ: ક્યાંથી મળી?

[email protected]

X
article by sanjaychhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી