રાગ બિન્દાસ / આજે ગાંધી હોત તો? : ટેલ મી, આ સત્યાગ્રહ છે કે સ્ટંટ?

article by sanjaychhel

સંજય છેલ

Feb 03, 2019, 05:42 PM IST

ટાઇટલ્સ
ગાંધીજી ન હોત તો સતત કોની ટીકા કરવી એ અંગે ઓલ ઇન્ડિયા આંદોલન થાત!(છેલવાણી)


તમને કયું અંડરવેર ફિટ બેસે કે કયાં મોજાં ફાવે એ સાવ અંગત વાત છે. ‘સત્ય’ની પણ આજકાલ એવી જ ફિટિંગવાળી હાલત થઈ ગઈ છે. ‘મારું જ સત્ય સાચું’ અને બીજાનું એટલે દેશદ્રોહી ટાઇપનું એવું માનનારાઓની સંખ્યા કૂદકે ને ભૂસકે સમર સોલ્ટ ખાઈને વધી રહી છે. ‘સત્યાગ્રહ’ એટલે ‘સત્ય’નો ‘આગ્રહ’, પણ હવે ‘મારા જ સત્યનો આગ્રહ’ એવો અર્થ આજે ચલણમાં છે. 30 જાન્યુ.એ ગાંધીજીની પુણ્યતિથિ ગઈ ત્યારે વિચાર આવ્યો કે ગાંધીજીના સત્યાગ્રહની આજે શું હાલત થઈ હોત?

  • સરકાર-ભક્ત એન્કરો ચીસાચીસ કરીને પૂછત કે ‘નેશન વોન્ટ્સ ટુ નો, મિ. ગાંધી તમે પોલિટિકલ સ્ટંટ કરી રહ્યા છો? જવાબ દો.’

ગાંધીજીએ 1917માં બિહારના ખેડૂતોને ન્યાય અપાવવા બ્રિટિશરો સામે સત્યાગ્રહ કરેલો, કારણ કે ખેડૂતોને ખેતરના ત્રીજા ભાગમાં સાવ ઓછા પૈસે ગળીની ખેતી કરવા માટે ફરજ પાડવામાં આવતી. એ સમયે જો કોઈ સરકાર વિરુદ્ધ લડે એની ઇજ્જત હતી, પણ આજે કોઈ લડે તો એને ‘કર્મશીલ’ કે ‘એક્ટિવિસ્ટ’ કહીને ઉતારી પાડવાની ફેશન જોરમાં છે. તો પ્રશ્ન થાય છે કે આજે ગાંધીજીએ સરકાર વિરુદ્ધ લડત આદરી હોત તો? તો એવોર્ડ વાપસીવાળાઓની જેમ જ ગાંધીજીને પણ ભાંડવામાં આવત કે અગાઉ ગુજરાત કે યુપીના ખેડૂતો પર અન્યાય થતો હતો ત્યારે એ કેમ ચૂપ હતા અને અવાજ નહોતો ઉઠાવ્યો? ગાંધીજી જો એમ કહેત કે અગાઉ તો હું દક્ષિણ આફ્રિકામાં હતો!

તો સામે પૂછવામાં આવત કે દ. આફ્રિકાના ખેડૂતો માટે એમણે કેમ લડત ન કરી? શા માટે હમણાંની સરકારનો વિરોધ કરીને દેશની પ્રગતિ અટકાવી રહ્યા છો? તો ગાંધીજી સામે કહેત કે ચંપારણના ખેડૂતોની હાલત બહુ કંગાળ છે, ત્યાં ભૂખમરીની હાલત છે તો સરકારપ્રેમી સેના તરત જ સામે પૂછત કે આવું કરવા માટે તમને અમેરિકાની કઈ કંપનીએ પૈસા આપ્યા છે? ગાંધીજી જો એમ કહેત કે ખેડૂતો મરી રહ્યા છે, જમીનદારોના ત્રાસને લીધે આત્મહત્યા પણ કરે છે, તો સામે કહેવામાં આવત કે અરે! આ બધો સરકાર વિરોધી પ્રચાર છે. ખેડૂતો પોતાનાં અંગત કારણોથી જેમ કે પ્રેમમાં નિષ્ફળતા, બીમારી, ઘરના કંકાસથી આત્મહત્યા કરતા હશે! જોકે, 1917માં તો કોઈએ મહાત્મા ગાંધીને આવા સવાલો પૂછ્યા નહોતા, પણ આજે ગાંધીજીને ચોક્કસ આવું બધું પૂછવામાં આવત અને કદાચ શાલીન ગાંધીજી બિચારા ડઘાઈને ચૂપ થઈ જાત! એ જોઈને પણ ગાંધી વિરોધી લોકો તો એમ જ કહેત કે ગાંધી તો મનમોહનસિંહની જેમ ‘મૌનવ્રત’નું નાટક કરે છે.


ટીવી પર સરકાર-ભક્ત એન્કરો ચીસાચીસ કરીને પૂછત કે ‘એન્ટાયર નેશન વોન્ટ્સ ટુ નો, મિ. ગાંધી તમે પોલિટિકલ સ્ટંટ કરી રહ્યા છો? જવાબ દો. ત્યાં સરહદ પર જવાન લડે છે એમને માટે કેમ આંદોલન નથી કરતા? તમે એન્ટિ નેશનલ છો?’ ગાંધીજી ભૂલેચૂકે એવી કોઈ ન્યૂઝ ચેનલની ચર્ચામાં ભાગ લઈ બેસત તો એમના જેવા શાંત માણસને કોઈએ બોલવા જ ન દીધા હોત! ઊલટાનું સામા આક્ષેપો કરત કે શું તમે દેશ છોડીને પૈસા કમાવવા આફ્રિકા ભાગી ગયેલા? હવે અચાનક દેશના ખેડૂતો યાદ આવે છે? કારણ કે તમને કોંગ્રેસ પાર્ટીના પાવર અને પૈસામાં રસ છે? તમે જે આંદોલન કરો છો એમાં કોણ કોણ ફંડ આપે છે એનાં નામ અને એકાઉન્ટ જાહેર કરો!


ઇન્ટરવલ :
ગોલી માર ખાદી મેં ચરખા શોર કરતા હૈ (ગાંધી વિરોધીનું ગીત)


વળી, ગાંધીજીએ ચંપારણમાં સ્વચ્છતા, આભડછેટ, પર્દાદારી અને સ્ત્રીઓની સમસ્યાઓ વિશે પણ લડત આદરેલી તો વિરોધીઓ તૂટી પડત કે સરકારના ‘સ્વચ્છતા અભિયાન’ના નામે ગાંધીજી પબ્લિસિટી લે છે. આભડછેટના મુદ્દે દલિતોને આરક્ષણ માટે ભડકાવે છે. ગાંધીજીએ બુરખા પહેરવાનો વિરોધ કર્યો હતો તો લઘુમતીના નેતા કહેત કે ગાંધીજી અમારા ધર્મની વાતમાં દખલ કરે છે. ગાંધીજી પાસે કોઈ જવાબ ન હોત. ગાંધીજી માત્ર ‘હે રામ’ જેવું કશુંક બબડ્યા હોત ત્યારે એમની જ પાર્ટીના નેતાએ વાંધો ઉઠાવ્યો હોત કે ગાંધીજી ‘રામ’નું નામ લઈને હિન્દુ વોટબેન્કને રીઝવવા માગે છે અને સાચા સેક્યુલર નથી. એમના ‘હે રામ’થી મુસ્લિમ વોટ તૂટશે તો?


વળી, નારીવાદીઓ પણ ગાંધીજી પર આરોપ કરવામાં ચૂક્યા ન હોત કે આ સત્યાગ્રહમાં એમનાં પત્નીને કેમ સાથે નથી રાખ્યાં? ગાંધીજી સ્ત્રી વિરોધી છે? ગ્રામીણ સ્ત્રીઓ માટે લડનારા ગાંધી પોતાના ઘરમાં પોતાની જ સ્ત્રીને અવગણે છે? ગાંધીજી પાસે આનો પણ કોઈ જવાબ ન હોત અને હોત તો પણ આજની ચિચિયારી પાડતી અસહિષ્ણુ ભીડ સામે એમનું કાંઈ જ ન ચાલ્યું હોત.


અંગ્રજોએ તો 1917માં ચંપારણમાં લોકલાગણી જોઈને ગાંધીજીની ધરપકડ ટાળી દીધેલી, પણ આજે જો કોઈ રાજ્યમાં ચૂંટણી નજીક આવવાની હોત તો આજની સરકારે આંદોલન દાબી દેવા ગાંધીજીની ધરપકડ કરી જ હોત અને પછી બધી જ ટીવી ચેનલોએ બ્રેકિંગ ન્યૂઝ બનાવ્યા હોત કે, ‘ક્યા જેલ મેં ગાંધી કો સ્પે. બિરયાની ખિલાઈ ગઈ?’ કે ‘ક્યા જેલ મેં ગાંધી ને છૂપ છૂપ કે બીડી પી થી?’ કે ‘ક્યા ગયે જનમ મેં ગાંધી નાગિન થે?’ વગેરે વગેરે. એની થિંગ ઇઝ પોસિબલ. શક્ય છે કે આજે ગાંધીજીની ધરપકડને લીધે બસો સળગી હોત, પથ્થરબાજી થઈ હોત. ગાંધીજીની અપીલ પછી પણ તોફાનો ન અટક્યાં હોત ત્યારે અહિંસાના પૂજારી ગાંધીજી પર જ હિંસા ફેલાવવાનો આરોપ લાગી શકત!


કહેવાતા રાષ્ટ્રવાદી નેતાઓએ ગાંધીજીને દેશદ્રોહી-પાકિસ્તાની પણ જાહેર કરી દીધા હોત. ટ્વિટર, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર ભાડૂતી ટ્રોલરો (24x7 ગાળો આપનારાઓ) જાતજાતના અપશબ્દો ફેંકીને ગાંધીજીને રડાવી મૂકત(ચુનાવી રેલીવાળું રુદન નહીં, હોં!). વળી ‘ગાંધીજી બકરીનું દૂધ પીવે છે, પણ ગાયનું કેમ નહીં?’ એમ પૂછીને ગાંધીજીને ગૌમાતા વિરોધી કહીને યુપીના દાદરી જેવા શહેરમાં ગૌપ્રેમી ટોળાએ ધીબી ધીબીને અધમૂઆ કરી નાખ્યા હોત!


એ જમાનામાં ‘બાપુ’ કહીને ગાંધીજીનો જયજયકાર થયેલો. આજના સરકાર-ભક્તો કદાચ બાપુને ‘ટકલુ’ કહીને ઉતારી પાડત. (‘પપ્પુ’ની જેમ) અને આજે ગાંધીજીનું ભાષણ કોઈ સાંભળત નહીં, કારણ કે એમાં માત્ર કરુણા હોત જુમલા-હુમલાની કલા ન હોત. ગાંધીજીના આશ્રમ પર રેડ પડી હોત. એમના ફંડમાં ફોરેનના પૈસા છે કહી બીજી એન.જી.ઓ.ની જેમ એમને દેશદ્રોહી પણ સાબિત કરી દીધા હોત.


બધે જ ‘હરામ’ શોધતી પ્રજાને ‘હે રામ’નો નિર્મળ નિ:શ્વાસ ક્યાંથી સમજાત? પછી કદાચ ગાંધીજીએ ગોડસેને ફોન કરીને કહ્યું હોત, ‘ભાઈ, છોડાવ મને વોટ અને નોટમાંથી!’


એંડ ટાઇટલ્સ:
આદમ : હું સત્યાગ્રહ પર છું, જમીશ નહીં

ઈવ : પ્રોમિસ? કાલે પણ?

[email protected]

X
article by sanjaychhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી