રાગ બિન્દાસ / અપૂન કો સબકે લિયે આરક્ષણ મંગતાય!

article by sanjaychhel

સંજય છેલ

Jan 20, 2019, 12:05 AM IST

ટાઇટલ્સ
સરકારની ટીકા દેશદ્રોહ છે તો વિપક્ષ કેમ હોય છે?(છેલવાણી)


કમ્પ્યૂટર, કાશ્મીર ઇશ્યૂ, આધુનિક કવિતા, એરોપ્લેન મેકિંગ અને આરક્ષણ મુદ્દા જેવા વિષયો અમને ક્યારેય સમજાતા નથી. સમજાતા નથી એટલે જ એ વિશે બીજા ચતુરાઓની જેમ અમે કદી બકવાસ કરતા નથી. જોકે, બીજા લોકો બકવાસ કરે છે કે નહીં એ પણ સમજાતું નથી! પણ એક વાત સમજાઈ ગઈ છે કે જેમ વિદાય વેળા પ્રેમિકા જે નજરથી જુએ એના પરથી એના પ્રેમના પુરાવા મળી આવે છે એમ જ જતી રહેલી સરકાર જતાં જતાં શું શું આપી જાય છે પરથી જ એની પરખ થાય છે. અત્યારની સરકાર જતાં જતાં આર્થિક રીતે પછાત સવર્ણો માટે 10% આરક્ષણની સગવડ આપીને કમાલનાં સપનાં આપી ગઈ છે. કોઈને સપનું આપવાથી મોટું પુણ્યનું બીજું કોઈ કામ નથી. પુણ્ય એટલે કે સપનું પૂરું થાય કે ન થાય, પણ ટેમ્પરરી થોડી વાર માટે તો સારું લાગે!

  • જે પ્રોફેસરોના ક્લાસમાં વિદ્યાર્થી નથી બેસી શકતા એવા બોરિંગ નબળા પ્રોફેસરોને પણ એકેડેમિકલી પછાતના વર્ગમાં મૂકીને આરક્ષણનો લાભ આપો

આજ સુધી જે જે સવર્ણોને દલિતો માટેની અનામત વ્યવસ્થા માટે વાંધો હતો એ બધા હવે ચૂપ થઈ ગયા છે. હવે સૌને અનામત મળે એવી લેટેસ્ટ સગવડ આવી રહી છે. આઠ લાખથી ઓછી વાર્ષિક આવકવાળાઓને અનામત મળશે એટલે લગભગ આખો દેશ જ અનામત વ્યવસ્થા હેઠળ આવી ગયો. આને કહેવાય દેશમાં એકતા અને સમાનતા! આખો દેશ અનામતની એક વિશાળ છત્રી હેઠળ હવે સમાઈ જશે. જે જે કમજોર છે એ બધામાં જોર આવી જશે. વાંકદેખાઓ ભલે આ માટે સરકારની ટીકા કરે, પણ અમને આ ખોટું તો ખોટું પણ સપનું બહુ ગમ્યું છે!


અમે તો કહીએ છીએ કે માત્ર આર્થિક રીતે નબળાંને જ શા માટે આરક્ષણનો લાભ મળવો જોઈએ? બીજી બધી રીતે પણ જે લોકો પછાત કે નબળાં હોય એમને પણ અમુક ટકા આરક્ષણનો લાભ મળવો જ જોઈએ. જેમ કે, જે એક્ટરોની ફિલ્મો ન ચાલતી હોય કે જે નબળાં હોય, ડાન્સ કે ફાઇટ ન આવડતી હોય, ચહેરા પર હાવભાવ ન લાવી શકતા હોય એવા કમજોર કલાકારોને 5-10 ટકા આરક્ષણથી આવરી લેવા જોઈએ. અર્જુન રામપાલથી માંડીને કેટરીના કૈફ સુધી ઘણાં બધાં નબળાં કલાકારોને આનો લાભ મળી જ શકે.

(આમાં વિવેક ઓબેરોયનું નામ એટલે નથી લખ્યું, કારણ કે એને તો મોદીજીના જીવન પરથી બનનારી ફિલ્મમાં ઓલરેડી રોલ મળી ગયો છે, માટે આડકતરો આરક્ષણનો લાભ મળી જ ગયો કહેવાયને?) ટેલેન્ટમાં પછાત એક્ટરોને સરકારી એવોર્ડ આપીને કે જૂની સરકારની ટીકા કરતી પોલિટિકલ પ્રચારક ફિલ્મોમાં કામ આપીને અનામતનો 10% લાભ આપી શકાશે.


વળી, જે ડોક્ટરોના ક્લિનિક પર પેશન્ટો ભાગ્યે જ આવતા હોય અને જે આવે એ જીવતા ન બચતા હોય એવા નબળા ડોક્ટરોને પણ પાંચ ટકા આરક્ષણનો લાભ આપીને સરકારી હોસ્પિટલોમાં નોકરીઓ આપી શકાય. આનાથી બેકાર કે નબળા ડોક્ટરોને કામ તો મળશે જ અને એમની સારવારથી પેશન્ટો ટપોટપ ઉકલી જશે જેથી દેશની જનસંખ્યા પણ સારી એવી ઘટી શકશે, ડબલ ફાયદા છે!


ઇન્ટરવલ :


બધો આધાર છે એના જતી વેળાના જોવા પર
મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ! (મરીઝ)


જે જે પ્રોફેસરોના ક્લાસમાં વિદ્યાર્થીઓ નથી બેસી શકતા કે પછી જે બેઠા હોય છે એ આંખો ખૂલી નથી રાખી શકતા એવા બોરિંગ નબળા પ્રોફેસરોને પણ એકેડેમિકલી પછાતના વર્ગમાં મૂકીને આરક્ષણનો લાભ આપી શકાય. આવા પ્રોફેસરોને સરકારી ગ્રાન્ટ આપીને રિસર્ચ કરવા, પુસ્તકો લખવાનું કામ સોંપી શકાય, આમ કરવાથી નબળા પ્રોફેસરોને પૈસા અને કામ તો મળશે જ અને વિદ્યાર્થીઓ બોર થતા બચી જશે, એ લોકો ક્લાસમાં જવાનું ફરી શરૂ કરશે જેથી એજ્યુકેશન સિસ્ટમ પણ ટકી રહેશે! વળી, સારા પ્રોફેસરોના ક્લાસમાં બાળકો ભળીને બધું શીખશે અને કોચિંગ ક્લાસના દૂષણ પર કાબૂ રાખી શકાશે!


વળી, જે જે ક્રિકેટરો ઝીરો પર આઉટ થઈ જતા હોય, જેમનું પરફોર્મન્સ હંમેશાં ખરાબ જ રહેતું હોય એવા ક્રિકેટરોને ભારતની ટીમમાં ખાસ સ્થાન આપીને આરક્ષણનો લાભ આપી શકાય. કોઈ માણસ જો આર્થિક રીતે પછાત હોય તો એની તપાસ એના બેન્કબેલેન્સ કે વાર્ષિક બેલેન્સશીટ દ્વારા થઈ શકે. એ જ રીતે જે ખેલાડી નબળો હોય એના આખા વરસના સ્કોરને જોઈને ખ્યાલ આવી શકે. ખેલાડીએ કેટલીવાર કેચ છોડ્યા, કેટલા નો બોલ આપ્યા વગેરે વગેરે મુદ્દાઓ પણ આમાં ધ્યાનમાં લઈ શકાય. આમ, આર્થિક પછાતની જેમ બોલિંગ પછાત, બેટિંગ પછાત, ફિલ્ડિંગ પછાત જેવા વર્ગીકરણથી નબળા ખેલાડીઓને ટીમમાં સમાવવા રહ્યા. જેમ દેશમાં બીજી બધી રીતે પછાત લોકોને કોલેજ એડમિશન કે સરકારી નોકરીઓમાં ચાન્સ મળે છે એમ ખેલકૂદમાં પછાત ખેલાડીઓને પણ હક્ક મળવા જ જોઈએ! એમાં જ સાચી ખેલદિલી ખીલશે!


અને જે લેખકોને ઓછા લોકો વાંચે છે, જેમનાં પુસ્તકો ઓછાં વેચાય છે કે ઓછાં છપાય છે એવા અસફળ લેખકો માટે પણ ખાસ ‘સાહિત્યિક’ અનામતપ્રથા હોવી જોઈએ. જોકે, આમાં 90% લેખકો અને 95% કવિઓ અને 100% વિવેચકો ‘અનામત સુવિધા’ માટે એપ્લાય કરશે એવી શક્યતા ઊભી થાય ખરી! ‘સાહિત્યિક પછાત’પણામાં ઘણા દાવેદાર ઊગી નીકળશે, કદાચ એકાદ ભાષાનું આખેઆખું ‘સાહિત્ય’ જ પછાત સાબિત થાય એવુંયે બની શકે! પણ લેખકો-સાહિત્યકારો પણ આ દેશના બાશિંદાઓ છે. ‘એ લોકો બહુ બોર કરતા હોય છે’ એ દલીલ આપીને સાહિત્યકારો સાથે અન્યાય ન કરી શકાય. અસફળ સાહિત્કારોને સરકારે ખાસ મદદ કરીને એમનાં પુસ્તકો છપાવવાં જોઈએ, છપાવીને સરકારી લાઇબ્રેરીઓમાં પહોંચાડવાં જોઈએ. કોઈ કહેશે કે ‘અત્યારે પણ એમ જ તો થઈ રહ્યું છે’ પણ અમને એ ટીકાની પરવા નથી. નબળા, અસફળ કે ન સમજાતા સાહિત્યકારોને સાહિત્ય અકાદમી જેવી સરકારી સંસ્થાઓમાં ખાસ હોદ્દા આપવા રહ્યા, લખવા માટે ગ્રાન્ટ આપવી રહી જેથી દેશમાં નબળું સાહિત્ય પણ ગવર્નમેન્ટના સપોર્ટથી ટકી શકે!


જો નબળા કોલમિસ્ટો માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવશે તો અમે અમારો એ હક્ક ‘સબસીડીવાળા ગેસ સિલિન્ડરની’ જેમ પાછો આપીશું. અમને કોઈ સરકાર પાસેથી કશુંય જોઈતું નથી. સરકાર અમને સુખેથી લખવા, બોલવા કે વિચારવા દે તોયે ઘણું છે. અમને ખબર છે કે સરકાર ‘વૈચારિક’ રીતે અલગ લોકો માટે કોઈ ખાસ સ્કીમ નહીં લાવે, પણ ઠીક છે આટલું કરે તોયે ઘણું. હજી ત્રણ-ચાર મહિના બાકી છે. સરકાર ઘણા બધાને આરક્ષણ આપીને પોતાની નેક્સ્ટ સરકાર આરક્ષિત કરી શકે એમ છે! ઓલ ધ બેસ્ટ!


એંડ ટાઇટલ્સ:
ઈવ: આરક્ષણ વિશે તારું શું માનવું છે?
આદમ: રજાઓમાં ટ્રેનમાં આરક્ષણવાળી સીટ મેળવવી અઘરી પડે છે.

[email protected]

X
article by sanjaychhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી