રાગ બિન્દાસ / આઈ હેટ યુ, ઓ ગુલાબી ઠંડી!

article by sanjaychhel

સંજય છેલ

Jan 06, 2019, 04:25 PM IST

ટાઇટલ્સ
મોસમ એ ખુદાનો ટાઇમપાસ છે. (વોલ્ટેર)

કોઈ ગુજરાતી વેપારીને આપણે પૂછીએ કે વરસમાં કેટલી મોસમ હોય? તો એ કહેશે, ‘બે જ સિઝન હોય. તેજીની અને મંદીની!’ કોઈ રાજકારણીને પૂછશું તો કહેશે, ‘ત્રણ ઋતુઓ હોય- ચૂંટણી પહેલાંની, સરકાર બનાવવાની અને પછી પૈસા કમાવાની.’ ફિલ્મી એક્ટરને પૂછશું તો એ કહેશે, ‘ચાર સિઝન હોય: હિટ ફિલ્મોની, ફ્લોપ ફિલ્મો પછીની, એવોર્ડ મેળવવાની અને પછી એવોર્ડ ન મળે ત્યારે એવોર્ડવાળાઓને ગાળો આપવાની.’ પણ કોઈ લેખક-કવિને પૂછશો તો એ ઋતુઓ વિશે કંઈક ભળતું જ લાગણીભીનું વર્ણન કરશે.

‘શિયાળાની સવારનો કુમળો તડકો’ એ તો નિબંધકારોનો ફેવરિટ ટાઇમપાસ છે. હવે કોઈ તડકો ‘કડક’ છે, ‘કુમળો’ છે કે ‘ચીકણો’ છે એ વાતને લેખકો કઈ રીતે ચેક કરતા હશે?

કવિ લેખકો કલાકારોને ‘ઠંડી’ માત્ર ‘ઠંડી’ નહીં, પણ ગુલાબી ઠંડી દેખાતી હોય છે. ઉનાળાનો તડકો લાલઘૂમ ગુલમહોર જેવો ભાસતો હોય છે. વરસાદની મોસમમાં તો કવિઓનું સાવ છટકી જ જાય છે. ઉપરથી ટપકતું પાણી, આપણાં કપડાં, વાળ, રસ્તાઓની વાટ લગાવી નાખતું સાદું સીધું પાણી એમને ‘લીલ્લુંછમ્મ’ લાગવા માંડે છે. આપણે તો બરફના ગોળાવાળાને ત્યાં લીલું શરબત બહુ બહુ તો જોયું હોય છે. આપણને ચોમાસામાં ઠેરઠેર કાદવ, ખાબોચિયાં, ઉભરાતી ગટરો દેખાય, પણ કવિ-લેખકોને એમ લાગે કે ધરતીએ લીલી ચૂંદડી ઓઢી છે.


ડિટ્ટો એવું જ શિયાળા વિશે કવિ-લેખકોનું વેવલું વર્તન હોય છે. ‘ધુમ્મસથી નહાતાં વૃક્ષો’, ‘બારીમાંથી આવીને કાનાફૂસી કરતો પવન’ કે પછી ‘સવારે ઠરી ગયેલાં ઝાકળનાં બિંદુઓ’ વગેરે ટાઢ પડતાં જ એ લોકોને દેખાવા માંડે. આપણને તો શિયાળામાં ‘કાનટોપી પહેરેલા બુઢિયાઓ’, ‘ઠઠરીને ઊંઘમાં સ્કૂલે જતાં બાળકો’, ‘છાપાં બાળીને તાપણું કરતા વોચમેનો’ દેખાય, પણ કવિઓને-નિબંધકારોને ભગવાને સારી ફેસિલિટી આપી છે. એ લોકો કંઈ પણ લખી શકે. ‘શિયાળાની સવારનો કુમળો તડકો’ એ તો નિબંધકારોનો ફેવરિટ ટાઇમપાસ છે. હવે કોઈ તડકો ‘કડક’ છે, ‘કુમળો’ છે કે ‘ચીકણો’ છે એ વાતને લેખકો કઈ રીતે દબાવીને ચેક કરતા હશે? વહેલી સવારનો કીમતી સમય શાંતિથી સૂતા રહેવાનો છે ત્યારે ઊગતા સૂર્યને ધુમ્મસમાં નિહાળવામાં એ લોકોને શું પ્રેરણા મળતી હશે?

હું નાનપણમાં ગુજરાતી નિબંધો વાંચતો ત્યારે ‘બોગનવેલ’ નામના વૃક્ષની વાત અચૂક આવતી. જ્યારે જ્યારે ગુજરાતી લેખકો મોસમનું વર્ણન કરવા બેસે ત્યારે ‘આંગણામાં ખીલેલ બોગનવેલ’ વિશે લપસિંદર જરૂર કરે. આ બોગનવેલનાં વર્ણનોએ મને એટલો બધો સતાવ્યો કે મેં નક્કી કર્યું કે બોગનવેલ કઈ બલા છે એ જાણીને જ રહીશ. બોટની કે વનસ્પતિશાસ્ત્ર આપણો વિષય નહીં, પણ તપાસ કરતાં ખબર પડી કે એ એક ગુલાબી-જાંબલી જેવા રંગનાં ફૂલોવાળી આઇટમ છે. મારા ઘરની બાજુના બંગલામાં વહેલી સવારે ચોરપગે ઘૂસીને બોગનવેલની સુગંધ લેવાની કોશિશ કરી. એ બંગલામાં થઈ રહેલા વઘારની ખુશબૂ આવી, પણ બોગનવેલમાં હરામ બરાબર પણ સુગંધ નહોતી. આટઆટલા લેખકોને ‘બોગનવેલમાંથી ચળાઈને આવતો પવન’ બારીમાંથી છેક એમના નાક સુધી ઘૂસીને પ્રેરણા આપતો રહ્યો છે તો મારી સાથે કેમ આમ થયું? આટલા બધા લેખકો કંઈ ખોટું તો ન જ બોલે એટલે મેં વધારે નજીક જઈને સૂંઘવાનો ટ્રાય કર્યો. ત્યાં તો બંગલાના માલિકે, ‘એઈ... કૌન હૈ? તેરી તો...’ એમ ગાળ ઉમેરીને બૂમ પાડી. હું બોગનવેલનો મહિમા એને સમજાવું એ પહેલાં એણે કૂતરાંઓ છોડી મૂક્યાં! હું ત્યાંથી ભાગ્યો. મારો પ્રકૃતિપ્રેમ યુટર્ન લઈ ચૂક્યો હતો.


ઇન્ટરવલ :
ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે,
ગાના આયે યા ના આયે, ગાના ચાહિયે
(રવીન્દ્ર જૈન)


પછી થયું કે ‘શિયાળાની સવારનો કુમળો તડકો’ સાલી શું હૈરતઅંગેઝ ચીજ છે? કોઈક ગુજરાતી નોવેલમાં મેં વાંચેલું કે મકાનના કમ્પાઉન્ડમાં એક નાનકડી છોકરી ખાલી શીશીમાં કશુંક ભરતી હોય છે, ત્યારે નવલકથાનો હીરો ત્યાં આવીને એને પૂછે છે, ‘બેટા, શું કરે છે?’ બેબી કહે છે, ‘હું શીશીમાં તડકો ભરું છું!’ આ જવાબ સાંભળીને હીરો ભાવુક થઈ જાય છે. એને આમાં જીવનની ફિલોસોફી દેખાય છે. પેલા હીરોની જગ્યાએ હું હોઉં તો બેબીનાં માં-બાપને ફૌરન જાણ કરું કે તમારી ટેણકીનું દિમાગ ઠેકાણે નથી, જરા ચેકઅપ કરાવો!


પણ કવિ-લેખકોની વાત જ અલગ હોય છે, એમને બધું માફ. ચાંદની રાત્રે પ્રિયતમા સાથે બોટિંગ કરવા ગયા હોય ત્યારે પણ આકાશના તારા અને ચાંદનીમાં નહાતાં વૃક્ષોનું વર્ણન કરીને ઘરે આવી જાય! ચાંદની રાત્રે છોકરી પાસે બેઠી હોય ત્યારે તારાં-વાદળો-વૃક્ષો જોઈને ટાઇમપાસ કરવો પડે એનો અર્થ એટલો જ કે એ લોકોની ગર્લફ્રેન્ડ કેટલી હોરિબલ દેખાતી હશે! જોકે, મેં શિયાળાના કુમળા તડકાને ચેક કરવાની કોશિશો કરેલી, પણ દર વખતે ઊઠતાં ઊઠતાં મોડું થઈ જાય એટલે છેવટે બુકમાં વર્ણનો વાંચીને જ તડકા વિશે જાણી લેવાનું નક્કી કર્યું!


અને કઈ રીતે લેખકોને શિયાળામાં ચારેકોર રોમાન્સ જ રોમાન્સ દેખાતો હશે? ધ્યાનથી જુઓ તો શિયાળા જેવી અનરોમેન્ટિક સિઝન બીજી કોઈ જ નથી. કડકડતી ઠંડીમાં સુંદર ફિગરવાળી છોકરી પણ શાલ ઓઢીને ઢાંકોઢૂંબો કરીને બહાર જતી હોય છે. પુરુષ પણ જૂનાં જેકેટ કે ડબલ ગંજી પહેરીને ડકૈત જેવો લાગવા માંડે છે. આમાં ‘ગુલાબી ઠંડી’ ક્યાં આવી?


લેખકો-કવિઓને પૂરો હક્ક છે. ઢળતી સાંજ, વિરહની વાતો, પાંદડાં પર નર્તન કરતી શબનમની બુંદો વગેરે વાતોમાં એક પ્રકારની ક્રિએટિવ સેફટી મળે છે. કોમવાદી-તકવાદી-ભ્રષ્ટાચારી સરકારો કે સમાજ વિરુદ્ધ બોલીને બગાડવા કરતાં ધૂળમાં નહાતી ચકલી, ધુમ્મસમાં ડોલતાં વૃક્ષો વધુ સેફ સબ્જેક્ટ છે. એમાં કોઈ નારાજ પણ ન થાય. પ્રકૃતિપ્રેમ એ કલાકારોનો બેસ્ટ પલાયનવાદ છે.


સમી સાંજે સાગરકિનારે એક વાઇન પાર્ટીમાં અંગ્રેજીના મહાકવિ બાયરન પાસે એક છોકરીએ આવીને કહ્યું, ‘કવિરાજ, જુઓ, કેટલો સુંદર સૂર્યાસ્ત છે ને? નખશિખ કવિતા, તમને શું ફીલ થાય છે?’ કવિ બાયરને તરત જ પેલી હરખપદૂડીને કહ્યું, ‘જુઓ બહાન, હું સૂર્યાસ્ત પછી ધંધાની વાત નથી કરતો!’ ટૂંકમાં શિયાળો એટલે કવિઓ-લેખકો માટે ગુલાબી ઠંડીને વેંચવાની સિઝન!


એંડ ટાઇટલ્સ:
આદમ : આ સિઝનમાં ચાલને વર્લ્ડ ટૂર પર જઈએ.
ઈવ : ના ના, ત્યાં નહીં બીજે ક્યાંક જઈએ!

[email protected]

X
article by sanjaychhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી