રાગ બિન્દાસ / પાર્ટી રે પાર્ટી રે શૉ મસ્ટ ગો ઓન...

article by sanjaychhel

સંજય છેલ

Dec 30, 2018, 04:32 PM IST

ટાઇટલ્સ
નવું વરસ અને જૂના પ્રોબ્લેમ એટલે જિંદગી.


એક માણસ કોઈ કારણસર ગુજરાતીઓને બહુ ધિક્કારતો હતો. એ માણસ 31 ડિસેમ્બરની રાત્રે એક બારમાં ગયો અને ત્યાં પાર્ટીમાં એણે એક ગુજરાતીને વાત કરતા સાંભળ્યો. એણે તરત જ બારમાં બેઠેલા બધા લોકોને ઉદ્દેશીને કહ્યું, ‘મારા તરફથી સૌને બે-બે પેગ મફતમાં ગિફ્ટ, પણ ફક્ત આ ગુજરાતીને નહીં આપવામાં આવે!’ ગુજરાતી માણસ અપમાન સાંભળને ચૂપ રહ્યો. થોડીવારે પેલાએ ફરીથી એલાન કર્યું, ‘હવે મારા તરફથી સૌને બીજા બે પેગ અને ડિનર ફ્રીમાં મળશે, ખાલી આ ગુજરાતીને છોડીને!’ ત્યારે પણ ગુજરાતી માણસ ચૂપ રહ્યો. પછી પેલો માણસ, સૌ માટે એક પછી એક ઓર્ડર આપતો જ રહ્યો હતો અને ગુજરાતીનું સતત અપમાન થયે રાખ્યું. આખરે એણે કંટાળીને ગુજરાતીને પૂછ્યું, ‘કમાલ છે તું! મેં બધાની સામે તારું આટઆટલું અપમાન કર્યું, તને ફરક જ નથી પડતો? તું છે કોણ?’

રાજ કપૂર, શમ્મી કપૂર તેમજ રાજેશ ખન્ના પાર્ટીના શોખીન હતા. આજના સ્ટાર્સમાં સલમાનને ત્યાં લગભગ રોજ પાર્ટી હોય છે. શાહરુખ તો ફિલ્મ મેકિંગને જ એક પાર્ટી ગણે છે!

ગુજરાતીએ જવાબ આપ્યો, ‘હું આ બારનો માલિક છું! તું આ બધા માટે ઓર્ડર આપી આપીને મારો ધંધો વધારતો હોય તો ઘડી-બે ઘડીના અપમાનથી મને શું ફરક પડે છે? મારે તો અહીંયાં રોજ પાર્ટી હોય છે! છે ને અજબનો એટિટ્યૂડ?


વરસ પત્યું, કાલે ન્યૂ–યરની પાર્ટીઓ ગાજશે. ફિલ્મ લાઈનમાં તો રોજ પાર્ટીઓ થતી હોય છે. ફિલ્મ હિટ હોય કે ફ્લોપ, દિવાળી હોય કે ઇદ, શોબિઝમાં પાર્ટીઓ સતત ચાલ્યા જ કરે છે. ફિલ્મ ગમે તેવી નબળી જાય પણ શોમેન રાજ કપૂર, ફિલ્મના પ્રીમિયરની પાર્ટી કદીયે કેન્સલ નહોતા કરતા! રાજ કપૂર, પોતાના મિત્રોથી માંડીને વિરોધીઓ સુધી બધાને હોળીની પાર્ટીમાં બોલાવતા અને આર.કે. સ્ટુડિયોની એ પાર્ટીમાં આમંત્રણ મળે એટલે તમને ઇન્ડસ્ટ્રીમાં સ્થાન મળ્યું છે એમ કહેવાતું. બોલિવૂડમાં વરસોથી ફિલ્મના મુહૂર્ત વખતે, મ્યુઝિક રિલીઝ કરતી વખતે કે સિલ્વર જ્યુબિલી વખતે પાર્ટીઓ તો થતી પણ પરંતુ દરરોજ રાત્રે ઘરમાં પાર્ટી આપવાની પ્રથા ડાન્સિંગ સ્ટાર શમ્મી કપૂર દ્વારા શરૂ થઇ. મિત્રો -નિર્માતાઓ અને ચમચાઓની સાથે શમ્મી કપૂરના ઘરે રોજ રાતે જાણે દરબાર ભરાતો. એકવાર રાજેન્દ્રકુમાર જેવા નબળા ડાન્સર અભિનેતાએ નશાની અસરમાં, શમ્મી કપૂરને કહ્યું કે એમણે ફલાણા ગીતમાં કઈ રીતે નાચવું જોઈતું હતું! પછી તો શમ્મી કપૂરે ભોળા બનીને પૂછ્યું, ‘અચ્છા? તો કેવી રીતે ડાન્સ કરવો જોઇતો હતો એ જરા કરી બતાવોને… અને પછી આખી રાત શમ્મી કપૂરે, રાજેન્દ્રકુમાર પાસે એ ડાન્સ કરાવ્યો!


શમ્મી કપૂરની જ જેમ રાજેશ ખન્ના સુપર સ્ટાર બન્યા એટલે ‘આશીર્વાદ’ બંગલામાં રોજ 50-100 લોકોની પાર્ટીઓ થતી. ફિલ્મ લાઇનના દરેક મોટા નિર્માતા-નિર્દેશક ત્યાં હાજરી આપતા અને એ બધામાંથી રાજેશ ખન્ના કોઈ એકને ‘સ્વયંવર’ની જેમ સિલેક્ટ કરીને એની સાથે મિટિંગ કરતા! ખન્નાએ અંગત મુલાકાતમાં મને કહેલું કે એમને ત્યાં આખી રાત રોજ મહેમાનો આવે ને જાય.. તો રાજેશ ખન્નાને થયું કે એ મોટરના ડ્રાઈવરો મોડી રાત્રે ક્યાં અને ક્યારે જમતા હશે? એટલે પછી રાજેશ ખન્નાએ બંગલાના કંપાઉન્ડમાં એ લોકો માટે રોજ બૂફે કાઉન્ટર મૂકવાનાં શરૂ કર્યાં જેથી રાત્રે ડ્રાઈવરો ભૂખ્યા ન રહી જાય!! આને કહેવાય એક સ્ટારનો ક્લાસ! વળી એકવાર ફિલ્મફેર એવોર્ડના ફંક્શનનો બહિષ્કાર કરવા રાજેશ ખન્નાએ રાતોરાત પોતાને ઘરે પાર્ટી જાહેર કરી દીધી અને પછી આખી ઇડસ્ટ્રીએ ફિલ્મફેરનો એવોર્ડ શો પડતો મૂકીને ખન્નાના બંગલે પાર્ટીમાં હાજર રહેવું પડેલું. આને કહેવાય સ્ટાર પાવર!


ઇન્ટરવલ :
બે જણા દિલથી મળે તો મજલિસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી!


આજના સ્ટાર્સમાં સલમાનને ત્યાં લગભગ રોજ પાર્ટી હોય છે. રોજ 30-40 મિત્રો તો આવે જ. શાહરુખ તો ફિલ્મ મેકિંગને જ એક પાર્ટી ગણે છે. એક ફિલ્મ વિશે મેં શાહરુખને સૂચન આપેલું કે અમુક દૃશ્યો બરોબર નથી થયાં તો ફરીથી રિ-શૂટ કરીને ફિલ્મને સુધારી લઈએ. ત્યારે શાહરુખે ફિલસૂફના અંદાઝમાં કહેલું: ‘ફિલ્મ બનાના ભી એક કિસ્મ કી પાર્ટી હૈ… ઝ્યાદા સોચો મત.. પાર્ટી એન્જોય કરો! અબ પાર્ટી શરૂ હો ચૂકી હૈ. વિસ્કી હૈ તો વિસ્કી લે લો, રમ હૈ તો રમ પી લો.’

ફિલ્મ લાઈનમાં તો રોજ પાર્ટીઓ થતી રહેતી હોય છે. ફિલ્મ હિટ હોય કે ફ્લોપ, દિવાળી હોય કે ઈદ, શોબિઝમાં પાર્ટીઓ સતત ચાલ્યા જ કરે છે

શો-બિઝનેસમાં સ્ટાર્સ આવે છે જાય છે પણ બોલિવૂડ નામની પાર્ટી ચાલતી જ રહે છે. જોકે ‘પાર્ટી’ વિશે એક અજીબ ઉદાસ કિસ્સો પણ યાદ આવે છે. ચંદ્રમોહન નામનો એક જમાનાનો સ્ટાર ધીમે ધીમે ફ્લોપ થઇ રહ્યો હતો, પૈસા-કામયાબી ખતમ થઇ રહી હતી. એને ઉદાસીમાંથી બહાર કાઢવા એના જેવો જ બીજો સ્ટાર મોતીલાલ વારંવાર એના ઘરે હિંમત આપવા જતો. એક દિવસ મોતીલાલ ચંદ્રમોહનને ત્યાં જાય છે તો ચંદ્રમોહન વેટ-69 નામની મોંઘી શરાબ એકલો એકલો પીધે રાખે છે પણ મોતીલાલને જરાયે ઓફર પણ નથી કરતો!

મોતીલાલને ખરાબ લાગે છે અને જ્યારે જવા નીકળે છે ત્યારે ચંદ્રમોહન કહે છે, ‘સોરી સર, મેં આજે તમને ડ્રિંક ઓફર ન કર્યું કારણ કે હું આ વેટ-69ની બોટલમાં દેશી દારૂ ભરીને ચોરીછૂપી પી રહ્યો છું! તમારા જેવા મોટા સ્ટારને હું આ લઠ્ઠો કઈ રીતે ઓફર કરી શકું?’


અચ્છે દિન હોય કે બૂરે દિન, પણ પાર્ટી ચાલતી રહેવી જોઇએ-એ જ મુદ્રાલેખ છે, શો બિઝનેસનો! તો તમે પણ દરેક હાલમાં ‘જિંદગી’ નામની પાર્ટી ઊજવતા રહેજો…હેપ્પી ન્યૂ યર!


એંડ ટાઇટલ્સ:
આદમ: નવા વરસના કોઈ સંકલ્પ?
ઈવ: ગયા વરસના સંકલ્પ પૂરા કરવા તે.

[email protected]

X
article by sanjaychhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી