અંદાઝે બયાં / જુઠાણાંનું પ્રચારયુદ્ધ : વે લોગ સબ કુછ પચા જાએંગે!

article by sanjay chhel

સંજય છેલ

Apr 25, 2019, 03:26 PM IST

ટાઇટલ્સ
ડિગ્રી ન પૂછો નેતા કી!-કબીરજીની ક્ષમા સાથે

‘આવો એનું સ્વાગત કરીએ. એ વિરાટ સાહિત્યકાર પોતાના સ્વદેશની મુક્તિ માટે અહીં આપણી કુમક ભાગવા આવે છે. આપણે સ્વાધીનતાનાં સંતાનો છીએ. માનવીના મુક્તિયુદ્ધમાં આપણો સહકાર જ શોભે. એ મહાપુરુષને શોભીતું સ્વાગત આપીએ.’
રશિયાને ઉગારવા માટે એક ભિક્ષાઝોળી લઈને મેક્સિમ ગોર્કી જે દિવસ અમેરિકાને કિનારે ઊતર્યો, તે દિવસે અમેરિકાના માલેતુજારોએ મહેમાનના રાજસન્માનની તૈયારી કરી
***
પછી તો દેશમાં ઠેરઠેરથી તરત જ અવાજો ઊઠ્યા:‘મહેમાનનું સ્વાગત રદ કરો. એણે આપણા દેશની સંસ્કૃતિને અપમાન દીધું છે. આપણા ગૌરવની એણે અવહેલના કીધી છે. એણે આપણી લગ્નસંસ્થાની પવિત્રતા પર મલિન ઓછાયો નાખ્યો છે: એને જે સ્ત્રી છે, તે ધર્મક્રિયા મુજબ પરણેલી નથી, એટલે કે રખાત છે. આટલા સારુ ગોર્કીને તિરસ્કારો, નીચું જોવરાવો. ગોર્કીએ અધર્માચરણ કર્યું છે એવાના સ્વાગત ન હોય.’

  • જે પ્રોગ્રેસિવ લોકોએ શાસક પક્ષ વિરદ્ધ અવાજ ઉઠાવ્યો એ સૌની વિરુદ્ધ જાહેરમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ અપપ્રચાર કરવામાં આવ્યોે

‘અરે ભાઈઓ!’ ગોર્કી કહે છે, ‘એ મારી રખાત નથી. મારી પત્ની છે. બેશક મેં ધાર્મિકવિધિથી લગ્ન કર્યું નથી, કારણ કે હું ક્રાંતિવાદી મંડળનો જુવાન છું. ધર્મોચ્ચાર હો ન હો અમને તેની પરવા નથી, અમારું પરણેતર પુરોહિતો ભાખ્યું જૂઠ લગ્ન નથી. દિલ દિલનું મુક્ત લગ્ન છે, એ લગ્નને ન અપમાનો.’
પ્રજાનો કહેવાતો શિષ્ઠાચાર જાગી ઊઠ્યો. પરદેશી પરોણા સામે બહિષ્કાર ફૂંકાયો; સભાગૃહોમાં અને અખબારોની અંદર ગોર્કી નામ સામે કાદવ ફેંકાયો. સામાન્ય પ્રજાજનનું તો ઠીક, પણ સાચું દેવાળું ફૂંક્યું અમેરિકાના વિદ્વાનોએ, સાહિત્યકારોએ. તેઓએ ગોર્કીથી પોતાનાં મોં સતાડ્યાં. ધનિકોના એ આશ્રિતો નાઠા. ગોર્કી પ્રત્યે એમણે પીઠ ફેરવી. ભલભલા સાહિત્ય-ધુરંધરોની મૂછનાં પાણી તે દહાડે ઊતરી ગયાં.
‘શું કરીએ ભાઈ! જીવવું તો રહ્યું જ ને?’ સાહિત્યકારોએ માથાં ખજવાળ્યાં.
નીતિને નામે એ વિદેશી યુગલની પાછળ અખબારોએ આક્રોશ અને અટ્ટહાસની જ્વાલાઓ હુડકારી મૂકી. એક હોટેલમાંથી બીજીમાં હડધૂત થતો ગોર્કી આથડ્યો. એનું કાર્ય ધૂળમાં રગદોળાયું. એ પાછો ગયો.
***
આ ‘નીતિહીનતા’ના દેશવ્યાપી પોકારની પછવાડે શું ઊભું હતું? સાચી વાત તો એ હતી કે રશિયાઈ સાહિત્ય-સ્વામી ગોર્કીનો ગુનો સામાજિક નહીં, રાજદ્વારી હતો. કોલસાની ખાણોના માલિકોને એ છંછેડી બેઠો હતો. ખાણમાલિકો અને ખાણિયા મજૂરોની વચ્ચે એક વિગ્રહ થયેલો. તેને અંગે તેમાં ખાણિયાના બે આગેવાનો સામે જીવ સટોસટનો મુકદમો ચાલી રહ્યો હતો. એ બે ગરીબોની ઉપર ગોર્કીએ સહાનુભૂતિનો એક તાર કરેલો હતો. ગોર્કીનો એ ગુનો અક્ષમ્ય હતો. લગ્નનીતિને તો તે ધનિકોએ ફક્ત પોતાનું હથિયાર બનાવ્યું, કેમ કે ગોર્કીને બીજી કોઈ રીતે ખતમ કરી શકાય તેમ નહોતું. આજથી લગભગ 85 વરસ અગાઉ લખાયેલા આ શબ્દો છે આપણા ઝવેરચંદ મેઘાણીના!
ઇન્ટરવલ
હમ શરાફત મેં કુછ નહીં કહતે
વરના ક્યા બાત કરની નહીં આતી? -પ્રદીપ ચૌબે

તો મહાન સાહિત્યકાર ગોર્કી વિશેનું મેઘાણીનું આ લખાણ સાબિત કરે છે કે દરેક યુગમાં, દરેક સમાજમાં, દરેક દેશમાં વિચારને, અવાજને દબાવવા આવી જ તરકીબો થાય છે. હમણાં દેશમાં ચૂંટણીનું વાતાવરણ ફૂલ ફોર્મમાં છે, એમાં તમે જોયું હશે કે દર વખતની જેમ આ વખતે એકમેક પર આરોપો નાખવાની ગંદી રમત પૂરજોશમાં ચાલી છે. જે લિબરલ કે પ્રોગ્રેસિવ વિચારધારાના લોકોએ શાસક પક્ષ વિરદ્ધ અવાજ ઉઠાવ્યો એ સૌની વિરુદ્ધ જાહેરમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ અપપ્રચાર કરવામાં આવ્યો. જવાહરલાલ નેહરુ જેવા નેતા માટે અભદ્ર ટીકાઓ, ધડમાથા વિનાનાં જુઠાણાંઓ અને સાવ ખોટા મોર્ફ કરેલા ફોટાઓ સોશિયલ મીડિયા કે મોબાઇલ ફોન પર ફેલાવવામાં આવ્યા! એક જમાનામાં ગાંધીજી પણ આવી વિકૃતિથી બચ્યા નહોતા. એમના બ્રહ્મચર્યના પ્રયોગો વિશે કટ્ટરવાદીઓ સંદર્ભ વિના ગંદી વાતો કરીને પોતાનો ક્લાસ દેખાડતા જ રહે છે! સારું છે કે કાળક્રમે ગાંધીજી એટલા મોટા સ્ટાર બની ગયા છે કે એમની વાતો સાથે બિલકુલ સહમત ન થતી પાર્ટીઓ પણ એમના વિશે ખૂલીને જૂઠ બોલતા ડરે છે.
કોઈના પર કાદવ ઉછાળીને પોતાને ઊજળા દેખાડવાની રમત બહુ જૂની ને જાણીતી છે, પણ બહુ અસરકારક છે. ફિલ્મલાઇનમાં પણ આગળ આવતા સ્ટાર માટે ફલાણો તો ડ્રગનો બંધાણી છે વગેરે અફવાઓ ફેલાવીને અનેક કરિયરોની કતલ કરવામાં આવતી હોય છે. સ્રી કલાકાર માટે તો ચારિત્ર્યને ઉછાળવું બહુ આસાન વાત છે. પોતાના ફાયદા માટે અપપ્રચાર કરવા માટે હિટલર અને એના પ્રચારક ગોબલ્સે વરસો સુધી આવી જ પદ્ધતિ અપનાવેલી, જે આજના નવા ભારતમાં ઘણા લોકો માટે આરાધ્ય દેવતા સમાન કે પ્રેરણામૂર્તિ જેવા છે! વિચારને દબાવવા અપપ્રચાર કે અંગત આરોપોની રમતથી કોઈ સરકાર કે સિસ્ટમ બાકાત નથી. કાચાં પોચાં એનાથી ડરી કે કંટાળીને ચૂપ થઈ જાય છે અને દરેક સિસ્ટમને તો એ જ જોઈતું હોય છે. એડલાઇ સ્ટીવન્સન નામના અમેરિકન રાજકારણીએ પોતાના પર થતા સતત જૂઠા આક્ષેપોથી કંટાળીને વિરોધીઓને વેધક ધમકી આપેલી:‘ચાલો હું તમારી સાથે એક સોદો કરવા માગું છે. તમે મારા વિશે જૂઠું બોલવાનું બંધ કરો, પછી હું તમારા વિશે સાચું બોલવાનું બંધ કરી દઈશ!’ કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે કે સત્યએ પણ પોતાના બચાવ માટે અસત્ય સાથે સોદો કરવો પડતો હોય છે! કોઈપણ સત્ય, સાચો માણસ કે સાચો વિચાર ટાઇમ બોમ્બ જેવો ખતરનાક હોય છે. અરે! અંગ્રેજો વિરુદ્ધ બોમ્બ ફેંકનારા શહીદ ભગતસિંહ જેવા ક્રાંતિકારીએ પણ એ વાત સ્વીકારેલી કે ક્રાંતિ, બંદૂકથી નહીં વિચારથી આવે છે! માટે જ સત્તા માટે, સિસ્ટમ માટે વિચાર સૌથી ખતરનાક હથિયાર છે. આવી વિચાર વિરોધી પ્રવૃત્તિ હવે બાળવાર્તાની રાજકુમારીની જેમ દિવસે ને રાતે વધી જ રહી છે અને સારા સારા લોકો બધું જાણવા છતાં એને ચાહવા સ્વીકારવા પણ માંડ્યા છે! આમાં ડો. પરમેશ્વર ગોયલની કવિતા યાદ આવે છે :
હે ગાંધીબાબા,
જો કામ દેશ મેં ફિરંગી નહીં કર પાયે,
વો નેતા કરકે દિખાયેંગે
રાષ્ટ્રપ્રેમ તો પહલે હી પચા ચૂકે હૈં…
અબ અપની ભારતીય સંસ્કૃતિ, અપને સંસ્કાર સબ કુછ પચા જાએંગે!
એન્ડ ટાઇટલ્સ
આદમ: મંગળ ગ્રહ પર પાણી મળ્યું છે!
ઇવ: ત્યાં જ નહાઈ લે, અહીંયાં ઉનાળામાં પાણી પર કાપ છે!

[email protected]

X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી