રાગ બિન્દાસ / દેશનું રોમાંચક રાશિ ભવિષ્ય

article by sanjay chhel

સંજય છેલ

Apr 14, 2019, 03:44 PM IST

ટાઇટલ્સ
નબળો લેખક, કાગળ પર શૂરો!(છેલવાણી)

કોલેજકાળમાં અમે છોકરીનો હાથ ઝાલીને ભવિષ્ય ભાખતા, ‘તને એસ.એસ.સી.માં કેટલા ટકા આવેલા?’ છોકરી શરમાઈને કહેતી, ‘75 ટકા,…કેમ?’ ત્યારે અમે એની હથેળી પર આંગળી ફેરવીને કહેતા, ‘હં... આમાં લખ્યું છે!’ છોકરીને લાગતું કે અમને હાથ જોતા આવડે છે, પણ અમને તો માત્ર એની આંખોમાં જોતાં જ આવડતું! જ્યોતિષનું એવું છે ને કે જેમ ‘અચ્છે દિન’ની આશામાં 5 વર્ષ ક્યાં વીતી ગયાં એની ખબર ન પડી એમ ભવિષ્યવાણીઓથી લાઇફમાં માત્ર આશા જળવાઈ રહે છે! વળી, લોકો ચૂંટણી પરિણામ વિશે અમને પૂછે છે ત્યારે થાય છે કે ભૈ, અમને અમારું ભવિષ્ય સમજાતું નથી તો દેશનું ક્યાંથી સમજાય? પછી છાપાંઓમાંના રાશિ-ભવિષ્યનો અભ્યાસ કર્યો ત્યારે સમજાયું કે સાપ્તાહિક ભાવિનું યે રાજકીય પાર્ટીઓના ચુનાવી ઘોષણાપત્રો જેવું જ છે. એકનાં એક વચનો સહેજ આમતેમ કરીને મૂકી દેવાનાં! મેષ રાશિનું ભાવિ બીજે દિવસે સહેજ બદલીને મિથુનનું કરી નાખવાનું, એ જ રીતે ઇલેક્શન મેનિફેસ્ટોમાં અગાઉનાં વચનોને ઉપર-નીચે કરી દો એટલે પત્યું! જુઠાણાંઓ સંગીત ખુરશી રમતા હોય એમ શબ્દો જગ્યા બદલ્યા કરે! તો થયું કે ચલો, અમેય રાશિ ભવિષ્ય ભાખી જોઈએ. સાચું નહીં પડે તોયે કોઈ શું કરી લેશે? સૌને 15 લાખ ન મળ્યા કે ગરીબી ન હટી તો કોણે શું કરી લીધું? તો વાંચો અમારું કાતિલ-કાલ્પનિક રાશિ ભવિષ્ય:
મેષ (અ,લ,ઈ)- મેષને કેશના પ્રોબ્લેમ નડશે. ખાતામાં પૈસા હશે તોયે એટીએમ મશીનમાંથી નહીં મળે. ત્યાંથી બહાર નીકળતાં સ્લિપરની પટ્ટી તૂટી જશે, પછી ઘસડાતાં ઘસડાતાં સરકારની ટીકા કરશો તો ચાલતાં ચાલતાં છેક પાકિસ્તાન જવું પડશે. જેમનું નામ અર્ણબ ગોસ્વામી હશે તો એનું ગળું સરકાર-ભક્તિ કરતાં કરતાં બેસી જશે. ગૌમૂત્રના કોગળા કરવાથી ગળું ખૂલે. (ગાયનું કે તમારું એ કહેવાય નહીં)
વૃષભ(બ.વ.ઉ)- વૃષભ એટલે બળદ. બળદ એટલે તાકાત-જુસ્સો. વૃષભ રાશિવાળાઓએ ગુસ્સો મટાડવા માથા પર ગાયનું છાણ ચોપડવું. બજેટ હોય તો પગના તાળવે ગાયનું ઘી ચોપડવું, પણ પછી ચાલવા જતાં લપસી પણ જવાય. વૃષભ લોકોએ તબેલાની બહાર ન નીકળવું, નહીંતર ‘ગાયને છોડીને કેમ ગયા?’ કહીને લોકો ઢોર માર મારી શકે છે.
મિથુન(ક.છ.ઘ)- મિથુન રાશિવાળાઓએ મિથુન ચક્રવર્તીની ફિલ્મો ન જોવી, નહીં તો બંગાળનાં સી.એમ. મમતા બેનર્જીની સાથે તમારું પણ માથું કાપવાની અપીલ થઈ શકે. વળી, મિથુન એટલે કપલ. મિથુન રાશિનાં કપલે જાહેરમાં હાથ કે પગ, કાંઈ પણ પકડીને ચાલવું નહીં, નહી તો ઉશ્કેરાયેલ ટોળું ધર્મ કે જાતિ પૂછીને તમને મારી શકે છે અથવા એથી વધીને તમને પરાણે પરણાવવાની સજા પણ કરી શકે. ‘ક’ પરથી કોંગ્રેસ. કોંગ્રેસના નેતાઓ ‘આજે કયો વાર છે?’ જેવા મુદ્દે અંદરોઅંદર ઝઘડી શકે છે. ઘ - ઘર. દરેક ગરીબોને ઘર મળશે એવું સરકારે વચન આપ્યું છે, પણ ક્યારે એ ન પૂછવું.
કર્ક(ડ.હ.)-કર્ક એટલે કેન્સર. કેન્સર રાશિના લોકોને સેન્સરબોર્ડમાં ગાળો ખાવાનું કામ મળી શકે. ‘ડ’ અક્ષર પરથી બહુ લોકોનાં નામ નથી હોતાં એટલે એ બધા ખુશ રહેશે. જેમનાં નામ ‘હ’ પરથી હશે એ લોકોનાં નામ આ સપ્તાહે પણ ‘હ’ પરથી જ ચાલુ રહેશે. હ - પરથી હાઇવે એટલે ગુજરાત હાઇવે આસપાસ દારૂ પીને નીકળવું નહીં, પોલીસ તમારો દારૂ છીનવીને પી શકે!
સિંહ(મ.ટ.)- સિંહ રાશિના મનુષ્યોએ શત્રુઘ્ન સિંહા, રાજનાથ સિંહ વગેરે સિંહોનાં વખાણ ન કરવાં, નહીં તો લોકો તમને દેશદ્રોહી સમજીને ગાળો આપશે. ચુનાવના માહોલમાં સિંહ રાશિના સિંહે મટન-બીફ વગેરે નોનવેજ માગવું નહીં. ખાખરા કે થેપલાં ખાઈને ચલાવી લેવું. સિંહ રાશિના લોકોએ પ્રાણીબાગમાં ન જવું નહીં તો એમને પાંજરામાં પૂરી દેવામાં આવશે અને એ જ પાંજરામાં ગુજરાતી કવિ પણ હોઈ શકે છે અને એ તમને કવિતાઓ સંભળાવી શકે. ‘સિંહ’ને હિન્દીમાં શેર કહેવાય, પણ શેરબજારથી સંભાળવું.
ઇન્ટરવલ :
…એક બરાહમનને કહા હૈ
કિ યે સાલ અચ્છા હૈ(ગાલિબ)
કન્યા(પ.ઠ.ણ)- ‘ઠ’ અને ‘ણ’ પરથી કદીયે કોઈનું નામ હોતું નથી માટે ‘ઠ’ પરથી નામવાળા ખૂબ સુખ પામશે. કન્યા રાશિવાળાઓએ કન્યાદાન થતું હોય એને જોવાને બદલે બુફેમાં જવું, જ્યાં વેઇટ્રેસો ગરમ ઢોકળાં પીરસશે. કન્યા રાશિવાળાએ રસ્તે જતી કન્યા તરફ તાકી તાકીને ન જોવું, કારણ કે એની પાછળ એના બાપા આવતા હશે!
તુલા(ર.ત.)- તુલા રાશિવાળા રાજકીય ચર્ચા કરશે. માનસિક સમતુલા હલી જશે. દુકાનમાં ખરીદી વખતે ત્યાંની તુલા પર ધ્યાન રાખવું. છેલ્લાં ત્રણ વરસમાં અનાજ, તેલના ભાવ નથી ઘટ્યા એ અંગે દુકાનદાર સાથે મગજમારી ન કરવી. તુલા રાશિની સ્ત્રીઓએ રાત્રે તકિયા નીચે પર્સ રાખીને ન સૂવું. નહીં તો નોટબંધીનાં સપનાંઓથી માથામાં ઓચિંતા ઝટકા લાગશે.
વૃશ્ચિક(ન.ય.)- તમારું નામ ‘ન’ પરથી હોય તો તરત જ નામ બદલીને ‘નેતા’ કરી લેવું, આથી ખૂબ માન સન્માન મળશે. તમે કાંઈ પણ બોલશો, તાળીઓ પડશે, કપડાં સારાં પહેરવાં મળશે અને વિદેશ પ્રવાસો કરવા મળશે. વૃશ્ચિક એટલે વીંછી- નેતા તરીકે વિરોધીઓ પર ઇન્કમ ટેક્સ અને સીબીઆઇના દરોડા કરાવીને હરખાશો. 2019 કે 2024ની ચિંતા કરીને રાત્રે ઉજાગરા ટાળવા. તમારું ભવિષ્ય ઊજળું જ છે, વર્તમાનમાં બોલવામાં સંભાળવું.
ધન(ભ,ફ,ધ,ઢ,)- ઘરમાં ચોરી, સમાજમાં બદનામી, પેટમાં ગેસ, ધંધામાં નુકસાની-એકંદરે અઠવાડિયું આનંદપૂર્ણ. કૂતરાને રોટલી ખવડાવશો તો એ બટકાં નહીં ભરે. ગુજરાતી છાપાંઓમાં પેક કરલાં ગાઠિયા-ભજિયાં ખાવાથી નેગેટિવ વિચારો આવે કે એસિડિટી થઈ શકે, કારણ કે એ પડીકામાં ક્યારેક કોઈ કોમવાદી કોલમ છપાયેલી હોઈ શકે.
મકર(ખ.જ.)-જેમ મોંઘવારી કે કરપ્શન જેવા ઇશ્યૂ અંગે દેશમાં કોઈ જ ફેરફાર નથી થયા એમ તમારા ભવિષ્યમાં પણ ફેર નહીં પડે. પેટ્રોલના ભાવ બધા માટે વધશે જેથી તમને સાંત્વન મળશે. જો તમે પગ વડે ડોરબેલ દબાવવા જશો તો ગબડી પડવાની સંભાવના. જીભથી ગિટાર વગાડશો તો લોહી નીકળશે. જીભનો ઉપયોગ સરકારી ચમચાગીરી માટે કરો તો સરકારી એવોર્ડ મળી શકે.
કુંભ(ગ,શ,સ,)-હમણાં જ છપાયેલા પુસ્તકમાંથી તમે 76 લેખ કે ફેસબુક પોસ્ટ ઘસડી શકશો. વિચાર્યા વિના લખશો કે ગાળો બોલશો તો આવક વધશે, પણ ઇજ્જત ઘટશે. વાળ વધારશો. શાસ્ત્રીય સંગીતના જલસામાં માથાં ધુણાવીને વાળ ઉલાળી શકશો. ચુનાવી માહોલમાં ‘મારું-કાપું’ જેવા હિંસક વિચારો આવે તો ટ્રેનની ટિકિટ કપાવીને મનને શાંત કરવું.(તમારું નામ સંજય હશે તો આવા લેખ માટે ગાળો મળશે.)
મીન(દ,ચ,ઝ,થ)-તમારું નામ દમણ હોય તો હવે એ ગુજરાત થઈ જશે. દીવ જઈને બિયરની બોતલમાં કાળા તલ નાખીને સેવન કરવું. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી પેટ સાફ આવે. ગુજરાતી ફિલ્મો જોવા જતાં થિયેટરમાં એકલા હોવાને લીધે ડર લાગશે. સાહિત્ય પરિષદ અને અકાદમીના સામસામા ગોળીબારમાં એક આંખ ફૂટી શકે, સંભાળવું.
એંડ ટાઇટલ્સ:
આદમ : જ્યોતિષમાં માને?
ઈવ : તને મળ્યા પછી તો નહીં!
[email protected]
X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી