રાગ બિન્દાસ / હસતાં હસતાં ઝેલો કે ખેલો લોકશાહીનો મનોરંજક ઉત્સવ!

article by sanjay chhel

સંજય છેલ

Apr 07, 2019, 04:03 PM IST

ટાઇટલ્સ
કટાક્ષ, ભટકી ગયેલો ગુસ્સો!(છેલવણી)

હમણાં નેતાઓએ આપણને કહ્યું: ‘ઇલેક્શન દેશનો બહુ મોટો ઉત્સવ છે.’ ઓકે! બાકી અમે તો અત્યાર સુધી દિવાળીના તહેવાર પર જ નવાં કપડાં સીવડાવતા! મે મહિનામાં લોકસભા ચૂંટણી વખતે નવાં કપડાં સીવડાવવાં પડશે અને સગાંવહાલાંના ઘરે જઈને પગે લાગવું પડશે કે ગિફ્ટો આપવી પડશે એ વિચારથી અમારું ખિસ્સું લકવો મારી ગયું! પણ ગુજરાતી લેખક હોવાને લીધે અમારા પર સરસ્વતી માતા કરતાં લક્ષ્મી માતાની વધારે કૃપા છે એટલે એમણે અમને કાનમાં કહ્યું, ‘વત્સ, આ બધું ખાલી સાંભળવાનું અને માત્ર એન્જોય કરવાનું!’ અમને હાશ થઈ કે લોકતંત્રનો ઉત્સવ વગેરે ભલે કહેવાતો હોય, 15 લાખ ભલે નહીં મળે, 28 ટકા જીએસટી ભલે ભરવો પડે, પણ એનાથી વધુ તો આપણા પોકેટમાંથી કાંઈ નહીં જાયને? પછી ફરીથી અમારી અંદર વીર નર્મદ ટાઇપનો પાર્ટ ટાઇમ લેખક જાગ્યો અને ફરીથી વાણી સ્વાતંત્ર્યનો એટેક આવ્યો! અમને થયું કે દેશમાં ફરી ચૂંટણી આવે કે ન આવે, અત્યારે તો ઘડીભર રમૂજ કરી લઈએ! શરાબીઓને જેમ છેલ્લા પેગની કદર હોય છે એ જ રીતે છેલ્લીવાર છૂટથી કટાક્ષ કરી લઈએ! પછી ખબર નહીં કોણ ક્યારે દેશદ્રોહી કહીને દેશવટો આપી દેશે? તો પેશ છે, ડરતાં ડરતાં લખેલા ચંદ ચુનાવી ટુચકા…
⬛ પ્રાણીસંગ્રહાલયમાંથી એક સિંહ ભાગી ગયો. અઠવાડિયા પછી પાછો ફર્યો અને ત્યારે એ ખૂબ જાડોપાડો થઈ ગયેલો. બીજા સિંહે એને પૂછ્યું, ‘આ તબિયત કઈ રીતે જામી ગઈ?’
જાડા સિંહે કહ્યું, ‘એક અઠવાડિયામાં કોંગ્રેસના દસ નેતાઓને ખાઈ ચૂક્યો છું!’
‘કોઈએ તને પકડ્યો નહીં?’

  • ‘કોઈએ તને પકડ્યો નહીં?’ ‘ના રે, જે લોકોને ખાઈ ગયો એની આસપાસના લોકોને કંઈ પડી જ નથી. એ લોકોને લાગે છે કે એ નેતાઓ ભાજપમાં ભળી ગયા હશે!’

‘ના રે, જે લોકોને ખાઈ ગયો એની આસપાસના લોકોને કંઈ પડી જ નથી. એ લોકોને લાગે છે કે એ નેતાઓ ભાજપમાં ભળી ગયા હશે!’
⬛ એક વાર જૂની પાર્ટીના યુવાનેતાને પત્રકારોએ સવાલો પૂછવા ઘેરી લીધા. યુવાનેતાએ બધાયે પ્રશ્નો ટાળી દીધા. છેવટે એક સ્માર્ટ પત્રકારે પૂછ્યું, ‘હું ખાસ કંઈ નહીં પૂછું, પણ ભારતનું રાજકારણ, ભારતની પ્રજાને તમે જેટલું સમજી શક્યા છો એ વિશે કંઈક કહો! પ્લીઝ, તમારી એક મિનિટથી વધારે નહીં લઉં!’ યુવરાજ બોલ્યા, ‘એક મિનિટ? જેટલું હું જાણું છું એ કહીશ તોયે દસ સેક્ન્ડથી વધુ મને નહીં લાગે!’
⬛ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા કેજરીવાલ વારાણસીમાં ગયા. ચાની લારી પાસે ઊભેલા લોકો પાસે પોતાની ઓળખાણ આપતાં કહ્યું, ‘હું અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીથી નરેન્દ્ર મોદી સામે ચૂંટણીમાં ઊભવાનો છું!’
એક જણો બોલ્યો, ‘અમને ખબર છેને? અમે સવારથી એના પર જ હસી રહ્યા છીએ! અમને ડર છે કે મોદી તમારાથી ડરી ન જાય!’
⬛ ભારતના ભાવિ વડાપ્રધાન તરીકેના ઉમેદવાર, એક છોકરીના પ્રેમમાં પડ્યા. ચૂંટણીના દસ જ દિવસ પહેલાં છોકરીનો બર્થ-ડે આવતો હતો એટલે એણે ભાવિ પી.એમ. પાસે જીદ પકડી કે આપણે ક્યાંક ફરવા જઈએ. ભાવિ પી.એમ.ના સેક્રેટરીએ રસ્તો કાઢ્યો, ‘હું મારા ગામ પાસે ધરમશાળા જેવી હોટેલમાં બુકિંગ કરાવું છું. ગામના લોકો એટલા બેવકૂફ છે કે દેશમાં કોણ કોણ નેતા છે, કોણ વડાપ્રધાન બની શકે એવું બધું કંઈ જાણતા નથી.’
તેઓ છૂપા વેશે ગામની હોટેલમાં પહોંચ્યાં. રિસેપ્શન પર મેનેજરે કહ્યું, ‘ભારતના ભાવિ વડાપ્રધાન અને ભાવિ પત્નીનું સ્વાગત છે!’
નેતા અને ગર્લફ્રેન્ડ તો ડરી ગયાં કે હવે તો વાત લીક થઈ જશે! પણ ત્યાં તો મેનેજરે કહ્યું, ‘શ્રીમતી નેહરુ... આ લ્યો ચાવી અને અહીં સહી કરો.’ પછી નોકરને બૂમ પાડીને કહ્યું, ‘ગાંધીજી માટે ગરમ પાણી કાઢો. એમને દાંડીકૂચ માટે જવાનું મોડું થશે!’ એ ગામના લોકો આ દેશના અનેક લોકોની જેમ આઝાદી પછી પણ હજુ ત્યાંના ત્યાં જ અટકેલા છે.
ઇન્ટરવલ :
વો જૂઠ બોલ રહા થા બડે સલીકે સે,
મૈં ઐતબાર ન કરતા તો ક્યા કરતા?
(રાહી મુરૈયા)

ટીવી ચેનલ પર એન્કરે એક પાવરફુલ નેતાનો ઇન્ટરવ્યૂ શરૂ કર્યો, ‘સર, ગૌહત્યાને કારણે થયેલ હિંસા વિશે આપનું શું માનવું છે?’
નેતાએ ચશ્માંમાંથી ડોળા કાઢીને કહ્યું, ‘આવું કંઈ છે જ નહીં. એ વિશે મારે કશું કહેવાનું નથી!’
પત્રકારે કહ્યું, ‘એ તો અમે જાણીએ જ છીએ. હવે આપનો ઓનેસ્ટ ઇન્ટરવ્યૂ શરૂ કરીએ?’
⬛ એક વાર એક ઇન્ટરવ્યૂમાં રાહુલ ગાંધીને કોઈએ પૂછ્યું કે, ‘રાહુલજી, તમે તમારા પિતરાઈ ભાઈ વરુણ ગાંધી વિશે શું માનો છો?’
રાહુલે કહ્યું, ‘જે માણસ પરિવારનું નામ અને ‘ગાંધી’ અટક વટાવી ખાવા માગતો હોય એવા વંશવાદની પ્રોડક્ટ વિશે હું કશું જ નહીં કહું!’
⬛ લોકપ્રિય મહાજુમલાબાજ નેતા ચૂંટણીસભામાં દેશના વિકાસ પર સતત બે કલાક બોલી રહ્યા હતા. સ્ટેજ પર બેઠેલા અન્ય નેતાઓ કંટાળ્યા. એમાંથી એક ઊઠીને બહાર ગયો ત્યારે બહાર ઊભેલાએ પૂછ્યું, ‘ત્યાં અંદર હવે પત્યું કે નહીં?’
‘શું? વિકાસ કે વિકાસની વાતો?’ સામે નેતાએ પૂછ્યું.
⬛ સ્કૂલમાં બાળકોને કહેવાયું કે તમારા વિસ્તારના નેતાને એક ફરિયાદ કરતો લાંબો પત્ર લખો. થોડી વારે શિક્ષકે જોયું કે કોઈએ કશું લખ્યું જ નહોતું!
શિક્ષકે પૂછ્યું, ‘તમારે કોઈ ફરિયાદ જ નથી, નેતા તરફ?’
એક બાળકે કહ્યું, ‘ફરિયાદ તો ઘણી છે!’
‘તો પછી કોઈ પત્ર લખતા કેમ નથી?’
બાળકોએ કહ્યું, ‘પત્ર તો લખીએ, પણ એને કઈ જેલના સરનામે મોકલીએ એ ખબર નથી!’
⬛ લોકપ્રિય-કૌભાંડી નેતાની પત્ની ચૂંટણી સમયે જ્યોતિષ પાસે ગઈ. જ્યોતિષે કુંડળી જોઈને કહ્યું, ‘મેડમ, વિધવા બનવા માટે તૈયાર થઈ જાઓ. તમારા પતિનું આ ચૂંટણી દરમિયાન લોહિયાળ સંજોગોમાં મોત થશે!’
પત્નીએ તરત પૂછ્યું, ‘એ ઠીક છે! પણ હું આખરે નિર્દોષ સાબિત થઈશ ને?’
⬛ ચૂંટાયેલા વડાપ્રધાનને વિદેશી પત્રકારે પૂછ્યું, ‘તમે પ્રધાનમંત્રી તરીકે દેશમાં મોટા મોટા નિર્ણય લેતા પહેલાં તમને કંટ્રોલ કરનારાં ખતરનાક તત્ત્વોને કેવી રીતે હેન્ડલ કરો છો?’
‘લિસન, આખી વાતમાં ઉદ્યોગપતિને વચ્ચે ઘસડવાની જરૂર નથી’ પ્રધાનમંત્રી તાડૂક્યા.
⬛ નેતા દેશભક્તિ, એકતા અને ધર્મનિરપેક્ષતા વગેરે વિશે સ્ટેજ પર મોટી મોટી વાતો કરી રહ્યો હતો. જુઠ્ઠા ભાષણથી કંટાળીને કોઈ ઊભો થયો અને બરાડ્યો, ‘ચૂપ કરો. તમે જો ગાંધીજી હોતને તોયે હું તમને વોટ ન આપું!’
નેતાએ ઠંડકથી કહ્યું, "ભાઈ, હું ગાંધીજી હોત તો મારા મતદાર ક્ષેત્રમાં તમે હોત જ નહીં અને તમે પોરબંદર કે સાબરમતી બાજુ હોત માટે શાંતિ રાખો!’
આ બધા માત્ર ટુચકા છે, જે જરાયે સારા કે સાચા નથી, પણ એવું હોય તો? જસ્ટ થિંક બિફોર યુ વોટ!
એંડ ટાઇટલ્સ:
આદમ: આ વખતે કોને વોટ આપીશ?

ઈવ: તને પરણ્યા પછી તો તું જાણે જ છે કે પસંદગી કરવામાં હું હંમેશાં થાપ ખાઉં છું!

[email protected]

X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી