રાગ બિન્દાસ / પ્રેમ, પોલિટિક્સ કે પરમાત્મા સર્વત્ર ‘એપ્રિલ ફૂલ’ પર્વ!

article by sanjay chhel

સંજય છેલ

Apr 01, 2019, 02:55 PM IST

ટાઇટલ્સ
આત્મહત્યા કરતા પકડાઈ જનારને ફાંસીએ ચઢાવે એનું નામ કડક સરકાર! (છેલવાણી)

જેમ અધિક માસમાં કરેલ વ્રત-જપ-દાનનો મહિમા બમણો છે એમ ચૂંટણીના વરસમાં આવતા એપ્રિલ ફૂલના ડેની મજા ડબલ છે. આવતી કાલે એપ્રિલ ફૂલ દિવસ ઊજવીને કે આપણે પાંચ વરસ કેવી રીતે મૂરખ બનવાનું છે એની પ્રેક્ટિસ કરવાની છે. ચૂંટણીઓ આવે ને જાય અને આપણે મૂર્ખની જેમ ‘અચ્છે દિન’ની કે 72000ની પ્રતીક્ષા કરતા જ રહીએ છીએ. શું છે કે આ જગતમાં દરેક માણસ બીજાઓને મૂર્ખ સમજે છે અને બીજાઓ આપણને મૂર્ખ સમજે છે અને આપણને સૌને નેતાઓ મૂર્ખ બનાવે છે. મૂર્ખતા આપણી આસપાસ બધે જ છે, પણ ઈશ્વરની જેમ એ દેખાતી નથી. તો ‘એપ્રિલ ફૂલ’ એવો ખાસ દિવસ મૂર્ખતાની ઉજવણી કાજે શા માટે?

બાળકને ભગવાન નવમે મહિને ધરતી પર પાર્સલ કરી દે છે, પણ બાળકને બે અઢી વરસે માંડ બોલતા આવડે છે. આ તો એવું થયું ગાડી ખરીદીએ તો એ ચાલે ખરી, પણ હોર્ન છેક બે વરસ પછી ચાલે! ઇનશોર્ટ, સરકાર હોય કે ઈશ્વર, સૌ આપણને બાળક ગણીને ઘૂઘરે રમાડીને મૂર્ખ બનાવે છે. જોકે, બાળકો પણ મૂર્ખ બનાવવામાં પાછળ નથી.

મા-બાપને એમ કે એ બાળકોને મૂર્ખ બનાવે છે, પણ બાળકો કમ નથી. બાળક કડવી ગોળી ન ખાય તો મમ્મી એને પેંડામાં નાખીને ખવડાવી દે પછી ચેક કરવા પૂછે, ‘બેટા, પેંડો ભાવ્યો?’ તો બાળક પણ શાંતિથી કહે કે, ‘હા, પેંડો સરસ હતો, પણ એમાં જે ઠળિયો હતો એ ફેંકી દીધો!’
હવે એ જ બાળક મોટું એટલે ભણતરના નામે મૂરખ બને છે. રિસેસ પહેલાંના પિરિયડમાં કકડીને ભૂખ લાગી હોય, બાજુવાળાના ડબ્બામાંથી થેપલાં-ગુંદા મહેકતાં હોય ત્યારે ‘હોનુલૂલૂમાં કઈ સિઝનમાં કયો કયો ખોરાક ખવાય છે?’ જેવી ફાલતુ વાતો શીખવીને સ્કૂલવાળાઓ 10-10 વરસ મૂરખ બનાવે છે. જે ભૂલકાંને ઘરનું એડ્રેસ માંડ યાદ રહેતું હોય એને નાગાલેન્ડની રાજધાનીનું નામ કઈ રીતે યાદ રહે? બીજા બધાની જેમ અમે પણ સ્કૂલ-કોલેજોમાં મોંઘી ફી આપીને મૂર્ખતા ઘટાડવા, સેંકડો પેન્સિલો છોલી નાખી, પણ મૂર્ખતા ન ગઈ તે ન જ ગઈ! હજુયે લોકો મૂર્ખ બનાવતા જ રહે છે. માણસ માત્ર, ‘એપ્રિલ’ નહીં, ‘ઓલવેઝ ફૂલ’ને પાત્ર!

ઇન્ટરવલ :
ભાષણ સે શાસન ચલે, રાશન સે જનતંત્ર
રાજનીતિ હૈ પઢ રહી, આશ્વાસન કે મંત્ર(નીરજ)

હવે પેલું બાળક મોટું થઈને કોલેજમાં જાય ત્યારે મોટી મૂર્ખતાઓ કરે છે. ‘સાઇકોલોજી’નાે સ્પેલિંગ ‘S’થી નહીં, પણ ‘P’થી શરૂ થાય છે એવી ખબર પડે ત્યારે સ્કૂલ પરથી જ નહીં, અંગ્રેજી ભાષા પરથી ભરોસો ઊઠવા માંડે છે, એને થાય કે આટલાં વર્ષ મૂરખ બનાવ્યાં અંગ્રેજી ટીચરે? પછી સાઇકોલોજીનો સ્પેલિંગ માંડ ગોખાય ત્યારે એ હ્યુમન સાઇકોલોજીને (અને ખાસ તો બાયોલોજીને) કારણે પ્રેમમાં પડીને છોકરાને જેવી કોઈ છોકરી દેખાણી કે ‘Fool’ની જેમ ‘ફૂલ’ લઈને એને પટાવવા જશે અને કહેશે:

‘હાય, આઇ એમ શ્યોર તારી મમ્મીએ તને કહ્યું જ હશે કે એક સંસ્કારી છોકરીએ અજાણ્યા સાથે વાત ન જ કરવી જોઈએ. તો બોલ, મારી ઓળખાણ આપું? ચાલ હવે ઓળખાણ પતી ગઈ હોય તો તારા રૂપને નજીક આવીને નિહાળું? તો એ માટે મારા ફ્લેટ પર જઈએ? ત્યાં લાઇટ વધારે સારી છે!’
છોકરી સ્માર્ટ હશે તો કહેશે, ‘હું સ્ત્રી-પુરુષના સમાન હકોમાં માનું છું. તારે ત્યાં કેમ? આપણે મારા ફ્લેટ પર જઈએ. પપ્પા આજે ઘરે જ છે એમની કુશ્તીની મેચ કાલે છેને!’ છોકરો ચૂપ!

આમ છતાં છોકરો ન ડરે તો છોકરી સામી ગૂગલી ફેંકે, ‘આગળનું વિચારે એ પહેલાં ચેતવી દઉં કે મારી સાથે લગ્ન વગેરે કરીને તું પસ્તાઈશ, કારણ કે અમારી સાત પેઢીમાં કોઈ સ્ત્રીને પરણીને બાળકો થતાં જ નથી, સોરી!’ ફરી છોકરો ચૂપ!
આમ છતાં સ્ત્રી-પુરુષ પ્રેમમાં પડીને એકમેકને ફૂલમાળા પહેરાવીને મૂરખ બનીને જ જંપે છે. આ બધા છતાંયે મોટાભાગના જીવતા લોકો શ્વાસ લેવાનું અને પરણવાનું ચૂકતા નથી. લગ્નજીવન, એ પરમેનન્ટ એપ્રિલ ફૂલ દિવસ છે! ઘણા મૂર્ખતાનું નાટક વધુ નથી નિભાવી શકતા તો છૂટા પડે છે.
એપ્રિલ ફૂલ તો બહાનું છે, જાતને ખુશ રાખવાનું બાકી સામાન્ય માણસ દરેક સિચ્યુએશનમાં ‘ફૂલ’ બનતો જ રહે છે. સૌથી વધારે ‘ફૂલ’ આપણે ખુદને બનાવીએ છીએ! ઈશ્વરને અડકી નથી શકતા, પણ એનામાં ભરોસો મૂકીએ છીએ અને જીવતા જાગતા માણસને અડી શકીએ છીએ, પણ ભરોસો નહીં કરીને ફૂલ બનીએ છીએ. ખરેખર તો વરસમાં એકવાર આવતાં એપ્રિલ ફૂલ્સ ડેની જેમ આપણે રોજેરોજ દિવસમાં એકવાર પાંચેક મિનિટ ‘ફૂલ્સ મિનિટ’ રાખવી જોઈએ. ખાસ કરીને અરીસામાં ખુદને જોતી વખતે.

એંડ ટાઇટલ્સ:
ઈવ: આઇ લવ યુ!
આદમ : એપ્રિલ ફૂલ્સ ડે કાલે છે!

[email protected]

X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી