અંદાઝે બયાં / ચોકીદાર કૈસે કૈસે : ચાલાક, ચિંતક, ચૌકન્ના વગેરે વગેરે…

article by sanjay chhel

સંજય છેલ

Mar 28, 2019, 05:49 PM IST

ટાઇટલ્સ
લોકશાહીમાં દરેક યુગનું એક સ્લોગન હોય છે
- છેલવાણી

અમે 1990ની આસપાસ ફિલ્મલાઇન જોઇન કરીને સ્ટુડિયોના ધક્કા ખાતા હતા. (જોકે, એ તો અત્યારે પણ ખાઈએ છીએ!)ત્યારે ફિલ્મ લાઇનમાં સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ પાત્ર સ્ટુડિયોના ચોકીદારો લાગતા. જે ફિલ્મસ્ટારની છેલ્લી ફિલ્મ હિટ હોય એને સલામ ઠોકવામાં એ સદા તૈયાર! (જોકે, સત્તાને સલામો ઠોકનારા લોકો સદાયે ઠેરઠેર જોવા મળે જ છે, પણ એ વાત અલગ છે) વળી, સ્ટુડિયોમાં જેવો કોઈ નવો નવો સ્ટાર બનેલો અભિનેતા સહેજ પણ નખરાં કરે કે અનુભવી વોચમેન બોલશે,‘ઇસકા ભી રાજેશ ખન્નાવાલા હાલ હો જાયેગા. ઐસે બહુત હીરે મોતી દેખ લિયે હમને ગેટ પે બૈઠે બૈઠે’ આવા પીઢ વોચમેનો આપણા આત્મા જેવા હોય છે. બહારની ચમકદમક સામે અંદરનું સત્ય જાણતો હોય! એ બધું સારુંનરસું વોચ કરતો જ હોય છે. પ્રોબ્લેમ એટલો જ છે કે આત્મા નામનો ચોકીદાર ડ્યૂટી ભૂલીને વારેવારે ઊંઘી જાય છે!
હમણાં લોકસભા ઇલેક્શનના હંગામામાં ‘ચૌકીદાર ચોર હૈ’ અને ‘મૈં ભી ચૌકીદાર’ જેવાં સૂત્રોને લીધે ચોકીદારો અચાનક બહુ ચર્ચામાં છે! ત્યાં સુધી કે અમે તો અમારા મકાનના ચોકીદારથી બીવા માંડ્યા છીએ કે રખે ને એ અમને દેશદ્રોહી કહીને પાકિસ્તાન મોકલી આપશે તો? એ સલામ કરે એની પહેલાં અમે જ સલામ કરીને ‘મૈં ભી ચૌકીદાર’ કહી દઈએ છીએ! પણ એમાં એને એમ ડર લાગે છે કે અમે એની નોકરી છીનવી લેવાના કે શું?
મુંબઈમાં ચોકીદાર લોકલ પોલીસ જેવો પાવરફુલ હોય છે. ગેટ પર બેઠા બેઠા ભલભલાને ઔકાત દેખાડે.‘તમે આ જગતમાં ક્યાંથી આવ્યાં છો ને ક્યાં જવાનાં છો?’ જેવા ફિલોસોફિકલ સવાલો પૂછીને એમ અટકાવે કે જાણે તમે વાઘા બોર્ડર પર પકડાઈ ગયા હો! આવા ચોકીદારો પાસેથી એ શીખવા મળે કે નાના માણસ પાસે પણ સત્તા આવે તો એ કોઈને ય ધમકાવી નાખે.
ચોકીદારોનો એક બીજો પ્રકાર છેઃ કડક પ્રશાસક.‘મેરી ઝાંસી નહીં દૂંગી’ કહીને રાણી લક્ષ્મીબાઈએ જે રીતે લડત આપેલી એમ અમુક ચોકીદારો મહેમાનોને ગેટની અંદર કાર પાર્ક નહીં જ કરવા દે. કોઈ ગમે તેટલું કરગરે, પણ ગેસ્ટને કારમાંથી ઉતારીને જંપશે. આવા ચોકીદારો છાપાં-મીડિયાવાળા જેવા સ્ટ્રિક્ટ હોય, જે સાવ સસ્તામાં ન પટી શકે હોં.

  • સોસાયટીના સેક્રેટેરીને ખુરશી જતી દેખાય એટલે એને કાઢી મૂકે. આવા ચોકીદારો આવી સજા માટે સદા તૈયાર જ હોય

ઇન્ટરવલ
લોકતંત્ર કે રક્ષક અબ ભી ભૂખા નંગા અનપઢ હૈ,
પર ઉસકે વોટોં કા ભિક્ષુક, સૈર હવાઈ કરતા હૈ -ચિરંજિત

અમુક ચોકીદારો દુનિયાને ફિલોસોફરની અદાએ નીરખીને તમાકુ ચાવ્યા કરે. ગેટ સામે ઓટો રિક્શા તો શું આખેઆખું એરોપ્લેન પાર્ક કરીને જાય તોયે એના પેટનું પાણી ન હલે. આવા વોચમેન નોકરી ધંધેથી આવતાં જતાં લોકોને જોઈને નિરાંતે વિચારે કે,‘લ્યો, આજેય ભાઈ વૈંતરું કરીને આવ્યા. બોનસ મળ્યું નથી લાગતું!આમ ને આમ 9 ટુ 5 વૈંતરું કરીને એક દિવસ ઉકલી જશે. આના કરતાં આપણે સુખી.’

અમુક નેતાઓ સંસદમાં ક્યારેય દેખાતા જ નથી એમ અમુક ચોકીદારો ગેટ પર હોય જ નહીં. આપણે કારમાંથી ઊતરીને ગેટ ખોલીએ ત્યારે અચાનક પ્રગટ થઈને મલકાય! તો અમુક વોચમેનો વડીલના રોલમાં હોય. મકાનના દરેક ઘરના સભ્યોની ઝીણામાં ઝીણી માહિતી એમની પાસે હોય!‘11 નં.વાલે કી બેટી રોઝ લેટ આતી હૈ ઔર જો લડકા છોડને આતા હૈ ના, વો 1 નં. કા ચોર લગતા હૈ!’ અને આ પંચાતમાં સાચો ચોર કમ્પાઉન્ડમાં ઘૂસીને ચોરી કરીને ભાગી જાય તોયે ચોકીદારને ખબર ન પડે. (આમાં પણ કોઈ પોલિટિકલ મેસેજ નથી, જાણ ખાતર) વડીલ ચોકીદારો અમારા જેવા ફિલ્મી માણસને ગેટ પર રોકીને પૂછે, ‘કા બાત હૈ, બહુત દિનોં સે કોઈ ફિલ્મ નહીં આયી તુમ્હારી? ધંધા મંદા હૈ કા? ચલો, મુનાફા નુકસાન ચલતા રહતા હૈ. અરે! આપ કી હી ફિલ્મ નહીં પર રાજકપૂર કી ‘મેરા નામ જોકર’ ભી તો પીટ ગઈ થી અને પછી છેલ્લાં 100 વર્ષની બધી ફ્લોપ ફિલ્મો યાદ કરાવીને મેણાં મારી લે.
અમુક ચોકીદારો તો ગુજરાતી ચિંતક જેવા મુગ્ધ હોય. ભૂલથી એકાદી કોયલ ટહુકે તો એ આકાશ તાકીને બોલે ‘અબ કી બારી બારીસ જલ્દી ના હી હોગી. પાપ બઢ ગયા હૈ ઇસ દેશ મેં!’ તો અમુક ચોકીદારો તો સાક્ષાત્ વિવેચકો. કેટલાક ક્રિટિકો, હિટ ફિલ્મો કે સારાં પુસ્તકોમાંથીયે ભૂલો કાઢે જ, તો જ એમને ખાવાનું પચે એમ વાયડા વોચમેન વારેવારે ટકોર કરે, ‘ક્યા સાબ? આજકલ બડા લેટ હો રહા હૈ. બાહર મજે લે રહે હો?’ તમે ગંભીર ચહેરે ચૂપચાપ નીકળી જવા લાગો તો પૂછશે:‘ફિર સે બીવી સે ઝગડા હુઆ કા?’ જો તમે હસીને નીકળવા જશો તો કહેશે, ‘ક્યૂં? ખામખાં મુસ્કુરા રહે હો? બીવી માઇકે ગઇલ હૈ કા!’
ઇલેક્શન સમયે નેતાઓનાં સતત વખાણ કરતી ન્યૂઝ ચેનલો કે છાપાં જેવા અમુક ચોકીદારો હોય છે. જાણીતા અજાણ્યા સૌને ગાડી પાર્ક કરવા દે અને ખૂબ બક્ષીસ કમાય. વળી, એ જ ચોકીદાર દિવાળી સમયે બોણી માંગે અને તમે જો રકમ માટે જરા રકઝક કરો તો તરત જ ડિક્લેર કરે કે ચોકીદાર બનતા પહેલાં એ ભાઈ બિહારમાં ડાકુ હતા અને 8 વર્ષ જેલમાં પણ ગયેલો!’ જેમ વાલિયો લૂંટારો વાલ્મીકિ ઋષિ બની ગયેલા એમ આ ચોકીદાર 2-3 મર્ડર કરીને આપણને સલામ ઠોકી રહ્યા છે.’ એ રહસ્ય જાણીને તમારી પીઠમાં લખલખું પસાર થઈ જાય અને પછી તમે મોં માંગી બોણી આપી દો. (આને પણ હાલના પોલિટિક્સ સાથે કોઈ લેવાદેવા નથી, જાહેર ખુલાસો)

રાજા વિક્રમ રાત્રે વેશપલટો કરીને નગરમાં ફરતા એમ ઘણા વોચમેનો દિવસે રિક્ષા ચલાવે અને રાત્રે વોચમેન બનીને ગેટ પર ઊંઘે. એવા ચોકીદારને ઈશ્વર પર ખૂબ શ્રદ્ધા હોય છે એટલે બધું રામજીને સોંપીને સૂઈ જાય.(આ વાતને પણ રામમંદિર ઇશ્યૂ સાથે કોઈ લેવાદેવા નથી, જાણ ખાતર) મોડી રાતે તમે એને ગેટ પર જગાડો તો ચોંકીને, તમારાથી ઊંધી જ દિશામાં સલામ ઠોકીને બંધ આંખે ઊભો રહે. એના સલામીવાળા ઠૂમકામાં ચાર્લી ચેપ્લિનની સ્ટાઇલ હોય અને માઇકલ જેક્શનની જેમ ‘મૂન વોકિંગ’નાં સ્ટેપ્સ લઈને ધીમે ધીમે ગેટ ખોલે. ઘણીવાર એ ઊંઘમાં જ ગેટને વળગીને સૂઈ જાય. દૂરથી એમ લાગે કે ગેટ પર ભીનો યુનિફોર્મ સૂકવ્યો છે.

અમુક ચોકીદારો સોસાયટીનાં વહીવટમાં ઊંડો રસ લે. ક્યારે મિટિંગ બોલાવવી, ક્યારે રિપેરિંગ કરાવવું - એ બધા વિશે આપખુદ સત્તાધારીની જેમ પોતે જ બધા નિર્ણય લે. આને લીધે સોસાયટીના સેક્રેટેરીને પોતાની ખુરશી જતી દેખાય એટલે એને કાઢી મૂકે. આવા ચોકીદારો આવી સજા માટે સદા તૈયાર જ હોય. ‘અરે! જાવ જાવ, અબ તક 55 બાર નૌકરી છોડા હૂં. કિસીકા સુન નહીં લેતા હમ’ એમ કહીને ચાવી ફેંકીને બબડે ‘વૈસે ભી ઇસ કંગાલ સોસાયટી મેં કોઈ બરકત હી નહીં સાલી. કિસી કા ભલા નહીં હોગા.’
ઇનશોર્ટ, જે પણ કહો, આવા ચૌકન્ના ચોકીદારો હોય છે તો ઇન્ટેરેસ્ટિંગ, નહીં?
એન્ડ ટાઇટલ્સ
આદમ : મેં તને પહેલાં ક્યાંક જોઈ છે!
ઈવ : એટલે જ હવે હું તારી બાજુ નથી
ફરકતી!

[email protected]

X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી