રાગ બિન્દાસ / ઈલેક્શન અને આર્ટ ના કોઈ સમઝા, ના કોઈ જાના!

article by sanjay chhel

સંજય છેલ

Mar 24, 2019, 01:43 PM IST

ટાઇટલ્સ
ભૂખ્યાને રોટી અને સ્માર્ટ ફોનવાળાઓને ચાર્જ કરવા આપવાથી પુણ્ય મળે છે અને સંચિત પાપ નાશ થાય છે(છેલવાણી)

વાતાવરણ ભારે અને ગંભીર હતું. કેટલાક દાઢીવાળા બૌદ્ધિકો, મોટા પાલવની સાડી અને ફૂટબોલ સાઇઝની બિંદી લગાડેલી સ્ત્રીઓ, લાંબા વાળવાળા લઘરવઘર યુવાનો ત્યાં ભેગા થયેલાં. ના ના, આ કોઈ શોકસભા નહોતી કે મોર્ચો નહોતો કે એક પણ મોર્ડન આર્ટ ગેલેરીમાં ચિત્રવિચિત્ર ચિત્રોનું પ્રદર્શન ચાલી રહ્યું હતું! ત્યાં કોઈકે ચિત્રકારને પૂછયું, ‘આવાં ઉટપટાંગ ઢંગધડા વિનાનાં ચિત્રને મોર્ડન આર્ટ કહેવાય?’

તો ચિત્રકારે કહ્યું, ‘ના, એને અરીસો કહેવાય!’ એટલે કે પેલાનું ડાચું જ ઉટપટાંગ હતું, જેને એણે અરીસામાં જોયું અને ચિત્ર માની લીધેલું. આ જોકનો બીજો અર્થ એમ પણ કરી શકાય કે દરેક ચિત્ર એક આયનો છે, જેમાં જોનારાને એ પોતે જેવા હોય છે તેવા દેખાય!
એક્ચ્યુઅલી આર્ટ અને ઇલેક્શન આપણા સમાજના બે આઇના છે, જેમાં સમાજનું પ્રતિબિંબ દેખાય છે! આજકાલ લોકસભાના માહોલમાં એક પાર્ટીવાળા બીજી પાર્ટીના નાના નેતાઓને પણ કરોડોના ભાવે ખરીદે છે એવી વાતો સંભળાય છે ત્યારે આપણને સમજાતું નથી કે આ નેતાઓના આટલા બધા ભાવ કેમ હોય? જેમ મોડર્ન આર્ટનાં ન સમજાતાં વિચિત્ર ચિત્રો કરોડોમાં શા માટે વેચાય છે, પણ કેમ સામાન્ય માણસને નથી સમજાતું?

જોકે, મોડર્ન આર્ટને સમજવું એ બધાના ગજાની વાત નથી, કેમ કે આપણે ત્યાં મોટેભાગે બે પર્વત વચ્ચે ડૂબતા સૂર્ય જેવાં ચિત્રોને જ સૌ ચિત્રકળા સમજે છે. હુસેન, ગાયતોંડે કે તૈયબ મહેતા જેવા ભારતીય ચિત્રકારો વિશે તો ઠીક, પણ પિકાસો કે વેન ગોઘ પણ લોકો માટે ઉખાણાં છે. એ જ રીતે રાજકારણ અને મોડર્ન આર્ટ ન સમજાય એવાં ઉખાણાં જ છેને?
મારો એક મિત્ર મુંબઈની જાણીતી આર્ટ સ્કૂલ જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાં ભણતો હતો. સારો ચિત્રકાર, પણ આવકનાં ફાંફા. એના મકાનમાલિકે એકવાર ગુસ્સામાં આવીને કહ્યું, ‘છ મહિનાનું ભાડું બાકી છે, અત્યારે ને અત્યારે આપ!’ પેલાએ કહ્યું, ‘સાહેબ, આવું ન કરો. તમને ખબર છે કે 50-100 વર્ષ પછી આખી દુનિયા કહેશે કે અહીંયાં તમારા મકાનમાં એક મહાન કલાકાર ભાડે રહેતો હતો!’ મકાનમાલિકે કહ્યું, ‘50-100 વર્ષ છોડ, કાલથી જ બધા કહેવાનું શરૂ કરી દેશે!’ પછી ગરીબ ચિત્રકારે તો રૂમ છોડી દીધી. આજે એનાં ચિત્રો લાખોમાં વેચાય છે અને મુંબઈમાં આલિશાન ફ્લેટ છે એનો! ટૂંકમાં, આજનો નવો આંદોલન કરતો નેતા કે આજનો નવો ચિત્રકાર કાલે ઊઠીને મોટો સ્ટાર બની શકે છે! વેન ગોઘ નામના જગતના શ્રેષ્ઠ ચિત્રકારનું જીવતાજીવત એક પણ ચિત્ર વેચાયું નહોતું! હા, મૃત્યુ પછી એનાં ચિત્રો કરોડોમાં વેચાયેલાં! એકવાર તો નિષ્ફળતાના ગુસ્સામાં વેન ગોઘે પોતાનો કાન કાપી લીધેલો! એ જ રીતે રાજકારણમાં નેતાઓ પોતાનું નાક કપાવીને પણ પાર્ટી બદલી બદલીને સત્તા મેળવે છે!

ઇન્ટરવલ :
બનાવટ રૂપની પણ રૂપનો આધાર માગે છે,
સુઘડને સ્વચ્છ કાગળ જોઈએ નકલી ગુલાબોને!(મરીઝ)

એક ચિત્રપ્રદર્શનમાં સૌથી મોંઘું ચિત્ર એક ખૂણામાં લટકી રહ્યું હતું અને એને ખરીદવા લોકો લાખોની હરાજી કરી રહ્યા હતા. કલા સમીક્ષકે એના ચિત્રકારને કહ્યું: ‘વાહ, તમારા અંદરના વ્યક્તિત્વની ગડમથલનું તમે રંગોના છાંટણા અને લસરકા વડે શું ચિત્રણ કર્યું છે! સુપર્બ આર્ટ! શું આ તમારું શ્રેષ્ઠ સર્જન છે?’
ચિત્રકાર બોલ્યો, ‘ના, આ તો પીંછી સાફ કરવાનું કપડું છે!’ અર્થાત્ જો ચિત્રકારનું નામ મોટું હોય તો બ્રશ ઘસવાનું કાપડ પણ વેચાય અને જો એ વિખ્યાત ન હોય તો કલાકારનાં જૂતાં ઘસાઈ જાય! એ જ રીતે કોઈ મોટી પાર્ટીનો નેતા હોય તો એની વેલ્યૂ આપોઆપ કરોડોની બની જાય, પણ એ જ અપક્ષ ઉમેદવાર તરીકે ઊભો રહે તો બે રૂપિયા પણ વેલ્યૂ ન થાય! ભક્ત કબીરે સાધુ-સંતો માટે કહ્યું છે, ‘જાત ન પૂછો સાધુ કી...’ એ જ રીતે કળા માટે ‘પ્રાઇઝ ન પૂછો આર્ટ કી યા નેતા કી’ એમ કહી શકાય. મોડર્ન આર્ટ અને રાજકારણ ઈશ્વર જેવી અટપટી વાત છે, એમને પૂરેપૂરા કોઈ ન સમજી શકે. ભગવાન ‘ભાવ’ના ભૂખ્યા છે, હવે રાજકારણ અને મોડર્ન આર્ટમાં ‘ભાવ’ના બધા જ અર્થો વિચારી જુઓ!

રવીન્દ્રનાથ ટાગોર જ્યારે વાર્તા-કવિતા-પત્રો લખતા ત્યારે જે છેકછાક થતી એની આસપાસ તેઓ એક નાનકડું ચિત્ર રચી નાખતા અને એ છેકછાકની આસપાસ બનાવેલા સ્કેચના પણ આજે લાખો-કરોડો રૂપિયા અપાય છે, કારણ કે એ ટાગોરે બનાવ્યાં છે! તમને ખબર નહીં હોય કે પોલિટિક્સની જેમ મોડર્ન આર્ટ પણ એક ઇન્ડસ્ટ્રી છે. આજે અનેક ધનાઢ્ય લોકો મોડર્ન આર્ટનાં ચિત્રો ખરીદીને ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જેથી વરસો પછી એ ચિત્રો મોંઘા ભાવે વેચી શકાય. કળા-ફળામાં ઝાઝું ન સમજતી આપણી ગુજરાતી પ્રજાના ઘણા પૈસાદારો હવે જમીન-ઝવેરાત કે શેરબજાર સાથોસાથ મોડર્ન આર્ટમાં પણ રોકાણ કરવા માંડ્યા છે. એ જ રીતે વેપારીઓ કે મોટા ઉદ્યોગપતિઓ-મોટી કંપનીઓ દરેક નાના-મોટા નેતાને પણ ડોનેશન આપે છે, કારણ કે આગળ જઈને એ જ નેતા મોટો બનીને સરકારમાં આવે તો ધંધામાં મદદ કરી શકે, પણ આજનો કયો આંદોલનકર્તા યુવાન નેતા કાલે કેટલો મોટો નેતા બની શકશે એની કોઈને ખબર નથી હોતી. એ જ રીતે ચિત્રકાર ભાવિમાં વેચાશે કે વખણાશે એનો આઇડિયા પણ કોઈની પાસે નથી.
પોલિટિક્સ અને આર્ટની દુનિયા જ અલગ છે. રાજકારણ અને મોડર્ન આર્ટ બેઉ કમાલની ન સમજાતી અટપટી એબ્સ્ટ્રિક્ટ આર્ટ છેને?
એન્ડ ટાઇટલ્સ :
આદમ: તું મારું ચિત્ર એકદમ સુંદર બનાવીશને?
ઈવ: અરે!જોજેને તું ઓળખાઈશ પણ નહીં!

[email protected]

X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી