અંદાઝે બયાં / કામધંધે કૈસે કૈસે?: કલમવીરોની કમાણીના કિસ્સાઓ

article by sanjay chhel

સંજય છેલ

Mar 20, 2019, 03:16 PM IST

ટાઇટલ્સ
દુનિયાનું બધું લખાણ સાહિત્ય નથી હોતું અને બધું સાહિત્ય વંચાતું નથી હોતું -છેલવાણી

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા અને પદ્મભૂષણ એવા હિન્દીના મહાકવિ સુમિત્રાનંદન પંતને દિલ્હીમાં એક પાર્ટીમાં કોઈ નેતાએ પૂછ્યું, ‘તમે કરો છો શું?’
પંતે કહ્યું, ‘હું કવિ છું.’
ત્યારે પેલા નેતાએ કહ્યું, ‘એ બધું તો ઠીક છે, પણ આમ તમે જીવવા માટે કરો છો શું?’

જી હા, આજેય હાલત અલગ નથી. કોઈ ફુલ ટાઇમ લેખક કે કવિ હોઈ શકે એ વાત હજીયે સમાજને પચતી જ નથી. સાહિત્યકાર એટલે યા તો પ્રોફેસર હોય અથવા તો પત્રકાર-સંપાદક હોય એવી એક ટિપિકલ ઇમેજ બની ગઈ છે. મોટે ભાગે એવું જ હોય છે પાછું. માનવીની ભવાઈના લેખક અને જ્ઞાનપીઠ એવોર્ડ જીતેલા આપણા પન્નાલાલ પટેલ દારૂની ભઠ્ઠી વગેરેમાં પણ મજૂરી કરતા એવા અપવાદો જરૂર છે, પણ મોટેભાગે લેખકો શિક્ષણ, સરકારી નોકરીઓ કે છાપાંઓમાં સલામતી ઝડપી લે છે. એવામાં જો કોઈ લેખક બિલકુલ વિપરીત કિસ્મનું કામ કરે તો ઇન્ટરેસ્ટિંગ વાત બને છે. અલગ ક્ષેત્રમાં રોટી કમાવાને કારણે લેખક ત્યાંના ફર્સ્ટહેન્ડ અનુભવો પોતાની સાથે લઈ આવે છે. એવા લડવૈયા લેખકની રચનાઓમાં ટિપિકલ આડા-ઊભા-ત્રાંસા સંબંધો કે લાગણીની ચાસણીમાં ડુબાડેલાં લખાણો નથી ચરકતાં. ધંધાના કડવા અને કમીના અનુભવોથી કલમને ધગધગતી ધાર મળે છે અને પછી ઉધારિયું ગૂગલિયું જ્ઞાન અને ઉછીના વાંચનને ફરીફરી વઘારીને કાગળ પર પીરસનારા કલમબાજોની કોટેજ ઇન્ડસ્ટ્રીમાં નવી હવા આવે છે. એવા લેખકોનું લિસ્ટ બહુ લાંબું થઈ શકે, પણ અમુક નામ જોઈએ.

  • ગુલઝાર વરસો સુધી મુંબઈના ઓપેરાહાઉસના એક ગેરેજમાં કાર મિકેનિક હતા

બિમલ રોયની ‘બંદીની’ જેવી ક્લાસિક ફિલ્મ, જેમની વાર્તા પરથી બની એ બંગાળી લેખક જરાસંઘ, વરસો સુધી જેલર તરીકે નોકરી કરતા હતા અને માટે જ જેલજીવનના કમાલના કિસ્સાઓ કે પાત્રો પોતાની વાર્તામાં ઉતારી શકેલાં. હિન્દીના વરિષ્ઠ કવિ લેખક અજ્ઞેયજી બ્રિટિશ સેનામાં હતા અને એમણે પેટિયું રળવા માટે ટ્રક ડ્રાઇવરી પણ કરેલી. મરાઠી લેખક અન્ના ભાઉ સાઠે લોકકલાકાર હતા અને ગામેગામ જઈને ગલી મહોલ્લામાં હજારો લોકોની સામે ખુલ્લામાં પરફોર્મન્સ આપતા અને ઝોળી ફેલાવતા! આ જ અન્ના ભાઉ સફળ થયા એ પહેલાં સ્ટેશન પર કૂલી હતા, હોટેલમાં વેઇટર હતા અને મજૂરી પણ કરેલી. સારું છે, સંસ્થાઓ કે શેઠિયાઓની મહેરબાની સ્વીકારવા કરતાં મજૂરી કરી લેવી સારી!

અંગ્રેજીના સુપરસ્ટાર લેખક અર્નેસ્ટ હેમિંગ્વે ફોજમાં હતા અને યુદ્ધ દરમિયાન સંવાદદાતા તરીકે પણ કામ કરતા! ફાઉન્ટન હેડ જેવી સદાબહાર નવલકથાની અંગ્રેજી લેખિકા આયન રૈન્ડ ટૂરિસ્ટ ગાઇડ હતી, ફિલ્મોમાં એક્સ્ટ્રા તરીકે કામ કરેલું, અખબારો વેચવા જતી અને એણે પણ હોટેલમાં વેઇટર તરીકે કામ કરેલું! જેમની વાર્તાના અંતમાં કમાલના આંચકા હોય છે એવા ઓ હેન્રી કાકાની દવાની દુકાનમાં ફાર્માસિસ્ટ હતા અને પછી એક બેન્કમાં એમને પૈસાનું કૌભાંડ પણ કરેલું! (આપણે ત્યાં પણ એવાં કૌભાંડીઓ ઘણા છે, પણ વો કહાની ફિર કભી) આપણા સ્ટાર લેખક ચંદ્રકાંત બક્ષી કોલકાતામાં રેડીમેઇડ કપડાંનો સ્ટોર ચલાવતા અને કોલકાતાની ગલીઓ લોકો એમની વાર્તામાં દિલ ફાડીને પ્રગટતા. (કદાચ બક્ષી જો એમની દુકાનમાં કપડાના તાકા વેચતા હોત તો એને પણ હાથથી નહીં, પણ દિલથી જ ફાડીને ટુકડા કરતા હોત.)
મહાન સ્પેનિશ લેખક ગૈબ્રિયલ ગાર્સિયા માર્ખેજ યુદ્ધમાં રિપોર્ટર હતા તો મધર જેવી અમર રચના લખનાર રશિયન લેખક ગોર્કીએ બેકરીમાં મજૂરી કરેલી, રેકડી પર પ્લેટ ધોયેલી અને નાનપણમાં કચરાપેટીમાંથી કચરા ફેંદીને પણ દિવસો ગુજારેલા! હિન્દીના મૂર્ધન્ય લેખક-નાટ્યકાર જયશંકર પ્રસાદ તમાકુ વેચવાનું કામ કરતા તો 1984 અને ઐનિમલ ફાર્મ જેવી સરકાર-સત્તા વિરોધી રચના લખનાર નોવેલિસ્ટ જ્યોર્જ ઓરવેલ, બર્મામાં પોલીસ ઓફિસર હતા તો સામી બાજુ એટલા જ મોટા ફ્રેન્ચ સાહિત્યકાર જ્યાં જેને સાહિત્ય જગતમાં તો ખૂબ આદર પામતા, પણ રિઅલ લાઇફમાં ચોર, ધાડપાડુ અને પોકેટમાર હતા! (જોકે, દરેક સાહિત્ય જગતમાં ઘણા લેખકો ચોર, ઉઠાવગીર, બ્લેકમેલર કે ફિક્સર હોય છે, પણ વો કહાની ફિર કભી) તો વળી જગવિખ્યાત ચીલી લેખક-કવિ પાબ્લો નેરુદા, વિદેશી રાજદૂત હતા અને એટલે જ દેશ દેશમાં એમની કવિતાની ચાહિકાઓ અને પ્રેમિકાઓ હતી! (આપણે ત્યાં પણ ઘણા દાખલા છે, પણ...)

ઇન્ટરવલ
યાર દિલદાર તુઝે કૈસા ચાહિયે?
પ્યાર ચાહિયે યા પૈસા ચાહિયે?-આનંદ બક્ષી

જગતના સૌથી મહાન વાર્તાકાર ચેખોવ વ્યવસાયે ડોક્ટર હતા અને ડોક્ટરીને તેઓ પોતાની સૌતન કહેતા અને એમની રચનાઓમાં મેડિકલ વાતો ઘણીવાર ઝળકી ઊઠતી. અત્યારના જાણીતા હિન્દી વ્યંગકાર જ્ઞાન ચતુર્વેદી હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે.(આમ પણ હાર્ટ અને હ્યુમરને સીધો સંબંધ છેને?) લોલિટા જેવી વિવાદાસ્પદ નવલકથાના રશિયન લેખક વ્લાદિ મીર નાબાકોવ મૂળે તો કીટાણુ વૈજ્ઞાનિક હતા! અંગ્રેજી કવિ અને લેખક ટી.એસ. ઇલિયટ લંડનમાં લોઇડ બેન્કમાં મામૂલી કારકુન હતા! જેના નામને લીધા વિના ગુજરાતી આધુનિક સાહિત્યકારો, પ્રોફેસરોને ચાલતું નથી એ ફ્રાન્ઝ કાફકા શરૂઆતમાં એક વકાલતની કંપનીમાં મામૂલી નોકરી કરતા હતા, તો મહાન અંગ્રજી લેખક વિલિયમ ફોકનર સાધારણ પોસ્ટમાસ્ટર હતા! ઉર્દૂના મહાન કવિ ફૈઝ અહેમદ ફૈઝ, ભારત-પાક. ભાગલા પહેલાં બ્રિટિશ ફોજમાં લેફ્ટનન્ટ કર્નલ હતા, તો પાકિસ્તાની શાયર મુનવ્વર શકીલ મોચી છે!

હિન્દી કવિ ધૂમિલે શરૂશરૂમાં લોખંડ અને લાકડાની હમાલી કરેલી! તો આપણી ભગિની ભાષા મરાઠીના સુંદર કવિ નારાયણ સુર્વે વરસો સુધી મિલમાં કૂલીનું કામ કરતા અને બાદમાં સ્કૂલમાં પ્યૂન હતા. મરાઠી લેખક લક્ષ્મણ ગાયકવાડનો તો જન્મ જ ચોર લૂંટારાઓની જાતિમાં થયેલો. લેખક લક્ષ્મણ રાવ દિલ્હીમાં દિવસે રસ્તા પર ચા વેચે છે અને રાત જાગીને 25 પુસ્તકો લખ્યાં છે! (ચાવાળાઓ કાંઈ પણ કરી શકે એનો એક વધુ પ્રેરક દાખલો.)

શૈલેશ મટિયાની નામનો હિન્દીનો અદ્્ભુત લેખક મુંબઈની ફૂટપાથ પર ખુલ્લામાં જ વરસો સુધી રહેલો. ગુરુદ્વારા કે મંદિરોમાં જ્યાં ફ્રીમાં ખાવાનું મળે ત્યાં જમી લેતો. હિન્દી લેખક કમલેશ્વરના ધર્મયુગ જેવા પ્રતિષ્ઠિત મેગેઝિનમાં જ્યારે એની વાર્તાઓ છપાઈ ત્યારે એ ઢાબા પર વાસણ ઉટકવાનું કામ કરતો હતો! ફિલ્મ કવિ-લેખક ગુલઝાર વરસો સુધી મુંબઈના ઓપેરાહાઉસના એક ગેરેજમાં કાર મિકેનિક હતા. વી.ટી. સ્ટેશનથી છેક સાયન સુધી ત્રણ-ચાર કલાક માથે પુસ્તકો ઉપાડીને ચાલીને જતા-એવું એમણે અમને જાતે પોતે કહ્યું છે. વળી, યુ.પી.ના બસ્તી વિસ્તારનો કવિ રહેમાન અલી રિક્ષા ડ્રાઇવર છે, પણ સૌથી નવાઈની વાત તો એ છે કે બંગાળી લેખક મનોરંજન, પોતે હાથરિક્ષા ખેંચીને ‘દો બીઘા’ ઝમીન’ ફિલ્મના નાયકની જેમ રસ્તા પર રીતસર દોડીને ધોમ તડકામાં મજૂરી કરતા!ઇનશોર્ટ, સાચા લેખકો કોઈપણ નાનાં-મોટાં કામ કરીને, કોઈપણ સંજોગોમાં લખતા રહે છે. અકાદમીઓ કે પરિષદો, સરકારી સહાય, સંસ્થાઓના કાર્યક્રમો અને સરકારી બિકાઉ પ્રચારને આશરે કલમ ગીરવે નથી મૂકતા.(આ વાક્યને કોઈ જીવિત કે મૃત કવિ-લેખક કે પછી આવનારી ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી!)
એન્ડ ટાઇટલ્સ
આદમ : મારી કવિતા વાંચી?
ઈવ : તેં વાંચી? {[email protected]

X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી