અંદાઝે બયાં / દિલ હોય કે દસ્તાવેજ : બધે ચોર મચાયે શોર!

article by sanjay chhel

સંજય છેલ

Mar 13, 2019, 03:44 PM IST

ટાઇટલ્સ
ચુરાનેવાલે તો આંખોં સે સૂરમા તક ચૂરા લેતે હૈં!
-ફિલ્મી ડાયલોગ

બે ચોરે ભેગા મળીને રાત્રે એક બેન્કમાં મોટી લૂંટ કરી. પૈસા લૂંટીને ભાગતાં ભાગતાં થાકીને રાતે ઘરે આવ્યા ત્યારે એક ચોરે કહ્યું, ‘ચાલ ગણી લઈએ કે કેટલો માલ હાથમાં આવ્યો?’ ત્યારે બીજા ચોરે ઠંડકથી કહ્યું, ‘જવા દેને આપણે શું કામ મહેનત કરવાની? સવારે છાપાંમાં વાંચી લઈશું’ અને અારામથી બેઉ ચોર સૂઈ ગયા! હવે એ ચોરની વાતમાં લોજિક તો છે કે છાપામાં આંકડો તો આવશે જ ને? જોકે, હમણાં હમણાં અમુક ન્યૂઝ ચેનલોમાં અને છાપાંઓમાં ઘણા લોજિક વિનાના સમાચારો વાંચવા મળે છે તેથી જ અમારા જેવાઓને વ્યંગ્ય લખવા માટે બહુ વિચારવાની હવે મહેનત નથી કરવી પડતી. હવે જુઓને, આ લેખ લખવા બેઠા ત્યારે અમને મૂંઝારો થતો હતો કે કયા વિષય પર લખવું, પણ એટલામાં તો સમાચાર મળ્યા કે સરકારના એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે ખુદ રક્ષામંત્રાલયમાંથી રાફેલ સોદાને લગતા દસ્તાવેજો ચોરી થઈ ગયા છે! બોલો! દેશની રક્ષા જેના હાથમાં હોય એવા સાક્ષાત્ રક્ષામંત્રાલયમાં જ ચોરી થઈ જાય? એ તો એવું થયું કે પોલીસ કમિશનરનું પાકીટ પોલીસચોકીમાં જ કોઈ મારી જાય! રાફેલ સોદા વિશે અમે બહુ ગાફેલ છીએ એટલે એના રાજકારણમાં નહીં પડીએ, પણ અમને તો રક્ષામંત્રાલયમાં જ ચોરી થાય એ સિચ્યુએશન જ બહુ રમૂજી લાગે છે.

જોકે, આ દેશમાં હવે કાંઈ પણ શક્ય છે. સતત નવી નવી સરપ્રાઇઝ મળે જ રાખે છે. હમણાં 3 વરસ અગાઉ 2016માં આપણા અમદાવાદમાં જ એલિસબ્રીજ ફ્લાયઓવર પરથી આપણા કવિ ન્હાનાલાલના નામની આરસની તકતી ચોરાઈ ગયેલી! કમાલ છેને? ચોરવાવાળાઓને કાંઈ નહીંને એક પ્રાચીન ગુજરાતી કવિની તકતી જ મળી?

  • જે દેશમાં સંવિધાનમાંથી મૂલ્યો ચોરાઈ જતાં હોય, લોકશાહીમાં ચર્ચા કરવાનો હક્ક ચોરાઈ જતો હોય, મીડિયામાંથી શરમ ચોરાઈ જતી હોય તો થોડાક દસ્તાવેજોની શી વિસાત?

અમારા મુંબઈમાં તો બિલ્ડર લોકો આખેઆખા ફ્લાયઓવર બ્રીજ ચોરી લે છે અથવા તો ચોરવાલાયક પણ ન હોય એવા તકલાદી બનાવે છે. એકવાર તો બ્રીજનું ઉદ્્ઘાટન કરવા નેતાજી જેવું નાળિયેર ફોડવા ગયા તો આખેઆખો બ્રીજ પડી ગયેલો! નવો જ બ્રિજ પહેલે જ દિવસે પડી જાય એ દુ:ખની વાત તો છે, પણ એનાથીયે વધારે દુ:ખની વાત એ છે કે બ્રીજ ફસડાઈ પડ્યા બાદ પણ નેતાજી જીવતા બચી ગયેલા અને ત્યાં નવા બ્રીજને બનાવવા માટે તરત જ બજેટ પણ એમણે હોસ્પિટલના ખાટલા પરથી જ પાસ કરી દીધેલું!
રક્ષામંત્રાલયમાં રાફેલ ફાઇલોની ચોરીની જેમ અમદાવાદમાં ‘એક કવિના નામની તકતી ચોરાઈ ગઈ’ એ આમ ભલે હસવા જેવી વાત લાગે, પણ અમને તો એમાં શુભ સંકેત દેખાય છે કે એ આટઆટલા વર્ષે કવિ ન્હાનાલાલનો કોઈ મોટો ફેન નીકળી આવ્યો કે એણે કવિના નામની તકતી ચોરી લીધી! કવિ ન્હાનાલાલનું ભલે નામ ‘નાના’લાલ હોય, પણ હતા મોટા કવિ. ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા’ જેવી યાદગાર રચના લખનારા નાનાલાલને લોકો ‘રસ-કવિ’ પણ કહેતા, પણ ચોર લોકોને એમની તકતીમાં ‘રસ’ પડશે એની અમને નહોતી ખબર! વળી, જેમ ‘ચોરી’ એક કળા છે એમ ‘કવિતા લખવી’ પણ એક કળા છે અને બીજાની કવિતા પરથી ચોરીને કવિતા લખવી એ તો મહાકળા છે, પણ આ ઘટનાને લીધે ચોરીની કળા અને કવિતાની કળાનો સંગમ થયો એમ કહી શકાય.

સામાન્ય રીતે ચોરનારા લોકો લાઇબ્રેરીમાંથી પાઠ્યપુસ્તકની ચોપડીઓ, ડિક્શનરીઓ કે બહુ બહુ તો સસ્પેન્સ નોવેલની બુક્સની ચોરી કરતા હોય છે. આજ સુધી કોઈ કવિતાની કે વિવેચનની ચોપડીની ચોરી કરતા પકડાયું હોય એવી સુખદ ઘટના વિશે સંભળાયું નથી. એક જમાનામાં મુંબઈની બ્રિટિશ કાઉન્સિલની લાઇબ્રેરી કે અમેરિકન સેન્ટરની લાઇબ્રેરીમાંથી ગુજરાતી નાટ્યલેખકો-નિર્દેશકો કે અભિનેતાઓ અંગ્રેજી નાટકોની ચોપડીઓ શર્ટમાં છુપાવીને ચોરી જતા અને પછી એ નાટકોને ગુજરાતીમાં ઓરિજિનલ નાટક તરીકે ખપાવીને રંગદેવતાને સાદર અર્પણ પણ કરતા! પણ અમદાવાદમાં તો ગુજરાતી મૌલિક કવિના નામની તકતી જ ચોરાઈ એટલે એનો અર્થ કે ગુજરાતી કવિતામાં ચોર જેવા સામાન્ય લોકોનો પણ રસ વધી રહ્યો છે! અંગ્રેજી માધ્યમના યુગમાં ગુજરાતી કવિનું નામ પણ ચોરવાલાયક આઇટેમ છે એની પ્રતીતિ કરાવવા બદલ ગુજરાતી અસ્મિતા ચોરની સદાયે ઋણી રહેશે!

ઇન્ટરવલ
ફાઇલોં કી દેખકર સેહત
દેશ કા ઇતિહાસ ગદ્્ગદ હૈ
-પ્રદીપ ચૌબે

અરે! સરકારી ફાઇલો કે આરસની તકતીઓ છોડો, આ દેશમાં જૂનાં મંદિરો કે કિલ્લાઓ પરથી લોકો નકશીકામ કરેલા થાંભલા કે કોતરણીઓ ચોરી જતા હોય છે. કોઈ કોઈ ચોર તો આખેઆખા ભગવાનની પ્રાચીન મૂર્તિ જ ઉઠાવીને લઈ જાય છે અને એન્ટિક તરીકે વેચીને કરોડો કમાય છે! હવે જો ભગવાન પોતે પણ પોતાના દરબારમાં પોતાની જ ચોરી ન અટકાવી શકતા હોય તો રક્ષામંત્રાલયનો શું વાંક? અરે! આ દેશમાં કૂવો ખોદવા માટે બેન્ક લોન લેનારાઓ જ્યારે સરકારી અધિકારીઓ ચેક કરવા આવે ત્યારે ગંભીરતાથી કહેતા હોય છે કે સાહેબ કૂવો તો ચોરાઈ ગયો!

ચલો, એ બધું તો ઠીક, પણ 2014માં 25 ઓગસ્ટે યુપીમાંથી ગોરખપુર-મુઝફ્ફરનગર પેસેન્જર નામની આખેઆખી ટ્રેન જ ખોવાઈ કે ચોરાઈ ગયેલી! પછી છેક 17 દિવસે ક્યાંક બિહારમાં મળી આવી અને ડબ્બાઓમાંથી પંખા, સીટ્સ જેવો અનેક સામાન ગાયબ હતો! આવું માત્ર ભારતમાં જ થાય અને એ પણ ઉત્તર ભારતમાં જ! આપણા દેશમાં દિનદહાડે ગાડીઓ, ખટારાઓ, સાઇકલો તો ખોવાતી ચોરાતી જ હોય છે, પણ આખી ટ્રેન પણ ખોવાઈ જાય? જોકે, એ જ અરસામાં વિદેશમાં એક મલેશિયન એરવેઝનું એમ.એચ. 130 એરપ્લેન પણ આકાશમાંથી ગુમ થઈ ગયેલું જે હજુ મળ્યું જ નથી! ચાલો, આપણી ટ્રેનમાં થોડા ભારતીય સંસ્કારો હતા એટલે ડાહી દીકરીની જેમ 17 દિવસે એ પાછી આવી તો ખરી! એક્ચ્યુઅલી થયેલું એવું કે એ ટ્રેનના ડબ્બા ‘ધૂંધલી બાઝાર સ્ટેશન’ પર ખખડી ગયેલા માટે એને બીજા પાટા પર ડાઇવર્ટ કરવામાં આવી અને પછી ક્યાં ગઈ ખબર જ ન પડી! ટ્રેન જુદી જ દિશામાં ચાલવા લાગી એટલે મુસાફરો ઊતરીને જતા રહ્યા. ન તો કોઈ મુસાફરે ફરિયાદ નોંધાવી કે ન તો રેલવે ડિપાર્ટમેન્ટે કંઈ તપાસ કરી! આખેઆખી ટ્રેન ખોવાઈ કે ચોરાઈ જાય એવું આવું માત્ર યુપી કે બિહારમાં જ થઈ શકે જ્યાં ચૂંટણી આવતા જ ધર્મને નામે 3 મહિનામાં 100-200થી વધુ દંગા થઈ શકે, કારણ કે જ્યાં આખેઆખી માનવતા જ ખોવાઈ જતી હોય, ત્યાં ટ્રેનનું ખોવાવું મામૂલી ચીજ છે! હશે, ચાલ્યા કરે. દિલ હોય કે દસ્તાવેજ ચોરાયા કરે. જે દેશમાં સંવિધાનમાંથી મૂલ્યો ચોરાઈ જતાં હોય છે, લોકશાહીમાં ચર્ચા કરવાનો હક્ક ચોરાઈ જતો હોય, મીડિયામાંથી શરમ ચોરાઈ જતી હોય તો થોડાક દસ્તાવેજોની શી વિસાત?

એન્ડ ટાઇટલ્સ
આદમ : લાગે છે રાત્રે ઘરમાં ચોર આવેલો.
ઈવ : કાંઈ મૂકી ગયો?

[email protected]

X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી