રાગ બિન્દાસ / સમસ્યા પર સ્વીટ સર્જિકલ સ્ટ્રાઇક : 2 કન્ટ્રીઝ, 2 કહાણીઓ

article by sanjay chhel

સંજય છેલ

Mar 10, 2019, 12:05 AM IST

ટાઇટલ્સ
સોફા પર બેસીને લલકાર અને સરહદ પરનો પડકાર, બે અલગ વાત છે.(છેલવાણી)
‘મૈંને પ્યાર અપને પડોસિયોં સે કિયા

વેયુદ્ધ કી ભાષા બોલને લગે! મેરે હી ખિલાફ મોર્ચે ખોલને લગે!’ સૂર્યકુમાર પાંડેની આ કવિતા આપણા દેશને બરાબર લાગુ પડે છે. આપણે ગમે તેટલી શાંતિ અને સમાધાનની વાત કરીએ, પણ પાડોશી દેશ પાકિસ્તાન આપણી સામે વારેવારે મોર્ચો ખોલ્યા કરે છે. પ્રોબ્લેમ એ છે કે આપણે પાડોશીની પસંદગી કે સિલેક્શન નથી કરી શકતા, એ આપણને પસંદ કરે કે ન કરે, પણ બેઉએ કોમન સરહદના તાંતણે પરાણે બંધાઈ રહેવું પડે છે!

  • સ્ત્રીઓમાં સંજોગો બદલી શકવાની ભરપૂર તાકાત હોય છે. પ્રેમમાં અસહકાર આંદોલન એ સુંદર સ્ત્રીનું સૌથી સુંદર હથિયાર છે!!

એવામાં એક રશિયન વાર્તા યાદ આવે છે : બે રાષ્ટ્રો બચ્ચે ખૂબ મોટી લડાઈ થઈ હતી. બેઉ દેશમાં શહીદનાં સ્મારકો રચવામાં આવ્યાં હતાં. તેમને માનભરી અંજલિઓ આપવામાં આવી હતી, પણ પછી એક અફવા બન્ને દેશોમાં ફેલાઈ ગઈ કે મૃત્યુ પામેલાઓ એમની કબરોમાંથી ઊભા થઈ સામા પક્ષની સરહદો ઓળંગી જતા અને જાણે એકબીજાને શોધી કાઢી, કંઈક સમાધાન કરી લેતા હોય એવું લાગતું હતું! આ સાંભળીને દરેકના મનમાં ઊંડી ક્રોધની લાગણી જાગી ઊઠી કે શહીદોને આખુંય રાષ્ટ્ર સન્માનતું હતું. તેઓ પોતાના દુશ્મનને શોધી કાઢી, એની સાથે સમાધાન કરી લેતા હતા. પછી બન્ને રાષ્ટ્રોએ આ હકીકતની તપાસ કરવા પંચ નીમ્યા. રણમેદાન પર પંચના સભ્યો મધરાતની રાહ જોતા બેઠા અને મધરાતે એ ખરેખર દેખાયું કે ધરતીમાંથી કેટલાક બિહામણા આકાર ઊભા થઈ સામી સરહદ તરફ જવા લાગ્યા અને પોતાની સાથે તેઓ કંઈક લઈ જતા હોય એમ લાગ્યું. પંચના લોકો એકદમ ત્યાં દોડી ગયા અને પૂછ્યું: ‘આ શું? અમે બધા તમને આટલું બધું માન આપીએ છીએ અને તમે દુશ્મનની સાથે સમાધાન કરો છો? આપણા દુશ્મનની સાથે જ સુલેહ કરો છો?’ પેલા મરેલા યુદ્ધવીરોએ તરત જ કહ્યું, ‘નહીં, નહીં. અમે લોકો હજીય એકબીજાને એટલા જ ધિક્કારીએ છીએ, પણ અહીં રણભૂમિ પર જરા ગરબડ થઈ ગઈ છે. અમારા અને દુશ્મન દેશના મૃત સૈનિકોનાં હાડકાંઓ માટીમાં મિક્સ થઈ ગયાં છે! તો હવે અમે રોજ ધીમે ધીમે અમારાં હાડકાંઓની સામસામે અદલાબદલી કરીએ છીએ!’
ઇન્ટરવલ :
હિંસકો કો શાંતિ સંદેશ દેને જો ગયે
લૌટ આયે પર્રકટે પંછી પરિંદો કી તરહ.
(આચાર્ય ભગવદ દુબે)

સિરિયસ વાર્તા પછી સહેજ રમૂજી કથા જોઈએ. કોઈપણ સમયમાં કે સમાજમાં સ્ત્રીઓમાં સંજોગો બદલી શકવાની ભરપૂર તાકાત હોય છે. પ્રેમમાં અસહકાર આંદોલન એ સુંદર સ્ત્રીનું સૌથી સુંદર હથિયાર છે. ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેન્સે 411 BCમાં એક અદ્્ભુત નાટક લખેલું, ‘લાઇસીસ્ટ્રાટા’. એ જમાનામાં ગ્રીક લોકો પાસપડોશના દેશ સાથે સતત યુદ્ધ કર્યા કરતા તો ‘લાઇસીસ્ટ્રાટા’ નામની સ્ત્રીએ, પાડોશી દેશ સાથે ચાલતા બેફામ યુદ્ધને અટકાવવા એક ફતવો બહાર પાડ્યો કે બેઉ દેશની દરેક સ્ત્રીએ, પત્નીએ કે પ્રેમિકાએ પુરુષોને હાથ લગાડવા ન દેવો. જ્યાં સુધી યુદ્ધનું ગાંડપણ અટકાવવામાં નહીં આવે ત્યાં સુધી નો-લવ, કારણ કે યુદ્ધમાં પુરુષો ભલે મરાય છે કે અપંગ થાય છે, પણ છેવટે સહન તો બેઉ દેશોની સ્ત્રીઓએ કરવું પડે છે. પતિ શહીદ થાય તો વિધવા થઈને, એકલા હાથે ગરીબીમાં બાળકો મોટાં કરવાં પડે છે! તો પછી યુદ્ધ જેવા મોટા નિર્ણયમાં પુરુષો શા માટે સ્ત્રીઓને સામેલ નથી કરતા? પછી તો બેઉ દેશની પત્નીઓ-પ્રેમિકાઓ લવ-હડતાલ શરૂ કરે છે. પુરુષોએ પરાણે પ્રેમનો ‘ઉપવાસ’ કરવો પડે છે અને મર્દોની હાલત કફોડી થઈ જાય છે! આ નાટક જરાયે સિરિયસ નથી, કોમેડી ભરપૂર છે. જેમ કે, હડતાળ હોવાં છતાં એક પત્ની એના પતિને છુપાઈને બેડરૂમમાં મળવા જાય છે. પતિ ઘણા દિવસ પછી બેડરૂમમાં છે એટલે ખૂબ જ રોમાંચિત છે. પત્ની ધીમેથી ચાદર ફેલાવે છે, તકિયા ગોઠવે છે, ફૂલો પાથરે છે, ધીમે ધીમે વસ્ત્રો-આભૂષણો ઉતારે છે, પણ પ્રેમાતુર પતિ જેવો એની પત્નીને પાસે લેવા જાય છે ત્યારે પત્ની એને અંગૂઠો બતાડીને ભાગી જાય છે! પછી આ લાંબી લડત પછી સ્ત્રીઓનો વિજય થાય છે અને પુરુષોએ યુદ્ધ અટકાવવું જ પડે છે! આને કહેવાય શસ્ત્ર વિરામ માટે શરીરનો જ શસ્ત્ર તરીકે ઉપયોગ!
જગતભરમાં આતંકવાદ કે જંગની ટ્રેજેડી અટકાવવા માટે આ આઇડિયા ખોટો નથીને? ઇશ્કના ઉપવાસની કે પ્રેમહડતાલની ટ્રિક દરેક લડતા દેશની સ્ત્રીઓએ અજમાવવી જોઈએ. જ્યાં સુધી પાવરફુલ અને પાવર ભૂખ્યા પુરુષો સુધરે નહીં ત્યાં સુધી નો ચુંબન, નો આલિંગન, નો શયન, નો સેક્સ!
જો લવ હડતાળનો આ આઇડિયા સફળ થાય તો પછી તો યુદ્ધ સિવાયના પ્રશ્નો માટે પણ નારીઓ કરપ્શન, કાળાં નાણાં વગેરે ખતમ કરવા માટે આંદોલનો કરીને તેજાબી સૂત્રો પોકારી શકશે કે ‘ખત્મ કરો ભ્રષ્ટાચાર, ફિર મિલેગા તુમકો પ્યાર’ ‘પહલે ભરો ઇન્કમ ટેક્સ, બાદ મેં હોગા લવ યા સેક્સ’ કે પછી ‘પહેલાં લાવો જનલોકપાલ પછી જ મળશે પ્રેમ અને વહાલ!’. એટિટ્યૂડવાળી માનુનીઓ તો એમ પણ કહેશે જે ‘હું પ્રેમ કરતી નથીને કરવાયે દેતી નથી!’
જોકે, આમાં નારીઓના સંયમની યે કસોટી થશે. ગમે તેટલો વરસાદ પડતો હોય, વીજળી ઝબકતી હોય, એમણે ઉશ્કેરાયા વિના પતિ કે પ્રેમીથી દૂર રહેવું પડશે. આ અઘરું છે, કારણ કે કરવાચોથ કે દિવાસાના જાગરણમાં શણગારીને વ્રત કરવું એ એક વાત છે અને પ્રેમ-હડતાળ એ બીજી, પણ પછી પરણેલા પુરુષો પત્નીઓને ઇમોશનલી બ્લેકમેઇલ પણ કરી શકે કે: ‘જો ડાર્લિંગ, તેં સપ્તપદીમાં કે સાત ફેરા લેતી વખતે જે M.O.U. સાઇન કરેલો એમાં મને સુખ આપવાનું પ્રોમિસ કર્યું છે.’ પછી લગ્નનું સર્ટિફિકેટ, કેસેટ-સી.ડી. વગેરે રજૂ કરીને પત્નીને કોર્ટમાં પણ ઘસડી શકે. ત્યાં પુરુષના વકીલ દલીલો કરશે કે કે,‘માયલોર્ડ, ઘરચોળામાં સોળ શણગાર સજીને ફેરા લઈ ચૂકેલી આ સ્ત્રીએ અમારા ક્લાયન્ટને પૂરો સહકાર આપવાની કસમ ખાધી છે. લગ્નમાં હાજર રહેલા 250 લોકો એના સાક્ષી છે, કારણ કે એ બધાએ લગ્નમંડપમાં બાસુંદી, ગુલાબજાંબુ વગેરે ત્રણ મીઠાઈઓ, ચાર ફરસાણો ખાધેલાં!’
પછી કોર્ટમાં તારીખ પર તારીખ પડશે અને પતિ કે પ્રેમી, પ્રેમ પામવા માટે તરફડશે અને આખરે સમાધાન થશે. સમસ્યા પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને તો સોલ્વ કરવાનો ગ્રીક નાયિકા લાઇસીસ્ટ્રાટાવાળો આઇડિયા ખોટો નથી. જેમ પ્રેમથી કોઈપણ વાત સુલઝી શકે છે તેમ પ્રેમ ન કરવાથી પણ ઉલઝી શકે. તો વખત આવે વિશ્વશાંતિ માટે બોલો: લવ હડતાલ ઝિંદાબાદ!
એંડ ટાઇટલ્સ:
ઈવ : અબ મૈં જવાન હો ગઈ હૂં!
આદમ : તો બોર્ડર પે જા!

[email protected]

X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી