રાગ બિન્દાસ / રોમિયો-જુલિયટ દેડકા દંપતી લવસ્ટોરિયાં કૈસી કૈસી!

article by sanjay chhel

સંજય છેલ

Feb 17, 2019, 02:20 PM IST

ટાઇટલ્સ
પ્રેમમાં આત્મહત્યા કરવા કરતાં તો મરી જવું સારું. (છેલવાણી)

આજના આધુનિક જગતમાં બધું બદલાશે, પણ બે વસ્તુ કદીયે ખતમ નહીં થાય : પ્રદૂષણ અને પ્રેમ. એકથી શ્વાસ ગૂંગળાય છે બીજાથી ઓક્સિજન મળે છે. એક, માણસ જાતને ખતમ કરે છે અને બીજું, માણસ જાતને જીવતી રાખે છે અને પ્રેમ પણ કેવા કેવા કેટલા પ્રકારની કઈ કઈ સાઇઝમાં મળે છે! હમણાં સમાચાર સાંભળ્યા કે બોલિવિયામાં એક ખાસ દેડકાની પ્રજાતિ ખતમ થઈ રહી હતી. એ પ્રજાતિમાં માત્ર એક જ દેડકો બચેલો. એને પ્રેમ કરવા માટે કોઈ દેડકી દૂર દૂર સુધી મળતી નહોતી. વિજ્ઞઆનીઓને ચિંતા હતી કે આ દેડકો 10 વરસથી એકલો છે અને હજી બીજાં પાંચ વરસ એને એની જાતિની કોઈ દેડકી નહીં મળે તો 15 વરસની ઉંમરે એ કુંવારો જ મરી જશે અને એ દેડકાની આખી પ્રજાતિ જ ધરતી પરથી લુપ્ત થઈ જશે!
બોલિવિયાના વરસાદી જંગલમાં એ દેડકો એકલો એકલો જીવ્યા કરતો. પોતાની પ્રેમિકાને બોલાવવા ‘ડ્રાંઉ’ ‘ડ્રાંઉ’ના સાદ પાડ્યા કરતો. આજ સુધી એકલા વિરહી કે પિયુ કે પપીહાઓની કવિતા-વાર્તાઓ ઘણી સાંભળી છે, પણ એક એકાકી દેડકાની પ્રેમવ્યથા પર કોઈ રચના સાંભળી નથી. કવિ-લેખકોએ મોરલા-મોરલી, તોતા-મૈના પર પાનાં ભરીને લખે રાખ્યું છે, પણ દેડકાઓ સાથે એકદમ અન્યાય કર્યો છે. આપણા મહાગ્રંથ રામાયણની તો રચના જ ત્યારે થાય છે જ્યારે એક શિકારી ક્રૌંચ પક્ષીને તીરથી વીંધી નાખે છે, એની પ્રેમિકા આક્રંદ કરી ઊઠે છે અને એ ક્રોંચ પંખીઓની જોડી તૂટી જાય છે, જે નિહાળીને વાલ્મીકિ રામાયણની રચના કરે છે! કાશ, બોલિવિયાના જંગલમાં પ્રેમિકા વિના તડપતા દેડકાને જોઈને ગ્રંથ તો નહીં, પણ કમ સે કમ એક ગઝલ કે મિનિમમ એક હાઈકુ તો લખે!
પણ એ બધું જવા દો, સારી વાત એ છે કે આ દુનિયામાંથી પ્રેમનો સાવ એકડો નીકળી ગયો છે એમ નથી. ગયા વેલેન્ટાઇન્સ ડે પર આ એકલા દેડકા માટેની દેડકીને શોધવાની ચળવળ માટે દુનિયાભરમાં અપીલ કરવામાં આવી. પછી તો દેશ-વિદેશથી દેડકાપ્રેમી લોકોએ આ દેડકી ખોજ માટે ખૂબ પૈસા મોકલ્યા, પ્રાર્થનાઓ કરી અને પર્યાવરણવાદીઓ-સંશોધકોએ જંગલ જંગલ ભટકીને, છેવટે દેડકી શોધી કાઢી! હવે એ દેડકા-દેડકી બેઉને સાથે રાખવામાં આવ્યાં છે! દેડકીનું નામ ‘જુલિયટ’ પાડવામાં આવ્યું છે અને દેડકાનું નામ ‘રોમિયો’? છે ને કમાલની લવસ્ટોરી?
ઇન્ટરવલ :
મુહોબ્બત મેં વફાદારી સે બચીયે, જહાં તક હો સકે અદાકારી સે બચીયે (નિદા ફાજલી)

બોલિવિયાના જંગલમાં હવે હુશ્નના આવવાથી ઇશ્કનો માહોલ છે! હવે એ રોમિયો નામના દેડકાનો મૂડ અગાઉ કરતાં બહુ સારો રહે છે, એ વધારે જમે છે, વધારે કૂદાકૂદ કરે છે. ચમનમાં જુલિયેટ દેડકીનાં પગલાં થવાથી પ્રેમભૂખ્યા રોમિયો દેડકાનું દિલ વધારે ધડકે છે! પણ સંશોધકો કહે છે કે દેડકી જુલિયટ ખૂબ નટખટ છે, અહીંયાં ત્યાં કૂદ્યા કરે છે! દસ-દસ વરસના એકાંત પછી રોમિયોભાઈ દેડકાને જુલિયટબહેન દેડકી સાથે એમનું સહજીવન ફળે એવી આ વાસી વેલેન્ટાઇન્સ ડેના શુભ ચોઘડિયે શુભેચ્છાઓ! જૂની હિન્દી ફિલ્મમાં દરિયાકિનારે કરવા નીકળેલ હીરો-હિરોઇનને જોઈને ભિખારી અક્સર એમ કહેતા કે ‘ભગવાન જોડી બનાયે રખ્ખે!’ બોલિવિયા દેશથી દૂર ભારતવર્ષમાં બેઠાં બેઠાં અમે પણ કહીએ છીએ કે આ રોમિયો-જુલિયટ, દેડકા દંપતીનો પ્રેમ સલામત રહે!
બાય ધ વે, મધ્ય પ્રદેશમાં ગયે વરસે જ લલિતાબહેન યાદવ નામના મંત્રીએ દેડકા-દેડકીના વિધિવત્ લગ્ન કરાવેલાં! કારણ એ કે બુંદેલખંડમાં માન્યતાં છે કે દેડકા-દેડકીના વિવાહ કરાવવાથી ત્યાં વરસાદ સારો પડે અને ખેડૂતોને ફાયદો થાય! આ મામલે અંધશ્રદ્ધાના નામે બહુ ઊહાપોહ થયો, પણ અમે તો કહીએ છીએ કે જો દેડકા-દેડકીના વિવાહથી દેશને ફાયદો થતો હોય તો પર્જન્ય-દેવને પટાવવા અમે અમારા ખર્ચે ‘ફ્રોગ મેરેજ બ્યૂરો’ ખોલવા તૈયાર છીએ!
એંડ ટાઇટલ્સ:
આદમ: આવતી ચૂંટણીમાં કોણ જીતશે?
ઈવ: ઓછું ખરાબ અથવા વધારે નસીબદાર!

[email protected]

X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી