અંદાઝે બયાં / સાચા બાબાઓ-ફકીરો કે ધ.ધુ.પ.પૂ. અર્થાત્ ધર્મ ધુરંધર પરમ પૂજ્ય?

article by sanjay chhel

સંજય છેલ

Feb 14, 2019, 01:04 PM IST

ટાઇટલ્સ
જ્યાં સુધી ચમચાગીરી પર કોઇ ટેક્સ નથી ત્યાં સુધી વધ્યા જ કરશે -છેલવાણી

સંત કબીરે બકરી પાળેલી. એ બકરી બાજુના મંદિરમાં જઈને પ્રસાદ ખાઈ જતી. મંદિરના મહંતોએ કબીરજીને ફરિયાદ કરી કે તમારી બકરી મંદિરમાં આવીને ત્રાસ કરે છે. કબીરે શાંતિથી કહ્યું, ‘પંડિતજી, એ જાનવર છે, જતી હશે મંદિરમાં, હું તો નથી જતો!’ અહીંયાં કટાક્ષ મંદિરો કે ઈશ્વર પર નથી, મહંતો, પૂજારીઓ પર છે. આજકાલ સાધુ, સંત, ફકીર, પાદરીઓ બહુ ન્યૂઝમાં છે. સાંભળ્યું છે કે યુપીના મુખ્યમંત્રીએ તો સાધુઓને પેન્શન પણ આપવાનું નક્કી કર્યું છે! કોલમોમાં અને હેડલાઇનોમાં બાબા, સંત, મહંત, બાબા લોકો છવાયેલા છે તેથી અમારા જેવા સામાન્ય માણસો જરા કન્ફ્યૂઝ થઈ જાય. આમ પણ ઈશ્વર વિશે અમે ‘પાર્ટ ટાઇમ’ શ્રદ્ધાળુ છીએ. એમાં વળી બાબાઓના ચમત્કારો અને સમાજસેવાના રોલ વિશે સમજવું એ ઇન્કમટેક્સ રિર્ટન ફોર્મ ભરવા જેવું મુશ્કેલ લાગે છે. પુ.લ. દેશપાંડેએ એક મરાઠી નાટકમાં એક પાખંડી બાબા માટે મજાનો શબ્દ વાપરેલોઃ ધ.ધુ.પ.પૂ. એટલે કે ધર્મ ધુરંધર પરમ પૂજ્ય!

  • ચતુર લોકોનો આત્મા ફોલ્ડિંગ ખુરશી જેવો હોય છે, ગમે ત્યારે ગમે તે વાતમાં સંકેલી લે અથવા ખોલી લે અને દલીલો કરે

કહે છે કે એક તળાવમાં દેડકાઓ હતા. બહુ લડતા ઝઘડતા. બુઢ્ઢા દેડકાએ કહ્યું કે આપણને એક એવાની જરૂર છે જે ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરે. બધા દેડકા પ્રાર્થના કરવા માંડ્યા. એવામાં તળાવમાં ઝાડ પરથી એક ડાળી પડી અને બધા દેડકા એમ માની બેઠા કે લ્યો, ભગવાન ને હમારી સુન લી. એક પ્રતિનિધિ મોકલી આપ્યો! પછી તો એ ડાળખીને રાજા માનીને દેડકા શાંતિથી જીવવા માંડ્યા. આપણા સમાજને પણ કદાચ આટલા બધા સંત-મહંત-મૌલવી જોઈએ જ છે, ડોકી નમાવવા! ભલે. જેની જેવી શ્રદ્ધા, પણ આ સંતો, બાબાઓ એટલે કોણ? જે હાથમાંથી રાખ કે થોડી સારી સારી વાતો કરીને ઉઘરાવેલા કરોડો રૂપિયામાંથી થોડાક રૂપિયા આપીને સમાજને પાછા આપે એટલે એમને પૂજવાના? પુરાણોમાં દાનવો દેવતાનું રૂપ લઈને આવતા અને માણસોને ઠગી જતા. હવે માણસો દેવતાઓનું રૂપ લઈને આવે છે ને ઠગે છે!
નવાઈની વાત એ છે કે ભણેલા-ગણેલા લોકો તર્કને બાજુએ મૂકીને ઠગાઈને વખાણે છે. બાબાઓએ ધતિંગ વડે રળેલાં કાળાં નાણાંની વાત ભૂલી જાવને, પણ એ બહાને સારાં કામ કેટલાં કર્યાં છે, બોલો! એવું આ ગરીબ દેશના લોકોનું ગરીબ લોજિક છે. પોતાને ચમત્કારોમાં શ્રદ્ધા છે એવું કબૂલવાની હિંમત નથી એટલે ઊલટા લોજિકથી કેટલાક લોકો પાખંડને બિરદાવે છે. ચતુર લોકોનો આત્મા ફોલ્ડિંગ ખુરશી જેવો હોય છે, ગમે ત્યારે ગમે તે વાતમાં સંકેલી લે અથવા ખોલી લે અને દલીલો કરે. કહે છે ઘણા બાબાઓ મોંઘી રોલેક્સ ઘડિયાળો પોતાના હાથમાંથી કાઢીને ઇમ્પ્રેસ કરતા! અમને આપી હોત તો અમે કહ્યું હોત કે સોરી બાબા, ઘડિયાળ નથી જોઈતી. એમ પણ અમે ટાઇમ પર પહોંચી નથી શકતા અને વળી આ મોંઘી ઘડિયાળ બગડશે તો રિપેર કરાવવા તમારે ત્યાં જ આવવું પડશે, કારણ કે જો તમારા શરીરમાંથી ઘડિયાળ નીકળે તો એનું સર્વિસ સેન્ટર પણ તમારી અંદર જ હશેને? કહે છે બાબા, મોંમાંથી સોનાનું શિવલિંગ પણ કાઢતા. અમે તો કહેત કે મને 24 કેરેટનું નોર્મલ સોનાનું બિસ્કિટ જ કાઢી આપો. ગોલ્ડ બિસ્કિટમાંથી મારે જે ઘરેણું બનાવવું હશે એ બનાવી લઈશું. જોકે, બાબાએ ગોલ્ડ બિસ્કિટની બદલે ગ્લુકોઝ બિસ્કિટો કાઢ્યાં હોત તો કેટલાં ભૂખ્યાં બાળકોનાં પેટ ભરવામાં કામ આવત! એ જવા દો પણ બાબા, હવામાંથી રાખ શા માટે કાઢતા એ હજુ સમજાતું નથી. રોલેક્સ ઘડિયાળ પહેરી શકાય, વેચી શકાય. સોનાનું શિવલિંગ પણ કીમતી કહેવાય, પૂજા કરી શકાય, પણ ચપટી રાખનો શું ઉપયોગ? અગાઉ વાસણ માંજવા રાખ કામમાં આવતી. આજે રાખનો એક્ઝેક્ટ ઉપયોગ શું? યુગે યુગે ત્યારે હું પાછો આવીશ એમ કહીને ભગવાન ગયા તે ગયા હવે પાછાં આવતા જ નથી, કદાચ એટલે એમના અમુક એજન્ટો સૌને ઠગે રાખે છે!
ઇન્ટરવલ
એવી અસર જોઈ નથી વર્ષોની ઇબાદતમાં,
બે જામમાં તુર્ત જ જીવન બદલાય છે, સાકી -મરીઝ

આ ધ.ધુ.પ.પૂ.ઓ જો પોતાના પરસેવાના પૈસાનું દાન કરે તો એને માનવસેવા કહેવાય, પણ અનેક લોકોને પાપના ભયથી છેતરીને, જમા કરેલ બે નંબરના બેહિસાબ નાણાંમાંથી થોડુંક દાન કરે એમાં કઈ મહાનતા? વળી, આવા બાબાઓ મૌલવીઓ કે પાદરીઓ પર ભક્તો કે ભક્તાણીઓના શારીરિક શોષણના કે નેતાઓના બ્લેક મનીને ‘લોન્ડ્રી’ કરી આપવાના આરોપો થતા રહે છે અને એ વિશે મોટા ભાગનો સમાજ ચૂપ રહે છે, એ પણ આ બાબા લોકોનો ચમત્કાર તો છે કહી શકાય ને? 1975માં ઇમરજન્સી વખતે કવિ નાગાર્જુન જેવા અનેકોએ ઇન્દિરા ગાંધી વિરુદ્ધ ખૂબ લખેલું. જેમ કે, ‘ઇન્દિરાજી, ક્યા હો ગયા હૈ આપ કો? ક્યા ભૂલ ગઈ અપને બાપ કો?’ અને ઇન્દિરાજીને ડિક્ટેટર, ખૂની, હત્યારીન વગેરે વગેરે કહેલું. પછી 1980માં ફરીથી ઇન્દિરા ગાંધી વડાંપ્રધાન બન્યાં ત્યારે એ બધા જ કવિઓએ એમના હાથે ચૂપચાપ રોકડાં અને પુરસ્કારો સ્વીકારી લીધાં અને એક તર્ક આપ્યો,‘ક્યૂં ન લે ભાઈ, યે તો જનતા કા પૈસા હૈ!’ આવા બાબાઓ કે ધ.ધુ.પ.પૂ.ઓનાં દાન પાછળ પણ એ જ તર્ક ઊંધી રીતે લાગુ પડે છે! તેરા તુજકો અર્પણની જેમ, જનતાના પૈસા જનતાને જ પાછા વાળે છે અને લોકો અંજાઈ જાય છે. કોઈ પણ રસ્તે કમાયેલા પૈસાને સમાજસેવામાં આપવાની જ વાત હોય તો બિલ ગેટ્સે કે વોરન બુફેએ અગણિત ડોલરોનું દાન કર્યું છે, તો શું હવે બિલ ગેટ્સનેય ‘બાબા બિલ ગેટ્સ’ કહીશું?
એકવાર પાકિસ્તાનના પીએમ ભુટ્ટોએ ભારત વિશે ઘટિયા કોમેન્ટ કરેલી:‘આપણે હિન્દુસ્તાનીઓને 700-800 વર્ષ સભ્ય બનવાની ટ્રેનિંગ આપી, પણ એ લોકો સુધર્યા જ નહીં!’ ત્યારે વ્યંગકાર હરીશંકર પરસાઈએ કહેલું,‘યે સુનકે મુઝે શક હુઆ કિ ઇસ જનાબ કો હાઈસ્કૂલ કી પઢાઈ છૂડવા કે કિસીને ઉન્હેં સીધા વિદેશમંત્રી બના દિયા હૈ’ આપણે ત્યાં પણ હાઈસ્કૂલની પઢાઈ છોડીને તરત લખવા પર ચઢી ગયેલા લેખકો-કવિઓ આજકાલ બાબાઓનાં સતત, અવિરત ગુણગાન લખે રાખે છે ત્યારે આ પરસાઈનું એ વાક્ય યાદ આવે છે! હા, માન્યું કે કોઈપણને સંત-ફકીર પર, ઝાડ-બાવળ પર, મંદિર-દરગાહ પર, ક્યાંય પણ કોઈનેય શ્રદ્ધા હોઈ શકે. જગતમાં દરેક ધર્મમાં અમુક સાચા સંતો ફરિશ્તાઓ પણ હશે જ અને એવી વિભૂતિઓને શત શત વંદન, પણ સતત સમાજમાં વધતી વ્યક્તિ અને અંધશ્રદ્ધાનું શું? વેલ, અમને તો ગાડીનું મામૂલી પાર્કિંગ નથી જડતું, તો વાયા બાબાઓ, પરમાત્માની શોધ કરવી એ શું બલા છે એ ક્યાંથી સમજાય?
એકવાર એક ભિખારીએ આખો દિવસ મંદિર-મસ્જિદ-ચર્ચના ધક્કા ખાધા, કોઈએ એક રૂપિયોય ન આપ્યો. રાત્રે થાકીને ઘરે જતો હતો ત્યારે દારૂના પીઠા પાસે એક દારૂડિયાએ એને રોક્યો અને કહ્યું, ‘યે લે 100 રૂ. એશ કર!’ ભિખારી આસમાન તરફ જોઈને બોલ્યો, ‘વાહ ઉપરવાલે, તૂ રહતા કહાં હૈ ઔર એડ્રેસ કહાં કા દેતા હૈ?’ આપણે બધાંય એ એડ્રેસની ખોજમાં છીએ. ઈશ્વર, તું આવશે કે પછી અમારે ધધુપપૂઓથી જ ચલાવી લેવાનું?
એન્ડ ટાઇટલ્સ
ઈવ: તેં ઈશ્વરને જોયો છે?
આદમ: મને શું ખબર, હું તો હમણાં જ ઊઠ્યો છું!

[email protected]

X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી