અંદાઝે બયાં / 17 જાતનાં સ્મિત : મન મળવાની માસ્ટર-કી!

article by sanjay chhel

સંજય છેલ

Jan 23, 2019, 06:16 PM IST

ઇટલ્સ

ઇ.વી.એમ.થી ઓસ્કાર એવોર્ડમાં વોટ નખાવી શકાતા હોય તો? એક અનુપમ (ખેર) સપનું-છેલવાણી


સ્માઇલ, સ્મિત, મુસ્કુરાહટ કમાલની ચીજ છે. તમને એક જ સેકન્ડમાં એ સામેના માણસની આખી કુંડળી ખોલી આપે છે. દુનિયાના અલગ અલગ દેશો અને કલ્ચરના અનેક લોકોના ચહેરાના 70 લાખ અને 20 હજાર ફોટાઓ પરના હાવભાવ પરથી સંશોધન કરીને હમણાં એક થિયરી બહાર આવી છે કે માનવીના ચહેરાના 17 અલગ અલગ હાવભાવથી ખુશી વ્યક્ત થતી હોય છે. એની સામે ઘૃણા કે ધિક્કાર દર્શાવવા માટે માત્ર એક જ એક્સપ્રેશન કે હાવભાવ છે. તમે અલગ અલગ 17 રીતે ખુશી વ્યક્ત કરી શકો છો. તમારું સ્માઇલ તમારું ચારિત્ર્ય કહી દે છે. તમારું સ્માઇલ તમને તરત જ અજાણ્યા સાથે જોડી દે છે. તમારું સ્મિત એક એવી સિમેન્ટ છે જે સામેની વ્યક્તિ સાથે તરત જ સંબંધ જોડી આપે છે.


‘નયા દૌર’થી લઈને ‘વક્ત’, ‘ગુમરાહ’, ‘પતિ-પત્ની ઔર વોહ’ કે ‘નિકાહ’ જેવી વિવિધ ફિલ્મો અને ‘મહાભારત’ જેવી સુપરહિટ ટીવી સિરિયલ બનાવનાર નિર્માતા-નિર્દેશક બી. આર. ચોપરાનું ફિલ્મલાઇનમાં બહુ માન હતું, પરંતુ બી. આર. ચોપરા વિશે એમ કહેવાતું કે જો તમે એમને તમારી ફિલ્મ રિલીઝ થયા પહેલાં પ્રીવ્યૂ શોમાં એમનો અભિપ્રાય જાણવા માટે દેખાડો અને જો બી. આર. ચોપરા થિયેટરથી મુસ્કુરાતાં મુસ્કુરાતાં બહાર નીકળે તો સમજી લેવું કે તમારી ફિલ્મ નક્કી ‘ફ્લોપ’ થશે, પણ જો તેઓ ગંભીર કે સોગિયા ડાચે બહાર નીકળે તો એનો અર્થ એમ કરવો કે તમારી ફિલ્મ બહુ જ સારી છે અને શ્યોર સુપરહિટ થશે! કારણ કે બી. આર. ચોપરા બીજાઓ માટે એમની ઈર્ષ્યા છુપાવી નહોતા શકતા. બીજાના પતનમાં એમનું સ્માઇલ ઝળકી ઊઠતું અને કોકની કામયાબીમાં એ જ સ્મિત ઉડન-છૂ થઈ જતું.

  • કોઈએ કહ્યું છે કે જે પુરુષ હસતી વખતે પણ ખૂબસૂરત ન દેખાય એના પર કદીયે ભરોસો ન કરવો

મુંબઈ જેવાં શહેરોમાં લોકો લોકલ ટ્રેનની ભીડમાં લટકીને રોજ પેટિયું રળવા જાય, એમાંથી અમુક નીચે પડીને કચડાઈ મરે તોયે સદાયે હસતા રહી શકે છે! અત્ર તત્ર સર્વત્ર રોડ પરના ખાડાઓથી ટેવાઈને પાછા કહેતા હોય કે એમાં શું ખાડા તો ચાંદ પર પણ છે ને? સવાર સવારમાં હાથમાં બેગ અને ટિફિન લઈને બસની પાછળ દોડીને જ્યારે માંડ બસ પકડી લે ત્યારે જાણે મેરેથોન રેસ જીત્યા હોય એવું સ્માઇલ કરી શકે છે. જાન-નિચોડ જિંદગીમાં આટઆટલું સહન કર્યા પછીયે લોકોના ચહેરા પર હજી સ્માઇલ બચ્યું છે, એ જ મહાન ચમત્કાર છે.


સ્માઇલના પણ મેઘધનુષ જેવા અનેક રંગો છે. સ્માઇલ આખી દુનિયાને પામવાનો પાસવર્ડ છે. અમુક ચાર્મિંગ ચતુર ચાલુ લોકો પોતાના સ્મિતથી વિના પાસપોર્ટે આખા જગતમાં રસ્તો કરતા હોય છે. શેક્સપિયરે કંઈક એવાં જ અર્થમાં કહ્યું છે કે સ્માઇલ, સ્માઇલ, સ્માઇલ એન્ડ યુ બીકમ ધ વિલન. સતત ખંધુ સ્મિત આપનારા, વહાલા વિલન નીકળે છે! એરહોસ્ટેસનું સ્માઇલ બજારુ છે. સેલ્સમેનના સ્માઇલમાં લાચારી છે. સાચા સંતના સ્માઇલમાં નિર્વાણ કક્ષાની શાંતિ હોય છે. ફિલોસોફરોના સ્માઇલમાં કાયમની ભ્રાંતિ હોય છે. પોલીસના સ્માઇલમાં પાવર છે. રસ્તે ઊભેલી વેશ્યાનાં સ્માઇલમાં સતત આમંત્રણ હોય છે. અમુક સ્માઇલ વિઝા આપવા બેઠેલા શક્કી ઓફિસર જેવાં મીંઢાં હોય છે. ગુજરાતમાં દારૂબંધીને કારણે જ્યારે કોઈ પોલીસથી છુપાવીને સાચો દારૂ લઈ આવે છે ત્યારે એના ચહેરા પર કોહીનૂર હીરો લઈ આવ્યો હોય એવું વિજયી સ્માઇલ જોવા મળે છે. કેટલાંક સ્માઇલમાં ‘આઇ નો વોટ યુ ડિડ લાસ્ટ સમર’ અર્થાત્ અમે જાણીએ છીએ તમે શું છાનું છાનું પરાક્રમ કરીને આવ્યા છો, જેવી પંચાત ટપકતી હોય છે.


નોર્મલી બાળકોનાં સ્માઇલમાં સો ટકા નિર્દોષતા દેખાતી હોય છે, પણ એ જ બાળક જ્યારે ‘ટોમ એન્ડ જેરી’ જેવી કાર્ટૂન ફિલ્મમાં એકબીજાને મારતાં, કચડતાં પાત્રોને જુઓ છે ત્યારે અચાનક એમનું સ્માઇલ બદલાઈને હિંસક બની જતું હોય છે. કોઈએ કહ્યું છે કે જે પુરુષ હસતી વખતે પણ ખૂબસૂરત ન દેખાય એના પર કદીયે ભરોસો ન કરવો, કારણ કે ખરેખર તો સાચું સ્માઇલ તમારા ડીએનએનો રિપોર્ટ છે.


ઇન્ટરવલ
તુમ ઇતના जજો મુસ્કુરા રહે હો?
ક્યા ગમ હૈ જિસકો છૂપા રહે હો?-કૈફી આઝમી


સલમાન ખાન જ્યારે હરણના શિકાર માટે બે દિવસ જેલમાં જઈને બહાર આવ્યો ત્યારે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એના આગમનને વધાવવા સલમાનના ઘર પર જમા થઈ હતી અને એમાં એક હું પણ હતો. સલમાન કંઈ આઝાદીના આંદોલન માટે તો જેલમાં ગયો નહોતો કે અભિનંદન આપીએ પણ એક મિત્ર તરીકે હું મળવા ગયો. ભીડમાં એણે મને જોયો. મેં માત્ર એક સ્માઇલ આપ્યું અને એણે પણ એક નટખટ સ્માઇલ આપીને મને સતત 5 મિનિટ જોયે રાખ્યું, જે બીજે દિવસે ટેબ્લોઇડમાં ફોટા રૂપે આવ્યું. અમારા બેઉનાં મૂંગાં સ્માઇલમાં બધું જ હતું, જે શબ્દોમાં બયાન ન થાય.


દેવ આનંદ જ્યારે જ્યારે કોઈ એન.આર.આઇ. ચાહકને ત્યાં મહેમાન બનીને ડિનર લેવા જતાં ત્યારે સૌ સમજી લે કે દેવ માત્ર પોતાના એક જ સ્માઇલથી આગામી ફિલ્મ માટે કરોડો રૂપિયા વિના શરતે ઢસડી આવશે! જગતભરનાં ફિલ્મસ્ટાર્સનો ઇતિહાસ જોશો તો એમની સફળતામાં સ્માઇલનો બહુ મોટો રોલ જોવા મળે છે. મોટા પડદા પર સ્માઇલ મેજિકની જેમ કામ કરે છે, કારણ કે માણસના છ-આઠ ઇંચના ચહેરાને તમે પડદા પર સાઠ-સિત્તેર ઇંચનો બનતો જોઈ શકો છો. એક સ્ત્રીનાં રૂપનું વર્ણન કરવા લેખકોને પાનાં ને પાનાંઓ લખવાં પડે એ જ કામ સારું સ્માઇલ આપતો હિરોઇનનો એક ‘ક્લોઝઅપ’ કરી નાખે છે. ઉંમર વધતાં એ જ લાડકો લાગતો ફિલ્મસ્ટાર ફેંકાઈ જવા માંડે છે, એનું કારણ એમનું ઓસરતું સ્મિત છે. જીવનની અસંખ્ય થપ્પડોએ એક્ટરના ચહેરા પર એવી તો ઝીણી કારીગીરી કરી હોય છે કે લાખો પર રાજ કરતો ચહેરો, બે કોડીનો થઈ જાય છે.


વિક્ટર હ્યુગોએ ‘ધ લાફિંગ મેન’ નામની સુંદર વાર્તા લખેલી જેમાં એક માણસનો હોઠ બેઉ બાજુથી એ રીતે કપાયેલો છે કે એને કારણે એ સતત હસતો ને હસતો દેખાય છે. આપણા તારક મેહતાએ પણ ‘ધ લાફિંગ મેન’ પરથી ‘પ્લાસ્ટિક સ્માઇલ’ નામની વાર્તા લખેલી જેમાં એક સેલ્સમેન ખૂબ હસમુખ હોય છે, સૌને હસાવી હસાવીને એ ખૂબ સફળતા પામે છે. પછી અચાનક એનો જાદુ ઓસરવા માંડે છે. એના જોક્સ વાસી લાગવા માડે છે. પછી સેલ્સમેન પ્લાસ્ટિક સર્જન પાસે પોતાના હોઠને કપાવીને ચહેરો એવો બનાવી દે છે કે એ સતત હસતો જ લાગે. હવે આ હસતા ચહેરા સાથે ફરીથી એ સેલ્સમેન લોકપ્રિય બની જાય છે, વ્યવસાયમાં સફળ થવાં માંડે છે! પણ જ્યારે એની માતાનાં અંતિમ સંસ્કારમાં જાય છે ત્યારે પણ એનો ચહેરો સ્માઇલિંગ જ રહે છે, કારણ કે એ સ્માઇલ તો પરમેનન્ટ ચીપકાવેલું! આસપાસના લોકો એને ધુત્કારીને ધીબેડી નાખે છે. નકલી સ્માઇલ પર અસલી આંસુઓ વહેવા માંડે છે!


જીવન પર હસી નાખવામાં જે સ્માઇલ કરવું પડે છે, એમાં જ ગ્રંથોનો સાર છે. અચ્છે દિન-મહેંગે દિન, સુખ-અસુખ, દુ:ખ-અદુ:ખ, નિરાશા-નિસાસા વચ્ચે પણ સ્માઇલ પ્લીઝ કરતા રહેવા સિવાય છૂટકો
જ નથી.


એન્ડ ટાઇટલ્સ
આદમ : ડાર્લિંગ, તારું સ્માઇલ બહુ જ સરસ છે હોં!
ઈવ: બસ? ખાલી સ્માઇલ જ? તને તો કાંઈ કદર જ નથી મારી! {[email protected]

X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી