અંદાઝે બયાં / સિઝન ઓફ સ્ટેચ્યૂઝ : માણસ નહીં, પૂતળાંઓનો દેશ છે?

article by sanjay chhel

સંજય છેલ

Jan 09, 2019, 06:56 PM IST

ટાઇટલ્સ
માણસની એક્સપાયરી ડેટ એના વિચારો સાથે જોડાયેલી છે. -છેલવાણી


ગ્રીક માઇથોલોજીમાં એક દંતકથા છે કે ‘એથીના’ નામની ગ્રીક દેવીએ એક બીજી દેવી ‘મેડૂસા’ને શાપ આપેલો કે જો કોઈ પણ માણસ મેડૂસાની આંખમાં જોશે તો પથ્થર બની જશે! કારણ કે દેવી એથીનાને મેડૂસાની ઈર્ષ્યા થતી એટલી તે સુંદર હતી! એક કિંવદંતી એમ પણ છે કે, દેવી મેડૂસા એટલી સુંદર હતી કે એને જોનાર વ્યક્તિ જોતાંવેત જ સ્તબ્ધ થઈને પથ્થર બની જતી! પણ મોટા ભાગના માને છે કે દેવી એથીનાએ દેવી મેડૂસાને શાપથી કદરૂપી બનાવેલી. એના વાળમાં સાપોલિયાં વગેરે રમતાં હતાં. એવામાં એથીનાની મદદથી પર્સ્યુઅસ નામના યોદ્ધાએ મેડૂસાને એક ચમકતા આયના જેવી ઢાલ બતાવીને એને પોતાને જ પથ્થર બનાવી દીધી અને પછી એનું માથું કાપીને પર્સ્યુઅસે એના દુશ્મનોને દેખાડીને સૌને પથ્થર બનાવેલા!

આપણાં પૂતળાં તો નહીં બને, પણ આપણે સૌ જીવતાજીવત પથ્થરનાં પૂતળાં બની રહ્યા છીએ. ભ્રષ્ટ લોકશાહીના કોમવાદી નેતાઓએ આપણી મહામૂલી આઝાદીને ‘પથ્થર’ બનાવી દીધી છે

આમ તો આ બધી એબ્સર્ડ કે વિચિત્ર વાર્તાઓ છે, પણ આ બધું એટલે યાદ આવે છે કારણ કે દેશમાં આજકાલ પથ્થરનાં પૂતળાંઓની મોસમ ચાલે છે. સિઝન ઓફ સ્ટેચ્યૂમાં આપણે જીવી રહ્યા છીએ. ગુજરાતમાં સરદારના ભવ્ય પૂતળાના પ્રાગટ્ય પછી હવે મુંબઈમાં અરબી સમુદ્ર વચ્ચે શિવાજીના ઊંચા પૂતળા બનાવવા વિશે સતત વિવાદો ચાલે રાખે છે. વળી, હમણાં બાળ ઠાકરેના પૂતળાની પણ વાત ઊઠી છે. ત્યાં દક્ષિણ ભારતમાં જયલલિતા અને એમ.જી.આર.ના પૂતળા બનાવવાની માગ ઊઠી છે. યુપીમાં સી.સેમ. યોગી આદિત્યનાથ અયોધ્યામાં ઠેરઠેર સ્વયં રામ ભગવાનના પૂતળાની યોજના લાવ્યા છે. ખૂણેખૂણેથી પૂતળાંઓની ડિમાન્ડ વધી રહી છે. દેશમાં બધે પૂતળાંઓની વેલ્યૂ વધી છે, પણ માણસ ત્યાંનો ત્યાં છે.


2012માં ઉત્તર પ્રદેશમાં પથ્થરના પૂતળા અંગે એક અફવા ફેલાયેલી. જી હા, ભારત અફવાપ્રધાન દેશ છે, ખેતીપ્રધાન દેશ નથી, પણ ત્રીજી જાન્યુઆરી 2012એ એક વિચિત્ર અફવા ઉત્તરપ્રદેશમાં ઊઠેલી કે તમે આખી રાત જાગશો નહીં તો પથ્થર બની જશો. લોકો ઠંડીમાં રસ્તા પર ધ્રૂજતા શરીરે આખી રાત રખડતા રહ્યા, પ્રાર્થના કરતા રહ્યા કે ‘હાય હાય, અમે ક્યાંક પથ્થર ન બની જઈએ!’ ફોન પર, એસએમએસ દ્વારા, ઇન્ટરનેટ પર અને લોકલ ટીવી ચેનલો પર પણ આ અફવા આગની જેમ ફેલાઈ અને લોકો તાપણાની આગમાં જાગતા રહ્યા.

‘જાગવું’ એ ભારતીય સંસ્કૃતિમાં વીરતા કે ગુણ ગણાય છે.‘જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ’ વગેરેવાળી આધ્યાત્મિક વાતો આદરપૂર્વક વારંવાર કહેવાય છે. મને તો નવાઈ એ લાગે છે કે ‘તમે પથ્થર થઈ જશો’ એ વાતમાં અફવા શેની? તકવાદી, કોમવાદી, લાંચવાદી, ભ્રષ્ટ સમાજમાં આપણે હજુ વધુ પથ્થર બનવાનું બાકી છે? આપણે સૌ ઓલરેડી પથ્થર થઈ ચૂક્યા છીએ કે થઈ રહ્યા છીએ? જાહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી ચળવળોને સપોર્ટ આપનારા આપણે અંગત રીતે લાંચ આપીએ છીએ ત્યારે પથ્થર જ હોઈએ છીએ ને? આપણાં મંદિરોમાં પથ્થર બની બેઠેલો ઈશ્વર જો જાગૃત થાય, જીવતો થાય તો એને સાચી અફવા કહેવાય, આ માણસ પથ્થર બનશે એમાં શાની અફવા?


ઇન્ટરવલ
યૂં તો પથ્થર કી ભી તકદીર બદલ સકતી હૈ,
શર્ત યે હૈ કિ ઇસે દિલ સે તરાશા જાય!


ઉત્તરપ્રદેશમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીના જીવતાંજીવત સેંકડો પથ્થરનાં પૂતળાં ઓલરેડી ઊભાં છે. ત્યાં નિર્દોષ પક્ષીઓ કન્ફ્યૂઝ થાય છે કે આમાંથી મૂર્તિ કઈ ને નેતા કયા? ત્યાં માણસ વળી પથ્થર બની પણ જાય તો નવાઈ શી? રામાયણમાં સતી અહલ્યાને તેના પતિએ શાપથી પથ્થર બનાવી દીધેલી અને પછી ભગવાન રામના સ્પર્શથી એ ફરી ઇન્સાન બને છે, એવી કોઈક કથા છે. ઇન્ટરેસ્ટિંગ છે. ભગવાન આવા ચમત્કાર કરે,

સ્પેશિયલ ઇફેક્ટનું કામ કરે તો જ આપણને એ ભગવાન લાગે છે, પણ મને પ્રશ્ન એ થાય છે કે જ્યારે સતી અહલ્યાને પથ્થર બનાવી દેવાઈ ત્યારે જ ત્યાં તરત ઈશ્વરે આવીને ‘ઠહરો... ઇનકો સ્ટેચ્યૂ મત બનાઓ’ એમ કેમ ન કહ્યું? અથવા નાનાં બાળકો જે ‘સ્ટેચ્યૂ’ની રમત રમે છે, જેમાં સામેનાને સ્ટેચ્યૂ બનાવે છે, એમ સતી અહલ્યાને શાપ આપનારને ઈશ્વરે એ જ સેકન્ડે ‘સ્ટેચ્યૂ’ કહીને રોક્યો કેમ નહીં? શું આપણી અદાલતોની જેમ ભગવાન પણ થોડું ડિલે કરવામાં માનતા હશે?


આપણો દેશ એમ પણ જીવતાજીવત જીવવામાં નથી માનતો, મર્યા બાદના એપિસોડમાં વધુ રસ હોય છે.

ગુજરાતી કવિ-નાટ્યકાર લાભશંકર ઠાકરનું એક સુંદર એકાંકી નાટક હતું : ‘વૃક્ષ’ ! જેમાં એક માણસ ધીમે ધીમે વૃક્ષ બની જાય છે. અંતે મ્યુનિસિપાલિટીવાળા આવીને એ વૃક્ષને કાપી નાખે છે.

ઘરવાળાઓ રડે છે! પણ માણસ વૃક્ષ બની જાય એ તો હજીય રમણીય કલ્પના છે, પણ આખો સમાજ જ્યારે સ્ક્વેર ફીટના ભાવ, એફ.એસ.આઇ.ની ચોરી કરીને મકાનો ચણવાની ‘રિયલ એસ્ટેટ’ની રિયલ રમતમાં રમમાણ હોય, ત્યારે માણસ ‘પથ્થર’ બની જાય એ વાત અફવા નથી, સત્ય છે કે સત્ય જેવી જ લાગે છે. જ્યાં પચાસ ટકા લોકોને ખાવા ધાન નથી, ત્યાં સ્મારકોના તમાશામાં કરોડો-અરબો-ખર્વો રૂપિયા ‘કન્સ્ટ્રક્શન’માં ઉડાડવામાં આવે છે, ત્યાં માણસ પથ્થર ન બને તો શું આઇસક્રીમ બને?!


જીવનમાં ભયાનક સત્યોનો સામનો આપની બુદ્ધિને પથ્થર બનાવે છે. યારો, એક્ચ્યુઅલી, આપણે સૌ આ ‘પથ્થર’ બનવાની અફવાને હપ્તે હપ્તે જીવી રહ્યા છીએ, યા તો જોઈ રહ્યા છીએ. આપણાં પૂતળાં તો નહીં બને, પણ આપણે સૌ જીવતાજીવત પથ્થરનાં પૂતળાં બની રહ્યા છીએ. ભ્રષ્ટ લોકશાહીના કોમવાદી નેતાઓએ આપણી મહામૂલી આઝાદીને ‘પથ્થર’ બનાવી દીધી છે. ગલગલિયાં કરાવતી, સુંવાળી પેમલા-પેમલીની કવિતાઓએ આપણા સાહિત્યને ‘પથ્થર’ બનાવી દીધું છે. ગાળો અને વિકૃતિને કળા ગણાવીને ફિલ્મકળાને પથ્થર બનાવી દીધી છે. વર્ષોથી બિચ્ચારા વાચકોને સેક્સ અને સસ્તા સેન્સેશનના ચટકા આપતી કોલમોએ અખબારી લખાણને ‘પથ્થર’ બનાવ્યું છે. મોબાઇલના મેસેજો, વ્યર્થ ટુચકા અને ઘટિયા શાયરીએ માણસ-માણસ વચ્ચેના સંવાદને શૂન્ય બનાવીને ‘વાતચીત’ને પથ્થર બનાવી દીધી છે. રોજીરોટી કમાવા પારકી ભાષાને બેફિકરીથી અપનાવીને આપણે આપણી ‘અસ્મિતા’ને ‘પથ્થર’ બનાવી નાખી છે.


આપણે સૌ ફરી ધીરે ધીરે પથ્થર યુગમાં જઈ રહ્યા છીએ કે જીવી રહ્યા છીએ. આ દેશ માણસોનો નહીં, પણ પૂતળાંઓને પૂજતો દેશ છે, કારણ કે આપણી અંદર પણ પથ્થરનું પૂતળું શ્વસે છે. રોજબરોજની લાઇફમાં ઘટતી સંવેદના, વધતી નફ્ફટાઈ, ઉધારની ચતુરાઈ અને પળપળની બેવફાઈથી પોતાની જાત છેતરવાની આપણી નાગી વૃત્તિઓનું શું? વેલ, હું જાતને આ સવાલો આજે પૂછું છું અને આ લખતાં લખતાં ખબર નહીં કેમ મારો હાથ આહિસ્તા આહિસ્તા પથ્થર બની રહ્યો છે અને અટકી રહ્યો છે, કોઈ જવાબ વિના! કદાચ સત્ય નામની ‘મેડૂસા’ દેવીની આંખમાં મેં ભૂલથી જોઈ લીધું છે.


એન્ડ ટાઇટલ્સ
ઈવ : જો હું પથ્થર બની જાઉં તો?
આદમ: તો હું ગાઈશ, ‘પથ્થર કે સનમ હમને તુમકો મહોબ્બત કા ખુદા માના...’

[email protected]

X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી