અંદાઝે બયાં / ગુજરાતી અને મરાઠી મિજાજ: આમ લગોલગ છતાં અલગ અલગ

article by sanjay chell

સંજય છેલ

Jan 16, 2019, 04:32 PM IST

ટાઇટલ્સ


ઓડકાર અને આક્રોશ એકસાથે ન આવે -છેલવાણી
એક જ ઘરમાં એક જ છત નીચે બે-ચાર પેઢીઓ, બે-ચાર સંસ્કૃતિઓ જીવતી હોય છે. બાપના વિચાર અલગ, દીકરાના અલગ. એક જ મકાનમાં બે-ચાર સમાજ જીવતા હોય છે. પંજાબીનો સમાજ અલગ, બિહારીનો અલગ. એક જ દેશમાં દસ-બાર દેશ જીવતા હોય છે. ઉત્તર ભારતનો મિજાજ અલગ અને દક્ષિણ ભારતનો મિજાજ અલગ. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે એક જ સરહદ છે, પણ મિજાજ, મૂડ અને વિચારધારામાં માઇલોનું અંતર છે. વેપાર અને વિરોધ જેટલો ફરક છે. આપણા ડી.એન.એ.માં ડહાપણ છે અને વારમાં વિદ્રોહ જ નથી.

  • નયનતારાનું આમંત્રણ નકારવા બાદ અનેક-એકથી વધુ મરાઠી સાહિત્યકારોએ એ વાતનો વિરોધ કર્યો. અનેક મરાઠી લેખકોએ સંમેલનમાં હાજરી નહીં આપે એવું જાહેર કર્યું

આજે આ એટલા માટે સૂઝે છે કે હમણાં મહારાષ્ટ્રના યવતમાળમાં મરાઠી સાહિત્ય સંમેલન યોજાવાનું છે, જેમાં 91 વરસનાં વિદ્રોહી લેખિકા નયનતારા સહેગલને વક્તા તરીકે બોલાવવામાં આવેલાં અને છેલ્લી ઘડીએ એમનું આમંત્રણ રદ કરવામાં આપ્યું. આયોજકોને લાગ્યું કે તેઓ મોબ લિંચિગ કે સમાજમાં વધતી અસહિષ્ણુતા જેવા તીખા વિષય પર બોલશે અને વિવાદ થશે.

આ નયનતારા સહેગલ, લેખિકા છે, સાંપ્રત ઇતિહાસકાર છે અને સરકારોની વિરુદ્ધ બોલવામાં મશહૂર છે. 2015માં અત્યારની સરકાર વિરુદ્ધ સાહિત્ય અકાદમી એવોર્ડ પાછો આપી ચૂકી છે અને એને કારણે જ દેશમાં બીજા અનેક લેખકોએ પ્રાઇઝ અને પોતપોતાના અકાદમી એવોર્ડ્ઝ પરત કરેલા. એવું નથી કે નયનતારા માત્ર અત્યારની સરકારની વિરુદ્ધ છે.

તે ઇન્દિરા ગાંધી વિરુદ્ધ પણ ખૂબ બોલી ચૂકી છે અને બે પુસ્તકો ઇમરજન્સી અને ઇન્દિરાનાં રાજ વિશે લખી ચૂકી છે. આ નયનતારા નેહરુની બહેન વિજયાલક્ષ્મી પંડિતની દીકરી છે છતાં નેહરુ-ગાંધી પરિવારની કોઈ સાડાબારી નથી રાખતી. આવી નયનતારા સહેગલ જો આજે મરાઠી સાહિત્ય સંમેલનમાં આવે અને કાંઈક સરકાર વિરોધમાં બોલી બેસે તો? આમ વિચારીને આયોજકોએ એમને આવવાની ના પાડી. નયનતારાને બોલાવવા અંગે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ અગાઉ વિરોધ પણ કરેલો એટલે સંમેલનમાં તોડફોડની શક્યતાએ પૂરેપૂરી હતી.


વાત નયનતારાને બોલતા રોકવા પરથી પતી જતી નથી, પણ નયનતારાનું આમંત્રણ નકારવા બાદ અનેક-એકથી વધુ મરાઠી સાહિત્યકારોએ એ વાતનો વિરોધ કર્યો. અનેક મરાઠી લેખકો, બૌદ્ધિકોએ પોતે સંમેલનમાં હાજરી નહીં આપે એવું જાહેર કર્યું. રોજેરોજ સંમેલનનો બહિષ્કાર કરનારાઓનું લિસ્ટ રોજેરોજ વધી જ રહ્યું છે, કારણ કે એ મરાઠી સાહિત્યજગત છે. એ મરાઠી પ્રજા છે! ત્યાં બધા સાહિત્યકારો શાહુકાર, સરકાર કે કથાકાર-કીર્તનકારના ખોળામાં નથી બેસી જતા.


ઇન્ટરવલ


આમ તો આપણે સાવ લગોલગ
આમ તો અલગ અલગ- સુરેશ દલાલ


વિચાર કરી જુઓ કે ગુજરાતી સાહિત્ય સંમેલનમાં જો નયનતારા સહેગલ જેવી લિબરલ અને સરકાર વિરોધી સ્વરવાળી વ્યક્તિને બોલાવીને પછી એનું આમંત્રણ કેન્સલ કરવામાં આવત તો કોઈ સાહિત્યકાર પોતાનો અવાજ ઉઠાવત? જરાયે નહીં! સૌથી પહેલાં તો નયનતારા સહેગલ જેવી તેજતર્રાર અને વિવાદાસ્પદ વ્યક્તિને ગુજરાતીઓ સંમેલનમાં બોલાવત જ નહીં.

જો ભૂલથી બોલાવવાનું વિચારત તો આપણા શાણા-સુંવાળા લેખકો જ અંદરખાને સમિતિને સમજાવી દેત કે આવા પંગા ન લેવાય. કોઈ બાવા બાપુને બોલાવીને ધરમ ધ્યાન પર વક્તવ્ય અપાવો, થેલી ઉઘરાવો, ફંડ ઊભું કરો અને વાત પતાવો. શા માટે નક્કામો વિવાદ ઊભો કરવો? સાહિત્ય સંમેલનમાં સારી સારી ડાહી ડાહી વાતો કરીને પછી રાસગરબા કરીને, બુફે જમીને ઘરે જાવ. ‘સાહિત્યનું કામ સરકારનો વિરોધ કરવાનું થોડું છે?’ આવું જ વિચારીને પછી સમિતિએ ‘સાહિત્ય સંમેલનમાં બુફે ડિનર લંચમાં શું શું હશે?’

એની વિસ્તૃત ચર્ચા કરી હોત. ‘લીલા વટાણાની પેટીસ અને સીતાફળ રબડી’ વિશે સર્વાનુમતે નિર્ણય લેવાયા બાદ મિટિંગ વિખરાઈ હોત. પછી કદાચ સંમેલનના અંતે ડાયરો કે રાસગરબાનું આયોજન પણ થયું હોત, પણ હા, વિદ્રોહ, વિરોધ, વિવાદ જેવું કાંઈ ન થયું હોત.


જેને કારણે મરાઠી સાહિત્ય સંમેલનનો વિવાદ થયો એ નયનતારા સહેગલ, જેને કારણે 2015માં ‘એવોર્ડ વાપસી’ ચળવળ શરૂ થઈ, એવી નક્કામી આઇટમ વિશે ગુજરાતી સાહિત્યકારો શા માટે સમય વેડફે? ‘સરકાર જ માયબાપ છે, સરકાર છે તો સાહિત્ય છે’ એવી દૃષ્ટિએ વિચારનારા ગુજ. લેખકો, મરાઠીઓની જેમ ક્યારેય નયનતારા કે એના જેવાં ભિન્ન મતવાળા લેખક/લેખિકાઓ માટે અવાજ ન ઉઠાવે.

ઊલટાનું એવોર્ડ પરત આપનારા, સરકારની વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓની લેખકો-પત્રકારો જ ગંદી કોમેન્ટો કરશે, વિદ્રોહીઓ પર અંગત આરોપો મૂકશે અને એ વિરોધી સ્વર જ્યાં સુધી મરી નહીં જાય ત્યાં સુધી એનું ગળું દબાવશે!’ લીલા વટાણાની પેટીસ અને સીતાફળ રબડી’ની નમક અદાયગી ક્યારે કામ આવશે?


આજકાલ આપણા ગુજરાતી લેખકો-સાહિત્યકારો સરકાર અને પાર્ટી વચ્ચે ફરક છે એવું ભૂલી ગયા છે. ‘આવતી ચૂંટણીમાં સરકારને વાંધો નહીં આવે’ એવું હમણાં એક તંત્રીલેખમાં અમે વાંચેલું! આપણા વરિષ્ઠ લેખકો-પત્રકારો કે સંપાદકોને કદાચ ખબર નથી અથવા તો ભૂલી ગયા છે કે ‘પાર્ટી’ અને ‘સરકાર’ બે અલગ અલગ વાત છે. કદાચ ખબર છે, પણ ભૂલવાની એક્ટિંગ કરે છે.


મરાઠી ભાષામાં કે સમાજમાં સાવ એવું નથી. શિવસેના જેવી પાર્ટી સામે પણ વિજય તેંડુલકર જેવા લેખકો વારંવાર નડી ગયેલા અને ખરેખરી હિંસાનો પણ સામનો કરેલો. મરાઠી ભાષામાં પુ.લ. દેશપાંડે નામના નાટ્યકાર-સાહિત્યકારે ઇન્દિરા ગાંધી વિરુદ્ધ ઇમર્જન્સીમાં ગામેગામ ચળવળ કરેલી. એ જ પુ.લ. દેશપાંડેએ બાળઠાકરે વિરુદ્ધ પણ અનેક સ્ટેટમેન્ટ આપેલાં. પછી બાળઠાકરેએ જ્યારે પુ.લ. દેશપાંડે માટે જેમતેમ વિધાનો આપ્યાં ત્યારે એના વિરોધમાં મહારાષ્ટ્રના હજારો સરકારી ઓફિસરોએ એકીસાથે સામૂહિક રાજીનામાં આપી દીધેલાં! ગુજરાતમાં કોઈ સાહિત્યકારના સમર્થનમાં હજારો સરકારી ઓફિસરો રાજીનામાં આપે એ શક્ય છે? ના! ગુજરાતમાં તો લેખકો પણ બીજા વિદ્રોહી લેખકોના સમર્થનમાં આગળ નહીં આવે.


ખરેખર તો ગુજરાતી સમાજ, સાહિત્યકારો સુખાળવા લોકો છે. વિરોધ કરવાનું, પ્રતિવાદ કરવાનું સૌ ભૂલી જ ગયા છે. ‘આ બધામાં આપણા કેટલા ટકા?’ વિચારીને સૌ ખુશ છે. ગુજરાતી સાહિત્ય સંમલેનમાં નયનતારા સહેગલ જેવી વિવાદાસ્પદ લેખિકાને ક્યારેય બોલાવવામાં આવત જ નહીં. મરાઠી અને ગુજરાતી સાહિત્યજગતની તુલના કરવી જ અશક્ય છે. જેવો સમાજ તેવું સાહિત્ય. આપણા માટે રાસગરબા, ડાયરા અને લીલા વટાણાની પેટીસ અને સીતાફળ બાસુંદી જ ઠીક છે. આ તો જસ્ટ વાત થાય છે.


એન્ડ ટાઇટલ્સ
ઈવ : દરિયામાં હોય એને મોતી કહેવાય, આંખોમાં હોય એને શું?
આદમ : મોતિયો!

[email protected]

X
article by sanjay chell

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી