શબ્દોમાં મર્યાદાપાલનનું મહત્ત્વ

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 12, 2018, 03:10 PM IST

નાના હૃદય અને લાંબી જીભવાળી વ્યક્તિઓ ચારે તરફ ફેલાઈ ચૂકી છે. ખાસ કરીને રાજકારણમાં નેતાઓને જોઈને તો લોકોને એવું જ લાગે કે તેમની જીભ એટલી લાંબી હોવા છતાં પણ આડેઅવળે ભટકી જાય છે, ગમે ત્યારે લપસી જાય છે. સારા, શિષ્ટ અને ગરિમામય શબ્દો સાંભળવા માટે માણસોના કાન તરસી ગયા છે. કદાચ ઉપરવાળાઅે પણ આવા સારા શબ્દો અમુક જીભ પર મૂકવાનું જ બંધ કરી દીધું લાગે છે. જેમને લોકોની સામે રજૂ કરવા જોઈએ.

બીજી તરફ, હવે તો થોડા સમયમાં ચૂંટણીઓ પણ આવવાની છે. એટલે તેમાં તો લગભગ બધા જ રાજકારણીઓ ગાળો જેવા લાગતા આડાઅવળા શબ્દો બોલવાના પ્રયત્નો કરતા રહેવાના અને એ શબ્દોને એવી રીતે જમાવી દેશે કે ભલે આવા શબ્દો ખરાબ ન હોય, તોપણ લાગશે તો ગાળો જેવા જ. શબ્દોની બાબતમાં મર્યાદાને તો જાણે ઘોળીને પી જ ગયા છે. ટોચ પર બેઠેલા લોકો પણ શબ્દોનો દુરુપયોગ કરી રહ્યા છે.

આજે દરેક રાજકીય પક્ષમાં અમુક વક્તાઓ એવા છે, જેઓ ધડ-માથા વિનાની વાતો કરી રહ્યા છે અને તેમને રોકનાર કે અટકાવનાર કોઈ નથી. એવું પણ નથી કે તેમની ટોચની નેતાગીરીને આ બાબતનો ખ્યાલ નથી હોતો. તેઓ જાણીજોઈને અમુક એવા લોકોને છૂટા મૂકી દેતા હોય છે, જેઓ સમાજમાં પોતાના વાણીવિલાસમાં માટે જાણીતા થઈ જાય, અપ્રિય અને અશ્લીલ આરોપો પણ ચિંતનના સ્વરૂપમાં રજૂ કરી દેવામાં આવે છે.

આ પ્રયોગ સૌથી પહેલા રાવણે કર્યો હતો. શૂર્પણખાને દંડકારણ્યમાં એટલા માટે જ મોકલવામાં આવી હતી કે તે સૌંદર્યનું મહોરું પહેરીને અસત્ય, અશ્લીલતાને રજૂ કરે. જ્યારે જનતા થોડી વિવશ છે કે તેણે આવા શૂર્પણખા જેવા લોકોને સાંભળવા પડે છે, પણ જે દિવસે તેમની અંદરના રામ-લક્ષ્મણ જાગી ગયા, તે દિવસે આ લોકોનું નાક કાપી નાખશે એ ચોક્કસ છે. એ દિવસે તેને કોઈ રોકી નહીં શકે.

feedback : [email protected]

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી