રામાયણ કથા / અતીતને ભુલાવી દો, વર્તમાન પર ટકી જાવ

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Mar 07, 2019, 03:11 PM IST

પોતાની કુટિલ ચાલમાં સફળ થઇને રાવણ વાયુમાર્ગે સીતાજીને લંકા તરફ લઇ ગયો. વિલાપ કરતા સીતાજી રાવણથી પોતાને મુક્ત કરાવવા માટે ખૂબ પ્રયત્નો કરે છે પરંતુ તેમાં તેમને નિરાશ સાંપડે છે. રસ્તામાં ગીધરાજ જટાયુ સીતાજીને છોડાવવા માટે રાવણ સામે લડે છે. રાક્ષસવૃત્તિ જ્યારે જાગે છે ત્યારે આંખ પર પડદો પડી જાય છે. જટાયુની પાંખો કાપીને રાવણ તેને ઘાયલ કરે છે. તેને તરફડિયાં મારતો છોડીને રાવણ આગળ નીકળી ગયો. પીડાથી કણસતો જટાયુ જમીન પર પડ્યો. વિમાન આગળ વધ્યું ત્યારે સીતાએ જોયું, એક પર્વત પર કેટલાક વાનરો બેઠા હતા. વિલાપ કરતા સીતાજીએ પોતાનાં કેટલાંક વસ્ત્રો અને આભૂષણો ત્યાં ફેંકી દીધા.

  • ઘાયલ થયેલો ગીધરાજ જટાયુ ઇશારાથી ભગવાન શ્રીરામને અને ભાઇ લક્ષ્મણને જણાવે છે કે રાવણ વિમાનમાં સીતાને લંકા તરફ લઇ ગયો છે

આ બાજુ બંને ભાઇઓ સીતાજીની શોધમાં આગળ વધતા માર્ગમાં જે કોઇ મળે તેને પૂછતાં કે તમે ક્યાંય સીતાને જોયા છે? અહીં ભગવાનનું રૂદન આપણને શીખવે છે કે કોઇના વિરહમાં કરાયેલું રૂદન હોય તો તેમા કશું ખોટું નથી. પરમાત્મા માટે આંસુ વહાવ્યાં હોય તો તેમાં વાંધો નથી. ઘાયલ થયેલો જટાયુ ઇશારાથી જણાવે છે કે રાવણ વિમાનમાં સીતાને લંકા તરફ લઇ ગયો છે. જટાયુને મોક્ષ આપીને ભગવાન સ્વયં તેનો અગ્નિદાહ આપીને પ્રણામ કરતા આગળ વધે છે.
સીતાના વિરહમાં વ્યાકુળ શ્રીરામ અને ભાઇ લક્ષ્મણ તેની ભાળ મેળવવા માટે આગળ વધતાં શબરીની કુટિરે જઇ પહોંચ્યા. શબરી, રામભક્તિમાં ડૂબેલી ભીલડી હતી. તે રામના દર્શનની પ્રતીક્ષા કરતી હતી. પ્રભુ શ્રીરામને પધારેલા જોઇને સાનભાન ગુમાવી બેઠી. વર્ષોની તપસ્યાને ફળતી જોઇને તે બહાવરી બની ગઇ. મારા રામ... રામ... કહેતાં ચરણોમાં ઝૂકી ગઇ. એંઠા કરેલા મીઠા બોર ભગવાન રામને ખવડાવવા લાગી. શ્રીરામ જોતા હતા કે શબરી તેમને એંઠા બોર ખવડાવે છે તેમ છતાં તેઓ ખૂબ ભાવથી આરોગતા હતા કેમ કે તેમાં એક ભક્તની ભક્તિ, તેનો પ્રભુપ્રેમ સમાયેલો હતો. અહીં ભગવાન નારીનું સ્વમાન વધારતા કહે છે કે સ્ત્રીને પણ પરમાત્માને પામવાનો અધિકાર છે. સ્ત્રી હોય કે પુરુષ, એક ભક્ત સ્વરૂપે બંને મને એકસરખી રીતે માન્ય છે.
શબરી પર કૃપા વરસાવીને શ્રીરામ અને લક્ષ્મણ આગળ વધે છે અને અહીં રામચરિત માનસનો ત્રીજો કાંડ એટલે કે અરણ્ય કાંડ પૂરો થાય છે. સંતુલનનો સંદેશો આપતા રામજી કહે છે, જીવન અતિનું નહીં પણ સંતુલનનું નામ છે. સંતુલનનો અર્થ છે ભૂતકાળની વિસ્મૃતિ. સ્મૃતિનો બોજ મનુષ્યને ભારે બનાવી દે છે. માટે જે વીતી ગયું છે તેને ભૂલીને વર્તમાન પર ધ્યાન આપો અને ભવિષ્ય માટે યોજનાઓ બનાવો. આ જ અરણ્ય કાંડની કથાનો સાર છે.
સાર: જીવન અતિનું નહીં પણ સંતુલનનું નામ છે. સંતુલનનો અર્થ છે ભૂતકાળની વિસ્મૃતિ. જે વીતી ગયું છે તેને ભૂલીને વર્તમાન પર ધ્યાન આપો અને ભવિષ્ય માટે યોજનાઓ બનાવો.

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી