રામાયણ કથા / માત્ર વેશ ધારણ કરી લેવાથી ચરિત્રમાં સાધુતા નથી આવતી

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Mar 06, 2019, 12:09 PM IST

રાવણનો ઇરાદો સારો નહોતો જ. સાધુનો વેશ ધારણ કરીને તે ઊભો ઊભો બધું જોઈ રહ્યો હતો. સીતાજીએ લક્ષ્મણને ભાઈની મદદ કરવા માટેનો અતિશય આગ્રહ કર્યો. જેવા લક્ષ્મણ ગયા કે તરત જ રાવણ ભિક્ષાં દેહિ કહેતો કુટિર પાસે જઈને ઊભો રહ્યો. સીતાજીએ દ્વાર પર સાધુ મહારાજને આવેલા જોઈને પ્રણામ કર્યાં અને બોલ્યા, ‘મહારાજ, તમે ભિક્ષા લેવા માટે અંદર આવી જાવ અથવા તો હું તમને અહીંથી જ ભિક્ષા આપીશ. એનો તમે સ્વીકાર કરજો...’

  • સાધુના વેશમાં આવેલાે રાવણ બોલ્યો, ‘દેવી, હું અંદર તો નહીં આવી શકું. જો તમારે મને ભિક્ષા આપવી હોય તો તમારે આ રેખાની બહાર આવવું પડશે

માત્ર વેશ ધારણ કરી લેવાથી ચરિત્રમાં સાધુતા નથી આવી જતી. રાવણે આગળ વધવા માટે પગ ઉપાડ્યો કે તરત જ અગ્નિ પ્રજ્વલિત થયો. રાવણ સમજી ગયો કે લક્ષ્મણરેખાને પાર કરવામાં જોખમ છે. તે બોલ્યો, ‘દેવી, હું અંદર તો નહીં આવી શકું. જો તમારે મને ભિક્ષા આપવી હોય તો તમારે આ રેખાની બહાર આવવું પડશે. સીતાજી સંમોહિત થઈ ગયાં હતાં. સાધુના વેશને આદર આપી રહ્યાં હતાં. તેથી લક્ષ્મણે દોરેલી રેખાને વળોટીને બહાર આવ્યાં. અહીં સીતાજીથી થાપ ખાઈ ગયાં અને રાવણે ઘડેલું કાવતરું પાર પડ્યું. આ સાથે સીતાનું અપહરણ કરવામાં આવ્યું. પંચવટીમાં ખળભળાટ મચી ગયો. ‘શક્તિ’નું અપહરણ કરીને રાવણ લંકા તરફ રવાના થયો. લક્ષ્મણે જે રેખા દોરી હતી તે વૈરાગ્યની રેખા હતા. આપણા જીવનમાં પણ ભગવાન આવી રેખા દોરે છે, તેને પાર કરવામાં જોખમ રહેલું છે. એટલા માટે જીવનમાં વૈરાગ્યની, તપની અને શિસ્તની એક લક્ષ્મણરેખા દોરવી જોઈએ.

રાવણ સીતાજીને સાથે લઈને લંકા તરફ ગયો. સીતાજી મદદ માટે પોકારતાં રહ્યાં.
આ બાજુ લક્ષ્મણને જોઈને ભગવાન શ્રીરામ ચોંકી ઊઠ્યા. તેઓ નવાઈ પામતા પૂછવા લાગ્યા, ‘ લક્ષ્મણ, મેં તને સીતાની સલામતી માટે ત્યાં હાજર રહેવા માટે કહ્યું હતું. તો પછી તેને છોડીને તું કેમ અહીં આવી ગયો?’ ભાઈ શ્રીરામને વિગતવાર વાત કરતા લક્ષ્મણજી કહે છે, ‘સીતામાતાના અતિશય આગ્રહને કારણે અહીં આવવા સિવાય કોઈ છૂટકો ન હતો.’
શ્રીરામ તો અંતર્યામી હતા. આંખના પલકારામાં તેમને બધું સમજાઈ ગયું. જ્યારે બંને ભાઈઓ આશ્રમે પહોંચ્યા ત્યારે ત્યાં બધું વેરાન થઈ ગયું હતું. સીતામાતા આશ્રમમાં નહોતાં. પક્ષીઓનો કલરવ રુદનમાં ફેરવાઈ ગયો હતો. વૃક્ષો મૌન થઈ ગયાં હતાં, વેલાઓ ઉદાસ થઈ ગયા હતા. આશ્રમનો ખૂણેખૂણો શ્રીરામને પૂછી રહ્યો હતો, ‘ આ દિવસ જોવા માટે સીતાને સાથે લઈ આવ્યા હતા કે શું?
સાર: સીતાનંુ હરણ થતાં અરણ્યનું આખું દૃશ્ય બદલાઇ ગયું. પક્ષીઓનો કલરવ રુદનમાં ફેરવાઈ ગયો હતો. વૃક્ષો મૌન થઈ ગયાં હતાં, વેલાઓ ઉદાસ થઈ ગયા હતા.

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી