રામાયણ કથા / સુવર્ણમૃગની પાછળ રામ દોડ્યા

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Feb 07, 2019, 11:42 AM IST

કપટમૃગ કૂદકા મારતું સીતાજીની સાથે બેઠેલા રામની સામે પહોંચી ગયું. એને જોઈને સીતાજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, ‘આટલંુ સુંદર હરણ!’

રાવણની કુટિલ યોજના સાંભળ્યા પછી મારીચે કહ્યું, ‘ મહારાજ, તમે આ કેવી વાત કરી રહ્યા છો? તમને ખબર છે ખરી કે રામ અને લક્ષ્મણ કોણ છે? એમને હું જાણું છું. મેં એમને જોયા છે અને એમનો પ્રતાપ કેવો છે એનો પણ મને ખ્યાલ છે. જે વખતે તાડકા સાથે યુદ્ધ ચાલતું હતું ત્યારે હું ત્યાં હાજર હતો. મને આજેય એ બરાબર યાદ છે. તેમણે એવું બાણ માર્યું હતું કે ત્યારથી લઈને અત્યાર સુધી હું અહીં પડ્યો પડ્યો પરિણામ ભોગવી રહ્યો છું. એટલા માટે કહું છું તેમનાથી તમારે થોડું સાચવવા જેવું છે. જરાક તો વિચાર કરો કે તમે કોની સામે લડવા માટે જવાના છો.’
મારીચે રાવણને ખૂબ સમજાવવાની કોશિશ કરી, પરંતુ રાવણના મગજ પર તો ભૂત સવાર થયું હતું. તેણે કહ્યું, ‘મામા, મને તમારી પાસેથી જ્ઞાન નથી જોઈતું. માટે એમાં સમય બરબાદ ન કરો. હું જેમ કહું છંુ તેમ તમે કરો. જો તમે આવું નહીં કરો તો આપણા બધા સંબંધો બાજુ પર મૂકી દઈને તમારું માથું વાઢી લઈશ.’
હવે મારીચ ધર્મસંકટમાં મુકાઈ ગયો. તે ઊંડા વિચારમાં ખોવાઈ ગયો, ‘જો હું રાવણનંુ કહ્યું નહીં કરું તો પણ મારે મરવાનો જ વારો આવવાનો છે અને જો એનું કહ્યું માની લઉં તો પણ મારું મોત રામના હાથે થવાનું છે. મારે મરવાનું છે એ તો નક્કી છે તો પછી જે શ્રેષ્ઠ છે તેની પસંદગી કેમ ન કરવી? સમર્થ સ્વામી શ્રી રામના હાથે જ હું મૃત્યુને વરવાનું પસંદ કરીશ. ભગવાન શ્રીરામ મારી પાછળ દોડશે. હું તેમના બાણથી વીંધાઈ જઈશ. આનાથી વધારે સારું મોત બીજું શું હોઈ શકે?
‘મમ પાછેં ધર ધાવત ધરેં સરાસન બાન,
ફિરિ ફિરિ પ્રભુહિ બિલોકિહઉં
ધન્ય ન મો સમ આન.’
આવું વિચારતા કપટમૃગ ચાલ્યું અને કૂદકા મારતું સીતાજીની સાથે બેઠેલા ભગવાન રામની સામે પહોંચી ગયું. સીતાજી એને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયાં. તેમનાં મુખમાંથી શબ્દો સરી પડ્યા, ‘આટલંુ સુંદર હરણ!’ તેમણે ભગવાન શ્રીરામને કહ્યું, ‘ નાથ, અયોધ્યાથી અહીં આવ્યાને બહુ દિવસો થઈ ગયા. હજુ સુધી મેં કંઈ તમારી પાસે માગ્યું નથી.’ આ સાંભળીને રામચંદ્ર બોલ્યા, ‘તમારી વાત તો સાચી છે. કહો, તમને શું જોઈએ છે?’ સીતાજીએ કહ્યું, ‘મેં હરણ તો ઘણાં જોયાં છે, પરંતુ આવું અદ્્ભુત હરણ કદી જોયું નથી. કૃપા કરીને કોઈ પણ ભોગે મને આ હરણ લાવી આપો.’ ભગવાન રામે કહ્યું, ‘સીતે, તમે આજે આવી માગણી કેમ કરી રહ્યાં છો?’
સીતાજી બોલ્યાં, ‘બસ, એક વાર તમે આ મૃગ મને લાવી આપો. ત્યાર પછી આ તમારી પાસે બીજું કંઈ હું નહીં માગું.’સીતાજીની જીદને ધ્યાનમાં રાખીને ભગવાન રામે તીર-કમાન ઉઠાવ્યાં અને બોલ્યા, ‘જુઓ દેવી, આ દંડકારણ્ય છે. અહીં આપણે વધારે સાવચેત રહેવું પડે.’ ભાઈને પણ ચેતવતાં કહ્યું, ‘લક્ષ્મણ, તારે સીતાભાભીનું રક્ષણ કરવાનું છે. તેનું ધ્યાન રાખજે. હું થોડી વારમાં પાછો આવું છું.’ આમ કહીને તે સુવર્ણમૃગની પાછળ દોડ્યા.
સાર: મારીચે રાવણને ખૂબ સમજાવવાની કોશિશ કરી, પરંતુ રાવણના મગજ પર તો ભૂત સવાર થયું હતું. તેણે કહ્યું, ‘મામા, હું જેમ કહું છંુ તેમ તમે કરો. જો તમે આવું નહીં કરો તો હું તમારું માથું વાઢી લઈશ.’

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી